
- નાની નાની વાતો
રામ કહે છે, “હનુમાન! તું તો મારો પોતાનો છે, તારા ખોળામાં માથું મૂકીને હું ઘસઘસાટ ઊંઘી જાઉ. તું બેઠો હોય ત્યાં સુધી મારે કોઈ ચિંતા ન હોય...”
૧૯૮૪ની ૩૧મી ઓક્ટોબરે પોતાના જ બે અંગરક્ષકો દ્વારા ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે આપણાં જાણીતા કવિ- લેખક-પત્રકાર હરિન્દ્ર દવેએ ‘જન્મભૂમિ’માં એક તંત્રીલેખ લખ્યો હતો, જેમાં એમણે ‘અંગરક્ષક કેવો હોય? સ્વામીને અંગરક્ષક પર ભરોસો કેવો હોય?’ એની વાત લખી હતી. એ વાત કરતાં હરીન્દ્ર દવેએ રામાયણનો એક સુંદર પ્રસંગ ટાંક્યો હતો.
એ પ્રસંગ એવો હતો કે, “વિભીષણ જ્યારે પોતાના ભાઈ રાવણને છોડીને શ્રી રામ તરફે આવી ગયો એ સમયે હજુ તો રામસેતુ બંધાય રહ્યો છે, ત્યારે રોજ રાત્રે સૌ વાતો કરતાં હોય, એમાં વિભીષણ જ્યારે રામ પાસે બેઠા હોય તો રામ વિભીષણ સાથે લહેરથી મોડી રાત સુધી વાતો કરતા હોય. પછી જ્યારે હનુમાનજી રામ પાસે રામ સૂઈ જાય, રામ ઘસઘસાટ ઊંઘવા લાગે. આવું ઘણીવાર થયું એટલે આખરે એક દિવસ હનુમાનજી રામને મીઠી ફરિયાદ કરે છે કે, “પ્રભુ, આ કઈ રીત છે? વિભીષણ તમારી પાસે બેઠા હોય ત્યારે તો તમે એની સાથે મોડે મોડે સુધી ગપાટાં મારો છો અને હું આવું તો તમને ઊંઘ આવવા માંડે...સાવ આમ હોય, મારા નાથ?”
રામ હનુમાનજી સામે હસે છે અને કહે છે: “હે મારા હનુમાન, મારા ભાઈ ! વિભીષણ ગમે તેમ તો ય હમણાં દુશ્મન તરફથી આવ્યો છે,રાવણનો ભાઈ છે, એના પર હજુ હું પૂરો ભરોસો નથી કરી શકતો કે એ બેઠો હોય અને હું સુઈ શકું. એની હાજરીમાં હું સહજ સાવચેત થઇ જાઉં છું. એટલે જ્યાં સુધી વિભીષણ બેઠો હોય ત્યારે હું એની સાથે વાતો કરતો જાગતો રહું છું, પણ હનુમાન! તું મારો પોતાનો છે, તારા ખોળામાં માથું મૂકીને હું ઘસઘસાટ ઊંઘી જાઉ. તું બેઠો હોય ત્યાં સુધી મારે કોઈ ચિંતા ન હોય...એટ્લે જ્યારે તું મારી આસપાસ હોય તો મને એટલી શાંતિ હોય કે મને ઊંઘ આવવા લાગે
છે.”
હનુમાનજી રામના આવા અંગરક્ષક હતા... આ તો હરિન્દ્ર દવેએ પ્રસંગ ટાંક્યો હતો જે મેં કચ્છ વિદુષી લેખિકા એવા દર્શનાબેન ધોળકિયાની એક સ્પીચમાં સાંભળ્યું હતું. પણ જ્યાં સુધી હનુમાન હોય ત્યાં સુધી રામને જ નહીં આખી સેનાને કોઈ ચિંતા ના હોય એનો એક અદભૂત પ્રસંગ વાલ્મીકિ રામાયણમાં છે.
