Home / GSTV શતરંગ / Anand Thakar : A Short Story: The Forest Demon Anand Thakar

શતરંગ / એક નાનકડી વાર્તા: વન રાક્ષસ

શતરંગ / એક નાનકડી વાર્તા: વન રાક્ષસ

- સહજને કિનારે

આટલું ઉતાવળે આવવાની જરૂર નહોતી. એની સૌને ખબર હતી. તેના આવવાથી ફેર કોઈ પક્ષે પડવાનો નહોતો. શિક્ષક ને કલેકટર કોઈ કેડર જ નહોતી સામસામે - એક કામ હતું, બસ. 

પાંચ મિનિટમાં વાર્તા બદલી જાત જો કલેકટર ગાર્ગી મેડમ પાછા ફર્યાં હોત, નિવૃત્તિના આરે ઉભેલા વીનેશ બાબુએ ઝોલું ન લીધું હોત કે આ ઉતાવળે આવનાર ક્લાસ થ્રીનો કર્મચારી સંજય એક વખત બોલી ગયો હોત કે ત્યાં જવા જેવું નથી. 

વીનેશ બાબુ આરએફઓ છે ને તો પણ સંજય તરફ તેમણે બે ત્રણ વખત ત્રાંસી ને વેધક નજરે જોઈ લીધું. તેને શંકા પડી કે આના સુધી વાત પહોંચી કેમ? પણ પછી યાદ આવ્યું કે આજે મેડમ પ્રવેશ ઉત્સવમાં આ ટીચરની સ્કૂલે જ હતા. 

મેડમ ગાર્ગી આ પ્રાંતના કલેકટર હતા પણ રસાલો એની સાથે એમને રાખવો ગમતો નહિ. થોડું એને મહિલા હોવાનું સ્વાભિમાન અને કલેકટર બની જવાનું અભિમાન તો હતું અને સાથે હતું તોછડાપણું, પણ સંજય જાણતો હતો કે એ ઉકળાટ તો આ ખડુસો સાથે રહેવાથી આવેલો છે, જો એ ત્યાં જશે તો નિશ્ચિત તકલીફ થશે કારણ કે ત્યાં બી. કે. નું ફાર્મ હાઉસ ભુલભુલામણીથી જરા પણ ઓછું નથી. 

ગાર્ગી મેડમ જંગલના પૌરાણિક મંદિર તરફ જઈ રહ્યા હતા. આરએફઓની ગાડી પાછળ જતી મેડમની ગાડીએ એક વળાંક ખોટો લઈ લીધો, તેમાં રસ્તામાં આવતું ફાર્મ હાઉસ જોયું. મેડમે ગાડી રોકાવી. વીનેશજીની ગાડી બીજે રસ્તે પહેલાં જ વ્યવસ્થા માટે મંદિરે પહોંચી ગઈ હતી. જ્યાં બાઈક લઇને બીજે રસ્તેથી સંજય માસ્તર ત્યાં પહોંચ્યો હતો. ત્યાં ઉભેલા ગાર્ડ દ્વારા સંજયને આરએફઓ વીનેશ બાબુ પાસે જતા અટકાવ્યો કારણ કે તે આરામ કરી રહ્યા હતા. 

હવે સંજયથી રહેવાતું નહોતું. બે વાગ્યાના મેડમ નીકળ્યા છે. આ મંદિરે પહોંચતા કલાક થાય અત્યારે પોણા ચાર વાગવા આવ્યા છે! તેને હવે જે વિચારો આવતા હતા તેનાથી તે ઉકળી ઉઠ્યો. સંજયને થોડીવાર થયું: એ કલેકટર છે એને બધી ખબર જ હોયને?! પણ જો ખબર ક્યાંથી હોય, તેઓ ખનન માફીયાઓ કે  માત્ર રાજકારણીઓને જાણે છે તેઓ, જંગલના દેવોને નહિ?! 

સંજયની સામે ગર્ગીનો ચહેરો આવી ગયો: જીન્સ પેન્ટ ને કુર્તી પહેરેલી હતી, થોડાં વાંકડિયા વાળ હતા. હાથમાં સ્માર્ટ વોચ ને નવીસવી મળેલી કલેકટરની નોકરી. જાજી ઉંમર નહિ હોય ત્રીસ બત્રીસ વર્ષ. છતાં બાળકો સાથે ખીલ્યા હતા, માસ્તરોને શાબાશી આપી હતી અને સંજયને કહ્યું હતું: કંઈ કામ હોય આ મારા અંગત નંબર છે મેસેજ કરજો, કોલ માટે સમય આપીશ.  શાળામાં જે ઘટે છે એ કહેજો પાસ કરવી દઈશ. 

