
- માણસે પોતાની જાતને પૂછવા જેવા સાત પ્રશ્નો: જાત સાથે ઇન્ટરવ્યૂ ગોઠવવા કઈ સાત બાબતો મહત્ત્વની છે?
પ્રશ્ન થાય : જીવન એ માત્ર ચાલ છે કે યાત્રા ?
પ્રશ્નકર્તા : સુબંધુ ત્રિવેદી, રાંદેર રોડ, સુરત (દ.ગુ.) ગુજરાત.
* એક યુવકને તેના લગ્ન પછી તેનો એક મિત્ર પૂછે છે : 'યાર, જીવનમાં સુખી થવાનો મોકો મળ્યો છે, તો આનંદમાં રહેજે.' પેલો નકારવાદી યુવક જવાબ આપે છે : 'ખુશ રહેવાનું આપણા એકલાના હાથમાં થોડું છે ?' એક હાથે તાલી ન પડે. છતાં જોઈશું પરણ્યા પછી દામ્પત્યનું બંધન તો નિભાવવું જ પડશે.'
* નોકરીનો ઇન્ટરવ્યૂ આપવા ગયેલા ઉમેદવારોને જાતજાતનાં વસ્ત્રોમાં સજ્જ થએલા જોઈ એક સાદાં વસ્ત્રધારી યુવક મનોમન ક્ષોભ અનુભવવા માંડય. પણ એણે નિરાશા ખંખેરી નાખી. એણે વિચાર્યું હું ઇન્ટરવ્યૂ કમિટિના સભ્યોને મારા જવાબોથી ખુશ કરી દઈશ.
ઈન્ટરવ્યૂ કમિટિનો ચેરમેન ચતુર હતો. એણે બારણાના કાચમાંથી જોયું કે બધા જ ઉમેદવારો ક્રિકેટ અને ફિલ્મી કલાકારોની ચર્ચામાં મશગૂલ છે. એટલે એણે સાવ ધીમા સાદે ઉમેદવારોને બોલાવવાનું ચાલુ કર્યું. પણ કોઈએ ધ્યાન ન આપ્યું. માત્ર પેલા સાદાં વસ્ત્રધારી ઉમેદવારો પોતાનું નામ સાંભળ્યું અને તે હાજર થયો. એને પસંદ કરી લેવામાં આવ્યો. પ્યુન દ્વારા કહેવડાવામાં આવ્યું કે ઈન્ટરવ્યૂ પૂરા થઈ ગયા છે. બાકીના યુવકો જઈ શકે છે. ઉમેદવારો ઉશ્કેરાયા. તેઓ ઇન્ટરવ્યૂ કમિટિના ચેરમેનને મળ્યા. તેમણે ઇન્ટરવ્યૂની સમગ્ર શૈલી સમજાવી. બાકીના બધા જ ઉમેદવારો ભોંઠા પડયા અને પોતાની ભૂલ બદલ પસ્તાવા લાગ્યા.
હવે પેલા નવપરિણીતની વાત. એણે લગ્ન તો કર્યું પણ સુખી થવાનો તેનામાં આત્મવિશ્વાસ નહોતો. જે સુખને સન્માન આપતો નથી, સુખ તેને સન્માન પ્રદાન કરતું નથી.
માણસની મોટી મુશ્કેલી એ છે કે પોતાના લક્ષ્યનું નિર્ધારણ કરી શકતો નથી. પડશે તેવાં દેવાશે ના મનઘડંત વિચાર પર તે ચાલે છે. કારકિર્દીની વાત હોય કે વેપાર-વાણિજ્યની અર્જુનની જેમ એક લક્ષ્ય તે રાખી શકતો નથી. ફાંફા મારનારના હાથમાં ફાંફા જ આવે છે. દામ્પત્ય જીવન હોય કે પારિવારિક જીવન ત્યાગની ભૂમિકા, સહનશીલતા અને ક્ષમાવૃત્તિ દાખવવાનું અનિવાર્ય છે. કહેવાય છે કે દિવસ દરમિયાન નાના મોટા, મહત્ત્વના કે ગૌણ ૬૦,૦૦૦ (સાઈઠ હજાર) જેટલા વિચારો અસ્ત-વ્યસ્ત રીતે દિમાગમાં ઘૂમ્યા જ કરે છે, લક્ષ્યહીન માણસ એવા વિચારોના જંગલમાં અટવાઇને યોગ્ય નિર્ણય લઈ શકતો નથી.
