
- સ્પેક્ટ્રોમીટર
- હોલીવૂડમાં પડેલા સુપુષ્ટ દેહના દુકાળમાં કાલિદાસની નાયિકા જેવું હર્યુંભર્યું ફિગર લઈને આવેલી અપ્સરાના સ્નાનનો સાબુ રાતોરાત બ્રાન્ડ કેવી રીતે બની ગયો?
કંચુકીબંધ છૂટયા ને હટયું જ્યાં
હીર-ગુંઠન
હૈયાનાં લોચનો જેવાં દીઠાં
બે તાહરાં સ્તન.
વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત
થઈ જ્યાં રહી,
પ્રીતના પક્ષીનો માળો
રાતી નીલી નસો મહીં.
અગમ્ય રૂપનાં કિન્તુ ત્વચા તો પારદર્શક,
મનનાં લોહને મારાં ચુંબક જેમ કર્ષક.
દીસંત આમ તો જાણે ઘાટીલી
નાની ગાગર,
જાણું છું ત્યાં જ છૂપા છે શક્તિના
સાત સાગર !
મન્મથ-મેઘ ઘેરાતા કાયાના
વ્યોમમાં લસે,
તારા ત્યાં સ્તનના જાણે મોરલા
ગ્હેકી ઊઠશે !
દીઠું મેં એવું એવું કૈં ભાવિ ને
ગત કાલની
વસંતો ઊમઓ વેરે સાંપ્રતે હ્યાં જ વ્હાલની
કંચુકીબંધ છૂટયા ને
રહસ્યબંધને બાંધ્યો....
પ્રિયકાન્ત મણિયાર કોઈ ટિકટોક પર ટકટક કરીને પછી રીલમાં રખડપટ્ટી કરનારા અને ફેસબુક પર ફેંકાફેંકી કરીને ટ્વીટર પર ટિટિયારો કરનારા લંપટલુખ્ખેશ નહોતા ! ગંદીગોબરી પોર્નસાઇટમાં પડયાપાથર્યા રહેનારા કામુકોને ઠામુકું કળાસાહિત્યનું સર્જન સમજાય નહિ, અને મોરાલિટીની મોરલી વગાડી સેન્સરશિપનું કેન્સર ફેલાવતા કરચલા જેવા રૂઢિચુસ્તોને તો આવું કશું સમજ્યા વિના જ ભડકી જવું હોય છે. સર્જકતામાંથી સૌંદર્ય કાઢી નાખો, રચનામાંથી રસ કાઢી નાખો, કળામાંથી કમનીય કાયા અને સાહિત્યમાંથી સમાગમશૃંગાર કાઢી નાખો તો લીલા પાંદડા વિનાનું વન રહે, વાદળો વિનાનું ચોમાસું રહે, ટહૂકા વિનાના પંખીઓ રહે, રંગો વિનાના પુષ્પો રહે, કિરણો વિનાનો સૂર્ય રહે, બરફ વિનાનો હિમાલય રહે, તારા વિનાની રાત્રિ રહે ! પતંગિયાની રંગીન પાંખો જ કાઢી નાખો તો ઈયળો વધે બગીચામાં !
તો, આ કવિતા ગુજરાતીના પ્રતિષ્ઠિત કવિઓમાંના એક ગણાતા કવિની સમર્થ સારસ્વતોએ વખાણેલી કૃતિ છે. પણ વાચન વગરની આખી એક ગડબા ગોધાઓ અને ભૂંડી ભેંસોની જનરેશન આવી ગઈ છે, કીપેડના જોરે કકળાટના ઠૂઠવા મુકનારી જેમને તો 'સ્તન' શબ્દ વંચાય એમાં જ વાંધાના વિકારો ઘૂટવા લાગે છે ! એ હજ્જડબમ ગળફાગળફીઓ તો ક્વોટ, પોએમ, ફોટાથી પણ ભડકીને ભસાભસ કરવા લાગે છે હવસ ને વાસના તે એવા સર્ટિફિકેટ ઘરઘરાઉ પીયુસીની જેમ ફાડીને એમનું એ પ્રદૂષણ છે કે કશી સુંદરતાની, કામેચ્છાની, શૃંગાર કે શણગારની વાત પણ કરવી એ અપરાધ છે. ઠીકરાંઠોબારાઓ ઠેકેદારો બને ત્યારે ઠોઠિયાઠળિયાઓની વસતિ જ વધતી જવાની !
