Home / GSTV શતરંગ / Anand Thakar : Short story: Then we Anand Thakar

શતરંગ / નાનકડી વાર્તા: એ પછી અમે -

શતરંગ / નાનકડી વાર્તા: એ પછી અમે -

- સહજને કિનારે 

એક સાથે ચારે બાજુ ધડાકાઓ... બોમ્બ વર્ષા... છનાછન ગોળીઓની રમરમાટી બોલી રહી હતી. તેને થયું આ બધા વચ્ચે તે માથા પર દૂપટ્ટો નાખીને એકલી ઉભી છે... શાકમાર્કેટની બાજુના રસ્તા પરથી જ તો તે ભોલુને લઈને બજારમાં જઈ રહી હતી. ત્યાં જ તેની સાવ નજીક જ હવે તો ગોળીઓ વર્ષી રહી હતી. લોકોની ચીચીયારીઓ સંભળાઈ... 

ટેન્ક્સીના અવાજ અને ગોળીઓના અવાજો.... એ પણ દોડી રહી હતી અને અચાનક અટકી ગઈ... તેને લાગ્યું તેની આંગળી કપાઈ ગઈ છે.... તે દોડતી દોડતી અટકી અને પાછળ જોઈને જોરદાર ભોલુના નામની ચીસ પાડી... સામેથી ગોળીઓ આવી રહી છે તેનું પણ તેને ભાન ન હતું. તેની આસપાસ લાશો પડી હતી. કોઈ હજુ કણસતું હતું. કોઈ મૂઠ્ઠીઓ વાળી ગયું હતું. કોઈ મો ફાડી ગયું હતું... કોઈના હાથ રસ્તામાં પડ્યા હતા... તો થોડી દૂર કોઈની અડધી ચીરાયેલી લાશ પડી હતી... કોઈના મૂછ્છડ ચહેરાઓ લોહી અને બારૂદ જામીને વિકૃત થયા હતા તો કોઈ ઝાંઝરમઢેલા પગ લોહીના ખાબોચીયામાં પડ્યા હતા.... ક્ષણોની ગણતરીમાં એની નજરે આ બધું નોંધ્યું. હમણાં જ એક બોમ્બથી અડધી તૂટી પડેલી દૂકાનની પછીતે આડસ કરીને ભોલુને જોવા માટે નજર નાખી તો... સામેની ગીફ્ટની દુકાનની બાજુના ઓટલા પર ચગદાયેલા પતાસા જેવો પડ્યો હતો.... 

તેનાથી રાડ પાડી શકાય એવી પણ હિંમત ન હતી... એક કલાક એની પર નજર રાખી અને  અને તે દોડી હતી... ભોલુને તેના દુપટ્ટામાં બાંધ્યો અને લપાતા છૂપાતા ઘર તરફ દોટ મૂકી...

એ બાજુથી આવનારા બધા તેને ના પાડી રહ્યા હતા... ઘરમાં જવાની અને તેમ છતાં તે ગઈ... જિદ્દર મૌસીએ અને અબ્બુ ચાચાએ બંધ ઘરની ફાડશમાંથી ઈશારા દ્વારા તેને ઘરમાં આવી જવા કહ્યું... પણ તે માની નહોતી અને તે અંદર ગઈ.... સીમા.... જસ્મિત... નમ્રતા... મા... . માના કપાળમાંથી ગોળી આરપાર નીકળી ગયેલી તે ચત્તી પાટ હતી. સગડી ભળભળતી હતી. દૂધ ઉકળીને રેલાઈને ઠરી ગયું હતું તેથી દુર્ગંધ આવતી હતી. સીમા, જસ્મિતા અને નમ્રતાની હાલત જોઈને તેના દુપટ્ટામાં કડે બાંધેલો પતાસા જેવો ભોલુ હાથમાંથી છૂટી ગયો.

એણે પોક મૂકવી હતી પણ શબ્દ ન નીકળ્યો, માત્ર આંખો અને હોઠ ખેંચાઈ ગયા, આંખોમાંથી આંસું નીકળવા માંડ્યા. બહાર આખી જમાત ઉભી હતી. આડોશપાડોશ બધા. તેણે સીમા પાસે જઈને જોયું તો તેની છાતી પર બેહુદુ લખાણ કટારથી લખ્યું હતું અને તેમાંનું લોહી પણ હવે થીજી ગયું હતું. જસ્મિતના કમરની નીચેના ભાગે કંઈ લખેલું હતું અને લોહીની ધાર હજુ ચાલુ હતી. નમ્રતાની આંખો ફાટી ગઈ હતી અને બે દાંત પડી ગયા હતા. આખરે તે ખૂણામાં બાંધેલા બાપુજી તરફ ફરી હતી. બાપુજીનું આખુ શરીર ગોળીઓથી ભરાયેલું હતું. 

