Home / GSTV શતરંગ / Bhadrayu Vachhrajani : Good intentions do not remain uninfected… Bhadrayu Vachhrajani

શતરંગ / સદ્દવિચારનો ચેપ લાગ્યા વગર રહેતો નથી…

શતરંગ / સદ્દવિચારનો ચેપ લાગ્યા વગર રહેતો નથી…

- વિચારોના ઓટલેથી…

દાદા હાથ ઊંચો કરીને એક વાક્ય  બોલે : "દો દિનકા મેલા હૈ ભાઈ, દો દિન કા મેલા.

જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે પોતે પોતાની મિલકતમાંથી સ્વરાજ આશ્રમ બનાવ્યો છે એ સ્વરાજ આશ્રમની બરાબર બાજુમાં એ સમયે તો નાનું મંદિર હતું. હવે તે પરિસરને ગોવિંદ આશ્રમ કહેવામાં આવે છે. એ પરિસરની સામે એક સિંધી કુટુંબ બહારથી આવેલું અને ત્યાં વસેલું. શક્યતા છે કે તેઓ માઈગ્રેશન કરીને અહીંયા આવ્યા હોય. નાની-મોટી ચીજવસ્તુઓ વેચે  અને તેમનું કુટુંબ સાદગીથી જીવે. આ કુટુંબમાં એક વડીલ દાદા હતા. દાદા બીજું કંઈ ન કરે. ગોવિંદ આશ્રમના રસ્તા ઉપર પડતી જગ્યામાં સવારના પહોરથી પોતે પલાંઠીવાળીને બેસે અને જે કોઈ રસ્તે ચાલ્યા જનાર સાથે આંખ મળે તેને દાદા હાથ ઊંચો કરીને એક વાક્ય  બોલે : "દો દિનકા મેલા હૈ ભાઈ, દો દિન કા મેલા.સામેનો માણસ  પણ જરા ડઘાઈ જાય કે આવું યાદ કરાવવાની શી  જરૂર ? પણ ધીમે ધીમે કરતા એ સૌ પણ સામેદો દિનકા મેલા હૈ ભાઈએવું કહેવા લાગ્યા. જીવ્યા ત્યાં સુધી એ દાદાએ આ સિલસિલો ચાલુ રાખ્યો. કોઈ જ સમય ચૂકયા વગર, કોઈ દિવસ પાડયા વગર, કોઈ આવે કે ન આવે. જે રસ્તા ઉપરથી નીકળે એને હાથ ઊંચો કરી કહેવાનુંદો દિન કા મેલા હૈ ભાઈ દો દિન કા મેલા.”.

એક પરમ સત્યને યાદ અપાવતું આ વાક્ય છે. એવું લાગે છે કે આપણને ઊગતા પ્રભાતે કોઈ યાદ આપે કે કદાચ આજે તારો છેલ્લો દિવસ પણ હોય !! આવું યાદ કરાવવું એ પણ સત્કર્મ છે. આ સત્કર્મ  પેલા દાદા સાવ અજાણ્યા કરી રહ્યા હતા. ત્યાં જ સ્વરાજઆશ્રમ અને સ્વરાજઆશ્રમને સાચવવાનું કામ પ્રખર સરદારભક્ત અને ગાંધીપ્રેમી ઉત્તમચંદ શાહ કરતા હતા અને એ ગાંધી રંગે રંગાયેલા હતા. સવારના પહોરમાં ઊભો સાવરણો લઈને સ્વરાજ આશ્રમનું આંગણું સાફ કરે તે છેક રસ્તા સુધી સફાઈ અભિયાન આગળ ઘપે. ઉત્તમચંદ દાદા નીકળે અને પેલા ભાઈની નજર પડે એટલે દૂર બેઠા બેઠા બોલી નાખેદો દિન કા મેલા હૈ, ભાઈ દો દિન કા મેલા". સામે ઉત્તમચંદ દાદા પણ હાથ ઊંચો કરે અને પોતાની હાજરી પુરાવે.

આપણને જાણીને આશ્ચર્ય થાય કે આવું કરનાર વ્યકિત કંઈક પામી ગયેલી હશે કે ? એમને કંઈ દેખાઈ ગયું હશે ? શું હશે ? જે હોય તે, એને એની ચિંતા નથી, એ તો પોતાના મનમાં જે ઊગે છે તે કરે છે. પણ એ સતત સ્મરણ કરાવે છે કે અહીંયા કશું તારું નથી. જે બધું તે ઘરમાં ભર્યું છે, એ બધું અહીંયા ને અહીંયા છોડીને જવાનું છે કારણ કે આ મેળો છે. મેળો સમયાવધિ પ્રમાણે હોય. એ અવધિ પૂરી એટલે મેળો વિખેરાઈ જાય.

આપણું જીવન પણ આવું જ છે, બે દિવસનો મેળો છે. અને એ પૂરો થશે એટલે સૌએ સ્વસ્થાને જવાનું થશે. મેળો વિખેરાઈ જશે. પણ પેલા સિંધી દાદા જે લહેકાથી 'દો દિન કા મેલા હૈ ભાઈ' એવું બોલતા તે આખો દિવસ  કેટલાય લોકોને વિચાર કરવાની તક આપતા.આપણો લોભ,આપણો મોહ, આપણા રાગ,આપણા દ્વેષ આપણને વિચારવા દેતા નથી કે શાના માટે આપણે એ વસ્તુઓને મારી ગણીને વળગી રહ્યા છીએ. આપણે જઈએ ત્યારે એ બધું શું સાથે આવે છે ? પેલી દો દિન કા મેલા વાળી વાત સાંભળીએ ત્યારે આ વાત મનમાં ફરક્યા વગર રહેતી નથી.વર્ષો સુધી એમણે પોતાની જગ્યામાં બેસીને કેટલાય લોકોને કહેવાનું ચાલુ રાખ્યું અને ફળ એ આવ્યું કે આજે પણ એ સમયની પેઢી યુવાનોને એ દાદાની યાદ કરાવે છે. મેં આ વાત જાણી ત્યારથી મને પણ ગોવિંદ આશ્રમ પાસે નીકળું ને મારાથી એ શબ્દો બોલાઈ જાય છે : 'દો દિન કા મેલા હૈ ભાઈ, દો દિન કા મેલા.”  સદવિચારનો ચેપ લાગ્યા વગર રહેતો નથી.

- ભદ્રાયુ વછરાજાની