Home / GSTV શતરંગ / Agantuk : Goodfellas: The 'Bible' of gangster films Agantuk

શતરંગ / ગુડફેલાસ: ગેંગસ્ટર ફિલ્મોની ‘બાઈબલ’ સમાન ફિલ્મ

શતરંગ / ગુડફેલાસ: ગેંગસ્ટર ફિલ્મોની ‘બાઈબલ’ સમાન ફિલ્મ

- બિયોન્ડ એન્ટરટેઈનમેન્ટ

જાણીતા રાઈટર અને એક્ટર સૌરભ શુક્લાએ એક ઈન્ટરવ્યુમાં કહેલું કે, ‘ગેંગસ્ટર ફિલ્મોમાં ‘ગોડફાધર’નું એક અલગ જ સ્ટાન્ડર્ડ છે' જેમાં આપણને દેખાડવામાં આવ્યું છે કે, તેમની એક અલગ જ દુનિયા છે. તેઓ સામાન્ય માણસને હેરાન નથી કરતા, સામાન્ય દુનિયાથી દૂર રહે છે પણ તેમને જે છંછેડે છે તેઓ તેમને નથી છોડતા. બીજી તરફ ‘ગુડફેલાસ’ આવે છે, જેમાં તમારી આસપાસની દુનિયામાં રહેતો માણસ જ ગેંગસ્ટર, મર્ડરર છે. આ ફિલ્મ જોઈને થિએટરની બહાર નીકળ્યા પછી દરેક સામાન્ય માણસને પણ તમે ફિલ્મમાં આલેખાયેલા પાત્રો જે ઉપરથી એકદમ શાંત અને અંદરથી કંઈક અલગ જ છે તેવી નજરે જોવા લાગો છો, મને ગુડફેલાસ આ બાબતમાં ગોડફાધરથી આગળની અને અલગ ફિલ્મ લાગે છે. 

કેટલીક ફિલ્મો એક ક્લાસરૂમ જેવી હોય છે. કેટલીક ફિલ્મો એક બુક જેવી હોય છે. પરંતુ કેટલીક ફિલ્મો એક આખીને આખી ઇન્સ્ટિટ્યુશન અથવા તો સ્કૂલ જેવી હોય છે....! અને ‘ગુડફેલાસ’ એ એક આખી ઇન્સ્ટિટ્યુશન જેવી ફિલ્મોની કેટેગરીમાં આવતી ‘મહાન’ ફિલ્મ છે. ફિલ્મોની દુનિયામાં ગેંગસ્ટર, માફિયા કે મોબસ્ટર્સ જોનરની ફિલ્મો માટે ‘ગુડફેલાસ’ કોઇ પણ રીતે એક ‘બાઇબલ’ કરતાં ઓછી નથી...!  આ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રિનપ્લે એનું શરીર છે. ફિલ્મનું સ્ટાઇલિંગ, એક્ટિંગ, કેમેરાવર્ક, મ્યુઝિક, લોકેશન્સ, એડિટિંગ વગેરે શરીરની અંદર ધબકતું હૃદય છે. અ્ને ફિલ્મનું ડિરેક્શન એનો આત્મા છે...! યસ, માત્રને માત્ર એક જ વાર બની શકે એવી ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ ફિલ્મ છે ‘ગુડફેલાસ’. જે વર્લ્ડક્લાસ રાઇટર-ડિરેક્ટર માર્ટિન સ્કોર્સેસીના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મ ગણવામાં આવે છે. 

ગુડફેલાસ ફિલ્મનું નામ પહેલા ‘વાઇઝગાય’ રાખવાનું હતું. ‘વાઇઝગાય’ નિકોલસ પલેગીનું ગેંગસ્ટર્સની રિઅલ લાઇફ પર લખાયેલું પુસ્તક છે. જેના પરથી આ ફિલ્મ બનાવાવમાં આવી અને પલેગીએ સ્કોર્સેસી સાથે ફિલ્મનું સ્ક્રિનપ્લે પણ લખ્યું હતું. પરંતુ આ નામ એક ફિલ્મ અને ટીવી સિરીઝ માટે વપરાઇ ચુક્યું હોવાથી સ્કોર્સેસીએ ‘ગુડફેલાસ’ નામ પસંદ કર્યું.

