
- વિચારોના ઓટલેથી
તમને પ્રશ્ન થશે કે ભગવાનનું તે વળી મૃત્યુ થાય ?? હા, હા, થાય જ ને !! જે જન્મે તે મરે જ, એ ક્રમ તો અવતાર ધારણ કરનાર ભગવાનોએ પણ જાળવ્યો છે ને !! સમર્થ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણને પણ એક જરા પારધી એક નજીવા બાણથી શિકાર સમજીને અલવિદા કહી શક્યો. જે મનુષ્ય અવતાર ધારણ કરે તે અવશ્ય મૃત્યુને વરે જ.
બસ, એમ જ, સદેહે અમારી વચ્ચે જીવેલા અમારા ભગવાને પણ વિદાય લીધી, પણ એમની વિદાય પણ અદ્દલ પેલા મૂળ ભગવાન જેવી જ. દિવ્ય અને સહજ. એકદમ પવિત્ર અને મંગલ. એ શિક્ષક હતા અને ગણિત ભણાવતા હતા. તે દરમિયાન ભગવાનને હૃદયની કશીક તકલીફ થઈ. પણ આ તો ભગવાન એટલે ખાસ ગણકારે નહીં !! "હશે કંઈક, શરીર શરીરનું કામ કરે, દર્દ તો મહેમાન કહેવાય. થોડા દિવસ રોકાશે ને પછી એની મેળે જતું રહેશે." આવું ભગવાન કહ્યા કરે. પોતાની મેળે ડોક્ટરને બતાવી આવે અને ડોક્ટરે કહ્યું કે, અમદાવાદમાં એક હાર્ટ હોસ્પિટલ છે, તેમાં હૃદયના વાલ્વની સર્જરી કરાવવી પડશે, એટલે ભગવાને અમદાવાદ જવાનું પેકિંગ કર્યું શરૂ. અમે ગ્રુપના સભ્યોએ ભગવાન માટે એક ઉત્સવ-સંધ્યાનું આયોજન કર્યું અને ભગવાનને અમે ફેરવેલ પાર્ટીના માહોલમાં અમદાવાદ મોકલ્યા. એ ઉત્સવ સંધ્યામાં ઓશોને સાંભળ્યા, ભગવાન પાસેથી પોતાના હૃદય અંગેની વાતો સાંભળી અને ખાણી-પીણી કરી. ભગવાનને અમે કહ્યું કે, 'તમારા હૃદયનો વાલ બરાબર ટાઈટ કરાવતા આવજો, કારણ હવે આપણે પાછા અમદાવાદ કે ક્યાંય જવું નથી.' અરે ભગવાને અમને જવાબ આપ્યો કે, “હું મારા પક્કડ-પાનાં લેતો જાઉં છું ને, જુઓ, હૃદયને એકદમ ઠીકઠાક કરાવી લાઉ.”
અમે ભગવાનની તબિયત વિશે ચિંતિત ન હતા પણ અમે સતત તબિયતના અપડેટ્સ મેળવતા હતા. સર્જરી થઈ ગઈ પછી અમે ફોનથી વાતો પણ કરતા અને અમને આનંદ હતો કે, ભગવાન બહુ મઝામાં છે અને તેમના નિરાળા સ્વભાવ મુજબ હસતા-રમતાં થઈ રહ્યા છે. નવરાત્રી નજીક આવતી હતી એટલે એક રાત્રે ભગવાને મને ફોન ઉપર કહ્યું કે, 'મારે માસીને કે જે પ્રજ્ઞાચક્ષુ હતાં, નવરાત્રીમાં માઈ મંદિર લઈ જવાના હોયને એટલે હું બે-ત્રણ દિવસમાં રાજકોટ આવી જાઉં છું. મને હવે કોઈ તકલીફ નથી, અહીં ખાઈ-પીને જલસા કરું છું.' અમે સૌ મિત્રોને આ સમાચાર આપ્યા અને અમારા ગ્રુપમાં ઉત્સાહનું મોજું ફરીવળ્યું. પણ પણ પણ...ભગવાન રામને થયું હતું એમ જ 'સવારે શું થવાનું છે ?' વાળી પંક્તિ સાચી પડી. બીજે દિવસે સવારે અચાનક સમાચાર આવ્યા કે 'ભગવાને વિદાય લીધી છે' !!! અમારી ઉપર તો જાણે હિમાલય પડયો, અમે સૌ નિઃશબ્દ,અવાચક અને દુઃખથી છલોછલ !!!
