
- વિન્ડો સીટ
વિશ્વવિખ્યાત ખગોળશાસ્ત્રી પદ્મવિભૂષણ જયંત નારળીકરનું થોડા દિવસ પહેલાં ૮૭ની વયે અવસાન થયું. તેઓ ભારતીય પુરાણોના પણ જાણકાર હતા. 'શું આપણા પૂર્વજો વિજ્ઞાન અને તંત્રજ્ઞાનમાં આગળ પડતાં હતા?' આ મુદ્દો ચર્ચતો તેમનો લેખ (અનુવાદ હેમંત સોલંકી) તેમના વૈજ્ઞાનિક અભિગમની સાખ પૂરે છે.
નારળીકર વિવિધ ઉદાહરણો આપે છે. રામાયણમાં પુષ્પક વિમાનનું વર્ણન મળે છે. શું આધુનિક કાળના હેલિકોપ્ટર સાથે તેને સરખાવી શકાય? વૈજ્ઞાનિક પદ્ધતિ કેવી હોય? કોપરનિકસ 'પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે' એટલું કહીને અટકી ન ગયા. તેમણે ગ્રહોની ભ્રમણકક્ષા નક્કી કરતી સવિસ્તર ભૌમિતિક રચનાઓ આપી. ગેલિલિયો બે ડગલાં આગળ ગયા. તેમણે પ્રયોગો કરીને નિરીક્ષણોની નોંધણી કરી. ન્યૂટને કેલ્ક્યુલસની શોધ કરીને 'નૈસર્ગિક તત્ત્વજ્ઞાન પાછળનું ગણિત' આપ્યું. પુષ્પક વિમાન માટે વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં બેસે તેવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. તેની સાબિતીરૂપે આગળ ધરાતા 'બૃહદ વિમાનશાસ્ત્ર' પૌરાણિક ગ્રંથમાં વિમાન કેમ ઊડી શકે તેની સૈદ્ધાંતિક ચર્ચા (એરોડાયનેમિક્સ) નથી, તથા તેમાં દર્શાવેલી રીતથી આજ સુધી એકેય વિમાન બનાવી શકાયું નથી.
મહાભારતમાં કર્ણે ઘટોત્કચ પર છોડેલી ઇન્દ્રની શક્તિને આજના ગાઇડેડ મિસાઇલ સાથે સરખાવી શકાય? ધૃતરાષ્ટ્રને પોતાની દિવ્ય દ્રષ્ટિથી યુદ્ધનું વર્ણન સંભળાવતા સંજયને ટેલિવિઝન કમેન્ટેટર કહી શકાય? આકાશમાં વિહરનારા દેવો- ગાંધર્વો પાસે સ્પેસ ટેકનોલોજી હતી? આના ઉત્તરરૂપે લેખક સાદી દલીલ મૂકે છે. ગામેગામ વીજળી અને પાણીની વ્યવસ્થા કરવી એ રાજ્યની ન્યૂનતમ જવાબદારી ગણાય છે. જો મહાભારતકાળમાં મિસાઇલ, ટેલિવિઝન, અંતરિક્ષયાનો હતાં, તો હસ્તિનાપુરના મહેલોમાં વીજળીથી ચાલતા દીવા અને ગરમ પાણીનાં સ્નાનગૃહો હોવાના ઉલ્લેખ કેમ નથી?
આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત પ્રમાણે સમયનો વેગ નિરીક્ષક પર આધાર રાખે છે. કેટલાકનો દાવો છે કે આની જાણકારી બ્રહ્મપુરાણના રચયિતાને હતી જ. રાજા કુકુદમી પોતાની દીકરી રેવતીને લઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કામમાં હોવાથી બન્નેને થોડી ક્ષણો રોકાવું પડયું. જ્યારે મિલાપ થયો ત્યારે કુકુદમીએ રેવતી માટે યોગ્ય વરની સલાહ માગી. બ્રહ્માજી હસ્યા, 'તમે નક્કી કરેલા યુવાનો તો ક્યારના મૃત્યુ પામ્યા, કારણ કે અહીંની કેટલીક ક્ષણો દરમિયાન પૃથ્વી પર ૪ યુગો ૨૭ વાર વીતી ચૂક્યા છે.' લેખક નોંધે છે કે બ્રહ્મપુરાણમાં સમયની ગતિના કોઈ ગાણિતિક પુરાવા અપાયા નથી. બ્રહ્માજી 'બ્લેક હોલ'ની વાત કરતા હતા તેમ ન કહેવાય, કારણ કે તેના બીજા ગુણધર્મો અંગે કશું કહેવાયું નથી. વળી કુકુદમી અને રેવતીએ પ્રકાશના વેગથી પ્રવાસ કર્યો કઈ રીતે તેનો ખુલાસો અપાયો નથી. વૈજ્ઞાનિકોએ પહેલાં ગુરુત્વાકર્ષણ, પછી વિદ્યુત-ચુંબકીયશાસ્ત્ર, પછી અણુ-પરમાણુ-ક્વોન્ટમ મિકેનિક્સનું જ્ઞાન મેળવ્યું. બ્રહ્માસ્ત્ર જો અણુબોમ્બનું રૂપ હોય, તો શાસ્ત્રોમાં વિદ્યુત-ચુંબકીયશાસ્ત્ર, ક્વોન્ટમ મિકેનિક્સ વગેરેના ઉલ્લેખ કેમ નથી? નારળીકર સમાપનમાં લખે છે, 'સબળ સાબિતીઓના અભાવે આપણા પૂર્વજો વિજ્ઞાન અને તંત્રજ્ઞાનમાં અદ્યતન હતા, આવા વિધાન કોરી કલ્પના જ પુરવાર થાય છે.'
નારળીકર પાસે 'સાયન્ટિફિક મેથડ'- વૈજ્ઞાનિક અભિગમ- મળે તે સ્વાભાવિક ગણાય. તેમનું પુરાણો વિશેનું જ્ઞાન પણ વરતાઈ આવે છે. તેઓ વાદ-પ્રતિવાદ સ્વસ્થતાથી કરે છે, શાસ્ત્રોને તુચ્છકારી કાઢતા નથી. તેમને મતભેદ કેવળ તેમની સામે છે જે 'અમે તો આ સિદ્ધિઓ હજારો વર્ષ પહેલાં મેળવી લીધી હતી!' એવું કહેતા ફરે છે.
લેખકની શૈલી રસાળ છે, ૨૦૧૪નો સાહિત્ય અકાદમી એવોર્ડ તેમને મળ્યો હતો. લેખકે ટાંક્યા તે અને તેવા મનઘડંત દાવા આપણા સમાજમાં વખતોવખત કરાતા આવ્યા છે. કોઈ કહે છે કે અમુક પુરાણા ગ્રંથની ચોપાઈમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અદલોઅદલ દર્શાવાયું છે.
દરેકને પોતાની સંસ્કૃતિ માટે ગર્વ હોવો જોઈએ, પરંતુ સત્ય સર્વોપરિ છે. 'પુરાણમેવં ન ચ સાધુ સર્વમ્'- જૂનું તેટલું સોનું નહીં. આપવડાઈના મિથ્યાભિમાનમાં રાચનારની સ્થિતિ કેવી હાસ્યાસ્પદ થાય તે રમણભાઈ નીલકંઠે 'ભદ્રંભદ્ર' નવલકથામાં દર્શાવ્યું છે.
- ઉદયન ઠક્કર