Home / GSTV શતરંગ : So much has been written about mother why not about father

GSTV શતરંગ / મા વિશે તો ખૂબ લખાયું કેમ ન પપ્પા વિશે

GSTV શતરંગ / મા વિશે તો ખૂબ લખાયું કેમ ન પપ્પા વિશે

- અંતરનેટની કવિતા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લોગઇન :

કવિઓને ને લેખકોને સમજાવો કોઈ રીતે,

મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?

બાપ બન્યો એ ત્યારે એની આંખોમાં ઝાંકેલું?

સપનાઓનું એક પતંગિયું એમાં પણ નાચેલું.

એની કદર પણ થવી જ જોઈએ સર્જનહાર તરીકે,

મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?

ઘણા દિવસ તો એ પણ એક જ પડખે સૂઈ રહેલો,

ઘણા દિવસ તો પત્નીથી પણ અળગો થઈ ગયેલો,

તો પણ બજાર, બેન્ક બધે બસ મુન્નો એની જીભે

મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે?

માને યાદ કરતાની સાથે પાલવનો છાંયડો, ખોળાની હૂંફ, રસોઈનો સ્વાદ, અને અપાર વહાલ આપોઆપ ઊભરી આવે. પણ પિતા... એ હોય છે દ્વારની બહાર ઘસાયેલા પગરખામાં, બંધ પડેલી ઘડિયાળમાં, પુરાણા વાહનની ઘરઘરાટમાં, બારણા પાછળ લટકાવેલ જૂના શર્ટમાં, જે બારણું ઊઘડતાની સાથે ઢંકાઈ જાય. ક્યારેક તે હોય છે ઘરની કોઈ જૂની છત્રીમાં, જેણે વર્ષો સુધી પરિવાર પડતા તાપ, ટાઢ, ચોમાસાં ઝીલ્યા હોય છે, પણ જેવી મોસમ પતે કે માળિયે ચડી જાય. 

માનો મર્માળુ સ્નેહ જગતમાં બધે ગવાયો, પણ પિતા એ ચોકથી થોડેક દૂર અંધારી ગલીમાં ખોવાઈ ગયેલા નામ જેવા છે. તેમને સમજવા સરળ નથી. તે ન પોતાનો થાક જણાવે છે, ન તો પસંદગી. તે એક એવા આગિયા જેવા હોય છે, જે અંધારામાં પ્રકાશિત થઈને અજવાળામાં ખોવાઈ જાય છે. 

દરેક પિતા પાસે ગજબનું ગાંભીર્ય હોય છે - ભારે, ઠોસ, અને ખૂબ જરૂરી. તેમનું ગાંભીર્ય બાળપણમાં ધમકી જેવું જેવું લાગે, કિશોરાવસ્થામાં સરમુખત્યાર જેવું, યુવાનીમાં પડકાર સમાન, એ સમયે તે લાઇબ્રેેરીના જૂનાં પુસ્તક દેખાય, જેને વાંચવાની ઇચ્છા જ ન થાય. પણ પોતે પિતા બનીએ ત્યારે ખબર પડે કે એ જર્જરિત પુસ્તક નહોતા, મહાકાવ્ય હતા, અને આપણે વાંચવામાં મોડું કરી નાખ્યું. આધેડ ઉંમરે પહોંચીએ ત્યારે સમજાય કે એમના કૂવા જેવા ઊંડા ગાંભીર્યના તળિયે તો નર્યો નિતરતો પ્રેમ હતો - અમૃતનો દરિયો. 

