
એજમાનામાં દેશ આખામાં રાજનેતા મહમ્મદઅલી ઝીણાનું નામ ગાજતું હતું. એમણે મુસ્લીમો માટે અલગ દેશની માગણી કરીને દેશમાં નવો વિવાદ ખડો કર્યો હતો
એ જમાનામાં દેશ આખામાં રાજનેતા મહમ્મદઅલી ઝીણાનું નામ ગાજતું હતું. એમણે મુસ્લીમો માટે અલગ દેશની માગણી કરીને દેશમાં નવો વિવાદ ખડો કર્યો હતો. આને પરિણામે આઝાદીનાં અજવાળાંનો અનુભવ થાય, તે પહેલાં દેશની પ્રજાને વિવાદ, વિખવાદ અને વૈમન્સ્યનો ભોગ બનવું પડયું. ભાઈચારાભરી દોસ્તીને બદલે વેરઝેરની આગ સળગવા લાગી. ભારત અને પાકિસ્તાનની ભેદરેખા દોરવા માંડી. એ સમયે મહમ્મદઅલી ઝીણા ગોંડલ રાજ્યના ઉપલેટા પાસેના પાનેલી ગામમાં જઈ રહ્યા હતા. આ એમનું જન્મસ્થળ હતું, તેથી તેઓ અવારનવાર ટ્રેન મારફતે પોતાના માદરેવતનની મુલાકાતે આવતા હતા.
એ સમયે સૌરાષ્ટ્રના ગોંડલ રાજ્યના મહારાજા ભગવતસિંહજી એક નેકદિલ અને પ્રજાપ્રેમી રાજંવી હતા. એમને રાત-દિવસ ગોંડલ રાજ્યની આબાદીનાં વિચારો આવતા હતા અને એને આકાર આપતા હતા. યુરોપના પ્રવાસે ગયા, ત્યારે એમણે એ દેશોની પ્રગતિ જોઇને નક્કી કર્યું કે મારે મારા રાજમાં પણ આવાં વિકાસ કાર્યો કરવાં છે. ૧૮૮૪ની ૨૫મી ઓગસ્ટે ૧૮ વર્ષની વયે તેઓનો રાજ્યાભિષેક થયો. અઢાર વર્ષના ભગવતસિંહજીએ પોતાના રાજ્યાભિષેક સમયે પ્રજાને પોતાના અંતરની અભિલાષા કરતા કહ્યું કે તેઓ એવું રાજ્ય સ્થાપવા માગે છે કે,
'જ્યાં સર્વત્ર ન્યાય, નીતિ અને વ્યવસ્થા હોય. પ્રજાજીવન અને તેની સાધનસંપત્તિનું રાજ્ય દ્વારા યથાયોગ્ય રક્ષણ થતું હોય. ધરતીના છોરું ખેડૂતોને એમની મહેનતનું પૂરું વળતર મળવું જોઇએ. એમના પસીનાનું શોષણ થવું જોઇએ નહીં. વેપાર-ઉદ્યોગ ખીલે અને વેપારીઓ યોગ્ય નફો મેળવીને પોતાનો વેપાર વિકસાવે અને રાજની આબાદી વધારે. પ્રજાનો વ્યવહાર સરળતાથી ચલે તે માટ રસ્તાઓ સુધારવા. કેળવણીને ઉત્તેજન આપવું તથા નિરાધાર અને દર્દીઓને રાહત મળે તેવા પ્રયત્નો કરવા.'
