
- સાઈન-ઈન
- ભારત પાંચમી જનરેશનના સ્વદેશી ફાઈટર જેટ બનાવીને અમેરિકા-ચીન-રશિયાની હરોળમાં બેસી જશે. ઈન્ડિયન એરફોર્સની શક્તિમાં અનેકગણો વધારો થશે...
5G ટેકનોલોજીના જમાનામાં આ શબ્દનો પ્રચલિત અર્થ થાય છે -મોબાઈલ નેટવર્ક. વાયરલેસ મોબાઈલ નેટવર્કની પાંચમી જનરેશન એટલે 5G. આ વ્યાખ્યા પ્રચલિત ભલે મોબાઈલ નેટવર્ક માટે હોય,પરંતુ એનો બ્રોડ મીનિંગ પણ થાય છે. ઘણાં ક્ષેત્રોમાં પ્રોડક્ટ્સ કે ટેકનોલોજીની જનરેશન બદલાય તેમ 4G-5Gના છોગાં લગાવવામાં આવે છે. તેના પરિણામે જ સ્કૂટરથી લઈને કમ્પ્યુટર્સ સુધી 5Gનું ટેગ લગાડવામાં આવે છે.
એવું જ એક ક્ષેત્ર છે મિલિટરી એરક્રાફ્ટનું. ૨૧મી સદીનાં લડાકુ વિમાનો 5Gની દુનિયામાં પ્રવેશી ગયા છે. અમેરિકા-ચીન-રશિયાએ પાંચમી જનરેશનના લડાકુ વિમાનો બનાવીને આકાશી યુદ્ધને ઘાતક બનાવ્યા પછી અન્ય દેશો પણ એવા અત્યાધુનિક લડાકુ વિમાનો વસાવવાની કવાયત કરી રહ્યા છે.
બરાબર એવા સમયે ભારતે કોઈ દેશ પાસેથી તૈયાર 5Gફાઈટર જેટ ખરીદવાને બદલે પાંચમી પેઢીના સ્વદેશી લડાકુ વિમાનો બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે અને તેના મોડલને મંજૂરી આપી દીધી છે. ભારત સરકારે ખાનગી કંપનીઓની ભાગીદારી માટેય તૈયારી બતાવી છે. ખાનગી કંપનીઓ અને સરકારના સંયુક્ત સાહસથી સ્વદેશી ફાઈટર જેટ નામે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ)નું નિર્માણ ૨૦૨૮થી થશે ને સંભવત: ૨૦૩૫ સુધીમાં એ એરફોર્સમાં સામેલ થશે.
તે સાથે જ અમેરિકા-ચીન-રશિયાની હરોળમાં ભારતે પણ સ્થાન મેળવશે. ફિફ્થ જનરેશનના લડાકુ વિમાનો બનાવવામાં હજુ સુધી માત્ર ત્રણ દેશોને જ સફળતા મળી છે. ભારત એ દિશામાં અગ્રસર થનારો ચોથો દેશ બન્યો છે. આ વિમાનો ઈન્ડિયન એરફોર્સમાં સામેલ થશે એટલે ઈન્ડિયન એરફોર્સ ફિફ્થ જનરેશનમાં પ્રવેશ કરીને વધુ શક્તિશાળી બનશે.
વેલ, ભારતે સત્તાવાર જે ફિફ્થ જનરેશનના ફાઈટર જેટના યુગમાં પ્રવેશ કર્યો છે એ ફિફ્થ જનરેશનના લડાકુ વિમાનો વિશે જાણી લઈએ...