ગમે તેટલો થાક હોય, છતાં બાળકનું મુખ જોતાની સાથે પિતાનો ચહેરો ખીલી ઊઠે. પણ શું એ થાક માત્ર કામનો હોય છે? ના, આ થાક હોય છે જવાબદારીઓનો, પોતાના અધૂરાં સપનાંઓનો, અને એવા સંઘર્ષનો જે માત્ર ને માત્ર પોતે જોઈ શકે છે. બાળક માંદું હોય તો મા રાતભર જાગે, પણ પિતા સૂઈ ગયાનો ઢોંગ કરીને બાજુમાં પડયા રહે. બાળકના ખાંસવાનો અવાજ આવે તો આપોઆપ તેમનું શરીર પથારીમાંથી ઊભું થઈ જાય. જ્યારે મા એમ કહે, તમે સૂઈ જાવ, સવારે કામે જવાનું છે, ત્યારે તે એટલું જ કહે, હું તો સૂઈ ગયો'તો, અવાજ આવ્યો તો ઊંઘ ઊડી ગઈ. પણ હકીકતમાં એમની આંખોએ ઊંઘને ચાખી પણ નથી હોતી. છતાં સવારે ઊઠીને ચુપચાપ કામે ચાલી જાય છે. તે જાગે છે, જેથી પરિવાર નિરાંતે ઊંઘી શકે. 

બાળક પડી જાય તો માનો જીવ ઊંચો થઈ જાય, દોડીને બાથોડી લે. પણ પિતા દૂર ઊભા રહીને તેને પડતું જોઈ રહે, એ રાહ જુએ કે તેના જાતે ઊભા થઈ જવાની, આ નિર્દયતા નથી, આ એવો પ્રેમ છે, જે આત્મનિર્ભરતા તરફ દોરી જાય છે. પિતાની આંખો રડે છે, પણ એકાંતમાં. એ જાણે છે કે દરિયો તૂટે પૃથ્વી રસાતાળ જાય. એનો પરિવાર એ જ એની પૃથ્વી છે. 

સમય જતા આપણે માની વધારે નજીક આવીએ, અને પિતાથી વધારે દૂર. કેમકે મા નદી જેવી છે, તેમાં ઓગળી જવાની ઇચ્છા થાય, જ્યારે પિતા ખરબચડા પર્વત જેવા. કોઈ પહાડને બાથ ક્યાંથી ભરી શકે? માત્ર તેની છાંયામાં ઊભા રહી શકે. 

બાળકની આંખમાં આખું આકાશ તરવરતું હોય, પણ તે આકાશ આવ્યું હોય છે પિતાના ખિસ્સામાંથી. પિતાનો પ્રેમ પ્રદર્શન નથી કરતો, એ ચૂપચાપ તમારી સ્કૂલના ફોર્મ ભરી દે, ખબર ન હોય તેમ કોચિંગ ક્લાસની ફી જમા કરી દે, તમે જ્યારે નવા જાકીટમાં શોભતા હોવ, ત્યારે શિયાળામાં જૂના સ્વેટરમાં થિજીને પડયો હોય છે પિતાનો પ્રેમ. તેમના વિચારો તમને જૂના એટલા માટે લાગતા હોય, કેમકે પોતાની તમામ નાવિનતા તેમણે તમને આપી હોય છે. 

પિતાના ગયા પછી તેમનો વારસો મિલકતમાં શોધવાને, મહેનતમાં શોધતા બાળકોને ફાધર્સ ડે ઉજવવાની જરૂર નથી હોતી. કેમકે તેઓ જાણે છે, પિતા એક એવું ઝાડ છે, જેના  છાંયડા નીચે બેસીને આપણે મોટા થઈએ. તેનાં ફળ-ફૂલથી રાજી થઈએ, પણ તેનાં મૂળ જમીનમાં ક્યાં, કેટલાં ધરબાયેલાં છે, તે આપણે ક્યારેય નથી જાણી શકતા. વૃક્ષ પડી ભાંગે ત્યારે પણ નહીં. 

- અનિલ ચાવડા

લોગઆઉટ:

દીકરી આવી ત્યારે પણ રાખી'તી ભવ્ય ઊજાણી

સાસરિયે ગઈ, તો પપ્પાની આંખો બહુ ભીંજાણી

આખું ઘર સચવાઈ રહે છે પપ્પાની છત નીચે,

મા વિશે તો ખૂબ  લખાયું, કેમ ન પપ્પા વિશે ?    

- ભરત ભટ્ટ  'પવન'

Related News

Icon