
દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથગ્રણની તારીખ આવી ગઇ છે. 20 ફેબ્રુઆરીએ 4.30 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારંભ યોજાશે. શપથગ્રહણનું આયોજન દિલ્હીના રામલીલા મેદાનમાં થશે. દિલ્હીમાં આ પહેલા મુખ્યમંત્રી પસંદ કરવા માટે 19 ફેબ્રુઆરીએ ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકના એક દિવસ બાદ 20 ફેબ્રુઆરીએ નવા મુખ્યમંત્રી શપથ લેશે.
દિલ્હી ભાજપની બેઠક મળશે. આ બેઠકમાં શપથગ્રહણ સમારંભના ઇન્ચાર્જ વિનોદ તાવડે અને તરુણ ચુગ હાજર રહેશે. દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને દિલ્હી ભાજપ સંગઠનના પદાધિકારી પણ હાજર રહેશે. શપથગ્રહણની તૈયારીઓ, સીટિંગ એરેજમેન્ટ અને ગેસ્ટ લિસ્ટ આ બેઠકમાં ફાઇનલ કરાશે.
દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની થઇ હતી જીત
ભાજપે 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. પાર્ટી 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં આવી છે. ભાજપે દિલ્હીની 70 વિધાનસભા બેઠકમાંથી 48 બેઠક પર જીત મેળવી છે જ્યારે આમ આદમી પાર્ટીને 22 બેઠક મળી હતી.
આતિશીએ ઉઠાવ્યા સવાલ
કાર્યવાહક મુખ્યમંત્રી આતિશીએ કહ્યું, "દિલ્હી ચૂંટણીના પરિણામ જાહેર થયે 10 દિવસ થઇ ગયા છે. દિલ્હીને આશા હતી કે 10 ફેબ્રુઆરીએ શપથગ્રહણ સમારંભ યોજાશે અને પછી તેમનું કામ શરૂ થશે પરંતુ જનતા રાહ જોતી રહી ગઇ, તેનાથી આ સાબિત થાય છે કે ભાજપ પાસે દિલ્હીની સરકાર ચલાવવા માટે મુખ્યમંત્રીનો એક પણ ચહેરો નથી."
દિલ્હીના મુખ્યમંત્રીની રેસમાં કોણ કોણ છે?
દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં પ્રવેશ વર્મા, ભાજપના દિલ્હીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા અને સતીશ ઉપાધ્યાય સામેલ છે. આ સાથે જ પવન શર્મા, આશીષ સૂદ, રેખા ગુપ્તા અને શિખા રાય સહિત અન્યને પણ મુખ્યમંત્રી પદના દાવેદારના રૂપમાં જોવામાં આવી રહ્યાં છે. પ્રવેશ વર્માએ વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પર આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે.