Home / GSTV શતરંગ : Man wants power, wealth, beauty, children and respect

GSTV શતરંગ/ માણસને જોઈએ છે સત્તા, સંપત્તિ, સુંદરી, સંતાન અને સન્માન

GSTV શતરંગ/ માણસને જોઈએ છે સત્તા, સંપત્તિ, સુંદરી, સંતાન અને સન્માન

- ગુફતેગો

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સત્તા, સંપત્તિ, સુંદરી, સંતાન અને સન્માન, આ પાંચે વસ્તુઓ પ્રાપ્ત કરવા માણસ અવિરત કેમ દોડધામ કરે છે ?

પ્રશ્નકર્તા : નૈષદ દેરાશ્રી, ૨૦ નાલંદા સોસાયટી, ટી.બી.હોસ્પિટલ સામે, જામનગર (સૌરાષ્ટ્ર)

માણસ ભૌતિકવાદી વધુ અને અધ્યાત્મવાદી ઓછો છે. માણસને સંઘર્ષમય જિંદગી જીવવાને બદલે સુખપૂર્ણ અને વૈભવશાળી જીવનના ઝાઝા કોડ રહે છે. ઉપરોક્ત પાંચ પૈકી સૌથી વધુ રસનો વિષય હોય તો તે સત્તા છે. સત્તાથી માણસ બળવાન બની શકે છે. અન્ય પર રાજ્ય કરી શકે છે. સત્તા દ્વારા પૈસા મેળવી શકે છે. સત્તા દ્વારા માન સન્માન પણ પ્રાપ્ત કરી શકે છે. પંચમાં પૂછાય છે અને પૂજાય છે. દાન આપી પોતાને દાનવીર ગણાવી શકે છે. ધર્મ સ્થાનોમાં પણ તેને આગવું સ્થાન પ્રાપ્ત હોય છે. એને બધી જ વી.આઈ.પી. સગવડો અત્ર-તત્ર-સર્વત્ર પ્રાપ્ત થાય છે. ધન થકી તે પોતાની મનોવાંછિત કામનાઓ પૂર્ણ કરી શકે છે. સમાજ અને સરકારમાં પણ તેની 'આર્થિક' ઉષ્માને કારણે આવકાર પ્રાપ્ત કરી શકે છે. પૈસો એ કામધેનુ છે એને દોહવાની કલા જાણનાર માલામાલ થઇ જાય છે. એટલે ધર્મ પછી દ્વિતીય સ્થાન 'અર્થ'ને આપવામાં આવ્યું છે. મનુષ્યને એટલે જ અર્થનો દાસ ગણવામાં આવ્યો છે. ધનવાન ચારિત્ર્યહીન હોય તો પણ કોઈ તેના તરફ આંગળી ચીંધવાની હિંમત કરી શક્તું નથી. કાંચનમાં સર્વગુણો સમાયેલા છે.

માણસ સત્તાની સાથે સાથે પારાવાર સંપત્તિ એકઠી થાય તે માટે યત્નશીલ હોય છે. સંપત્તિ સુખનું સાધન છે. એના થકી માણસ પોતાને તથા પોતાના પરિવારને સુખી બનાવી શકે છે. માણસે ઘરેડમાં પડીને જીવવું ન જોઇએ. જીવનમાં તાજગી જોઇએ. નવી હવા જોઇએ. સંપત્તિ માણસને દેશ પરદેશ જોવાનો મોકો આપે છે. સંપત્તિ થકી માણસ વૈભવશાળી અને તૃપ્તિનો ઓડકાર ખાઈ શકે એવું જીવન જીવવાનો મોકો મળે છે. સંપત્તિ થકી માણસનો અહંકાર સંતોષાય છે. બીજા કરતાં પોતે શ્રેષ્ઠ છે એવો કૃત્રિમ સંતોષ માણી શકે છે. સંપત્તિની ક્ષણોમાં માણસ પરમાત્માને પણ ભૂલી જાય છે. અજ્ઞાનને લીધે જે કાંઈ થાય છે, મળે છે, મેળવે છે એ માત્ર પોતાનું સર્જન છે, ઇશ્વરની કૃપા કે ભાગ્યના ફળ જેવું કશું જ નથી. એમ માની પોતાના 'હું'નો વિસ્તાર કરે છે. સંત મિખિલ નેઇમના શબ્દોમાં 'પોતાનો ઇશ્વરી અંશ તમને આપ્યા પછી પણ જો ઇશ્વરે બધી જ ફરજો અદા કરવાની હોય તો તમારી જિંદગીની કીંમત શી ?'

