
- સહજને કિનારે
તું,
બારી બહાર વરસાદના છાંટા પડે છે, મન મૂકીને હજુ વરસ્યો નથી. વરસશે તેને ય ધરતી સાથે લેણાદેણી હશે ને! મારી બારીની બરોબર પાછળ જૂઈ છે, સારી સુગંધ આવે છે, રાતે જ્યારે બારી બંધ કરવા જાઉં છું તો તેની સુગંધ મારી બારીને પકડી રાખે છે અને મારું તો હૈયું ને નાક બન્ને હરી લે છે! આજે અગીયારસ જેવું કંઈક છે તેથી થોડી ચાંદની પણ છે.
ઘરના મારા રૂમમાં બેઠો છું, આપણી મુલાકાત થશે ત્યારે ઐસા હોગા... વૈસા હોગાના વિચાર કોમ્પ્યુટર સ્ક્રિન પર સ્ક્રિનસેવરની જેમ મગજ માંથી સરકી જાય છે. કેટલા બધા પુસ્તકો મને તાકીને મીઠી ફરિયાદ કરે છે, તું આવ્યા પછી એને ભૂલી જાવાની! પુસ્તકો, મારી પ્રેમિકા. કોમ્પ્યુટર, મારી લિવ-ઈન-પાર્ટનર છે. થોડી બળતરા તો કોમ્પ્યુટરને તારી કલ્પના કરવા માત્રથી થઈ હોય એવું લાગે છે. જો સ્હેજસ્હાજ હેંગ થવા લાગે છે હમણાં હમણાં! રાત્રીનો આસવ આંખ પર ચડ્યો છે! તને મળ્યા પછી હું કંઈક તો કહેવા માંગીશને...? આપણે જે રસ્તે ચાલવાનું છે ત્યાં મુંગા તો નહીં ચાલી શકાય, તેથી આપણે મળશું કોઈ કોફિશોપમાં કે પછી દરિયાકિનારે....
દરિયાકિનારો જ સારો નહીં? સાચ્ચે જ, એ વિચારની વિશાળાતા શીખવે છે આપણને. ત્યાં આપણે મળશું, હું તને ફેસબૂકમાં મેસેજ કરીશ. આપણે કંઈક જાણે કાળું કામ કરતા હોય તેમ આ સ્માર્ટફોનની સદીમાં પણ તું તારા લોકોથી મોં છૂપાવવા મોં પર ચુંદડી બાંધીને ‘પ્લેઝર’માં આવજે અને હું ટાઈટ જિન્સ (નહીં ફાવે તો પણ) અને ટિશર્ટ પહેરી મોંઢે સફેદ રૂમાલ આંખ સુધી બાંધી મારી ‘સ્પ્લેન્ડર’માં આવીશ. મેં પહેલીથી જ જોઈ રાખેલી એવી જગ્યાએ આપણે કિનારાની બાજુ પર જશું કે જેથી ‘દુનિયા’થી થોડાં દૂર થઈ શકીએ અને ‘આપણે’ નજીક આવી શકીએ.
જ્યારે સામે મળશું ત્યારે ચેટમાં આવે છે એવા સ્માઈલના ટેટૂ જેવું મૂશ્કુરાશું, તારી આંખોમાં હું જોઈશ, તું મારા હોઠોને જોઈશ(ત્યાં તલ છે કે કેમ તે જોવા માટે જ સ્તો...) પછી તું સાચુંકલું હસી પડીશ! હું થોડો આંખોથી મહેકીશ... મને મોગરાની જેમ સીધો મહેંકાટ કરવાની ટેવ નથી, થોડું મભમમાં રહેવાની મજા હોય છે!