પણ એટલે જ પરાક્રમ ગણો કે કર્તવ્ય, સૌંદર્યનું ગીત ગાવું એ પણ સમાજસેવા છે. આમ ભલે અઘરી લાગતી કવિતાઓ સમજાવવી પડતી હોય, આ થોડી હવેની પેઢી માટે મુશ્કેલ ગુજરાતી હોવા છતાં ખાસ સમજાવવી પડે એમ નથી. કારણ કે, રસ જગાડે એવી છે. આપણી ભાષામાં કેવા પ્રતાપી પૂર્વજો હતા એનું ઉન્માદક ઉદાહરણ છે આ ! કંચૂકી એટલે જ ચોળી/બ્લાઉઝ અહીં ચેનચાળાની સસ્તી ઈશારાબાજી નથી. શબ્દશઃ ખુલ્લી વાત છે. ધડકતા હાંફતા પયોધરો પર દેખાતી ઉપસતી લીલી નસો અને ગુલાબી રતાશનો આંખે દેખ્યો અહેવાલ છે. પણ કળાનો સ્પર્શ એ છે કે છાતી પર ઉગેલા બે ઘટાદાર વર્તુળોને હૈયાના લોચન યાને આયઝ ઓફ હાર્ટ કહ્યા છે ! (જે નોર્મલ હેલ્ધી પુરૂષની આંખોને ત્યાં ટકાવી રાખે છે !) એની મેગ્નેટિક રીતે ચુંબકીય ને ''ચુંબનીય'' આકર્ષણ ધરાવતી અસરથી કવિ સુપેરે-પરીચિત છે. એટલે એ ગાગરોમાં ભલભલાને શરણે લઈ આવતી શક્તિને સમજે છે. મન્મથ યાને કામદેવના ઉત્તેજક આવેગોનો વરસાદ વરસવા લાગે અને જીવન વસંતની મહેક પ્રસરાવે!
સ્તન કોઈ પ્રતિબંધિત શબ્દ નથી સાહિત્યમાં કે ખાલી બ્રેસ્ટ કેન્સરની મેનોગ્રાફી પુરતો જ વપરાય! રમેશ પારેખ જેવા બળુકા સર્જકના વાર્તાસંગ્રહનું નામ 'સ્તનપૂર્વક' હતું. અરે ૧૮૬૯માં એટલે દોઢસોથી વધુ વર્ષ પહેલા ગાંધીજીની હારોહાર જન્મેલા દેખાવે અને લખાણે પણ વજનદાર એવા સજ્જ સર્જક બળવંતરાય ક. ઠાકોર (બ.ક.ઠા.)એ પણ એમના તરૂણ વયના ઉમાશંકર જોશી જેનાથી પ્રેરાયેલા એ વિખ્યાત સોનેટમાં ''ઉંચાનીચાં સ્તનધડક શાં હાલતા સુપ્ત વારિ, તેમાં મેળે તલ સમ ઉપડે નાવ મ્હારી'' એવી પંક્તિ લખી છે. કાલિદાસે પૃથ્વીના સ્તન પર્વતોને કહ્યાં તો અહીં રિવરરાફટિંગ માટે આદર્શ એવા ઉંચાનીચા મોજાંઓ લહેરાવતા પાણીને ધડકન તેજ થાય ત્યારે શ્વાસથી લયબદ્ધ થિરકતા ઉરોજો સાથે સરખાવીને કમાલ ઉપમા આપી છે. સિંતાશુ મહેતાએ આમ જ ત્રોફાની ઉપમા લખેલી ! પણ આ બધું જે વાંચતા હોય એને માટે છે. ઢોરની જેમ કાગળ ચાવી ખાય એને શું ખબર પડે કે ફરક પડે?
પણ આમ જ શું પરદેશ બેઠાં પ્રિયકાન્ત મણિયાર યાદ આવી ગયા? એનું કારણ છે સુપુષ્ટ વળાંકોથી કાયામાં આગળપાછળ વમળવર્તુળો સાચવીને બેઠેલી અને ઝપાટાબંધ મેરેલીન મનરો જેવા સ્ટારડમના પગથિયા ચડી રહેલી અમેરિકન હીરોઈન સિડની સ્વીની!