***
ફ્રાન્સ અને ઈટાલીએ ૧૯૧૦માં વિમાનોને લશ્કરમાં સમાવ્યા હતા. એ સાથે લશ્કરમાં વિમાનોના ઉપયોગનો યુગ શરૂ થયો હતો. ૧૯૧૧માં ઈટાલી અને તુર્કી વચ્ચે યુદ્ધ થયું એમાં પહેલી વખત વિમાનમાંથી ભૂમિદળ ઉપર ગ્રેનેડ ફેંકવામાં આવ્યાં હતાં. એ વિમાનનો લશ્કરમાં પહેલો પ્રયોગ હતો ને ત્યાર પછીના યુદ્ધોમાં વિમાનો નિર્ણાયક બનવાના હતા.
પ્રથમ વિશ્વયુદ્ધમાં વિમાની હુમલાઓએ બહુ જ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. એ પછીનાં નાનાં-મોટાં યુદ્ધોમાં વિમાની હુમલા થવા માંડયા હતા. તે વખતે જે શક્તિશાળી દેશો હતા તેમણે લશ્કરમાં વાયુસેનાનો જુદો વિભાગ બનાવ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં તો વિમાનોએ તેમની ખરી ક્ષમતાનો પરચો આપ્યો. જેમની વાયુસેના મજબૂત હતી તેમને યુદ્ધમાં દેખીતો ફાયદો થતો હતો.
આમ બંને વિશ્વયુદ્ધોએ વિમાનોને યુદ્ધમાં અનિવાર્ય પરિબળ બનાવી દીધું. બંનેમાં વિમાનો જ નિર્ણાયક સાબિત થયા. પ્રથમ વિશ્વયુદ્ધ અને એ પૂરું થયાના દાયકા સુધી જે વિમાનો વપરાતાં હતાં એમાં સિવિલ એરક્રાફ્ટ અને મિલિટરી એરક્રાફ્ટ એ પ્રકારના સ્પષ્ટ વિભાગો ન હતા. એ ભાગ પડયા સેકન્ડ વર્લ્ડવોરથી. ને તે સાથે જ ફર્સ્ટ જનરેશનના લશ્કરી વિમાનોનું નિર્માણ પણ શરૂ થયું. ૧૯૪૨થી ૧૯૪૮ સુધી જે વિમાનો બન્યા એ ફર્સ્ટ જનરેશનના કહેવાયા. ૧૯૪૯-૫૦થી ૧૯૫૩ના સમયગાળામાં બનેલા લડાકુ વિમાનો સેકન્ડ જનરેશનના ગણાયા. અમુક એર હિસ્ટોરિયન્સ એ સમયગાળાને ૧૯૬૦ સુધી પણ લંબાવે છે. ૧૯૬૦થી ૧૯૭૦ના દશકામાં નિર્મિત ફાઈટર જેટ્સ ત્રીજી પેઢીના કહેવાયા. ૧૯૭૦માં ફોર્થ જનરેશનના વિમાનો માટે પ્રયોગો શરૂ થયા હતા. ૧૯૮૦ પછી સક્રિય થયેલા લડાકુ વિમાનો ચોથી પેઢીના ગણાય છે.
***
જુદી જુદી જનરેશન માટેય ટેકનોલોજીની એવી કોઈ સ્પષ્ટ વ્યાખ્યા ન હતી. છેક ૧૯૯૦ પછી આ પ્રકારના વર્ગીકરણને મોટાભાગના ડિફેન્સ એક્સપર્ટ્સ, ઈતિહાસકારોએ માન્યતા આપી. ૨૦મી સદી પૂરી થઈ ત્યાં સુધી બનેલા બધા જ લડાકુ વિમાનો આ ચારમાંથી કોઈ એક જનરેશનના હતાં. ૧૯૯૦ પછીના ગાળામાં ફોર્થ જનરેશનથી વધારે આધુનિક વિમાનો બનાવવાની દિશામાં સંશોધનો શરૂ થયા હતા અને તેના પરીક્ષણોય થયા,છતાં ૨૧મી સદીની શરૂઆત સુધી જનરેશન બદલાઈ નહીં. અત્યારે અમેરિકા-રશિયા-ચીનને બાદ કરતાં બધા જ દેશોની વાયુસેના પાસે ચોથી જનરેશનના લડાકુ વિમાનો છે.