તેણે બન્ને હાથે કસકસીને માથું પકડી લીધું. તે દોડી બહાર નીકળી. મોતીલાલ તેને સામે મળ્યા. લોહીના છાંટા એના શરીર પર પણ હતા. તેને કંઈ ન સુઝ્યું અને તે રાડપાડીને રડી પડી. મોતીલાલે તેને હૈયા સરસી ચાંપી લીધી. તે ચાચુ...ચાચુ કરતી રડી રહી હતી. મોતી લાલ બોલ્યા... બેટા, જો, કોઈ ઘર ખાલી નથી આપણા. સરસ્વતી માંઈને પણ તેણે છોડી નથી. રાક્ષસો. મોતીલાલની આંખોના ખૂણાં લાલ અને પાણીથી તગતગતા હતા. જો બેટા, એકવાર આંખ ઊઠાવીને જો, કોઈનું ઘર અગ્નિદેવને સમર્પિત ન થયું હોય તેવું નથી. તમારું ઘર અગ્નિમાં એટલે ભસ્મિભૂત ન થયું કારણ કે તમારા ઘરમાં દીકરીઓ હતી.

પણ, દીકરી હવે એક ક્ષણ પણ મોડું નથી કરવું.... મારા ઘરે પણ કોઈ નથી રહ્યું. ચાલ ભાગી નીકળીએ...

ચાચુ આ બધા... રડતા રડતા તે બોલતા અટકી અને ઘર તરફ જોઈ રહી.

મોતીલાલ તેને લઈને નીચે ઉતર્યા હતા. તેના ઘર પર બાજુના ઘરનું સળગતું લાકડું નાખ્યું. થોડીવારમાં તેનું ઘર પણ સળગવા લાગ્યું... તેની ભડભડ બળતી આગ જાણે તેની આંખ આંજતી હતી. તે જોરથી રડી પડી.

દસ વર્ષની ચીસ ગોવાની હોટેલમાં ફરી સંભળાઈ અને સૌરભ, બંસરી, નંદિતા અને કૈરવી બધા તેની પાસે દોડી ગયા. 

તે આંખો ચોળતી હતી અને જોર જોરથી હિબકા ભરતી હતી.

સૌરભે તેના માથા પર હાથ ફેરવ્યો અને ધીમેકથી જગાડી..., બંસરી, નંદિતા અને કૈરવી બધા બી ને દૂર ઉભા હતા. સૌરભે જેવી જગાડી કે તે હાંફળી ફાંફળી  થઈને જાગી અને સૌરભથી દૂર ભાગી. સૌરભે ધીમેકથી કહ્યું. જાગ જીલુ... હું સૌરભ, આ બંસરી, નંદિતા, કૈરવી... બધા છે, આપણે ટૂર પર આવ્યા છીએ... લે આ પાણી પી લે... તેણે બોટલ જીલુ સામે ધરી અને જીલુ તરત સૌરભને વળગી પડી. સૌરભે બધાને ઈસારો કર્યો અને બધા જ પોત પોતાની જગ્યાએ સૂઈ ગયા. તેણે કૈરવીને કહ્યું કે તું જા બંસરી સાથે સૂઈ જા. અત્યારે મારે અહીં રહેવું પડશે. બધા ગયા. બારણું બંધ કર્યું. હજુ સવાર પડવાને વાર હતી. સૌરભ ફરી પથારીમાં જીલુ પાસે આવ્યો. તે કશું ન બોલ્યો. આંખો ફાડીને અન્યમનસ્ક બેસેલી જીલુ સામે જોઈને બેઠો. પછી પાણીની બોટલ તેણે ધીરે રહીને જીલુને મોઢે અડાડી. જીલુએ એ જ ફાટી આંખે પાણી પીધું. તેની આંખમાંથી પણ હવે પાણી વહી રહ્યું હતું. બોટલ બાજુ પર મૂકી ધીમે રહીને સૌરભે જીલુના માથા પર હાથ ફેરવ્યો. જીલુ સૌરભની છાતી પર ઢળી પડી. ખૂબ રડી. સૌરભ તેના માથા પર હાથ ફેરવતો રહ્યો. થોડીવાર પછી બોલ્યો. 

ફરી એ જ સપનું આવ્યું?

એ સપનું નહોતું હકીકત હતી, જે તમે લોકો ક્યારેય નહીં સમજી શકો. – અને તેણે મૂઠ્ઠીઓ વાળીને પોતાના માથામાં મારી. 

જીલુના બન્ને હાથ સજળ નેત્રે સૌરભે પોતાની છાતી પર રાખીને આછ્છા અવાજે બોલ્યોઃ ઓકે ઓકે કુલ ડાઉન...

સૌરભ, તું જાણે છે? એ પછી અમે – 

એ અટકી ગઈ...

લગભગ પાંચેક મિનિટ પછી તે બોલી

એ પછી મોતીચાચુ મને લઈને નીકળી ગયા, લપાતા છૂપાતા અમે શ્રીનગર પહોંચ્યા. ત્યાંથી એક ટ્રકમાં અમને પનાહ મળી ગઈ. અમ્રિતસર.

તે થોડી ઊભી થઈ સૌરભની આંખમાં આંખ મેળવી ઊંચી બેસીને તેના ખભા પર માથુ ઢાળી દીધું. 