આપણે ત્યાં રાઈટ વિંગ ગણાતા ઓર્થોડોકસ ડોસાડગરાં માનસિકતાના દમનદૂતોનો ત્રાસ વધ્યો એમાં ઝીરો ફિગરના સાંઠીકડાઓ દાતણની ચીરીઓને બદલે સીધા ફિલ્મી પડદે પ્રગટવા લાગ્યા, એનાથી તદ્દન ઉલટાં કારણોસર વેસ્ટર્નવર્લ્ડમાં કેન્ડી ચૂસી લીધા પછી વધતી ચપતરી જેવી દુષ્કાળગ્રસ્ત કન્યાઓ વધી લેફટવિંગર વોકવાયડાઓને લીધે ! એલજીબીટીક્યૂ ને જેન્ડરન્યુટ્રાલિટી ને બોડીશેમિંગને એવા ફાલતુ ફિતૂરોના અતિરેકમાં પશ્ચિમી ફિલ્મોમાંથી યુરોપના અમુક દેશોને બાદ કરતાં 'ઉમ્ફ' ફેક્ટર જ ઉહલાલા કરાવે એ જતું રહ્યું ! હજુ હોલીવૂડની ૧૯૭૦/૮૦/૯૦ ના દાયકાની ફિલ્મો
જુઓ તો કોસ્મેટિક સર્જરી વિના પણ માદક દેહ ધરાવતી રમણીઓ મોહી લે! પણ પછી ભાગ્યે જ નેચરલ બોડીના જોરે બાંધી રાખતી પરીઓ જોવા મળે છે!
એમાં પહેલા સિરિયલોમાં છવાઈને પછી ફિલ્મ પડદે નાનામોટા રોલથી સિડની સ્વીનીની એન્ટ્રી થઈ તો જાણે રણમાં ગુલાબનો આખો બગીચો ખીલ્યો! અચાનક હાડપિંજરો જોઈને થાકેલીકંટાળેલી આંખો પર કોઈએ ગાર્ડન ઓફ ઈડનમાંથી ઈવે ભરેલા પાણીની છાલક મારી ! જાણે વર્ષોના દુકાળ બાદ આંબાવાડિયે લૂમેઝૂમે કેરીઓ પાક્યાની મીઠી સુગંધ આવી ! બોડી પોઝિટિવિટી ને ડાઈવર્સિટીના નામે હોલીવુડમાં એવી તો લાલિયાવાડી ચાલેલી કે ગમે ત્યારે જાણીતા કેરકેટર્સને બ્લેક બનાવી દેવાય કે હેંગર પર લટકતા ચીંથરા જેવી અર્ધનારીઓને સ્ટાર બનાવી દેવાય!
આપણે ત્યાં પહેલેથી જ સાઉથ આ મામલે બિલકુલ અનએપોલોજેટિક રહ્યું છે. અમલા પોલથી રશ્મિકા મંદાના સુધી, ખુશ્બુથી આસીન સુધી. તમન્નાથી નયનતારા સુધી. તો લોકોને એ જોવું ગમે જ છે. અમેરિકામાં તો સિડની સ્વીની માટે લખાયેલા એક લેખમાં નેશનલ પોસ્ટે એવું લખ્યું કે ''લોકોને કળાનું આકર્ષણ જ નેચરલ બ્યુટી જોવાની ઝંખનાને લીધે છે. પણ છેલ્લા થોડા સમયથી તો રીતસર ભૂખમરા જેવી કંગાળ હાલત આ મામલે હતી.'' ચબી ચિક કહેવાય એવી પ્લસ સાઇઝ પ્રમદાઓને જ મેરિટમાંથી બીજા ક્વોટા ભરવા બહાર ફેંકી દેવાયેલી. જાણે નારીના શરીર પર પ્રકૃતિએ આપેલા વળાંકોનું અસ્તિત્વ જ અપરાધ હોય એવો માહોલ હતો ! અને આ ભેંકાર દરિદ્રતાને ટાળવા જાણે એક અપ્સરા સ્વર્ગેથી અવતરી હોય એમ સિડની સ્વીનીની એન્ટ્રી થઈ ! વર્ષો પહેલા મનીષા કોઈરાલાના એક લેખમાં જે વર્ડ કોઈન કરેલો સંસ્કૃતના પ્રેમમાં એને ચોટડૂક રીતે સાર્થક કરતી સ્તનસ્વીની !