‘ગુડફેલાસ’ મુખ્યત્વે હેન્રી હિલ નામના રિઅલ અમેરિકન માફિયા, ગેંગસ્ટરની સ્ટોરી છે. જેણે ૧૯૫૫થી ૮૦ સુધીના ગાળામાં લૂંટ, હત્યા, ડ્રગ ડિલીંગ્સ કરીને ખૌફનું સામ્રાજ્ય સ્થાપિત કર્યુ હતું. પરંતુ પોતે ઊભી કરેલી ખૌફ, ડર અને કત્લેઆમની દુનિયા કઇ રીતે હેન્રીની જિંદગીને તહેસનહેસ કરી કાઢે છે એ આ ફિલ્મની મુખ્ય સ્ટોરીલાઇન છે. આ ફિલ્મની સમગ્ર સ્ટોરીલાઇન હેન્રીના બે ડાયલોગ્ઝની અંદર સમેટાઇ જાય છે. ફિલ્મની શરૂઆતમાં ટીનેજ હેન્રીનો એક ડાયલોગ છે કે,‘જ્યાં સુધી મને યાદ છે, હું હંમેશાંથી ગેંગસ્ટર જ બનવા માગતો હતો.’ અને પછી ગેંગસ્ટરની લાઇફસ્ટાઇલથી આકર્ષાયેલો આ ટીનેજ ગેંગસ્ટર બની જાય છે. એની લાઇફની ગાડી એણે પસંદ કરેલા રસ્તા પર પુરપાટ દોડે છે. રૂપિયો-પૈસો, શોહરત, છોકરીઓ, ડ્રગ્સ, બંગલાઓ, ગાડીઓ અને લોકોમાં એના નામનો ભરપૂર ડર. જે બધું એ ઇચ્છતો હતો એ બધું એને મળે છે. આ બધાની વચ્ચે ફિલ્મનો ઘટનાક્રમ ચાલ્યા કરે છે અને અંતમાં હેન્રીને બધું છોડીને પોતાનો અને પોતાની ફેમિલીનો જીવ બચાવવા ‘ઇન્ફોર્મર’ બની જવું પડે છે. તેના સામ્રાજ્યનો અંત આવે છે અને ફિલ્મના અંતમાં તે એક ડાયલોગ બોલે છે,‘હવે હું એક સાવ સામાન્ય વ્યક્તિની2 જેમ કશું જ નથી. બાકીની જિંદગી હવે મારે આમ મૂર્ખની જેમ જ વિતાવવાની છે.’