લંકામાં રામસેના અને રાવણની સેના ખરાખરીનું યુદ્ધ જામ્યું છે. રાવણનો મહાપરાક્રમી દીકરો મેઘનાદ, જેણે ઇન્દ્ર પર વિજય મેળવ્યો એટ્લે ઇંદ્રજીત કહેવાતો...આ ઇન્દ્રજીતને એક વરદાન હતું કે જે દિવસે ઈન્દ્રેજીત પોતાના કુળદેવી નિકુંભીલાનો યજ્ઞ કરીને યુદ્ધે ચડે ત્યારે એ અજેય બની જશે.એને અદૃશ્ય થવાની શક્તિ મળી જતી. યુદ્ધમાં એક દિવસ આવી રીતે ઇંદ્રજીત દેવીનો યજ્ઞ કરીને યુદ્ધે ચડ્યો અને વાનરસેનાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. એ દિવસે યુદ્ધમાં ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. નળ, નીલ, સુગ્રીવ,જાંબવાન જેવા વીર યોદ્ધાઓ પણ ઇંદ્રજીતના આ પ્રહારથી મૂર્છા પામ્યાં. પણ હનુમાન સચેત છે, જો કે બ્રહ્માના અસ્ત્રનું માન જાળવવા એ ય રણભૂમિ પર સૂઈ જાય છે. રામ લક્ષ્મણને કહે છે કે, “આ બ્રહ્માનું અસ્ત્ર છે, એની સામે બીજું કોઈ અસ્ત્ર નહીં ઉગામીએ તો એ આપોઆપ શાંત થઈ થઈ જશે.” ને પછી રામ અને લક્ષ્મણ બેઉ પણ બ્રહ્માસ્ત્રથી મૂર્છિત થઈ જાય છે.
આમ આખી સેના રણભૂમિમાં ઢળી ગઈ, માત્ર હનુમાન અને વિભિષણ જાગૃત છે. એ બેઉ હાથમાં મશાલ લઈને સૌની સંભાળ લેવા નીકળ્યાં છે. વિભિષણ જાંબવાન પાસે આવીને ખબર પૂછે છે ત્યારે જાંબવાન અત્યંત ઘાયલ છે, આંખ પણ ખોલી નથી શકતા, જોઈ નથી શકતા પણ એ બોલે છે, “તમને જોઈ નથી શકતો પણ અવાજ પરથી જાણું છુ કે તમે વિભિષણ છો, તો વિભિષણ મને એ કહો કે, હનુમાન ઠીક છે ને?”
જામ્બવાનના આ પ્રશ્નથી વિભિષણને બહુ નવાઈ લાગે છે, કેમ કે જાંબવાન જેવા વયોવૃદ્ધ અને જ્ઞાની યોદ્ધા આમ પૂછે છે, વિભીષણ આશ્વર્ય પ્રગટ કરે છે કે, “તમે રામ લક્ષ્મણના પણ ખબર નથી પૂછતાં ને પહેલા હનુમાનના ખબર કેમ પુછો છો, બીજા કોઈ માટે નહિ અને હનુમાન માટે કેમ આટલો ભાવ?”
એટ્લે જાંબવાન કહે છે કે, “હનુમાનના ખબર એટલે પૂછું છુ કે જો હાજર હશે તો એ આપણી હણાયેલી સેનાને ફરી બેઠી કરી દેશે, પણ જો હનુમાન સાથે નહીં હોય તો અમે સૌ તો જીવતા અધૂમુઆ જ છીએ...”
પૂરી રામાયણમાં હનુમાનનો મહિમા કરતું આ કદાચ ઉચ્ચતમ શિખર છે, હનુમાન જાંબવાનને વંદન કરે છે, આમપણ રામાયણમાંથી હનુમાનને કાઢી લઈએ તો રામાયણનું હીર હણાય જાય એટલો અદભૂત સબંધ રામ અને હનુમાનનો છે.
કસુંબો:
કાગબાપુએ લખ્યું છે ને કે, જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યાં!
- કાનજી મકવાણા