Home / GSTV શતરંગ : Shatdal: Parents also murdered before investigation into son's death begins!

શતરંગ / પુત્રના મૃત્યુની તપાસ શરૂ થતાં પહેલાં માતાપિતાની પણ હત્યા!

શતરંગ / પુત્રના મૃત્યુની તપાસ શરૂ થતાં પહેલાં માતાપિતાની પણ હત્યા!

- કાર પાસે હત્યા કરીને હત્યારાએ એની લાશને પાટા પાસે ગોઠવી દીધી છે. આ કેસ આત્મહત્યાનો નથી, કોઈકે ગૌતમની ક્રૂર હત્યા કરીને એ જાણે આત્મહત્યા લાગે એવી ગોઠવણ કરેલી છે!

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- અનંત ઓરંગ

- મહેલ જેવો બંગલો

દેશી-વિદેશી પ્રવાસીઓને કેરળનું પ્રલોભન હોય છે. કેરળના કોટ્ટયમ જિલ્લાનું મુખ્ય મથક કોટ્ટયમ શહેર ''અક્ષર નગરી''તરીકે ઓળખાય છે, કારણ કે છેક ૧૯૮૯ થી અહીં સો ટકા લિટરસી રેટ છે, એ છતાં ક્રાઈમ રેટ પણ ઊંચો છે! તારીખ ૨૦-૪-૨૦૨૫, મંગળવારે અહીં થયેલી બેવડી હત્યાનો કોઈ છેડો તારીખ ૩-૬-૨૦૧૭ ની ઘટના સાથે સંકળાયેલો છે કે નહીં- એની તપાસ પણ CBI  કરશે.

ઈન્ડિયન એરફોર્સના અધિકારીપદેથી નિવૃત્ત થયા પછી વિજયકુમાર અને એમના પત્ની ડો. મીરા થોડા વર્ષો સાઉદી અરેબિયામાં રહ્યા, એ પછી વતન કોટ્ટયમમાં આવીને એમણે શહેરની મધ્યમાં ઈન્દ્રપ્રસ્થ ઓડિટોરિયમ-વૈભવશાળી કન્વેન્શન હોલ- બનાવ્યો. એમનો મહેલ જેવો આલિશાન બંગલો હોલથી પાંચ મિનિટના અંતરે વીરૂવથીક્કલ વિસ્તારમાં આવેલો છે.

વિજયકુમાર અને મીરાને સંતાનમાં એક પુત્ર ગૌતમ અને એક પુત્રી ગાયત્રી. તારીખ ૨-૬-૨૦૧૭ ની સાંજે ગૌતમે ફોન કરીને માતાને પૂછયું કે હું ઘેર આવું ત્યારે તારી ભાવતી કોઈ આઈટમ લેતો આવું? મીરાએ કહ્યું કે ઘેર આપણી ભાવતી રસોઈ બની ગઈ છે, માટે તું સીધો જ ઘેર આવી જા. પરંતુ સવાર સુધી ગૌતમ આવ્યો નહીં એટલે ચિંતાતુર મા-બાપે પોલીસસ્ટેશને જઈને પુત્ર ગૂમ થયાની ફરિયાદ નોંધાવી. કલાક પછી પોલીસે એમને જાણ કરી કે સોરી! ગૌતમે રેલ્વે ટ્રેક પર પડતું મૂકીને આત્મહત્યા કરી છે!

કરોડપતિ મા-બાપનો એકનો એક સંસ્કારી યુવાન દીકરો આત્મહત્યા શા માટે કરે? ભાંગી પડેલા વિજયકુમાર ઘટનાસ્થળે પહોંચીને ચોંકી ઉઠયા. ગૌતમની લોક થયેલી કાર રેલ્વેના પાટાથી બસો મીટર દૂર હતી. કારના બારણાં પર અને સીટ પર લોહીના ધાબા હતા. એક છરો પણ સીટ પર પડયો હતો. ગૌતમની લાશ રેલ્વેના પાટાની પાસે પડેલી હતી અને એની ગરદન પર છરાના સંખ્યાબંધ પ્રહાર થયેલા હતા. કારમાં જે રીતે લોહી પથરાયેલું હતું એ જોઈને એમણે પોલીસને પૂછયું કે આટલો ઘાયલ થયેલો માણસ બસો મીટર કઈ રીતે ચાલી શકે? વળી, એણે પાટા પર પડતું નથી મૂક્યું. અહીં કાર પાસે હત્યા કરીને હત્યારાએ એની લાશને પાટા પાસે ગોઠવી દીધી છે. આ કેસ આત્મહત્યાનો નથી, કોઈકે ગૌતમની ક્રૂર હત્યા કરીને એ જાણે આત્મહત્યા લાગે એવી ગોઠવણ કરેલી છે!