૨૦૦૫માં પાંચમી જનરેશનનું લડાકુ વિમાન અમેરિકન વાયુસેનામાં સામેલ થયું. લોકહીડ માર્ટિને બનાવેલું એફ-૨૨ ફિફ્થ જનરેશનનું પ્રથમ ફાઈટર જેટ હતું. પછી તો આ જ કંપનીએ ૨૦૧૫માં એફ-૩૫ વિમાન બનાવ્યું હતું. બે મોડલ સાથે ફિફ્થ જનરેશનના લડાકુ વિમાનોમાં અમેરિકાએ દબદબો બનાવ્યો. અમેરિકાએ ૧૧૦૦થી વધુ 5G લડાકુ વિમાનો બનાવ્યા છે.
૨૦૧૭માં વાયુસેનામાં લડાકુ વિમાનો સમાવનારો ચીન બીજો દેશ બન્યો હતો. ચીને જે-૨૦ વિમાનનું નિર્માણ કરીને અમેરિકાની સમકક્ષ ક્ષમતા હાંસિલ કરી હતી. ચીન આ પ્રકારના ૧૮૦ વિમાનો બનાવી ચૂક્યું છે. ૨૦૨૦માં આ યાદીમાં સુખોઈ-૫૭ સાથે રશિયા ત્રીજો દેશ બન્યો હતો. રશિયાએ ત્રણેક ડઝન સુખોઈ-૫૭ બનાવ્યા છે.
બે-ચાર વર્ષમાં ભારત ફિફ્થ જનરેશનનું વિમાન વિકસાવી લેશે તો આ સિદ્ધિ મેળવનારો ત્રીજો દેશ બનશે. જોકે,ભારત માટે આ સિદ્ધિ સરળ નથી. તુર્કી, દક્ષિણ કોરિયા,સ્વીડન,જાપાન જેવા દેશો પણ ફિફ્થ જનરેશનના લડાકુ વિમાનો વિકસાવવાની સ્પર્ધામાં છે. વળી,અમેરિકા-ચીન-રશિયા પાસેથી ખરીદીને કોઈ દેશ ફિફ્થ જનરેશનના લડાકુ વિમાનોથી સજ્જ થશે એ જુદાં,પરંતુ ભારત સ્વદેશી ટેકનિકથી આ કામ પાર પાડશે એ મહત્ત્વની બાબત ગણાશે.
ચીન પાકિસ્તાનને 5G ફાઈટર જેટ આપશે
ચીન અને પાકિસ્તાન વચ્ચે આધુનિક ફાઈટર વિમાન માટે વાટાઘાટો ચાલતી હતી. પાકિસ્તાન ચીન પાસેથી જે-૩૫એ વિમાનો ખરીદવા ઈચ્છે છે. આર્થિક બદહાલી વચ્ચે આખો દેશ આર્થિક સહાય પર ચાલે છે છતાં યુદ્ધખોર પાકિસ્તાનને ગમે તેમ કરીને આધુનિક લડાકુ વિમાનો ખરીદવા છે. એમાંય ભારતની એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનના વળતા બધા જ એર એટેક નાકામ થયા એટલે પાકિસ્તાન એરફોર્સને મજબૂત બનાવવા પ્રયાસો કરે છે.આમ તો ચીનનું જે-૨૦ વિમાન અત્યારના માપદંડો પ્રમાણે ફિફ્થ જનરેશનનું લડાકુ વિમાન ગણાય છે,પરંતુ ફિફ્થ જનરેશનની એક વિશેષતા સ્ટીલ્ધ (રડારમાં પકડાયા વગર ગુપ્ત રહેવાની ક્ષમતા) છે,જે-૩૫માં છે,એટલે ચીન તેને 5G ગણાવીને પાકિસ્તાનને આપશે. ચીનના આ લડાકુ વિમાનને ટક્કર આપે એવું ભારત પણ તેજસ એમકે-૨ નામનું વિમાન વિકસાવે છે.
