
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર વિસ્તારમાં એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને દરેકના રુવાંડા ઉભા થઈ જશે. પોલીસે શુક્રવારે આ માહિતી આપતાં કહ્યું હતું કે, અહીંની એક રહેણાંક બિલ્ડિંગના 21મા માળે ઉભેલી એક મહિલાના હાથમાંથી 7 મહિનાનું બાળક છટકી જતા નીચે પડ્યું હતું. જેથી માસૂમ બાળકનું દર્દનાક મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના વિક્કી સેદાણી અને પૂજા સેદાણી નામના દંપતીના ઘરે બની હતી. સેદાણી પરિવાર પિનેકલ સોસાયટીના 21મા માળે રહે છે. તેનો સાત મહિનાનો દીકરો વૃષાંક ઉર્ફે વેદ ઊંઘતો નહોતો. બાળકને સૂવડાવવા માટે માતા પૂજા સેદાણી તેને ગોદમાં ઉઠાવીને માસ્ટર બેડરૂમમાં લઈ ગઈ. પોતાના બાળકને ઝુલાવીને સુવડાવી રહી હતી. આ દરમિયાન તેણે બેડરૂમમાં હવા આવે તે માટે બાલ્કનીની સ્લાઇડિંગ બારી ખુલ્લી રાખી. આ સમયે રૂમનો ફ્લોર પણ ભીનો હતો. બાળકને રમાડતી વખતે પૂજા સેદાણીનો પગ લપસી ગયો અને તે બાલ્કની તરફ પડી ગઈ. બાલ્કની બાજુ પડી ત્યારે તેના હાથની પકડમાંથી તેનો બાળક વેદ છટકી ગયો અને 21મા માળેથી નીચે પડી ગયો. આ અકસ્માતથી સેદાણી પરિવાર આઘાતમાં છે.
સાત વર્ષે સેદાણી પરિવારમાં છવાઈ હતી ખુશી
આ અકસ્માત પછી સાત મહિનાના વેદને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાત વર્ષ પછી સેદાણી પરિવારમાં બાળકની કિલકારીઓ ગુંજી હતી. આ અકસ્માતે તેમના જીવનને મોટું નુકસાન પહોંચાડ્યું છે અને તેમના જીવનમાં એક કાળો ડાઘ છોડી દીધો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર સોસાયટીમાં શોકનું વાતાવરણ છે.
પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ દાખલ કર્યો
હાલમાં આ અંગે આકસ્મિક મૃત્યુનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ઘટનાની ચોક્કસ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને નજરે જોનારા લોકોના જણાવ્યા પ્રમાણે જ્યારે બાળક હાથમાંથી છટકી ગયું ત્યારે માતા ચીસો પાડતી જમીન પર પડી ગઈ અને એ સમયે મોટો અવાજ પણ થયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પડોશીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે
ઉલ્લેખનીય છે કે, હાઈરાઈઝ ફ્લેટમાં રહેતા પરિવારજનોએ નાના બાળકોની વિશેષ કાળજી રાખવી જરુરી છે. ફ્લેટની બાલ્કનીમાંથી બાળક પડી જવાની આ પહેલી ઘટના નથી, પરંતુ આવા કિસ્સાઓ આ પહેલા પણ ઘણી વખત નોંધાયા છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઉત્તર પ્રદેશના નોઈડામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ ખૂબ જ હૃદયદ્રાવક હતા. ત્યાં ત્રણ વર્ષનો માસૂમ બાળક રમતી વખતે બાલ્કનીમાંથી પડી ગયો હતો. સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ તેને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા. સદ્દનસીબે તેનો બચાવ થયો હતો.