ગૌતમની હત્યા થઈ છે, એવો કેસ નોંધવામાં આવે તો પોલીસનું કામ વધી જાય, પણ જો આત્મહત્યા ગણવામાં આવે તો ફટાફટ ફાઈલ બંધ થઈ જાય. પોલીસે શોર્ટકટ પસંદ કર્યો અને આત્મહત્યાનો જ કેસ નોંધ્યો. નિવૃત્ત એરફોર્સ અધિકારી વિજયકુમાર પોલીસની આ વાત માનવા તૈયાર નહોતા, એકના એક દીકરાના હત્યારા પકડાય અને એમને સજા મળે, એ માટે એ કાયદેસરની લડત આપવા મક્કમ હતા. એમાં એમણે અસફઅલી (એક્સ.ડાયરેક્ટર જનરલ ઓફ પ્રોસિક્યુશન) ની મદદ લીધી અને કેરળ હાઈકોર્ટમાં આ કેસની તપાસ સીબીઆઈને સોંપાય એવી માગણી કરી. ૨૦૧૯થી એમનો કેસ ચાલુ થયેલો. લાંબી કાનૂની લડાઈ પછી હાઈકોર્ટે કબૂલ કર્યું કે કોઈ વ્યક્તિ પોતાની જાતે ગરદન પર આવી રીતે આટલા પ્રહાર ના કરી શકે અને એ આટલી ઘાયલ દશામાં બસો મીટર ચાલી પણ ના શકે! માર્ચ, ૨૦૨૫માં હાઈકોર્ટના આદેશથી સીબીઆઈએ એફ.આઈ.આર. દાખલ કરી અને ગૌતમના કેસની ફરીથી તપાસ શરૂ કરી!

આ ચુકાદાથી ન્યાય મળશે એવી આશા સાથે વિજયકુમાર (૬૫ વર્ષ) અને મીરા (૬૦ વર્ષ) ખૂબ ખુશ હતા. 

વિજયકુમાર દરરોજ સવારે સાડા દસ વાગ્યે ઈન્દ્રપ્રસ્થ ઓડિટોરિયમ પહોંચી જતા હતા. એમની શાનદાર ઓફિસ તો પહેલા માળે હતી, પરંતુ એ રિસેપ્શન એરિયામાં સોફા પર બેસીને સ્ટાફના માણસો સાથે વાત્સલ્યથી વાતો કરતા હતા. ગૌતમના અવસાન અગાઉ મીરાદેવી પણ અહીં આવતા હતા, પરંતુ પુત્રના અકાળ અવસાનથી એ હતાશામાં ડૂબીને બંગલામાં જ રહેતા હતા. ગૌતમની કાર પણ વિજયકુમારે ઓડિટોરિયમમાં સાચવી રાખી હતી. એ કારને સ્પર્શીને પણ એ લાગણીવશ બની જતા હતા.

માર્ચમાં સીબીઆઈ તપાસનો આરંભ થયા પછી આ વૃધ્ધ દંપતીને ન્યાયની આશા બંધાઈ હતી. છ મહિના અગાઉ દીકરી ગાયત્રીના લગ્ન કર્યા હતા અને એ એના પતિ સાથે અમેરિકા રહેતી હતી. સમાચાર જાણીને એને પણ ખુશી થઈ હતી. પરંતુ પરિસ્થિતિએ અણધાર્યો વળાંક લીધો!

