
- કેટલી માળાઓ કરવાથી ઈશ્વર મળે ? એ પ્રશ્ન કેવો હાસ્યાસ્પદ લાગે છે
તારી લાગણીનાં કેમ કરું મૂલ !
માળાનાં મણકાથી માધવને માપવાનું મનને ના થાતું કબૂલ,
તારી લાગણીના કેમ કરું મૂલ !
વરસોનાં તાપ કૈં, મનના ઉત્પાત કૈં, જોતાં તા છાંયડીની વાટ !
સદીઓ પીગાળી તંયે આવી છે હાથ આજ પળ બે પળની મુલાકાત,
ભીતરનો ગોરંભો ભીતરમાં શેકું તોય આંખડીથી છલકે છે ભૂલ,
તું કેમ કરી કરશે કબૂલ ?
રાધા ને મીરાની ચાહ અને રાહ નથી આવડા આ હૈયામાં થોડી,
પાંચાલી જેમ તોય સાદ કીધો જ્યારે સખા ! આવી ઊભો તું દોડી-દોડી,
નેહની આ ગાંઠ જાણે યુગયુગની ડાળ પરે મધમધતું માલતીનું ફૂલ,
મારે કરવાનું કેમનું કબૂલ ?
ખાલીખમ હાથ જોઈ પૂછે છે લોક, નથી તાંદૂલ લાવી કે નથી બોર,
કેમ રે દેખાડું ખોલી દ્વાર જારજાદના મેં હૈડે જે ચીતરાવ્યો મોર !
મનડું તો એમ ક્યે, મેલી દે લાજ-બાજ સંઈજી સંગાથે ઘડી ઝૂલ !
સખા ! આજે તો સઘળું કબૂલ !
- નેહા પુરોહિત
લાગણીનું મૂલ્ય થઈ શકે ખરું ? લાગણી અમૂલ્ય છે. ત્યાં લાગણીની કિંમતની વાત તો દૂર જ રહી. કિંમત એટલે Price અને મૂલ્ય એટલે Value અને એમાંય પોતાના પ્રિય પાત્રના લાગણીનું મૂલ્ય કઈ રીતે કરી શકાય ! નેહાની કવિતાની શરૂઆત જ થાય છે કે લાગણીના મૂલ કઈ રીતે કરી શકાય? જો કે કવિતાના અંતે તો આપણને લાગણીનું મૂલ્ય સમજાઈ જાય છે. જેનું નામ હ્ય્દયની પ્રત્યેક ધડકન જપતી હોય એના નામનું મૂલ્ય કરવું સહેલું નથી. કેટલી માળાઓ કરવાથી ઈશ્વર મળે ? એ પ્રશ્ન કેવો હાસ્યાસ્પદ લાગે છે પ્રેમ તો અસીમ અપાર, અનંતા સાથે જોડાયેલા છે. માળાનાં મણકાના આધારે માધવને માપવાની ભૂલ ના કરાય.
વર્ષોથી જે હ્ય્દયમાં દુઃખ અને સંતાપ હતા, ઉત્પાત હતા એ બધા છાંયડાની રાહ જોતા હતા. પ્રતિક્ષામાં પીગળતા જઉં પડે છે. અહંકાર પીગળતા-પીગળતા જ્યારે સાવ નામશેષ થઈ જાય છે. ત્યારે પેલી પળ-બે પળની મુલાકાત થતી હોય છે. ભીતર જે કંઈ ગોરંભાયું છે એને રોકવું સહેલું નથી. ગોરંભાવું એટલે વાદળા ચડી આવવા, હ્ય્દયમાં જે કંઈ ધૂંધવાતું પડયું હોય તે બધું આજે આંખથી છલકાઈ રહ્યું છે. મનમાં થયા કરે છે કે પ્રિય પાત્ર આ બધું કઈ રીતે કબૂલ કરશે ?
પ્રેમના બે સર્વોચ્ચ શિખર એટલે રાધા અને મીરાં હ્ય્દયમાં રાધા કે મીરાં જેવી ચાહ ન હોય, એવી ભૂમિકા પણ ના હોય અને છતાંય ઓલો માધવ જ્યારે-જ્યારે પાંચાલીની જેમ પોકાર પાડયો હોય ત્યારે-ત્યારે એ દોડીને આવી ચડયો હોય એ સામાન્ય વાત તો નથી જ. દ્વૌપદીના વસ્ત્રહરણ વખતે કૃષ્ણએ ચીર પૂર્યા હતા. આપણા પ્રેમનું ગજુ કશું હોતું જ નથી. આપણી કોઈ પાત્રતા જ નથી એની ખબર પડી જાય એ સૌથી પાત્ર થવાનું સરળ પગથિયું છે. રાધા અને મીરાં જેવી ચાહ નથી પણ જે પ્રેમથી જોડાયેલા છે, જે પ્રેમની રેશમી ગાંઠ છે એ તો યુગોની ડાળ ઉપર મધમધતા ફૂલ જેવી છે. આ બધું કબૂલ કરવું કઈ રીતે એવી એક મીઠી મૂંઝવણ પણ થઈ શકે.
