
- બિયૉન્ડ એન્ટરટેઈનમેન્ટ
જીવનમાં ઘણા એવા પ્રસંગ બનતા હોય છે જેમાં આપણે હતાશ બની જઈએ છીએ. આંખો આગળ અંધારું છવાઈ જાય છે, શું કરવું એ ખબર ન પડે અને ભવિષ્ય ધૂંધળું બની જાય. આવી સ્થિતિમાં ઘણા લોકો હારી જતા હોય છે, જીવન ખતમ લેતા હોય છે. જ્યારે જૂજ એવા હોય છે જે પરિસ્થિતિઓ સામે લડીને પાર પડે છે અને જીવનને જીતે છે. અસલ જીવનમાં અને ફિલ્મોમાં ઘણા આવા પ્રેરણાદાયી કિસ્સાઓ આપણને જોવા મળે છે. આવી જ એક અસલ વાર્તા પર આધારિત ફિલ્મ એટલે 'ધ પર્સ્યૂટ ઑફ હેપ્પીનેસ'
2006માં આવેલી ફિલ્મ ‘ધ પર્સ્યૂટ ઑફ હેપ્પીનેસ’ અત્યાર સુધીની સૌથી ઉમદા ફિલ્મોમાંની એક છે. ગેબ્રિએલ મ્યૂકિનો નિર્દેશિત આ ફિલ્મમાં વિલ સ્મિથ અને તેનો દીકરો જેડેન સ્મિથ મુખ્ય ભૂમિકામાં છે. ક્રિસ ગાર્ડનર (વિલ સ્મિથ) એક સંઘર્ષમય જીવન જીવી રહ્યો છે. સેલ્સમેનની નોકરીમાં તે પૂરા ખંતથી લાગેલો છે, મહેનત કરે રાખે છે પણ સફળતા તેનાથી દૂર ભાગતી જાય છે. તે પોતાની પત્ની અને દીકરાને એક આરામદાયક જીવન આપવા માટેના પ્રયત્નો કરે છે પણ હતાશા સિવાય કશું મળતું નથી. છેવટે તેની પત્ની ગરીબી અને સંઘર્ષરત જીવન સામે ઝઝૂમી રહેલા ક્રિસને છોડીને જતી રહે છે. ક્રિસ લગભગ ખતમ થઈ ચૂક્યો છે, તેનું ઘર પણ તેનાથી છીનવાઈ જાય છે. તે પોતાના દીકરાને લઈને આમ-તેમ ભટકે રાખે છે. ગંધ મારતા પબ્લિક ટૉયલેટમાં રાત વિતાવવી પડે છે. જીવન બધી જ રીતે તેની પરીક્ષા લે છે. જોકે, ક્રિસ હતાશ થાય છે પણ હારતો નથી.
એક દિવસ એક શેર માર્કેટની ફર્મમાં નોકરી માટેની જાહેરાત બહાર પડે છે. નોકરીમાં મંદીને કારણે બહુ બધા લોકો આ નોકરી લેવા માટે ક્રિસ સાથે લાઈનમાં છે. ક્રિસ અન્ય લોકો સાથે શોર્ટલિસ્ટ થાય છે, થોડા દિવસની ઈન્ટર્નશિપ માટે. ક્રિસ રાત-દિવસ મહેનત કરે છે અને શેર માર્કેટના તમામ પાસા જાણે છે. ક્રિસની નોકરી માટેની લલક અને મહેનતથી ફર્મના માલિક ખુશ થઈ જાય છે અને અંતે તેને આ નોકરી મળી જાય છે. ફિલ્મનો અંત હંમેશાં માટે યાદ રહી જાય અને એક અદમ્ય સંતોષની લાગણી જન્માવનારો છે. આ ફિલ્મ જોયા જીવનમાં જો તમે પણ ક્યારેક અપાર સુખની અનુભૂતિ કરશો તો એ સમયે આ સીન તમારા મન-મગજમાં અચૂક પણ આવી જશે. બીજો એક યાદગાર સીન છે જેમાં ક્રિસ પોતાના દીકરાને સપના જોવાની અને તેના પૂરા કરવાની સલાહ આપે છે.
ફિલ્મની વાર્તા ઘણી પ્રેરણાદાયી છે. વિકટ પરિસ્થિતિઓમાં પણ લક્ષ્ય પર ધ્યાન રાખવું અને તેને પ્રાપ્ત કરવા મથતા રહેવું, પોતાના પર વિશ્વાસ રાખવો એ ફિલ્મના મુખ્ય સંદેશ છે. 2006માં આવેલી આ ફિલ્મ ક્રિસ ગાર્ડનર નામના વ્યક્તિની અસલ જીવનકથા પર આધારિત છે. ફિલ્મમાં ક્રિસનું પાત્ર વિલ સ્મિથે ભજવ્યું છે, જ્યારે તેના દીકરાના પાત્રમાં તેનો અસલ દીકરો જેડેન જ છે. ફિલ્મ એક્ટિંગ, સ્ટોરીટેલિંગ, નરેશન બધી જ રીતે અદભુત છે. જ્યારે પણ જીવનમાં હતાશા-નિરાશા, નિષ્ફળતાઓથી ઘેરાવ ત્યારે આ ફિલ્મ જોઈ લેવી.
- આગંતુક