વીનેશ બાબુ ઝોકું ખાઈ એકદમ  સફાળા દોડ્યા, એમણે ગાડી શરૂ કરવાનું કહ્યું હતું પણ ડ્રાઈવર કાદવમાં ફસાઈને આવેલી એની ગાડીને સાફ કરી રહ્યો હતો કે તરત તેમણે સંજયને જોરથી કહ્યું: માસ્તર, બાઈક લૈલે લંકા મેં... 

માસ્તરના ગાઢ મોકળા થઈ ગયા! તેણે બધી હિંમત એકઠી કરી અને બાઇક વાળી અને વીનેશજી તરત ચડ્યા, બંનેને એકમેકને અંદાજ આવી ગયો: આરએફઓ બોલવા લાગ્યા કે ઝોકું ન ખાધું હોત તો...

સંજય કાદવ કીચડ વાળા રસ્તામાં બાઈકને ચલાવતો ચલાવતો બબડ્યો: મેં આપને કે એમને ત્યાં કહી જ દીધું હોત તો...

સંજયે ત્રણ વાર પૂછ્યું: ક્યાં છે? મેડમ? 

આરએફઓ  સાહેબે સાંભળ્યું ન સાંભળ્યું કરીને જાણે સ્વાગત બોલતા હોય એમ ધીરે બોલ્યા : વન દેવતા પાસે. 

સંજય પણ બબડ્યો: વન દેવતા કે દાનવ? હજુ સુધી કોઈ નક્કી કરી શક્યું નથી. તમને તો બધી ખબરેય ક્યાં છે? 

કેમ? - સાહેબ જરાક ચશ્મા ઠીક કરતા સજાગ થઈને બોલ્યા. 

એ તો ભલું હશે તો આજે તમે જાતે જોઈ લેશો. - સંજયે કહ્યું. 

કાદવમાં માંડ ગાડી ભગાડી, બી. કે. ના ફાર્મ હાઉસ સુધી પહોંચ્યા તો જોયું કે મેડમની ગાડી ત્યાં હતી. 

અધિકારીને ગાડી જોઈ હાશકારો થયો પણ જાણે સંજયને હજુ મેડમ ન દેખાય ત્યાં સુધી હાશકારો અનુભવાયો નહિ. 

સંજયની ગાડીનો અવાજ આવ્યો કે બી. કે. જાતે પોતે દોડીને ડેલા તરફ આવતો જણાયો: સફેદ ધોતી, કાળો ખમીસ ને હાથમાં મોબાઈલ રાખેલો હતો ને દશે આંગળીએ સોનાના વેઢા પહેરેલા હતા. એને આવતો જોઈ અને સંજયને વધુ ફડકો પેઠો. 

બી. કે. આવી ને ગુસ્સામાં કહે : માસ્તર તને ય ખબર ન પડે? 

માસ્તર કોના પક્ષે રહેવું અધિકારી કે બી.કે. એવી અવઢવમાં હોય એમ બી.કે. સામે મૂંઢ થઈ અને જોતો રહ્યો. 

બી. કે. એ દાંત કચકચાવીને કહ્યું : માસ્તર, તને કહ્યું એટલે તે આવું કર્યુને?! હવે, હું અને મારો પરિવાર ક્યાંયનો નઈ રહે, આ બાઈ આઘડી આખા જગતને જાણ કરશે ને હું તો તને ય સોંપી દઈશ એને!? 

સંજય આખી વાત દરમિયાન ક્યારનો બી. કે. ને ઈશારો કરી રહ્યો હતો કે કંઈ ન બોલે પણ આખરે બી.કે. એ બધું બોલી દીધું. બી.કે. ને એમ કે એનું બધું રહસ્ય છતું થઈ ગયું ને સંજયને એમ કે બી.કે. એ બધું બાફી નાખ્યું. 

બસ, સાહેબને એટલી ખબર હતી કે અહીં વન રાક્ષસ આવે છે ને લોકોને વળગે છે! એટલે મેડમ કે એના પીએ કે એના ડ્રાઈવર ન દેખાતા એને ફડક ઊઠી. 

