Home / GSTV શતરંગ : The door to true life is missed

GSTV શતરંગ / સાચા જીવનનું દ્વાર ચૂકી જવાય છે 

GSTV શતરંગ / સાચા જીવનનું દ્વાર ચૂકી જવાય છે 

- ઝાકળ બન્યું મોતી

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક ઘનઘોર જંગલ હતું. એમાં એવી તો ગીચ ઝાડી કે સૂર્યનો તડકો પણ જમીનને સ્પર્શે નહીં. આ જંગલમાંથી નીકળવાનો એક જ માર્ગ હતો, જો એ માર્ગ મળી જાય તો જંગલમાંથી બહાર નીકળાય. જો એ માર્ગ ન મળે તો જંગલમાં અથડાવું-કૂટાવું પડે. એ માર્ગની બંને બાજુ દીવાલ હતી. આ દીવાલ પૂરી થતાં એક દરવાજો આવતો હતો. આ દરવાજો એ બહારની દુનિયા માટે જંગલનું પ્રવેશદ્વાર ગણાતો હતો.

આ જંગલમાં એક અંધ માનવી ભૂલો પડયો. અહીં તહીં ઘણું ભટક્યો પણ ક્યાંય કોઇ માર્ગ ન જડે. હવે કરવું શું?

બરાબર આ જ સમયે એક બીજો વટેમાર્ગું ત્યાંથી નીકળ્યો. એણે જોયું તો ભયાનક જંગલમાં કોઇ અંધ માનવી ભૂલો પડયો છે.

એ અંધને દોરીને રસ્તાની દીવાલ પાસે લઇ આવ્યો અને કહ્યું કે આ દીવાલે દીવાલે આગળ જજે, એમ કરતાં કરતાં જંગલમાં બહાર નીકળવાનો દરવાજો આવશે.

અંધ માનવી દીવાલને ટેકે ટેકે ચાલવા માંડયો. આગળ ચાલતો જાય અને વિચારે કે હમણાં દ્વાર આવશે. એમ ચાલતા ચાલતા દ્વાર આવવાનું જ હતું ત્યાં એને માથે ખંજવાળ આવી. એ ખંજવાળવા ગયો અને દ્વાર ચૂકી ગયો.

એ પછી એ અંધ માનવી જંગલમાં આમતેમ ભટકતો રહ્યો.

માનવીના જીવનમાં પણ આવું જ બનતું હોય છે. ભૌતિક જગતમાં સર્વત્ર ભટકતા જીવનમાંથી બહાર આવવા એ કોશિશ કરે છે. દીવાલના ટેકે ટેકે એ દ્વાર શોધતો આગળ ચાલ્યા કરે છે, પરંતુ એમાંથી બહાર નીકળવાનો અવસર આવે ત્યારે એને લાલસાની ખંજવાળ આવે છે. એ ધનની ઇચ્છા હોય, એ વાસનાની તૃપ્તિ હોય કે સત્તાની ઝંખના હોય એ ખંજવાળ જીવનમાં પ્રમાદના સ્વરૂપમાં પણ આવે છે.

એવી ખંજવાળ આવતા માનવી સાચા જીવનનું દ્વાર ચૂકી જાય છે. અધ્યાત્મ ભણી જવાતો અપૂર્વ અવસર ગુમાવી બેસે છે. કોઇ મોહિની નાનકડી ખંજવાળથી જીવનની મહાનતા ગુમાવી બેસે છે. આથી જ સતત જાગૃતિ એ જીવનનો ધર્મ મનાયો છે. એવી જાગૃતિ કે જેથી જીવનનું દ્વારા મળી જાય.

- કુમારપાળ દેસાઈ

 

Related News

Icon