આવી ભાવના ધરાવતા મહારાજા ભગવતસિંહજી રાજકીય બાબતોમાં સ્પષ્ટ નીતિ અને મક્કમ મન ધરાવતા હતા અને કોઇનાથી ય અંજાઈને સત્ય સિદ્ધાંત કે રાષ્ટ્રપ્રેમની બાબતમાં સહેજે નમતું જોખવામાં માનતા નહોતા. હવે બન્યું એવું કે મહમ્મદઅલી ઝીણા ફરી એક વાર પોતાના વતન પાનેલી જઇ રહ્યા હતા. એ સમયે ટ્રેનનો સઘળો કારોબાર ગોંડલ રાજ્ય સંભાળતું હતું. ગોંડલ શહેરની નજીક આવેલા રીબડા રેલ્વે સ્ટેશને રાજ્યમાં પ્રવેશતા પ્રવાસીઓનાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતી. એ મુસાફર ક્યાંથી આવે છે અને ક્યાં જઇ રહ્યો છે, તેની નોંધ થતી. કયા દેશી રાજ્યમાં આવે છે અને ક્યાં જાય છે એની જાણકારી મેળવવામાં આવતી, પરંતુ આ બધાની સાથોસાથ એ પણ ચકાસવામાં આવતું કે એ કયા દેશનું નાગરિકત્વ ધરાવે છે. પોતાના માદરેવતન પાનેલી જવા નીકળેલા મહમ્મદઅલી ઝીણા રીબડા સ્ટેશને આવ્યા. રાજ્યનાં નિયમ અનુસાર એમની પૂછપરછ કરવામાં આવી. આખા હિંદુસ્તાનને જેણે માથે લીધું હોય, તેને કોઇ પોતાની આવી પૂછપરછ કરે, તે ક્યાંથી પસંદ પડે?
રાજ્યનાં અધિકારીએ એમની પાસે નાગરિકત્વ અંગેનો દસ્તાવેજ માગ્યો. પાસપોર્ટ જોઇને અધિકારી થોડો સમય વિચારમાં પડી ગયો, કારણ કે મહમ્મદઅલી ઝીણા પાકિસ્તાનનો પાસપોર્ટ ધરાવતા હતા. રાજ્યના તપાસ અધિકારીને થયું કે હવે કરવું શું ? પરાયા દેશનાં નાગરિકને આવી રીતે રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપી શકાય ખરી ? થોડીક ક્ષણો સુધી એ અધિકારી વિચારમાં ડૂબી ગયો. મહમ્મદઅલી ઝીણાએ એના તરફ કરડાકીભરી નજર કરી. હવે કરવું શું ? અંતે અધિકારીએ મહારાજા ભગવતસિંહજીને આની જાણ કરાવી અને એમને માર્ગદર્શન આપવા વિનંતી કરી.
અધિકારીએ ટેલિફોન કરીને મહારાજા ભગવતસિંહજીને સઘળી વિગતો જણાવી. મહારાજા ભગવતસિંહજીએ તત્કાળ પોતાના રાજકર્મચારીને બોલાવ્યા અને કહ્યું કે, 'મારો આ સંદેશો લઇને તમે ઝીણાને રૂબરૂ મળો.'
સંદેશમાં મહારાજાએ લખ્યું હતું, 'મિસ્ટર મહમ્મદઅલી ઝીણા, પહેલી વાત એ સ્પષ્ટ કરો કે દુનિયાના નકશામાં પાકિસ્તાન જેવા દેશનું અસ્તિત્વ નથી તેનું શું ? જો તમે પોતે હિન્દુસ્તાનના નાગરિક છો, તેમ કહેશો તે પછી જ તમને તમારા વતન પાનેલીની મુલાકાતે જવાની મંજૂરી અપાશે.'
મહારાજાનો સંદેશો રાજ્યના રેલવે અધિકારીને પહોંચ્યો. એમણે એ સંદેશો મહમ્મદઅલી ઝીણાને આપ્યો.
મુસ્લિમો માટે અલગ દેશની માગણી કરનાર મહમ્મદઅલી ઝીણા આ વાતનો સ્વીકાર કરે ખરા ? એમણે કહ્યું કે ગમે તે થશે, તો પણ હું હિન્દુસ્તાનનો નાગરિક છું એવું લખાણ લખી આપીશ નહીં.