વાતોમાં તો શું તારી ઓફિસ કેમ ચાલે છે?, એવું હું પૂછીશ અને હું નોકરી પરથી ક્યારે આવ્યો?, તે તું પૂછીશ. ક્યાંય કશું ખાવા પીવા રોકાવું નથી; તેવું ખોટો ડર દેખાડવા તું કહીશ, હું વટ પાડવા સમાજની ઐસીતૈસી કરું છું તેવું દેખાડવા આગ્રહ કરીશ. ત્યાં સુધીમાં મારો રુમાલ અને તારી મોં પરની ચુંદડી નીકળી ગઈ હશે!
દરિયાની વિશાળાતા પર આપણી નજર એક થશે અને બન્નેને સાથે જોડાવાનો વાંધો નથી ને? તેવું બન્ને પૂછશું પૂછવા ખાતર અને હું સાચા હૈયાથી પૂછીશ કે જો તમારે કોઈ વાંધો હોય અને ઘરે કહી ન શકતા હો તો મને કહે જો મારા તરફથી હું ના પાડી દઈશ અને તમે સૈફ રહેશો..., આવી ફનાગીરી બતાવી તારું હૈયું જીતવાનો પહેલો તબક્કો હું પાર કરીશ.
ઘણું બેઠા નહીં? એમ કહીને મમ્મીના ફોનની બીક બતાવી મારી પાસેથી સરકવાનું કરીશ ત્યારે હું આ ઈ-મેઈલના યુગમાં પણ એક ચીઠ્ઠી આપીશ અને કહીશ કે પત્રનો આનંદ કોઈ ઔર હોય છે, તું સામે મુશ્કુરાઈશ અને મનમાં કહીશ કે સો..., બોરિંગ... . છતાં તે ચીઠ્ઠી જાણે બહુમૂલ્ય રત્ન હોય તેમ તારા પર્સના ખીસ્સાની અંદરના ખાનામાં નેલપોલીસની બોટલની નીચે દબાવી દઈશ.
આખરે હું પેલા ‘વિવાહ’ વાળા હિરોની જેમ મને જાણે કે બધા હક હોય તેમ તારા માથા સાથે માથું ભટકાડીને એક સેલ્ફી લઈશ..., તારાથી કાલિદાસની કોઈ નાયિકાની જેમ શરમાઈ જવાશે, પણ પછી તરત મહેશભટ્ટના ફિલ્મોની નાયિકાની જેમ તારા હોઠ મારા ગાલે હળવાશથી મૂકી દઈશ. આપણે બન્ને એમ ગાડી હંકારતા ભાગશું જાણે દશલાખની લોટરી ઘરે પડી છે તે કેમ લાગી હોય!
રાતે જમીને તું, તારે આજે પ્રોજેક્ટવર્ક વિદ્યાર્થીઓ માટે કરાવાનું છે તેવું કહીને લેપટોપ લઈ બીજા રૂમ બેસીને લેપટોપ નીચે ચીઠ્ઠી રાખી એક એક લીટી વાંચીશ, તું ધ્યાનથી વાંચીશ કારણ કે તારા જીવનનો પ્રશ્ન છે, મેં સાચી ફિલિંગથી જ લખ્યું હશે કારણ કે ‘આપણી’ આખી લાઈફનો સવાલ છે, એમાં કશુંક આવું લખ્યું હશે!
તું,
આપણે કંઈ કરી નથી શકતા, આપણે માત્ર ‘હોઈ’ શકીએ છીએ. પાણીના પ્રવાહની જેમ!
સાથી-દોસ્ત-મિત્ર કેમ કોઈ બનતું નથી. કેમ એક બીજાની જિંદગી બંધીયાર બની જાય છે?