ના, ગલગલિયા કરાવવા નથી લખ્યું. સિડની સ્વીનીની આ જ બ્રાન્ડ છે. માસૂમ ચહેરો અને વક્ષ તથા નિતંબોના ઘાટીલા ઢોળાવો, ઉપરાંત ઘણી સારી અભિનયક્ષમતા. મૂળ તો ૨૦૨૩માં શેક્સપિયરના હળવાફૂલ નાટકમાં 'મચ અ ડુ એબાઉટ નથિંગ' પર આધારિત 'એનીવન બટ યુ' નામની રોમકોમ આવી એમાં પ્રેક્ષકોના રોમરોમ સિડની સ્વીનાના બિકિની બોડીને જોઇને પુલકિત થઇ ગયા! પછી ઉપરાછાપરી ધ્યાનાકર્ષક ફિલ્મો (વોયર્સથી ઇમેક્યુલેટ) આવતી ગઈ. ૨૭ વર્ષની એ મોહિનીે પોતાની પાંચ ફિટ ત્રણ ઇંચની ઉંચાઈ ધરાવતી સિડનીના ઇન્સ્ટાગ્રામ પર જ અઢી કરોડથી વધુ ફોલોઅર્સ છે ! આ બિન્દાસ બેબી કેટલીયે કોસ્મેટિક બ્રાન્ડસના ટોપ લિસ્ટમાં છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એની જાહેરાતોના મસમોટા પોસ્ટર્સ જોવા માટે!
જમાનો એવો જામ્યો છે સિડનીનો કે ફિલ્મી ગોસિપ મેગેઝીનો કે સનસનાટીની ચોપાનિયાં નહિ પણ બ્રિટનના ઓક્ટેટર, ઇકોનોમિસ્ટર, ન્યુયોર્ક પોસ્ટ, વોગ જેવા બ્રાન્ડેડ ને ગેરફિલ્મી કે થોડા સિરિયસ ગણાતા મેગેઝીન્સમાં એના પર કવર સ્ટોરીઝ આવી ગઈ ! કેટ લોઇડ નામની એક કટારલેખિકાએ પોતે સુખેથી પરણીત મહિલા હોવા છતાં સિડનીની બ્રાની કપસાઇઝથી શરૂ કરીને પયોધરોને 'જોલીએસ્ટ' કહીને આખો લેખ લખી નાખ્યો, જેમાં કારમેન ઇલેક્ટ્રા કે ડેનિસ રિચાર્ડસ જેવાના વીતી ગયેલા સુવર્ણયુગ સાથે વર્તમાન કથીરયુગની ઉઘાડેછોગ સરખામણી કરી ! વાત તો સાચી છે. એલેકઝાન્ડ્રા ડેડારિયોથી એલિસા મિલાનો સુધીની જે સુંદરીઓ જોયેલી, એમાં અછતની જેમ મંદી આવી ગઈ છે. કન્ફ્યુઝડ જેનઝી ભલે ના જુએ, હજુ કુદરતે કરોડો નોર્મલ નરનારીઓ બતાવ્યા છે, જેને બ્યુટી જોવી છે. થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોરએવર !
ઇન્સ્ટાગ્રામથી લઇને ઇન્ટરનેટ સુધીની ટીકાઓ થાય છે, પણ હવે આ સનાતન આકર્ષણ તો પ્રકૃતિની ભેટ છે. એ કેવી રીતે ડિલીટ કરવું ? ખુદ સિડનીને સ્કૂલમાં હતી ત્યારે આયેશા ટાકિયાની જેમ સર્જરી કરાવી બ્રેસ્ટ સાઇઝ ઘટાડવાના વિચારો આવતા, પણ પછી એ એટેન્શન ઇકોનોમીની તાકાત સમજી ગઈ. પોલિટિક્સથી દૂર એ એક સ્વર્ગ સર્જીને બેઠેલી ડ્રીમગર્લ છે. એની લાંબા સમયની સગાઇ તૂટી એમાં પણ ચાહકોમાં હર્ષ સાથે હાશકારાનું મોજું છવાયું!