વિજયકુમારના મહેલ જેવા બંગલામાં અગિયાર સીસીટીવી કેમેરા હતા. રેવમ્મા નામની કામવાળી સવારે સાડા આઠથી રાત્રે આઠ સુધી બંગલામાં રહેતી હતી. આઉટહાઉસમાં રહેતા પુન્તુરાજની નોકરી રાતની હતી.  ઉપરાંત બોન્ડ નામનો બહેરો માળી પણ આઉટહાઉસમાં રહેતો હતો. તારીખ ૨૦-૪-૨૦૨૫, મંગળવારે સવારે રેવમ્મા સવારે સાડા આઠ વાગ્યે આવી ત્યારે બારણું બંધ જોઈને એને નવાઈ લાગી. રોજ તો મીરાદેવી એને આવકારવા હાજર જ હોય. રેવમ્માએ બારણાંને ધક્કો માર્યો તો બારણું ખુલ્લું જ હતું. ડ્રોઈંગરૂમમાં લોહીથી લથબથ વિજયકુમારની લાશ પડી હતી અને બાજુના ઓરડામાં મીરાદેવીની લાશ પડી હતી! કોઈએ અત્યંત ક્રૂરતાથી બંનેના માથા અને ચહેરા ઉપર કુહાડીના ઘા એવી ભયાનકતાથી માર્યા હતા કે બંનેના ચહેરા પણ ઓળખાય એવા નહોતાં! ડઘાઈ ગયેલી રેવન્ના ચીસાચીસ કરીને બહાર દોડી અને એની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા.

પોલીસે આવીને નોકરોની પૂછપરછ કરી, પરંતુ એમને કંઈ ખબર જ નહોતી. હત્યારો સીસીટીવી કેમેરાઓનું ઘફઇ પણ ઉઠાવી ગયો હતો! ગેટ કૂદીને એ અંદર આવ્યો હશે અને સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી એક બારી ખોલીને એણે અંદર પ્રવેશ કર્યો હશે એવી પોલીસે ધારણા કરી. ઘરમાંથી કોઈ રોકડ કે દાગીના માટે કશું ફેંદાયું નહોતું, એનો અર્થ એ હતો કે માત્ર હત્યાના આશયથી જ એ ઘરમાં આવેલો. હત્યાનું હથિયાર કુહાડી મીરાદેવીની લાશ પાસે પડયું હતું. એના પરના ફિંગરપ્રીન્ટની ચકાસણી શરૂ થઈ. આ બંગલાની પાસે એક ઝરણું વહેતું હતું. ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, તો ઘફઇ લઈને જતો એક યુવાન દેખાયો. એની ચાલ જોઈને રેવમ્મા અને પુન્તુરાજે તરત એને ઓળખીને પોલીસને કહ્યું કે આ તો અમીત ઓરંગ જ છે!

અમીત ઓરંગ નોકરી કરવા માટે છેક આસામથી અહીં કેરળમાં આવ્યો હતો. છેલ્લા ચારેક વર્ષ એણે આ બંગલામાં નોકરી કરી હતી. આઠ મહિના અગાઉ એણે બંગલામાં ચોરી કરી હતી. વિજયકુમારનો મોબાઈલ ચોરીને એમાંથી ગુગલ પે દ્વારા ત્રણ લાખ રૂપિયા એણે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલા હતા. વિજયકુમારે એની ચોરી પકડી પડેલી અને પોલીસ કેસ કરેલો. એમાં અમીતને છ મહિનાની સજા થયેલી અને ૩-૪-૨૦૨૫ ના દિવસે જ એ જેલમાંથી છૂટેલો! એની ધરપકડ થયેલી ત્યારે પોલીસે એના ફિંગરપ્રીન્ટ લીધેલા. એ ફિંગરપ્રીન્ટ અને કુહાડી પરના ફિંગરપ્રીન્ટ મેચ થઈ ગયા એટલે હવે પોલીસે માત્ર અમીતને શોધવાનું કામ જ કરવાનું હતું.

બંને હત્યા કરીને ભાગતી વખતે અમીતે ઘફઇ ની સાથે વિજયકુમારનો અને મીરાદેવીનો મોબાઈલ પણ ઉઠાવી લીધો હતો.

