
- પન્ના પલટીએ
આપણે પ્રેમની વ્યાખ્યા શું બાંધી શકીએ? તેને વફાદારી કહેવાય? કોઈના માટેનું સમર્પણ કે આદર કહેવાય? આમ જોવા જઈએ તો પ્રેમ માત્ર અઢી અક્ષરનો શબ્દ છે પણ તેની લાખો શબ્દો વડે પણ વ્યાખ્યા બાંધવી અશક્ય છે! પણ કેટલાક લોકો પોતાના કામથી, કોઈના માટેના પોતાના સમર્પણથી, ભાવથી આપણને પ્રેમનો મતલબ શીખવાડી જાય છે. આજે અહીં એક એવા જ પ્રેમની વાત કરવી છે જે કોઈ માણસે નહીં પણ એક કૂતરાએ પોતાના માલિકને કર્યો અને એવો કર્યો કે, કદાચ કોઈ માણસ પણ બીજા માણસને ન કરી શકે!
ટોક્યો યૂનિવર્સિટીમાં ઈજાબૂરો આઈનોને પણ પ્રાણીઓ અને ખાસ કરીને કૂતરાથી ખૂબ લગાવ હતો. તે ઘણા સમયથી એક પાળતું કૂતરો લેવાનું વિચારી રહ્યા હતા પણ તેમને પોતાની પસંદગીની બ્રીડ નહોતી મળી રહી. છેવટે એક દિવસ પોતાના એક વિદ્યાર્થીના કહેવાથી ઈજાબૂરોએ ટોક્યોના એક ફાર્મમાંથી અકીતા પ્રજાતિનું એક ગલુડીયું ખરીદ્યું. ઈજાબૂરો જ્યારે તેને ઘરે લાવ્યા ત્યારે તે માંડ બે મહિનાનું હશે. નામ રાખ્યું હાચી. જાપાનીઝ ભાષામાં હાચીનો મતલબ આઠ થાય છે. જાપાનમાં આઠના અંકને ખૂબ ભાગ્યાશાળી માનવામાં આવે છે.
અને જાણે કંઈક એવું જ બન્યું! હાચીના આવવાથી ઈજાબૂરો અને તેના ઘરમાં રોનક આવી ગઈ. પહેલા તો તેની પત્નીને હાચી ખાસ ગમતું નહોતું પણ બાદમાં બધા તેનાથી ટેવાઈ ગયા. રોજ સવારે પોતાના માલિકને સ્ટેશન પર છોડવા જવું અને નોકરી પતાવી તે પાછા આવે ત્યારે સ્ટેશન પર તેમની રાહ જોવી એ હાચીનો નિત્યક્રમ બની ગયો. બંને ખૂબ સારો સમય પસાર કરી રહ્યા હતા. આશરે દોઢ વર્ષ સુધી આ નિત્યક્રમ ચાલ્યો અને પછી...
હાચી રોજની જેમ તે દિવસે પણ સ્ટેશનની બહાર પોતાના માલિકની આવવાની રાહ જોતો રહ્યો પણ માલિક ન આવ્યા. અસલમાં યૂનિવર્સિટીમાં જ ભણાવતી વખતે ઈજાબૂરોને હાર્ટ એટેક આવ્યો અને તેમનું ત્યાં જ મૃત્યુ થયું. હાચી આ વાતથી અજાણ હતો, તે માલિકના ન આવવાથી ટ્રેન ગયા બાદ ઘરે પાછો ફરી ગયો. માલિકના મોત બાદ તેને એક વ્યક્તિએ પોતાની પાસે રાખી લીધો પણ હાચી ત્યાં વધારે રહ્યો નહીં અને ભાગી આવ્યો. બાદમાં તે દરરોજ શિબૂયા (સ્ટેશનનું નામ) પણ માલિકના આવવાની રાહ જોતો રહ્યો. એક દિવસ, બે દિવસ નહીં, મહિનાઓ નહીં, દસ વર્ષ સુધી રોજ આ નિત્યક્રમ ચાલતો રહ્યો!
સ્ટેશન પર સ્ટૉલ લગાવનારા લોકો રોજ હાચીને જોતા અને તેની દયા ખાતા. હાચી રોજ એક જ જગ્યાએ જઈને સવારથી સાંજ સુધી પોતાના માલિકના આવવાની રાહ જોતો... પણ અફસોસ એ દિવસ ક્યારેય ન આવ્યો અને એક દિવસ હાચીએ ત્યાં જ પોતાના પ્રિયજનની રાહ જોતા જોતા દમ તોડી દીધો!
બાદમાં હાચી અને તેના સમર્પણની યાદમાં શિબૂતા સ્ટેશનની બહાર હાચીનું એક પૂતળું મૂકવામાં આવ્યું જે આજે પણ તેના પોતાના માલિક માટેના પ્રેમ, વફાદારી અને સમર્પણની પ્રતિતિ છે.
=