આ ફિલ્મની મેકિંગ સ્ટાઇલમાં નરેશનનો જબરજસ્ત ઉપયોગ કરાયો છે. આવું જ એક નરેશન હેન્રી આપતો હોય છે અને એ ડાયલોગ આ ફિલ્મનો અર્થ સમજવા માટે સમજવો જરૂરી છે. હેન્રી કહે છે કે,‘અમે બધા એકબીજાને ગુડફેલાસ કહીએ છીએ. એટલે કે આ બધા સારા માણસો છે. આપણા માણસો છે, આપણામાંથી જ એક છે. તમે સમજ્યા ? અમે બધા ગુડફેલાસ છીએ, વાઇઝગાય્સ છીએ.’ પછી એક અંદરની જ વ્યક્તિ એક પછી એક પોતાના જ ગુડફેલાસને મોતને ઘાટ ઉતારવાનું શરૂ કરે છે.ગુડફેલાસની અંદર હવે કોઇ ગુડફેલાસ રહ્યા નથી, બધાનો એકમેક પ્રત્યેનો વિશ્વાસ તૂટી ગયો હોય છે. એક માણસ બીજા માણસને શંકાથી જોવે છે કે આ મને મારી કે મરાવી તો નહીં નાંખે ને? આ જ ફિલ્મની હાઇટ છે. એકદમ ચડતી પરથી એકદમ પડતી...! એક બહુ જ ગજબનો ડાયલોગ આ ફિલ્મમાં છે અને એ ડાયલોગ જ મોટાભાગે ‘સત્યા’ લખતી વખતે અનુરાગ કશ્યપ અને સૌરભ શુક્લાને ટચ કરી ગયો હતો અને એટલે જ એમણે ‘ગોડફાધર’ના બદલે ‘ગુડફેલાસ’ પરથી ગેંગસ્ટર ફિલ્મ બનાવવાનું પસંદ કર્યું હતું. આ ડાયલોગ પહેલાની સિકવન્સ છે. ફિલ્મમાં એક પછી એક ગેંગના માણસોની લાશો મળે છે. બધા ડરેલા હોય છે. જીમી અને હેન્રી જીગરજાન છે. તેમ છતાંય એકબીજા પર વિશ્વાસ કરી શકતા નથી. બંને મળવા માટે મીટીંગ ગોઠવે છે. એક રેસ્ટોરન્ટની બારી પાસેની સીટ બુક કરાવે છે. હેન્રી રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરે છે અ્ને નરેશન શરૂ થાય છે,‘રિઅલ ગેંગસ્ટર્સની લાઇફમાં ફિલ્મો જેવું કશુંય હોતું નથી. હત્યારો હસતા મોંઢે આવી શકે છે. મિત્ર બનીને આવી શકે છે. તમે જ્યારે સૌથી નબળા તબક્કામાંથી પસાર થતા હોવ અને તમને કોઇનો સહારો જોઇતો હોય ત્યારે જ એ નબળી તકનો લાભ લઇ એ તમારી નજીક આવી શકે છે.’ અને હેન્રી જુએ છે કે એ પોતે સમય કરતાં અડધો કલાક પહેલા આવ્યો છે, પરંતુ જીમ્મી ઓલરેડી નક્કી કરેલી જગ્યા પર બેઠો છે અને એની વાટ જોઇ રહ્યો છે....! બંનેને હવે એકબીજા પર સહેજેય ભરોસો નથી. જેઓ કાલ સુધી એક સાથે હતા, એક થાળીએ ખાતા હતા, એક સાથે મર્ડર કરતા હતા, પાર્ટી કરતા હતા, જેલ જતા હતા, મોજ-મજા, એશ-આરામ કરતા હતા, એકબીજાની ફેમિલીના સુખદુખમાં સાથે રહેતા હતા એ ‘ગુડફેલાસ’ હવે ‘ગુડફેલાસ’ રહ્યા નથી...!

ગુડફેલાસમાં એક આખી ગેંગ છે. જેમાં જીમી(રોબર્ટ ડિ નીરો), હેન્રી (રે લિયોટા) અને ટોમી (જો પેસ્કી) મેઇન કેરેક્ટર્સ છે. પેસ્કી ઇટાલિયન વંશ ધરાવે છે અને તે સૌથી ખતરનાક વ્યક્તિ છે. બહારથી એ એક બાળક જેવો હસમુખો, હસતો-હસાવતો માણસ છે. પરંતુ હસતા હસતા એ બેરહેમીથી કોઇને પણ ગોળીથી વીંધી નાંખે અને હસતો જ રહે એટલો ક્રૂર છે. જીમી ખેપાની છે અને અમેરિકામાં થયેલી આજ સુધીની મોટામાં મોટી લૂંટનો માસ્ટરમાઇન્ડ છે. વિદેશી વસ્તુઓના ટ્રકને ટ્રક એ ગાયબ કરાવી લે છે. હેન્રી ફિલ્મનું મુખ્ય પાત્ર છે જે માત્રને માત્ર ગેંગસ્ટર બનવા માગે છે અને બને છે પણ. પોલી જે સૌથી પહેલા તેનો હાથ પકડે છે, હેન્રી એક તબક્કે એનો હાથ છોડીને ડ્રગ માફિયા બનવા માગે છે અને પછી જીમી, ટોમી અને હેન્રી ગુનાખોરીની ગંદી ગલીઓમાં ભટકતા ભટકતા પોતપોતાની નિયતી સુધી પહોંચે છે.

