
- વિન્ડો સીટ
જિજ્ઞોશ બ્રહ્મભટ્ટ (૧૯૭૨-૨૦૧૮) ની નવલિકા 'વાઇલ્ડ લાઇફ' માં તમને રસ પડશે.
વાર્તા :
વાર્તાનાયક (એનું નામ પણ જિજ્ઞોશ) જંગલના અંતરિયાળ આદિવાસી ગામોમાં પાંચેક દિવસ ગાળવા માંગતો હતો. તેણે વાઇલ્ડ લાઇફ માણવી હતી અને લેન્ડસ્કેપ કરવા હતા. ટેકરી પરની દેરીએ ગાઇડ મળવાનો હતો. ટેકરી પર જુએ તો ગાઇડ જ ન મળે. 'સડસડ વહેતો પવન, ફરફરતી ધજા, નીચે જોશભેર વહેતી નદીનો ખળખળાટ, આસપાસની ઝાડીઓમાં લહેર, બગલાંનો કલબલાટ, આકાશમાં વાદળોનો ધીમો ધીમો ગડગડાટ.' કરવું શું? પાછા ફરવું? વાર્તાનાયકને કહેવામાં આવેલું કે નદીના કિનારે કિનારે ચાલ્યા જવાનું છે, ત્રણ ટેકરી વટાવીને લાકડાનો પુલ પાર કરવાનો છે. તેણે નક્કી કર્યું કે અજવાળે-અજવાળે પહોંચી જાઉં, જાતે જ. દોઢ બે કલાકે જુએ છે તો બંને કિનારે પુલના અવશેષો નદીના પ્રવાહ ભેગા હિલોળાય. છેલ્લા વરસાદમાં પુલ તૂટી ગયો હશે. વાર્તાનાયકે નદીના પટમાં આગળ વધવાનો નિર્ણય કર્યો. આગળનું વર્ણન તેના જ મુખે સાંભળીએ : 'એક ઊંચા પથ્થર પર કૂદવા જતાં સમતોલન ખોયું.. પડયો વહેતાં પાણીમાં ને તણાયો.. ખેંચાતો ગયો ને બચવા ઝાંવાં મારતો ગયો.. નદી મને ઉઠાવી કોઈ શિલા સાથે પટકી દે એ પહેલાં... મોટા પથ્થર પર ચડી ગયો... શરીર ઠેરઠેર ઉઝરડાયું હતું. જમણો હાથ જૂઠો જ પડી ગયેલો જાણે.'
વાર્તાનાયક જે પથ્થરોના ટાપુ પર ફસાયો હતો તેની આગળ ધોધનો બુલંદ અવાજ ઊઠતો હતો. 'કડાકા અને વીજળીઓ સાથે વરસાદ ચાલુ થઈ ગયો. ટૂંટિયું વાળીને હું અંધારી દિશાઓમાં બૂમો પાડતો રહ્યો... ભૂખ અને થાકને લીધે અશક્તિ વરતાતી હતી.'
'જિજ્ઞોશ, આઈ લવ યુ, શ્રદ્ધા બોલે છે, એની પાછળ હિમાચ્છાદિત શિખરો. સ્વર્ગ આવું જ હશેને! આગળ ટેકરીની ટોચે દરવાજો દેખાય છે. એની આસપાસ નથી દીવાલ કે વાડ. હું સ્વર્ગના દ્વારમાં પ્રવેશું છું.'
'છપાક... આગળ ડગલું ભરવા જતાં હું ઘૂંટણ સુધી પાણીમાં ગરકી ગયો. નદીનું પાણી મને સમાવી લેવા ધસમસતું ઊછળતું હતું.'
'પપ્પા-મમ્મી હીંચકે બેસી વાતો કરી રહ્યાં છે... એમને વળગીને બેસું છું... મમ્મીનો હાથ મારે માથે ફર્યા કરે છે.'