ભારતના શિલ્પવિધાનોમાં પ્રાચીન કાળથી સુપુષ્ટ સ્તનો કંડારાયા છે. ફળદ્રુપતાના પ્રતીક તો ખરા જ. પણ 'ધ કેમિસ્ટ્રિ બિટ્વીન અસ' નામની સેક્સ્યુઅલ સાયન્સ પરની બૂક બયાન કરે છે એમ એક કારણ તો બાળક તરીકે પોષણ માટે અનુભવેલું ફ્રોઇડિયન એટ્રેકશન પણ નેચરલ વાયરિંગનો હિસ્સો છે. બ્રિજેટ બાર્ડોટથી સોફિયા લોરેન, બો ડેરેકથી બુક શિલ્ડસના, કિમી કાટકરથી રિચા શર્મા સુધીના લિસ્ટમાં સિડની આવતા કર્વ્ઝ આર બેકની ધરપત થઇ છે. રોન્ચી જોક્સ ને વળાંકોના સંતુલનના રિફ્રેશિંગ યુગો પાછા આવી રહ્યા છે જાણે ! સિડની સ્વીની પાસે કમાલ ક્લીવેજ છે. ઉભાર વચ્ચેની દરાર ! આમાં શું શરમાવાનું ? કવિકુલગુરૂ કાલિદાસે 'કુમારસંભવ'માં શૈલજાના મુગ્ધયૌવનના વર્ણનમાં કેવી લાજવાબ કાવ્યાત્મક વાત લખી છે ઃ એના વિકસીત થેયલા બે વક્ષ એવા એકમેકની લગોલગ ભીંસાતા ઉન્નત હતા કે વચ્ચેની 'મૃણાલસૂત્ર' યાને કમળની દાંડલી પણ રાખવાની જગ્યા નહોતી ! ક્યા બાત ! શું રસિક વિચાર છે! કેવી અનોખી મનમોહક રજૂઆત!
પણ હજુ ય હાકોટાછીંકોટા અરરર હાયહાય છીછીછી સંસ્કાર સંયમ વગેરેના નીકળતા હોય તો 'કામ'ની વાત. આ સિડનીના તાજી ન્હાયેલી સ્વરૂપે એક કંપનીને હમણા દોઢસોથી પોણા બસ્સો અબજનો ફાયદો કરાવ્યો!
સમય મુજબ એક નવો શબ્દ સમજીને યાદ રાખી લો. સંસ્કૃતિના નામે ચાંપલી વાતો કરવા કરતા વધુ ફાયદો થશે ! એ છે 'એટેન્શન માર્કેટિંગ' ધ્યાન ખેંચવાની વિદ્યા. દરેક ક્ષેત્રમાં પહેલા કરતા ટ્રાફિક વધુ ચક્કાજામ છે. ભલભલા જાણીતા નામોને પણ પોતાના તરફ પબ્લિકનું ધ્યાન ખેંચવામાં તકલીફ પડે છે. ડિજીટલ થતી દુનિયાને રોજ નવી કિક જોઇએ છે. રોજ નવા નવા મનોરંજનના વિકલ્પો છલક છક થઇ ઉભરાય છે. એમાં નવી પેઢીને ખેંચી રાખવી એ ખાંડાના ખેલ નથી!