રાજકર્મચારીએ મહારાજા ભગવતસિંહજીને મહમ્મદઅલી ઝીણાના નિર્ણયની જાણ કરી. તેઓ આ બાબતમાં મક્કમ છે. તેમ પણ જણાવ્યું. એ સમયે ગોંડલ રાજ્યમાં અને દેશમાં મહમ્મદઅલી ઝીણાના ઘણા ટેકેદારો હતા. જો એમને નાપસંદ થાય એવું કશું થાય, તો તેઓ ગંભીર સમસ્યા ઊભી કરી શકે તેમ હતા. વાદ, વિવાદ કે તોફાન થાય, તેવી શક્યતા હતી.
પણ મહારાજા સદાય સત્યની પડખે રહેનારા હતા. ભય એમના પર કોઈ ભીંસ જમાવી શક્તો નહીં. એમણે પાકિસ્તાનના નાગરિક મહમ્મદઅલી ઝીણાને રીબડાથી જ પાછા ફરવાનો હુક્મ કર્યો. મહમ્મદઅલી ઝીણા મહારાજાની મક્કમતા જાણતા હતા. એમની સામે માથુ ઊંચકી શકે તેમ નહોતા. એથી એમને પોતાના વતન પાનેલીની મુલાકાત લીધા વગર જ પાછા જવું પડયું.
આવા ગોંડલના મહારાજા ભગવતસિંહજી કવિઓ અને સાહિત્યકારો પર અગાધ આદર ધરાવતા હતા. એમના સાહિત્યપ્રેમની અને 'ભગવદ્ ગો મંડળ'ના સર્જક તરીકેની પ્રશંસા સાંભળીને કવિવર રવીન્દ્રનાથ ટાગોર શાંતિનિકેતનને માટે આર્થિક સહયોગ મેળવવાની ઇચ્છાથી ગોંડલ રાજ્યમાં આવ્યા.
સાવ નાની વયથી પુસ્તકોની સૃષ્ટિ માણનારા મહારાજાને કવિવર પોતાના રાજમાં પધારે તેનો અપાર આનંદ હતો. અતિ ભાવ અને આદરથી કવિવરનું સ્વાગત કર્યું. એમની મધુર વાણી સાંભળી. આતિથ્યમાં કશી મણા ન આવે એનું અંગત ધ્યાન રાખ્યું. કવિવર રવીન્દ્રનાથ ટાગોર ગોંડલમાં થોડા દિવસ રોકાયા. મહારાજા સાથે ઘણી વાત થઇ, પણ મહારાજાએ શાંતિનિકેતનને આર્થિક સહયોગ આપવા વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને એમ હતું કે આવા કેળવણીપ્રેમી મહારાજા સામે ચાલીને મદદ કરશે, તેને બદલે મદદ વિશે એમણે એક હરફ પણ ઉચ્ચાર્યો નહીં. કવિને પારાવાર આશ્ચર્ય થયું. માંગ્યા વિના ફાળો મળી રહેશે એવી એમની આશા પર પાણી ફરી વળ્યું.
થોડો સમય ગોંડલ રોકાઈને કવિવર શાંતિનિકેતન પાછા ફર્યા. એવામાં એમને જાણ થઇ કે મહારાજા ભગવતસિંહજી શાંતિનિકેતન આવે છે. કવિવરે ભાવપૂર્વક એમનું સ્વાગત કર્યું. મહારાજા ભગવતસિંહજીએ શાંતિનિકેતન માટે મોટી રકમ કવિના ચરણે અર્પણ કરી.
કવિવરને અચંબો એ વાતનો થયો કે પોતે સ્વયં ગોંડલ ગયા ત્યારે કશી આર્થિક મદદ ન કરી અને તે મદદ આપવા માટે છેક શાંતિનિકેતન સુધી આવ્યા.
જિજ્ઞાાસાવશ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે પૂછ્યું, 'હું ગોંડલ રોકાયો ત્યારે આપે મને ફાળો કેમ ન આપ્યો અને હવે ફાળો આપવા છેક અહીં આવવા સુધીનો ખાસ શ્રમ શા માટે લીધો ? તમે મને ગોંડલમાં આપી શક્યા હોત.'
મહારાજા ભગવતસિંહજીએ કવિવરને વિનયપૂર્વક કહ્યું, 'આપના જેવા મહાન કવિ ફાળો માગે અને તે હું આપું એ તો આપનું અપમાન ગણાય.'
