Home / GSTV શતરંગ : Purification of the mind is not a mere intellectual exercise

શતરંગ / ચિત્તશુદ્ધિ એ નરી બૌદ્ધિક કસરત નથી

શતરંગ / ચિત્તશુદ્ધિ એ નરી બૌદ્ધિક કસરત નથી

- ગુફતેગો

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- ડૉ. ચંદ્રકાન્ત મહેતા

- જીવનમાં અગિયાર સિદ્ધાંતો અપનાવવાથી જીવન ઉદાત્ત અને પ્રસન્નતાપૂર્ણ બની શકે. આજનો માણસ જ્યાં હોવું જોઈએ ત્યાં નથી, પણ ન હોવું જોઈએ ત્યાં છે. આજના જીવનની કરૂણતા

પ્રશ્નકર્તા: રક્ષિત ઉષાકાન્ત વોરા, ક્ષિતિજ સી જી ૫૩, કેપિટોલ ફ્લોરા, મુ. સરગાસણ 

(જિ. ગાંધીનગર)

જિંદગી એ વેડફી નાખવાની વસ્તુ નથી. માણસ સર્વકળાઓ હસ્તગત કરવાની કોશિશ કરે છે પણ પોતાના જીવનને માણસાઈથી સુગંધિત રાખવાની કોશિશ નથી કરતો. દૈવયોગે અને કર્માનુસાર માનવજીવન પ્રાપ્ત થાય પણ એને ઉજાળવું એ દુષ્કર છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે ''ફરિશ્તે સે

બેહતર હૈ

ઈન્સાન બનના

મગર ઈસમેં પડતી હૈ

મેહનત જીયાદા.''

માણસના જીવનમાં સ્વમાનનું આગવું મહત્વ છે. એ સ્વમાન જાળવણીની અનિવાર્ય શરત એ છે તમે તમારા સ્વમાનની રક્ષાની જેમ બીજાના સ્વમાનની પણ રક્ષા કરો. માણસ માત્ર પોતાના સ્વમાનની રક્ષા કરે તો અહંકારી બની જાય. એટલે સ્વ. મોહનલાલ મહેતાએ 'તૂટેલાં સુવર્ણ પાત્રો'માં કહ્યું છે તેમ જિંદગી માત્ર મિજાજ કરવા માટે નથી, પણ બીજાના મિજાજની માવજત કરવા માટે પણ છે.

આ વાત સમજાય તો માણસને એ વાત પણ સમજાશે કે ''તું નાનો, હું મોટો

એવો ખ્યાલ બધાંનો ખોટો

ખારા જળનો દરિયા ભરિયો

મીઠા જળનો લોટો.''

જીવન એ સાધના છે, સિદ્ધિઓ માટેની દોડ નથી. એ સાધના મનોનિયંત્રણ અને આત્માની પવિત્રતા સાથે જ થઈ શકે. આનંદનું ઉદ્ગમ સ્થાન ક્યાં ? રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં ઉપભોગમાં આનંદ નથી પણ સર્જનના પુરુષાર્થમાં આનંદ રહેલો છે. જીવન જીવવાના સિદ્ધાંતો કોઈ પુસ્તકમાંથી પ્રાપ્ત નહીં થાય પણ અનુભવ, જ્ઞાાન અને આરાધનામાંથી પ્રાપ્ત થશે.

જીવનનો પહેલો સિદ્ધાંત છે. કર્મયોગી બનો. તમારે ભાગે જીવનનો જે રોલ કે ભૂમિકા પ્રાપ્ત થઈ હોય તેને સંપૂર્ણ ન્યાય આપો.

માણસની સૌથી મોટી મૂડી તેની પ્રામાણિક્તા, નેકી અને દરિયાદિલી છે.

આજે નોકરીઓ કે સેવાનાં ક્ષેત્રમાં કેમ બરકત નથી આવતી ? આજના માણસને વાવવામાં કમ અને લણવામાં વધારે રસ છે. ઈજ્જત ગુમાવતાં ક્ષણ અને રળતાં વર્ષો લાગે છે. એટલે માણસે ઈજ્જતભેર જીવવાનો દ્રષ્ટિકોણ કેળવવાવો જોઈએ. એ માટે નમ્રતા, નિખાલસતા, ત્યાગ, ક્ષમા, પરોપકાર જેવા મહાન સિદ્ધાંતો જીવનમાં વિકસાવવા પડે.