પોતાના માધવને સાવ ખાલી હાથે મળવા આવેલી જોઈને લોકો પૂછે છે કે તું સુદામાની જેમ તાંદૂલ પણ નથી લાવી કે નથી તારી પાસે શબરી જેવા બોર. તું ખાલી હાથે શું જોઈને આવી છું ? પણ આ તો એવી પ્રિયતમા છે કે જે પોતાના હૈયે શ્રાવણની રાહ જોતાં, ચોમાસાની રાહ જોતાં મોર ચીતરાવીને આવી છે. મન બધી જ મર્યાદાઓ દૂર હડસેલીને પ્રિયની સાથે ઝૂલી લેવા સમજાવી રહ્યું છે અને જાણે બધી જ લાજ-બાજ એક બાજુ મુકાઈ જાય છે. ગીતમાં જે અત્યાર સુધી ચાલતું હતું કે તું કેમ કરી કરશે કબૂલ... મારે કરવાનું કેમનું કબૂલ.... એ છેલ્લી પંક્તિ આવતા-આવતા તો જાણે આજે તો સઘળું કબૂલ બની જાય છે.
નેહા પુરોહિત એ ભાવનગરની ભૂમિનું આશાસ્પદ નામ છે. તેમનો તાજેતરમાં જ પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ પરપોટાની જાત વાંચતા-વાંચતા આંખ ગીતો પાસે અટકી ગઈ. ગીતમાં તેમને વધારે મોકળાશ મળી છે. ગઝલ કરતાં ગીતમાં તેઓ વધારે ખીલે છે.
આપણે સૌ પરપોટાની જાત છીએ. ગઝલના આરંભકાળ દરમ્યાન પરપોટો શબ્દ ખૂબ ગમેલો. અને બે-ત્રણ શેર એવા રચાયેલા એ યાદ આવે છે.
જીવનની કહાની હવામાં સમાણી,
કે પરપોટો ફૂટે ત્યાં પાણીનું પાણી.
જગત ખાબોચિયા જેવું જીવન છે પરપોટા જેવું,
જીવનને અવનવા મિસ્ક્રીન હું આહાર આપું છું.
પરસિધ્ધિ પરપોટા જેવી,
સાચકલી પણ ખોટા જેવી.
મારા આ ત્રણેય શેરમાં પરપોટો શબ્દ આવે અને તેના વળગણ ને કારણે થોડીક રચનાઓ થયેલી. ક્યારેક અમુક કાફિયા, અમુક શબ્દો આપણને એટલા વ્હાલા હોય છે કે તેનો વારંવાર ઉપયોગ થઈ જોતો હોય છે. જોકે આ ટેવ કુટેવ બને તે પહેલા મારામાંથી ટળી ગઈ. ''પરપોટાની જાત'' કાવ્યસંગ્રહ નામને લીધે પણ ખૂબ ગમ્યું. પ્રિય પાત્ર થોડુંક તો અળવીતરું હોય છે જ. અમે પરપોટાની જાત છીએ એ ખબર હતી એટલે તો તેણે ભેટ આપી તો એ પણ સોયની આપી. સોયથી પરપોટો ફૂટે કે ફુગ્ગો. એક ક્ષણમાં નાશ પામે છે. તલવાર અને સોયની સરખામણીમાં સોય કિંમતી છે પરંતુ આ મજાની ભેટની માયા રાખવા જેવી નથી. પોત કામું હોય, પવનની કાયા હોય ત્યારે સોયને ભેટવું એ જીવનને પૂરું કરવા જેવી જ વાત છે. પરપોટો તો ફૂંકનો ય આઘાત સહન નથી કરી શકતો. આ તો કોમળ-કોમળ છે.
સજીલી હળવાશની વાત છે.
હા, જો પ્રિય પાત્ર સૂરજ થઈને અને જો તેના કિરણોના બાહુ પ્રસારે તો મળવું શક્ય છે. તડકો તીખો હોઈ શકે પરંતુ પરપોટાને પણ તે હળવાશથી સ્પર્શતો હોય છે. તેનો સ્પર્શ હળવો છે. અને જો સૂર્યના કિરણની જેમ એ સ્પર્શે તો પરપોટાના કૂંડાળામાં અને ભાગ્યની અંદર પણ તેને તે સ્થાપી શકે તેમ છે. તડકો અને પાણી, સૂર્યકિરણ અને અર્ધચંદ્રકાર આકાશમાં દેખાતું મેઘધનુષ સહજ યાદ આવી જાય. પરપોટો પોતાના આકાશમાં સૂર્યકિરણના સ્પર્શે સાત રંગ સૂરજને ભેટ આપવાની વાત કરે છે. એક કિરણના બદલામાં સાત-સાત રંગ આપવાની પરપોટા જેવા જીવનની તાકાત મામૂલી ના ગણી શકાય. એ ગજુ, એ હિંમત પરપોટાના જીવનનો સાર્થક્ય હોય છે. એજ એનું સર્વોચ્ચ શિખર બની જાય છે. આજ ભાવનું નેહાનું બીજું કાવ્ય જોઈએ.
અમે તો પરપોટાની જાત.
અમે તો પરપોટાની જાત
હેત કરીને આપી તેં પણ સોય તણી સોગાત
અમે તો પરપોટાની જાત !
ભેટ મજાની લાગે તો પણ કેમ રાખવી માયા ?
પોત અમારું કાચું સાજન, પવન તણી છે કાયા,
જળની મૂરત હુંફ તણોયે ક્યાં સહેશે આઘાત !
અમે તો પરપોટાની જાત !
સૂરજ થઈને પસવારી દે તેજકિરણના બાહુ,
મારા ગ્રહફંડળમાં સઘળાં સ્થાને તુજને સ્થાપું,
એક ટશરના બદલે તુજને આપું રંગો સાત !
અમે તો પરપોટાની જાત !!!