કવિવરે કહ્યું, 'એમાં અપમાન શું? તમારા જેવા કેળવણીપ્રેમી માટે તમે ફાળો આપો એ સાહજિક હતું.'
મહારાજાએ કહ્યું, 'કવિવર, ફાળો લેવા આપે આવવાનું ન હોય. બલ્કે મારા જેવા ફાળો આપનારે આવવાનું હોય અને અહીં શાંતિનિકેતન આવીને આપના દર્શન કરવાના હોય.' કવિવર રવીન્દ્રનાથ ટાગોર મહારાજા ભગવતસિંહજીની આવી ભાવના જોઇને ગદ્ગદિત થઇ ગયા.
મનઝરૂખો
સૅમ વૂડ તરીકે જાણીતા સેમ્યુઅલ ગ્રોસવેનૉર વૂડે (ઇ.સ. ૧૮૮૩થી ઇ.સ. ૧૯૪૯) પોતાની વ્યવસાયી કારકિર્દીનો પ્રારંભ રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કર્યો. પોતાના આ વ્યવસાય માટે એ ઘણા સેલ્સમૅનો રાખતા હતા અને તેઓને તદ્દન નવીન અભિગમ અપનાવીને ગ્રાહકોને કઇ રીતે આકર્ષી શકાય, તે શીખવતા હતા. જ્યારે આ વ્યવસાયમાં બીજા લોકો ચીલાચાલુ ઢબે કામ કરતા હતા, ત્યારે સેમ વૂડે પોતાના સેલ્સમૅનોને કહ્યું કે
''તમે એમની માફક પોપટની જેમ નકલ કરશો, તો એનાથી તમને ક્યારેય સફળતા મળશે નહીં. તમારી પાસે તમારી પોતાની આગવી રીત હોવી જોઇએ અને એ રીતથી તમારે તમારા ગ્રાહકોને પ્રભાવિત કરવા જોઇએ.''
સૅમ વૂડ આ વ્યવસાયમાં ખૂબ સફળ થયા અને પછી એમણે અમેરિકન ફિલ્મમાં દિગ્દર્શક તરીકેની કામગીરી સ્વીકારી અને પ્રારંભમાં 'પૅરેમાઉન્ટ પિકચર્સ' નામની કંપનીની કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન ક્યું. ફિલ્મના દિગ્દર્શનમાં એમણે રિયલ એસ્ટેટ બ્રોકર તરીકેના પોતાના કસબને નવી રીતે ઢાળ્યો. એમાં પણ એમણે બીજાની નકલ કરવાને બદલે પોતાની આગવી રીતે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. દર્શકોને કઇરીતે આકર્ષી શકાય, એને માટે કેટલાય મૌલિક વિચારો કર્યા. એ સ્પષ્ટપણે કહેતા,
''તમે નકલ કરીને ક્યાંય અને ક્યારેય સફળ થઇ શકવાના નથી. તમારે તમારો પોતાનો કસબ બતાવવો જોઇએ અને તો જ લોકો તમને સ્વીકારશે.''
વળી એ સારી પેઠે જાણતા હતા કે લોકોને પણ કશુંક નવું જોઇએ છે અને ફિલ્મના માધ્યમ દ્વારા થતું મૌલિક આલેખન જોઇને દર્શકો સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે. આનું પરિણામ એ આવ્યું કે સેમ વૂડે દિગ્દર્શિત કરેલી ઘણી ફિલ્મો હૉલિવૂડની 'હીટ ફિલ્મો' બની અને તે એકૅડેમી ઍવોર્ડ માટે પણ નામાંકિત થઈ. 'ફોર હમ ધ બેલ ટોલ્સ', 'એ નાઇટ ઓફ ધ ઓપેરા', 'ગુડબાય મિ. ચિપ્સ' અને 'ધ પ્રાઈડ ઑફ ધ યાન્કી' જેવી ફિલ્મોએ દિગ્દર્શક તરીકે સેમ વૂડને વૈશ્વિક નામના અપાવી.