શરૂઆતમાં મેં લખ્યું હતું કે આ એક ‘મહાન’ ફિલ્મ છે. કેમ? તો જાણી લો કે રેટિંગ વાઇઝ સૌથી ટોપ પર આવતી એક બીજી ‘મહાન’ ફિલ્મ છે ‘ધી શશોન્ક રિડમ્પશન’. આ ફિલ્મના ડિરેકટર ફ્રેંક ડેરાબોન્ટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે તેઓ શશોન્ક રિડમ્પશન ડિરેક્ટર કરી રહ્યા હતા ત્યારે તેઓ શૂટિંગ દરમિયાન ‘ગુડફેલાસ’ ફિલ્મ જોતા હતા અને પ્રેરણા મેળવતા હતા. ફ્રેંકના લેવલનો માણસ ગુડફેલાસ માટે આવું બોલતો હોય તો વિચારો કે ગુડફેલાસમાં કંઇક તો દમ હશે ને! હિન્દી ફિલ્મોમાં ‘ગેંગસ્ટર કલ્ટ’ ગણાતી ‘સત્યા’ની પ્રેરણા પણ ‘ગુડફેલાસ’માંથી જ લેવામાં આવી હતી. અને 1990 બાદથી આજ સુધી બનતી ગેંગસ્ટર મૂવીઝ પપર ગુડફેલાસનો પડછાયો હોય જ છે. આ ફિલ્મ હંમેશા દરેક ફિલ્મ મેકરને કઈ ને કઈ શિખવાડતી જ રહે છે. 

અને છેલ્લે માર્ટિન સ્કોર્સેસી માટે. સ્કોર્સેસી ટોચના ડિરેક્ટર છે અને એમાં કોઇ બેમત જ નથી. ગેંગસ્ટર ફિલ્મોમાં તો એ ભાઇની માસ્ટરી છે. પંરતુ તેમની ગુડફેલાસને ફિલ્મ મેકિંગની પરંપરાને તોડતી અને રિઅલ લાઇફની ઓફબીટ સ્ટોરી ટેલિંગ માટે હંમેશાં યાદ રાખવામાં આવે છે. સ્કોર્સેસીના ડિરેક્શનની કમાલ અનેક સીનમાં જોવા મળે છે, પરંતુ અહીં માત્ર એક સીનથી વાત પૂરી કરીશ. હેન્રીની લાઇફમાં કેરેન નામની યુવતી આવે છે. હેન્રી વિશે કેરેન કંઇક જાણતી હોતી નથી. ત્યારે હેન્રીનો ઇન્ટ્રોડક્શન આપતો એક સીન સ્કોર્સેસીએ ફિલ્માવ્યો છે. હેન્રી અને કેરેન નાઇટ ક્લબમાં જાય છે. બંને બેકડોરથી એન્ટ્રી લે છે. અને ત્રણેક મીનીટનો એક લોંગ વોક કરીને સીડી, લોબી, કિચનમાંથી પસાર થઇને ક્લબના મેઇન હોલ સુધી પહોંચે છે અને પાછળથી સતત તેમને કેમેરો ફોલો કરે છે. આ ત્રણ મીનીટના તમામ વિઝ્યુઅલ્સના માધ્યમથી કેરેન હેન્રી વિશે લગભગ બધું જ જાણી જાય છે. કમ સે કમ એનો કદ શું છે એ તો સમજી જ જાય છે...! દાદુ ડિરેક્ટર સ્કોર્સેસીનું આ માસ્ટર ડિરેક્શન છે. આ ફિલ્મ સ્કોર્સેસીનું બેસ્ટમબેસ્ટ કામ ગણાય છે પરંતુ તેઓ ઓસ્કર માટે નોમિનેટ થયા છતાંય જીતી શક્યા નહોતા. જો પેસ્કી કે જે આ ફિલ્મના સૌથી કિલર કેરેક્ટર ટોમીનું પાત્ર ભજવે છે એણે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટેનો ૧૯૯૦નો ઓસ્કર જીતી લીધો હતો. બસ, ચલો હવે ‘ગુડફેલાસ’ ના જોઇ હોય તો પહેલી ઘડીએ જોઇ કાઢો.

- આગંતુક