'સતત વધતાં નદીનાં પાણીને હું વિવશતાથી જોઈ રહ્યો. હવે વધુમાં વધુ બે કે અઢી ફૂટ.. ગમે તેમ કરીને મારે આ નદી પાર કરવી જ રહી.. પ્રવાહની સામે, ત્રાંસમાં, શક્ય એટલી તાકાત લગાવી હું કૂદી પડયો.. નિ:સહાય તણાતો પાણી સાથે પાણી થઈ વેગપૂર્વક વહેવા લાગ્યો... મારું શરીર ધોધ ભેગું પાણીમાં પટકાયું અને અંધકાર ઘેરી વળ્યો.' વાર્તાનાયકની આંખો ખૂલી ત્યારે એ કિનારે પહોંચી ગયો હતો. તેણે ઊભા કરવા કર્યું પણ હાથ ઊંચો જ ન થયો. તટની રેતીમાં આંગળીઓ સળવળી. વાંદરાઓની હૂપાહૂપ વચ્ચે વાઘની ત્રાડ સંભળાઈ. દૂર ટેકરી પર ઝૂંપડી દેખાઈ. હમણાં ત્યાંથી કોઈ આવશે. વાર્તાનાયકે આંખો મીંચી દીધી, એવી આશામાં કે આંખો ખોલશે ત્યારે સામે શ્રદ્ધા હશે, મમ્મી હશે.
વાર્તા વિશે:
લેખકના અંગત જીવનની વાત અહીં ઉપયોગી થશે. તેમને યુવાન વયે અસાધ્ય રોગ લાગુ પડયો. પહેલાં હાથની આંગળીઓ નિશ્ચેષ્ટ બની ગઈ, પછી હાથ, એમ એક પછી એક અંગ ખોટાં પડતાં ગયાં. ગણતરીનાં વર્ષોમાં પ્રાણ ગયા. આ વાર્તાનો નાયક પણ જીવલેણ પરિસ્થિતિ સામે ઝઝૂમે છે, આંગળીઓ માંડ સળવળે છે, જમણો હાથ જૂઠો પડી જાય છે. લેખક પ્રકૃતિનું તાદ્રશ વર્ણન કરી શક્યા છે. 'સડસડાટ વહેતો પવન..' વાક્યમાં છ સૂક્ષ્મ અવાજોને તેમણે ઝીલ્યા છે. થાક, ઉઝરડા, ભયને કારણે વાર્તાનાયકનું ચિત્ત વર્તમાન અને અતીત વચ્ચે ઝોલા ખાય છે. વાચકને ખબર ન પડે કે ક્યારે કયા સમયની વાત થાય છે. આને 'સ્ટ્રીમ ઓફ કોન્સિયસનેસ' કહે છે. સાંપ્રતની જોખમી ક્ષણે તેમને પત્ની શ્રદ્ધાનો પ્રેમ અને મમ્મી- પપ્પાનું વાત્સલ્ય સાંભરે છે. લેખક બહુશ્રુત હતા, અસ્તિત્વવાદને જાણતા હોય જ. નાયક પાસે બે વિકલ્પો હતા. તેણે જોખમી વિકલ્પ સ્વીકાર્યો, એટલે પરિણામ પણ ભોગવવું જ પડે. 'સ્વર્ગનો દરવાજો'માં મૃત્યુનું ઇંગિત છે. અજાણી નદીને કાંઠે મમ્મી કે પત્ની ક્યાંથી લેવા આવે- અહીં દિવ્ય જીવનની આશા છે.
આ વાર્તા પર હેમિંગ્વેની વાર્તા 'સ્નોઝ ઓફ કિલિમાંજારો' ની અસર વર્તાય છે. હેમિંગ્વેનો વાર્તાનાયક સફારીએ નીકળેલો પણ ગેંગ્રીન થતાં મરણોન્મુખ છે. તેનું ચિત્ત પણ અવારનવાર ભૂતકાળમાં સરી પડે છે. જિજ્ઞોશની વાર્તામાં વાઘ-વાંદરાની ગર્જના, તો હેમિંગ્વેની વાર્તામાં હાઇનાનું ભસવું મૃત્યુની સાહેદી પૂરે છે. હેમિંગ્વેના નાયકને આભાસ થાય છે કે તેને ઉગારી લેવા વિમાન આવ્યું જેમાંથી કિલિમાંજારોનું ઝગમગતું શિખર દેખાયું. જિજ્ઞોશને પણ સ્વર્ગનો દરવાજો અને અંતે ટેકરી પર ઝૂંપડી જોયાનો આભાસ થાય છે. લેખક અંગત જીવનની ભયભીત કરી દેતી પરિસ્થિતિને 'ટ્રેકિંગ એડવેન્ચર' નું રૂપક આપીને સફળ સાહિત્યકૃતિ સર્જી શક્યા છે.
- ઉદયન ઠક્કર