પણ જેમ જેમ ભગવાનની લીલા સાંભળતા ગયા તેમ તેમ અમે ભગવાન પર અહોભાવથી વરસતા ગયા. તેમના કુટુંબમાંથી જાણવા મળ્યું કે, ભગવાન બધી જ તૈયારી કરીને જ અમદાવાદ ગયા હતા. તૈયારીઓ જાણીને ભગવાનને મળેલા દિવ્ય સંકેતો અમારા મનમાં સુસ્પષ્ટ થતાં ગયા અને અમે કેવળ ‘જય ભગવાન, જય ભગવાન'ની ધૂન રટતા રહ્યા. ભગવાને પોતાનો સેલરી બેન્ક એકાઉન્ટ જાતે બંધ કરાવી દીધો હતો. પોતાના રૂમના એક ગોદરેજ કબાટમાં ભગવાન પોતાને છેલ્લે પહેરાવવાના વસ્ત્રોને ઘડી કરીને મૂકી ગયા હતા, પોતાની અંતિમવિધિ માટે આવનાર કુળ-બ્રાહણને આપવાની દક્ષિણાનું કવર બનાવીને પેલા વસ્ત્રો ઉપર ગોઠવીને મૂકી ગયા હતા.!!! આર્ષ વિદ્યા મંદિર, કે જેના પરિસરના વૃક્ષને ભગવાન પાણી પાવા જતાં તે મંદિરના પરિસરમાં અમદાવાદ જવાની આગલી સાંજે ભગવાન ગયેલા અને વૃક્ષ નીચે એકાદ કલાક આંખ બંધ કરીને બેસેલા, તેવું એક મંદિરભકતે પછીથી અમને કહ્યું !! જે માઈ મંદિર પોતાના પ્રજ્ઞાચક્ષુ માસીને દર્શન કરવા ભગવાન લઈ જતાં તે માઈમંદિરમાં રહેલી સમાધિઓ પાસે ભગવાન આંખ બંધ કરીને બેસેલા અને તેમની આંખમાંથી આંસુઓ વહી જતાં હતા તેવું એકથી વધુ સાક્ષીઓએ અમને કહ્યું !! અને હા,અમારા ગ્રુપના મિત્રોએ સાથે મળી એક ફાર્મ હાઉસની સ્કીમમાં પ્લોટસ લેવાનું નક્કી કરેલું ત્યારે અમે ઘણું કહ્યું, છતાં ભગવાને પોતાના નામે પ્લોટ ન જ લીઘો અને તેઓ જે નાના ભાઈ સાથે રહેતા હતા તેમના નામ પર જ દસ્તાવેજ કરાવેલો. ભગવાનના આ નિર્ણયનું રહસ્ય પણ અમને ભગવાનની વિદાય પછી સમજાયું.
અમારા ભગવાન આજે પણ અમારી સામે જ ઉભા છે, અમે દૃઢપણે માનીએ છીએ કે આપણને તો ભગવાન પોતે સામેથી આવીને મળ્યા છે અને આપણી સાથે જીવ્યા છે. આજે પણ 'જય ભગવાન' બોલીએ કે સ્મરીએ કે તરત ભગવાન અમારી આંખોમાં હાજરાહજૂર થઈ જાય છે. અમારે તો ઉપર જઈએ કે તરત અમારા ભગવાનની સાથે પાછી ગોષ્ઠિઓ માંડવી છે.
- ભદ્રાયુ વછરાજાની