માણસ રૂપ ભૂખ્યું પ્રાણી છે. સૌંદર્યને પવિત્રાપૂર્વક માણવાની નહીં પણ ભોગવવાની વસ્તુ માને છે. સુંદરી શબ્દ સુ + હૃદ પરથી બનેલો છે. જેને જોઇને મનુષ્યનું હૃદય પીઘળે તે સુંદરી. નારી શબ્દ 'નૃ' પરથી બનેલો છે. મનુષ્ય નારીને જોઇને 'નાચે છે' અને નારી તેને નચાવે છે.

આજે આપણે સ્ત્રીના સન્માન ખાતર 'મહિલા' શબ્દ વાપરીએ છીએ જે 'મહ' ધાતુ પરથી બનેલો છે. 'મહ' એટલે પૂજ્ય કે આદરણીય. પણ દરેક સ્ત્રી માટે 'મહિલા' શબ્દ પ્રયુક્ત થતો નથી. શાકવાળી કે કામવાળીને કોઈ 'મહિલા' કહેતું નથી.

પુરુષ સત્તાપ્રધાનતાને કારણે નારીને સમગ્રતયા જે સન્માન અને અધિકારો મળવા જોઇએ તે મળ્યા નથી. આજે પણ સ્ત્રીઓની ક્રૂરતાપૂર્વક હત્યા થાય છે. સ્ત્રીને માત્ર 'ભોગ્યા'ની નજરે જોવી એ સામાજિક અને નૈતિક અપરાધ છે.

પોતાનો વંશવેલો ચાલતો રહે એ માટે માણસ સંતાનની અપેક્ષા રાખે છે સંતાનમાં પણ પુત્રને અગ્રિમતા. દીકરા-દીકરીનો ભેદ આજે પણ મટતો નથી અને દીકરીને 'પારકી થાપણ' ગણી લગ્ન પછી પિતૃગૃહે તેનો કોઈ અધિકાર નથી એવી સ્થિતિ રહી છે. પિતાની સંપત્તિમાં માત્ર દીકરાને જ હક છે એવા ખ્યાલથી સમાજને મુક્ત કરવા સરકારી કાયદાઓ ઘડવામાં આવ્યા છે પણ તેનો અમલ તો માણસે જ કરવાનો હોય છે. સંતાન ઘડતર માટે આજે પણ મા-બાપ તેમની જવાબદારી શિક્ષણ સંસ્થાઓ પર નાખી દે છે. કોઇકે કહ્યું છે તેમ આજના મા-બાપ પોતાના સંતાનોને લાકડાના ટુકડાની જેમ શિક્ષણ સંસ્થાઓને સોંપી દે છે અને કહે છે તમે એને ફર્નિચર બનાવીને પાછું આપજો. આજના જીવનની વ્યસ્તતાઓમાં મા-બાપો બાળ ઉછેરમાં પૂરું ધ્યાન આપી શક્તાં નથી.

માણસ સૌથી વધુ ધ્યાન આપે છે. પોતાના સન્માનમાં. સન્માન થવાને કારણે સમાજમાં પોતાનું વજન વધશે અને આદર પ્રાપ્ત થશે. એ માટે તન-મન-ધનથી પ્રયત્ન કરે છે. જે કૃષ્ણમૂર્તિના શબ્દોમાં 'તમારી જાતને જાણવા માટે તમારે કોઈ પુસ્તક, કોઈ ગુરૂ કે મનોવૈજ્ઞાનિક પાસે જવાની કોઈ જરૂર નથી. આખો ખજાનો તમારી અંદર જ છે. જે અજ્ઞાની રહી પોતાના સ્વભાવને  પણ ન જાણે એને ડાહ્યો માનવી કોણ કહે?' 

- ડો.ચંદ્રકાન્ત મહેતા

Related News

Icon