'હું ક્યાં છું ?' પોતાની જાતને પૂછવા જેવો સવાલ. એક કવિતા મુજબ

પૂછો નહીં મૈં કહાં ર્હૂં

પર ખુશ નહીં જહાં ર્હૂં

હોના જહાં નહીં થા,

મૈં આજકલ વહાં ર્હું

વિચારશુદ્ધિ અને વિહારશુદ્ધિ આપનાવ્યા વગર ઈજ્જત મળે નહીં. માણસે વિવેકશક્તિ વિકસાવવી અનિવાર્ય છે. ખોટા માણસની જય અંતે તો લોકશાહીના ક્ષયનું વિષાણુ બની જાય છે. 'મંત્રોચ્ચાર' અને સૂત્રોચ્ચારમાં શૂરાતન દેખાડનાર દેશ હવે ખમૈયા કર. નાગરિક ઘડતરની પ્રયોગશાળાઓ જરૂરી છે પણ એનો શિક્ષક કોણ બને ? મન, વચન, કર્મથી પવિત્ર હોય તે. એટલે દરેક નાગરિકે 'આત્મદીપો ભવ'નો સિદ્ધાંત સ્વીકારવો જોઈએ. આત્માના અજવાળે ચાલનાર કદી છેતરાતો નથી કે કોઈને છેતરતો નથી !

વ્યક્તિએ પાળવા ઉદાત્ત અને સંસ્કારયુક્ત સિદ્ધાંતોની સંક્ષિપ્ત યાદી તૈયાર કરવાનું મુશ્કેલ છે. પણ નીચે દર્શાવેલ બાબતો તેમાં મદદરૂપ થઈ શકે.

૧. ભદ્રતા એ જીવનનું ઓઢણું નથી પણ પાથરણું છે. જે જીવનભર બિછાવી રાખવું જોઈએ.

૨. વિશ્વ બહેરૃં નથી. વિશ્વને કરોડો કાન છે. એટલે તમે જે કાંઈ બોલો એનો પ્રતિઘોષ પડવાનો જ છે એમ માની ચાલજો.

૩. આજે પણ 'હનુમાનો' સત્તાની લંકા ભણી કૂદકા મારે છે પરંતુ સતી સીતાની ભાળ મેળવવા માટે નહીં. પણ રાવણનું ટયૂશન રાખવા માટે પણ તમારે સાચા હનુમાન બનવાનું છે.

૪. જીવનમાં સમતોલપણું જરૂરી છે. એમ માની તમારા સ્વસ્થ અને સ્વચ્છ દ્રષ્ટિકોણને વિકસવાની તક આપજો.

૫. ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ પારખી અર્જુન બનવાની કોશિશ કરજો, દુર્યોધન બનવાની નહીં.

૬. દેશપ્રેમને ઉભરાનો વિષય બનાવશો નહીં. એને કાયમી આદર્શ તરીકે અપનાવજો.

૭. જીવનમાં ચારિત્ર્યને આગવું સ્થાન આપજો અને એની રક્ષા માટે જે કાંઈ મૂલ્ય ચૂકવવું પડે તે ચૂકવવા સદાય તૈયાર રહેજો.

૮. જીવન પાસે યાચક બનીને નહીં પણ આદર્શ સંપન્ન નાગરિક તરીકે ઉપસ્થિત રહેજો.

૯. મશહૂર થવા મોટા ખોટા રસ્તા અપનાવશો નહીં એવી આદત અંતે નુકસાનકારક સાબિત થાય છે.

૧૦. ગગનચૂંબી ઈમારતો માણસમાં ગગનચૂંબી આત્મવિશ્વાસ ન સર્જી શકે તો આટલી બધી ભૌતિક પ્રગતિનો અર્થ પણ શો ?

૧૧. શ્રીરામ હોય કે કૃષ્ણ, યુધિષ્ઠિર હોય કે દેવ સૌના જીવનમાં દ્વિધા અને સંશય એક તબક્કે જન્મ લે છે ત્યારે અંધશ્રદ્ધાને બદલે વિવેકપૂર્ણ શ્રદ્ધા અને સત્યનિષ્ઠ નિર્ણય કરવા માટે તેયાર રહેવું એ સર્વોત્તમ ધર્મ છે. 'સત્યમેવ જ્યતે' કદી ન ભૂલશો.

Related News

Icon