બન્યું એવું કે સિડનીએ એક વાર બોલ્ડ ફોટોશૂટ કરી એના બાથટબમાં ન્હાતી ને ફીણથી વીંટળાયેલી હોય એવા ફોટા મૂક્યા. ટપોરી ટ્રોલિયાઓએ છીછરી કોમેન્ટસ કરી ને કોન્ટ્રોવર્સીનો એને ફાયદો થતા ફોલોઅર્સ વધી ગયા. એમાં ૨૦૧૩માં જેક હેલ્ડ્રેપે સ્થાપેલી 'મેન્સ કોસ્મેટિક બ્રાન્ડ્સ' માટેની કંપની 'ડો. સ્કવાચ'ને જ્યુસ દેખાયો. સિડની સાથે કોન્ટ્રાક્ટ કરી તાજેતરમાં એમણે એક લિમિટેડ એડિશન સોપ બહાર પાડયો. આખી દુનિયામાં માત્ર ૫,૦૦૦ નંગ ! અને મોંઘોદાટ. પ્રીમિયમ ભાવે સાબુ ચપોચપ વેંચાયો. સ્ટોક સોલ્ડ આઉટ ! પૂછો કૈસે ? વો ઐસે કિ એ સાબુમાં પાણી નોર્મલ ફેકટરીમાંનું નહિ, પણ દાવા મુજબ સિડની સ્વીનીએ સ્નાન કર્યા પછી એના અનાવૃત દેહ ફરતે વીંટળાયેલું ન્હાયા પછી વધેલું પાણી યાને બાથવૉટર હોય એ વપરાયેલું હતું ! આમ તો કૂંડીમાં એ વહાવી દેવાનું હોય પણ અહીં તો આ ગિમિકે કંપનીનું બેન્ક એકાઉન્ટ છલકાવી દીધું! કારણ કે, માસ્ટરસ્ટ્રોક હતો સિડનીને જ બ્રાન્ડ એમ્બેસેડર બનાવી જાહેરાત કરાવી તે! ઓફિશ્યલી એન્ડોર્સ્ડ.
આઈડિયા નવતર હતો. માર્કેટમાં હલચલ મચી ગઈ. નવી પેઢીઓને મોજ પડી. કાણમોકાણવાળાઓએ ટીકા કરીને વધુ ફેમસ બનાવી દીધો. ડૉ. સ્કવાચ પુરૂષો માટેનો સૌંદર્ય પ્રસાધનો ઓર્ગેનિક બનાવવાનો ક્લેઇમ કરે છે, જેની માર્કેટ છેલ્લા ત્રણ વર્ષમાં ૪૨% થી ૬૮% જેટલી ઉછળી છે. સિડનીની કાયાના આગળ પાછળના ઢોળાવો પરથી નજર લપસતી હશે, પણ ભાવ તો ઉન્નત ઉત્તુંગ ટટ્ટાર થયા અને હમણાં જ જગતની એક મહાકાય તોતિંગ કંપની નામે યુનિલીવરે (આપણે ત્યાંની હિન્દુસ્તાન લીવરે)
ડો. સ્કવાચની આખી બ્રાન્ડ જ સિડની સ્વીની બાથવોટર સોપની સફળતા જોઇને ઓલમોસ્ટ ૧૩૦ અબજ (૧.૫ અબજ ડોલર)માં ખરીદી લીધી !
હવે પબ્લિકને ફીચર્સ ને ક્વોલિટી નથી જોઇતી. સમથિંગ ટ્રેડિંગ ઓન સોશ્યલ મીડિયા જોઇએ છે. નેરેટીવ સેટ કરો એ હોટ ગણાય છે. સિડનીનું સ્નાનજળ એ એક જબરી સ્ટોરી હતી જે એના ક્લીવેજના કોમળ આધારે મજબૂત બની ગઈ! એટ્રેકશનમાં વળી લિમિટેડની એક્સક્લુઝિવિટી ભળતા વર્લ્ડવાઇડ ફ્રી પીઆર કેમ્પેઇન થઇ ગયું ! વર્ષોનું બ્રાન્ડિંગ મફતના ભાવે દિવસોમાં ગ્લોબલ થઇ ગયું! વીઅર્ડ યાને વિચિત્રને કૂલ માનવાનો જમાનો છે. ભૂલી ગયા પેલી માળા વેંચતી મોનાલિસાને મળેલી પબ્લિસિટી ?
સિડનીને તો બેઉ હાથમાં લાડુ. વધુ મોટી મોંઘી ફિલ્મો મળશે ને સાબુ વગર જ કંઇકને પલાળીને ધોઈ નાખ્યા એ અલગ!
ફાસ્ટ ફોરવર્ડ
'ક્લીવેજ સામે જોવું એટલે સૂરજ સામે જોવું. સતત તાકી રહેવું જોખમી છે. જરાક તિરછી નજરે જોઈ બસ એની ઉષ્મા અનુભવો !' (જેરી સેઇનફિલ્ડ)
- જય વસાવડા