અમેરિકા-રશિયાએ ભારતને 5G ફાઈટર જેટ વેચવા ઘણા પ્રયાસો કર્યા હતા
શસ્ત્રોની ખરીદીમાં ભારત આખા જગતમાં પ્રથમ ક્રમે રહે છે. આ વર્ષે અત્યાર સુધીમાં રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે એટલે ભારત બીજા સ્થાને ધકેલાયું છે ને યુક્રેને પહેલો ક્રમ મેળવ્યો હતો. એ સિવાય છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતે પહેલો ક્રમ જાળવી રાખ્યો હતો. ભારતની ઈમેજ જ શસ્ત્રના આયાતકાર દેશની છે. અમેરિકા, રશિયા,બ્રિટન,ફ્રાન્સ,ઈઝરાયલ જેવા દેશો પાસેથી ભારત શસ્ત્રો,લડાકુ વિમાનો,મિસાઈલો,મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ વગેરે અબજોના બજેટથી ખરીદે છે.
ડિફેન્સ ડીલમાં ભારતનો આ રેકોર્ડ જોઈને જ અમેરિકા અને રશિયા બંનેએ ભારતને ફિફ્થ જનરેશનના લડાકુ વિમાનો વેચવા પ્રયાસો કર્યા હતા. તે એટલે સુધી કે આ વર્ષની શરૂઆતમાં જ ભારતમાં યોજાયેલા એર શૉમાં રશિયાએ ૫જી ફાઈટર જેટ સુખોઈ-૫૭ અને અમેરિકાએ એફ-૩૫ પ્રદર્શન-માર્કેટિંગ માટે મોકલ્યું હતું. બંને એકમેકથી ચડિયાતા છે એ દર્શાવવામાં અમેરિકા-રશિયાના ફાઈટર પાયલટ્સે કોઈ કસર છોડી ન હતી. બંને દેશોને એવી અપેક્ષા હતી કે ભારત તેમને 5G લડાકુ વિમાનોનો ઓર્ડર આપશે.
રશિયા-ભારત વચ્ચે તો દોઢેક દશકા પહેલાં ફિફ્થ જનરેશનના લડાકુ વિમાનો સંયુક્ત રીતે વિકસાવવાની સહમતી સુદ્ધાં થઈ હતી,પરંતુ એ રફકામ કરાર સુધી પહોંચ્યું નહીં. ૨૦૧૭-૧૮ સુધી વાટાઘાટો ચાલતી હતી,પરંતુ એ પછી કોઈ કારણથી એ સહમતી આગળ વધી નહીં. ડિફેન્સ એક્સપર્ટ્સે તો ત્યારે ત્યાં સુધી દાવા કરેલા કે ટ્રમ્પની સરકારે એવા સક્રિય પ્રયાસો કર્યા હતા,જેથી ભારત રશિયન ૫જી ફાઈટર જેટ ન ખરીદે,તેના બદલે અમેરિકાના પાંચમી પેઢીના લડાકુ વિમાનો પર પસંદગી ઉતારે. અમેરિકા-રશિયા બંનેના પ્રયાસો વચ્ચે ભારતે સત્તાવાર રીતે કશી સ્પષ્ટતા કરી ન હતી. ભારતે મગનું નામ મરી પાડયા વગર જ ચુપકીદીથી સ્વદેશી 5G લડાકુ વિમાનો વિકસાવવાના સંશોધનો શરૂ કરી દીધા હતા. ભારતનું બે એન્જિન ધરાવતું આ વિમાન ૧૫૦૦-૨૦૦૦ કિલોની વિસ્ફોટક સામગ્રી ઉપાડીને ઉડી શકશે.
- હર્ષ મેસવાણિયા