તારા મા-બાપ પ્રત્યે મને માન હોય, તેમ મારા મા-બાપ પ્રત્યે તને માન રહેવું જોઈએ..., કારણ કે બન્નેને ઉછેરવામાં બન્ને પક્ષનો ફાળો છે. તે લોકો આપણાથી પહેલાની પેઢીના હોય થોડો જનરેશન ગેપ હોવાનો, થોડા નીતિનિયમો તેમના હોવાના..., પણ આપણે તેને એવી રીતે અપનાવવા કે ન તો તેમને ચોટ લાગે, અને આપણે સિફત્તાઈથી આપણું મન ગમતું કરી પણ શકીએ. એ એની રીતે સાચા હોય છે, કારણ કે તેઓ ઉમરના એવા મકામ પર પહોંચ્યા હોય છે, કે ત્યાં તેમણે પોતાનું એક રાજ્ય બનાવી લીધું હોય છે, આ રાજ્ય કોઈ તોડે તો તે તેને પસંદ નથી હોતું.., પણ આપણે તેના મનોરાજ્ય પર એવું મીઠું રાજ્ય ઉભું કરવું પડશે કે તેઓ ખૂદ બધા દરવાજા ખોલી દે.
સંસાર છે અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ આવવાની. મગજ અને મન છે, તર્કો કરે કે કોઈ કરાવે, ત્યારે કોઈપણ પ્રશ્ન કે સમસ્યા ઉભી થાય તો આપણે દરિયાકિનારે કે ઘરની બહાર જઈને નિરાંતે બેસીને તે પ્રશ્ન પર, સમસ્યા પર વિગતે ચર્ચા કરીએ. તેનો સાચો અને પ્રેક્ટિકલ ઉકેલ શોધીએ.
તારા મનમાં પણ ઘડીક તો થશે કે હજુ તો પહેલી મુલાકાત છે અને આ મને આટલું બધું સંભળાવી રહ્યો છે, તો આગળ શું થશે..., પણ ના. જ્યારે આપણે નદીના પ્રવાહમાં એક બીજાનો હાથ પકડીને ચાલવાનું નક્કી કરવાની તૈયારીમાં છીએ ત્યારે તેમાં કેટલીક રસમ ભળવી જોઈએ..., ખરી રસમ તો આ જ છે કે આ સમજ ઉભી થવી જોઈએ. ચાર કે સાત ફેરા કે અગ્નિની સાક્ષી જો તમને ચારદિવસની જિંદગીમાં ચારક્ષણનો આનંદ ન આપી શકે તો તે શું કામના? આ મારી શરતો નથી. કારણ કે હું હંમેશા યાદ રાખું છું પેલા ગીતની પંક્તિ કે પ્યાર મૈં કોઈ શરતે હોતી નહીં... હું તો નિર્ભેળ પ્રેમ કરવા-મેળવવા માંગુ છું, પ્રેમની રસમ હોય, શરત નહીં.
તમારું સ્મિત મને જીવાડી શકે, મારો સ્પર્શ તમને શાતા આપી શકે. આનાથી વિશેષ આનંદ શું હોય જીવનનો. આ પત્ર કદાચ તમને કે બીજાને કલ્પના લાગે પણ આવું કરી શકાય છે, મેં ઘણાં કપલ્સને આવી રીતે જીવતા જોયાં છે.
આપણે આજીવન મિત્ર બનીએ. હું અને તું ક્યારેય કોઈ વાત એક બીજાને કહેવામાં ખચકાયે નહીં.
એજ, લિ.
હું.
આટલું વાંચીને તમે બ્લેંક મેસેજ છોડશો, મારે સમજવાનું કે તમે પત્ર વાંચી લીધો અને તમે મને એક મેઈલ લખવા બેસી જશો. સો, સ્વીટ ડિયર...!
બસ, આટલું લખી, મનમાં મલકાતો વીનેશ પોતાના ઓરડાની બહાર કશુંક લેવા માટે બહાર નીકળ્યો કે એમના પિતાજી કોઈની સાથે ફોનમાં વાત કરતા હતા કે ભલે ગામડામાં છે પણ સરકારી નોકરી તો છે… સામે છેડે હજુ કશુંક વિગત ચાલતી હતી. વિનેશે તરત પાછા આવી પાત્ર ઇમેઇલમાં ડ્રાફ્ટમાં સેવ કરી દીધો. છેલ્લે તા. ક. લખી: કદાચ, આ મુલાકાત નહિ થાય!
- આનંદ ઠાકર