સફળતા માટે પાંચ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ :
૧. ઇચ્છા (ડિઝાયર) પ્રબળ ઇચ્છા જરૂરી.
૨. ડેસ્ટીનેશન (ગંતવ્ય) ક્યાં જવું છે અને શું પામવું છે એનો સ્પષ્ટ ખ્યાલ.
૩.ડિટરમીનેશન (દ્રઢ નિર્ધાર)
માણસનો નિર્ણય ડગુ-મગુ હોય તો એ પાકો નિર્ણય કરી શકતો નથી. એટલે દ્રઢનિર્ધાર જરૂરી છે. એ દ્વારા જ ભટકતા મનને લક્ષ્ય પર કેન્દ્રિત કરી શકાય.
૪. ડિવોશન (સમર્પણ) કામની સફળતા માટે માણસે કામમાં ખૂંપી જવું પડે છે.
એ ત્યારે જ શક્ય બને જ્યારે માણસ કર્મ પ્રત્યે સમર્પિત હોય. એના પ્રયત્નો ઉપર ચોટીયા નહીં પણ દિલથી હોવા જોઈએ. એમાં પલાયનવાદને લેશમાત્ર સ્થાન નથી. હરિવંશરાય બચ્ચનની એક કવિતા છે : 'તીર પર કૈસે રુકું મૈં, આજ લહરો મેં નિમંત્રણ' પડકારો ઝિલવાની શક્તિ જ સફળતાને તમારી પાસે ઘસડી લાવે છે.
શ્રી જ્યંતી જૈને જાત સાથે ઇન્ટરવ્યૂ યોજવાના કેટલાક પ્રશ્નો આપ્યા છે.
૧. તમે જીવનમાં શું બનવા માગો છો ?
૨. તમે તમારા જીવન સાથી પાસેથી શી અપેક્ષા રાખો છો ?
૩. કઈ વાત કે કઈ વસ્તુ તમને સૌથી પ્રિય છે ?
૪. તમે તમારા ભવિષ્યને કેવી રીતે ઉપયોગી બનાવવા ઇચ્છો છો ?
૫. તમારા કદથી (યોગ્યતાથી) કેટલા ઉપર ઉઠવા માગો છો ?
૬. કઈ વાત કે વસ્તુ તરફ તમને અણગમો છે ?
૭. આવનારાં વર્ષો કે પાંચ વર્ષોમાં તમારી શી યોજના છે ?
શ્રી જ્યંતી જૈને લક્ષ્ય નિર્ધારિત કરવાની કાર્ય શાળા પણ સૂચવી છે. તદ્નુસાર
૧. તમારા વ્યક્તિગત વિકાસ માટેનું આ વર્ષનું લક્ષ્ય અને સમય મર્યાદા.
૨. વ્યક્તિગત વિકાસ માટેનું પાંચ વર્ષનું લક્ષ્ય.
૩. આ વર્ષે લાભ પ્રાપ્તિનું લક્ષ્ય.
૪. કાયમ માટેનું લક્ષ્ય.
૫. આગામી પાંચ વર્ષો માટેનું લાભ પ્રાપ્તિનું લક્ષ્ય.
૬. લક્ષ્યનો મજબૂત આધાર
(ઉઠો, જાગો, જીતો લેખક જ્યંતી જૈન, હિન્દ પોકેટ બૂક્સ, નવી દિલ્હી-૧ માંથી સાભાર.)
જીવનમાં કેટલાક અંધકાર આવી શકે પણ મોટાભાગના અંધકારના નિમંત્રક આપણે પોતે જ છીએ. એક નાનકડી મીણબત્તિ, માટીનું કોડિયું કે આગિયો પણ જો અંધકારને પડકારતો હોય તો આપણે તો મનુષ્યો છીએ. અગણિત શક્તિનો ભંડાર. પ્રશ્ન એ છે કે મારે જીવનને માત્ર ''ચાલ'' બનાવવું છે કે ''યાત્રા'' ?