અમ્રિતસર ગુરુદ્વારામાં ખાવાનું મળતું હતું. પણ રહેવા માટે કશું નહીં. હું ચૌદવર્ષની હોઈશ. એક ધાબાવાળાએ અમને રાખ્યા. મોતીચાચુ વેઈટર બન્યા અને હું કિચન અને એ બધું સાફસુફ કરતી. પણ થોડી ફડક હતી. એક વાર સાંજે અમે ધાબાવાળાની વિદાય લીધી. પછી ચાચુએ કહેલું કે તે લોકો મને માંગતા હતા. 

અમે દિલ્હી પહોંચ્યા. થોડાં રૂપિયા હતા પણ તે ખાવા માટે બચાવવાના હતા. હજી શ્રી નગર છોડ્યું ને અઠવાડીયું થયું હશે. પણ અમારી પાસે પાંચ કિતાબ, બે જોડી કપડા અને પાંચહજાર રૂપિયા સિવાય કશું ન હતું. તેમાંથી ચારહજાર હજુ એટલે અકબંધ રહ્યા હતા કે પેલા ધાબા વાળાએ મને જોઈ શકે તે માટે પનાહ આપેલી એટલે ઘરભાડુ અને જમવાનું લેતો ન હતો. તે ધાબુ અમારે માત્ર છ જ દિવસમાં છોડી દેવું પડેલું. દિલ્હીમાં જો રહેવા માટે હોટલમાં જઈએ તો પાંચહજાર બે દિવસમાં પૂરા થઈ જાય અને જમવાનું કરીએ તો પણ. હવે કોઈ સહારો ન હતો. કોઈને કહી શકાય તેમ તો હતું જ નહીં. નહીં તો અમારો લાભ લેવા માટે ઘણાં હતા. થોડું જમવાનું લીધું અને ટ્રેન સ્ટેશને ગયા. ત્યાં પડી રહેવાનો વિચાર આવ્યો. પણ ચાચુ કહે અહીં મારું મન ના પાડે છે. અમે જયપુર જતી ટ્રેનમાં બેઠા. 

જયપુર એક ધર્મશાળા મળી ગઈ. ત્યાંના ટ્રસ્ટીઓએ મોતીચાચુ અને મને કામ પર રાખી લીધા. એકાદ સાલ ત્યાં વીત્યુ હશે ત્યારે ત્યાં કોઈ એક કિતાબોનો શોખી વ્યક્તિ આવી ચડ્યો. મોતીચાચુથી પણ મોટી ઉંમરના. બન્નેને સારી દોસ્તી જામી. તે ચાચુને લઈ આવ્યા અમદાવાદ કહે મારી કિતાબની દુકાન તમે સંભાળો. સાહિત્યનું સાહિત્ય અને વેપારનો વેપાર અને તમારી દિકરી તે મારી દિકરી. હું ભણાવીશ. એ રહેમત કરનાર વ્યક્તિ એટલે મહેન્દ્ર શેઠ જેની દુકાનમાં આજે પાકટ વયે પણ ચાચુ શેઠની જેમ જાય છે. 

શરૂઆતમાં તો શેઠના ગોડાઉનમાં જ એક ખૂણો મળ્યો. ધીરેધીરે એક કમરો મળ્યો. બે વર્ષે એક મકાન અમને મળ્યું. ચાચુની તનખા પણ વધારી દીધી. મને ભણવા મૂકી. આ ભણવા મૂકી તે ગુજરાતી શાળા અને એમ મારું ગુજરાતી પણ શરુ થયું. 

સૌરભ જાણે સ્થિર થઈ ગયો. તેને બધી ખબર હોય તેમ જીલુનો હાથ હાથમાં લઈને કહેવા લાગ્યો...

જાણે એક પરીએ કોલેજમાં પગ મૂક્યો. કોલેજની દીવાલો બોલી ઊઠી! તું નીચે જોઈને જ ચાલતી, આવતી અને ચાલી જતી.... 

જીલુની આંખો હસી ઉઠી....

માંડ બીજા સેમેસ્ટરમાં હું હિંમત કરી શક્યો અને એ પણ કૈરવીને કારણે. તારી સાથે બોલવાની મંજુરી મળી ત્યારે જાણે લાગ્યું આખુ કાશ્મિર કુદરતે ભેટ આપ્યું ન હોય! 

અચાનક પ્રપોઝ. પણ મને તારી સાથે જીવવું હતું. તારું દુઃખ જાણે મેં જ ઊભું કર્યું હોય તેવી ગીલ્ટી ફિલ થતી હતી. મોતીચાચુએ એ બર્બરતાની જે વાત કરી તેનાથી હું ડઘાઈ જ ગયો હતો. પણ ચાચુને મેં કહ્યું કે –

જીલુએ તરત સૌરભનો હાથ દબાવીને કહ્યું, હવે, હું આ હાથ ક્યારેય નહીં છોડું તે ભલે ગમે તે કહ્યું હોય! ચાચુ પછી પહેલીવાર કોઈએ મને સહારો આપ્યો છે… એના જેવી નિર્દોષતાથી. 

- આનંદ ઠાકર