અમીતે મૂર્ખામી એ કરી કે કઈ તરફ જવું એ નક્કી કરવા માટે એણે ગુગલ મેપનો સહારો લીધો, એ પણ વિજયકુમારનો મોબાઈલ વાપરીને! એ ભાગતો હતો અને એ ક્યાં જાય છે એની પૂરેપૂરી જાણકારી પોલીસને મળતી હતી. પોલીસ એની પાછળ જ હતી. કોઈ પરિચિત આસામીની મદદથી થ્રીશુર જિલ્લાના માલા ગામના એક પોલ્ટ્રિફાર્મમાં એ સંતાયો હતો, ત્યાંથી પોલીસે તારીખ ૨૩-૪-૨૦૨૫ ના દિવસે એને દબોચી લીધો!

અમીત ઓરંગ પાસેથી પોલીસને દસ મોબાઈલ અને વીસ સિમકાર્ડ મળ્યા. જિલ્લા પોલીસ વડા શાહુલ હમીદે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમીતે ગુનાની કબૂલાત કરી લીધી છે અને સીસીટીવી ફૂટેજ અને ફિંગરપ્રીન્ટના સજ્જડ પુરાવા પણ અમારી પાસે છે. એ ઉપરાંત, અમીત સ્ટેશન પાસેના એક ગેસ્ટહાઉસમાં રાત રોકાયેલો હતો. ત્યાંના મેનેજરે નિવેદન આપ્યું છે કે રાત્રે ત્રણ વાગ્યે એ ગેસ્ટહાઉસમાં પાછો આવ્યો ત્યારે એના કપડાં લોહીથી ખરડાયેલાં હતાં, અને વહેલી સવારે જ એ ચેકઆઉટ કરીને ભાગી ગયો હતો. 

આ તમામ પુરાવાના આધારે એને ચોક્કસ સજા થશે. હત્યાના કારણમાં (અમીતે જણાવ્યા મુજબ) અમીત જ્યારે વિજયકુમારના બંગલામાં નોકરી કરતો હતો, એ દરમ્યાન એને ઓડિટોરિયમાં સફાઈકામ કરનારી બિહારી યુવતી સાથે પ્રેમ થયો હતો, અને બંનેએ ચોરીછૂપીથી લગ્ન પણ કરી લીધા હતા. પેલી યુવતી પ્રેગ્નન્ટ હતી, એ જ અરસામાં અમીતે વિજયકુમારનો મોબાઈલ ચોરીને ત્રણ લાખ રૂપિયાની ઉચાપત કરેલી અને વિજયકુમારે એને પકડાવી દીધેલો. એ જેલમાં ગયો, એટલે પેલીએ સંબંધ કાપી નાખ્યો. અધૂરામાં પૂરું એને મિસકેરેજ પણ થઈ ગયું! પત્નીએ તરછોડી દીધો, આવનારું બાળક જન્મે એ પહેલાં જ એ મરી ગયું - આ બધા માટે વિજયકુમાર જ જવાબદાર છે એવી લાગણીને લીધે અમીતે અત્યંત ક્રૂરતાથી બદલો લીધો!

એના પતિ સાથે ગાયત્રી અમેરિકાથી આવી એ પછી વિજયકુમાર અને મીરાદેવીની અંતિમવિધિ કરવામાં આવી. કેરળ સરકારના પ્રધાન ઉપરાંત કોટ્ટયમના ધારાસભ્યો અને શહેરના મેયર સહિત સેંકડો નાગરિકો સ્મશાનયાત્રામાં સહભાગી બન્યા હતા.

આઠ વર્ષ અગાઉ ગૌતમની હત્યા થઈ હતી. અત્યારે અમીત ઓરંગે જે કબૂલાત કરી છે, એની સાથે ગૌતમની હત્યાના કેસને કોઈ સંબંધ હોય એવું પહેલી નજરે તો લાગતું નથી, એ છતાં, એ સમયે વિજયકુમારનો કેસ લડનાર અસફઅલી (એક્સ.ડાયરેક્ટર જનરલ ઓફ પ્રોસિક્યુશન) માને છે કે ગૌતમ હત્યા કેસની તપાસ કરતી વખતે સીબીઆઈને આની કોઈક કડી જડી જશે.

છેક આસામથી દેશના બીજા છેડે પેટિયું રળવા આવેલો અમીત ઓરંગ બદલાની ભાવનાથી હત્યારો બની ગયો. હવે જેલની દીવાલો સામે તાકીને સજાની પ્રતીક્ષા કરે છે!

- ક્રાઈમવૉચ

-મહેશ યાજ્ઞિક

Related News

Icon