Home / GSTV શતરંગ : Peacocks are dancing in Haiya Chowk

શતરંગ / હૈયા ચોકમાં મોર નાચે છે

શતરંગ / હૈયા ચોકમાં મોર નાચે છે

- વિન્ડો સીટ

૧૯૮૨માં અર્વિંગ અને ઇલાના હાવે 'શોર્ટ શોર્ટ્સ' નામે સંપાદનમાં ૩૮ વાર્તા પ્રકટ કરી. તેમનો દાવો હતો કે આ નવલિકાથી અલગ સાહિત્યપ્રકાર છે, જેમાં એક બળુકો પ્રસંગ હોય, જે સઘનપણે લખાયો હોય, જેમાં પાત્રાલેખનને ઝાઝો અવકાશ ન હોય, અને પચીસસો શબ્દથી વધુ ન હોય. ૧૯૯૧માં સુરેશ દલાલ અને જયા મહેતાએ 'નદીનો ત્રીજો કિનારો' સંપાદનમાં આવી ૪૪ 'લઘુનવલિકાઓ'નો સમાવેશ કર્યો, તેમાંથી 'બિન્દો' શીર્ષક ધરાવતી પુ. શિ. રેગે લિખિત, જયા મહેતા અનુવાદિત મરાઠી કૃતિમાંથી આપણે પસાર થઈએ :

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વાર્તાનાયકે બિન્દોને પહેલીવાર જોઈ લખેરીના બજારમાં. પાંચ-પચ્ચીસના ટોળામાં, પાછળથી ખુલ્લી હતી એવી ચોળી આગળથી ઉઘાડી કરીને તે સંકોચ વગર છાતી પર કંઈ છૂંદાવતી હતી. વાર્તાનાયક, ચોરટી નજરથી, પોતાને પણ ખબર ન પડે તેમ ગિરદીમાં સામેલ થયા. બિન્દો નિશ્ચલ બેઠી હતી, જાણે મોટા ટોળામાંય એકલી. સોય ટોચાય ત્યારે તેની પાંપણ પણ હાલતી નહોતી. છૂંદવાનું પૂરું થતાં ઉતાવળ ન કરતાં ચોળીની ગાંઠ બાંધી, અને સહજ તોરમાં છૂંદનારાના હાથમાં પાવલી મૂકી. 'આ બિન્દો, મોનસી ગોવાળની વહુ,' કોઈ બોલ્યું. છૂંદનારાએ કહ્યું, 'પહેલીવાર મેં તેના હાથ પર ભુજંગ ટોચ્યો હતો. એક કલાક થયો. ન ફરિયાદ, ન આંખમાં પાણી.મેં કહ્યું, મોર બહુ મોટો થશે, નાનું પતંગિયું છૂંદી દઉં? પણ ન માની.'

ઘરે જઈને વાર્તાનાયકે નોકરને સૂચના આપી, 'દૂધ હમણાં સારું આવતું નથી, બદલવું પડશે.' નોકરે બિન્દોનું નામ સૂચવ્યું. 'વારુ, સવારે મળવાનું કહેજે.' બીજી સવારે બિન્દો આવી. 'દૂધમાં ગડબડ નહિ જોઈએ, ભાવ શું તારો?' બિન્દો બોલી, 'ચાર આના.' વાર્તાનાયકે તેની તરફ ન જોતાં કહ્યું, 'હું આઠ આના આપીશ. ફરિયાદ ન આવવી જોઈએ.' બિન્દો ચપળતાથી ચોળી ખુલ્લી કરતાં બોલી, 'આ બધું મોનસીનું છે... તમને શું જોઈએ છે તે સીધેસીધું કહો.' વાર્તાનાયક શરમાયા. તેમનું મન હળવું થયું. નિર્મળપણે બિન્દો તરફ જોતાં બોલ્યા, 'ઠીક, તો કાલથી. ચાર આના ઠરાવ્યા છે.' બિન્દોએ તે દિવસે દૂધ વિના મૂલ્યે આપ્યું, એમ કહીને કે બે ગાય વીંયાઈ તે વધ્યું છે. પછી બિન્દો રોજ દૂધ મૂકી જતી. ક્યારેક ઠઠ્ઠામશ્કરી પણ કરતી. અગાઉની વાતો ભુલાઈ ગઈ હતી.

રબારી લોક કુદરત સમીપે રહે. નગરજનો જેવી કૃત્રિમ વર્તણૂક તેમને ન આવડે, ન ફાવે. ઢાંકપિછોડો કરવાનું સ્વભાવમાં જ નહિ. બિન્દોની રીતભાત ઉઘાડી હતી. હૈયે તેવું હોઠે. એથી વિરુદ્ધ વાર્તાનાયક ચોરટી નજરથી ટોળામાં પ્રવેશે છે, બહાનું કાઢીને તેની પાસેથી દૂધ લેવાનું ગોઠવે છે, વગર માગ્યે બમણી કિંમત આપવા તૈયાર થાય છે. સાચને શરમ શી? આડીઅવળી વાત ન કરતાં બિન્દોએ સ્વરૂપ પ્રકટ કર્યું. તરત વાર્તાનાયકનું હૃદય પરિવર્તન થયું. દરેક વ્યક્તિમાં સજ્જન અને દુર્જન સાથોસાથ વસે. બિન્દોની સચ્ચાઈથી વાર્તાનાયકમાં વસતો સજ્જન પ્રકટ થયો. બિન્દોએ મોનસીને રીઝવવા મોર છૂંદાવ્યો હતો. પોતાના મનના માનેલ માટે મોર-કોયલ ત્રોફાવતી સ્ત્રીનું ગીત સુન્દરમે લખ્યું છે :

છાતીએ છૂંદણાં છૂંદાવવા બેઠી

ભર બજારની વચ્ચે હો!