આરએફઓ પણ ઉકળ્યા: શું ચાલે છે? મેડમ ક્યાં છે? જો બી.કે. અમારા કર્મચારીઓ કે બહારના માણસો સાથે થતું ત્યાં સુધી બધું ચલાવ્યું. મેડમને - 

સાહેબના શબ્દો અધૂરા રહી ગયા. મેડમ જ હતા કે વન રાક્ષસ? સૌ દિગ્મૂઢ. બી.કે. પણ છળી ગયો. જોયું તો વાઘની ખાલ વાળો ઝબ્બો ને માથે બકરાંના શિંગડાનો મુગટ! મેડમે સંજય તરફ દોડીને આવીને હાથના પંજા ઊંચા કર્યા, જેમાં સિંહના નખ પહેર્યાં હતા! 

મેડમે આરએફઓ પાસે આવીને નખ, મુગટ બધું કાઢીને સામન્ય થયા પછી કહ્યું: ડોન્ટ વરી, મને બધી વાત સાહી માતાએ કરી છે. આ બી.કે. એ ખરેખર વન દેવતા છે. એણે આવો વેશ ધારણ કરીને લોકોને ડરાવી અહીંના વૃક્ષો કપાતાં બચાવ્યા. આ ફાર્મ હાઉસ નથી, પરંતુ અહીં જે સારી સારી સંસ્થા નથી કરી શકી કે સરકાર નથી કરી શકી એવું કામ આ જગ્યાએ કર્યું છે કે અહીં દુર્લભ વનસ્પતિ, વૃક્ષોની નસલને ઉછેરીને વિકાસ કરવામાં આવ્યો છે. તેમણે એવા બીજના જતાં કર્યાં છે જે હવે મળવા ખૂબ દુર્લભ છે. આમને તો વિશેષ સન્માન આપવું જોઈએ. 

તરત બી.કે. મેડમને હાથ જોડીને બોલ્યો: મેડમ, તમારો આભાર. આ બીજ જે મળ્યા એમાં આ માસ્તરની મહેનત પણ છે. બાકીનું બધું મારી પાસે હતું. 

સંજય બોલ્યો: મેડમ, આ રહસ્યને રહસ્ય રહેવા દો. આ વન રાક્ષસ નહિ રહે તો સ્વાર્થી લોકો આટલું જંગલનું સંવર્ધન પણ નહિ રહેવા દે. તમે કશું જોયું નથી, અમે કંઈ સાંભળ્યું નથી.

હવે કોઈ વિનંતી કરવા વાળને કે સમજાવવા વાળને સાંભળતું નથી. ક્યાંક અમારા હાથ પણ બંધાયેલા રહે છે એ આ સિસ્ટમમાં રહીને મેડમ, તમે પણ જાણો છો એટલે આ વન રક્ષકના રાક્ષસને જીવતો રહેવા દો. - છેલ્લે આરએફઓ સાહેબે પણ વિનંતી કરી. 

ફાર્મ હાઉસની થોડે દૂર મેડમની ગાડી કાદવમાં ફસાયેલી હતી એ આરએફઓ સાહેબની ગાડીના ડ્રાઈવર અને મેડમની ગાડીના ડ્રાઈવર બંને સાફ કરી રહ્યા હતા. 

સાંજ પડવા આવી હતી અને આ ચોમાસાનું વાતાવરણ હતું. મેડમે આદેશ આપ્યો: સાહેબ, તમે આ બંને ગાડી લઈને આવજો સરખી કરાવીને હું સંજય સાથે બાઇકમાં સીધી તાલુકા મથકે આરમગૃહમાં જઈશ. 

મેડમ, બાઇકમાં? આમ? 
આરએફઓ સાહેબ શંકા અને સિસ્ટમના સિરસ્તા વિચારતા હતા ત્યાં મેડમે સંજયને કહ્યું: સંજય, ચાલો બાઈક પર આવું છું. મૂકી જાઓ મને. 

સંજય આરએફઓ સામે જોઇને અસમંજસમાં બાઈક શરૂ કરવા લાગ્યો ને બંને ઢળતાં સૂરજની દિશામાં બાઈક પર રવાના થયા. 

ડ્રાઈવર, સાહેબ તરફ જોઈ બોલ્યા: સાયબ, હાલો, વેલા નીકળી જાય, આયાં વન રાક્ષસ આવે સે. 

સાહેબે પણ કહ્યું: હા. હા. ચાલો ઝડપથી. 

બીજા ડ્રાઈવરે કહ્યું: આયાં કોને ન્યાં ગ્યાતા સાયબ? 

આરએફઓ: કંઈ નઈ, બસ ખેતર છે મેડમ ખાલી આટો માર્યો. ચાલો, ઝટ અહીંથી. 

અને થોડીવારમાં બંને ગાડી પણ ચાલી નીકળી. જંગલ, પર્વત ને વન રાક્ષસ પાછળ અંધકારમાં ડૂબી ગયા. 

- આનંદ ઠાકર