હૈયું ખોલી છૂંદાવવા બેઠી

ભર બજારની વચ્ચે હો!

હૈયા ચોકમાં મોર નાચે છે

જોઈ લ્યો જેને જોવું હો!

ઉર ઘટામાં કોયલ ટહુકે

જોઈ લ્યો જેને જોવું હો!

આ લઘુનવલિકા સાથે ગુજરાતીની પ્રથમ કલાત્મક નવલિકા, મલયાનિલ લિખિત 'ગોવાલણી'ને સરખાવી જોઈએ. સોળમી શરદે ગોવાલણીના કંઠમાં કોયલ ટહુકતી હતી, નિર્દોષતાએ રજા લેવા માંડી હતી, ઊઘડતી કળી તસતસતી હતી. કીકીમાં તીર, ગાલમાં ગુલાબ. માથા પર પિત્તળની તામડી મૂકી 'દૂધ લેવું સે, દૂ...ધ' પોકારતી ગામમાં પેસે ત્યારે પુરુષોને શુભ શુકન થતાં. રાતો સાલ્લો, પીળી પટ્ટીની કોર, હાથે રૂપાની ચીપવાળાં બલૈયાં, નાકે નથની, કાનમાં નખલી. વાર્તાનાયક તેને નફટ થઈ તાકી રહેતા. વિચારતા, 'આવી કોમલાંગના છતાં ભરવાડણ કેમ જન્મી? હું ભરવાડ જન્મ્યો હોત તો તળાવના કાંઠે ઊભો વાંસળી વગાડત, ઢોર ચારત...' વાર્તાનાયકનું હૈયું ઝાલ્યું ઝલાય નહિ. એક દિવસ ગોવાલણીની પૂંઠે હાલી નીકળ્યા. પેલી વહેમાઈ કે પીછો થાય છે. અરધો માઇલ ચાલીને ગોવાલણી વડની તળે અટકી. મૂંઝાતા વાર્તાનાયકને કહ્યું, 'સંદનભઈ, ઈ ચ્યાં જાઓ સો?' 'જો ગુલાબ જ બુલબુલને બોલાવે તો બુલબુલનો શું વાંક?' એમ વિચારીને વાર્તાનાયક હરખાયા. ગોવાલણીએ તાણ કરીને પ્યાલો દૂધ પાયું. વાર્તાનાયક રાજાપાઠમાં આવી ગયા, 'તું પરણેલી કે કુંવારી? તું પ્રેમ શું એ સમજે છે?મારી સાથે વાતો ન કરે તો મારા સમ!' ગોવાલણી એકદમ ઊભી થઈ ગઈ, 'હાય, મારી કુશકીની હુંલ્લી ચ્યોંક મેલી આવી સું, તમે બેસો, હું ઊભે પગે આવું સું.' વાર્તાનાયક વાસણ સાચવતા છાપરી નીચે બેઠા. 'એણે તસતસતી ચોળી પહેરી હોત તો કેવી લાગત?' વીસેક મિનિટે તે પાછી આવી. વાર્તાનાયકે પ્રેમકેલિ કરવા માંડી. તેટલામાં 'વીજળી ચમકે અને બાળકના દિલમાં ફટકો પડે... તેમ છાપરીની ઉઘાડી બારીમાંથી પત્નીએ ડોકું કર્યું, અને કોપાયમાન ચહેરે જોવા માંડયું.' ગોવાલણી લાગલી વાર્તાનાયકની પત્નીને બોલાવી આવી હતી!

સુંદરમ્ના ગીતમાં શુદ્ધ શૃંગારરસ છે. પુ. શિ. રેગેની નાયિકા બિન્દો સરલ અને નિર્ભીક છે. મલયાનિલની ગોવાલણી છે તો ષોડષી પણ પ્રગલ્ભા છે. નાયકની દાનત કળી જઈ તે ચતુરાઈપૂર્વક પત્નીને બોલાવી આવે છે. પુ. શિ. રેગેનો પહેલો વાર્તાસંગ્રહ 'રૂપકથ્થક' ૧૯૫૬માં પ્રકટ થયો હતો. સુન્દરમે ગીત લખ્યું ૧૯૩૯માં અને 'ગોવાલણી' વાર્તા પ્રકટ થઈ ૧૯૧૮માં. એટલે ગુજરાતી કવિ અને લેખકે મરાઠી વાર્તા વાંચી હોય, તે શક્ય નહોતું. સાહિત્યમાં ક્યારેક આવા સુખદ અકસ્માતો સર્જાતા હોય છે.

- ઉદયન ઠક્કર

Related News

Icon