
- વિચારોના ઓટલેથી...
મૂંગે મોઢે, શાંતિથી કોઈ ન જુએ તેમ એકાદા મનુભાઈને આપણે સાચવી લેવા…
સરદારસાહેબે બાંધેલાં સ્વરાજ આશ્રમમાં એક ખૂણામાં કેળવણીની ચેતના પ્રગટેલી છે. છેલ્લાં સાઠ વર્ષોથી ચાલતી સરદાર કન્યા વિદ્યાલયના મા એટલે બા એટલે નિરંજનાબેન ની આદિવાસી દીકરીઓ એક ધૂન ખુબ સરસ ગાય છે. ‘ કામ કરે જા, કામ કરે જ, જોવાવાળો જોશે તું કામ કરે જા .’ શબ્દો મઝાના બોલાય પણ એ શબ્દોને મેં જીવાતા પણ અનુભવ્યા તેની વાત માંડું.
આમ તો હું જ્યારે જ્યારે બારડોલી જાઉ ને એ મળે ત્યારે એ મને 'જય શ્રીકૃષ્ણ, જય સીયારામ' એમ કહે અને હું એ બંને ભગવાનોને એમના વતી યાદ કરીને સામે પ્રતિઘોષ પાડતો. પણ આ વખતે ગયો ત્યારે એણે આંખ ઉપર મોટા-મોટા ચશ્મા પહેર્યાં હતા એટલે મેં પૂછયું, ‘મનુભાઈ, કેમ આંખોને મોટી કરી નાંખી છે ?' તો એમણે હસતા-હસતા કહ્યું, 'બંને આંખનો મોતિયો ઉતરાવ્યો...' 'વાહ, બહુ સરસ કામ થયું... !' કયાં કરાવ્યો ? કોણે ઓપરેશન કર્યું ? મારા આવા પ્રશ્નોના જવાબને એક પછી એક આપવાને બદલે એણે એક જ જવાબ આપ્યો કે, 'પ્રજ્ઞાબહેને કરાવ્યું !!'
આ જેમની હું વાત કરી રહ્યો છું એ ફાઉન્ટન પ્લાઝા, બારડોલીમાં એક એપાર્ટમેન્ટ છે, એના ભોંયતળિયા ઉપર એક રૂમમાં રહેતું દંપતી છે. મનુભાઈ અને એમના ધર્મપત્ની. મેં એમને વારંવાર જોયા છે, મળ્યો છું, ગેઈટમાં ગાડી આવે કે કોઈપણ આવે તો મનુભાઈ સતર્ક હોય. મેં મનુભાઈને પહેલીવાર જોયા ત્યારે પ્રજ્ઞાને એના ફ્લેટમાંથી ‘મનુભાઈ...ઓ મનુભાઈ...' એવો સાદ દેતાં તેને મેં આવતા ભાળ્યા ત્યારે મારો મનુભાઈ સાથે પહેલો પરિચય થયો. મનુભાઈના હાથમાં એક મોટો ગ્લાસ હતો. હું પ્રજ્ઞાના ફ્લેટના હિંડોળે બેઠો હતો ત્યાં મને 'નમસ્તે' કરીને એ સીધા રસોડામાં પહોંચ્યા.
મેં જોયું કે એણે પોતાનો મોટો ગ્લાસ પ્રજ્ઞાના રસોડામાં સ્ટેન્ડીંગ પ્લેટફોર્મ ઉપર ઈન્ડક્ષન સિસ્ટમની બાજુમાં મુક્યો અને પ્રજ્ઞાએ ઈન્ડકશન ઉપર ગરમાગરમ ચા હતી એ ગાળીને એના ગ્લાસને ભરી દીધો. હું આ બધું નિહાળી રહ્યો હતો. મનુભાઈએ ખિસ્સામાંથી એક કોથળી કાઢી અને કોથળી કાઢીને બરાબર એમાં જગ્યા કરી. એ જગ્યા કરી એટલે પ્રજ્ઞાએ એમાં એને બ્રેકફાસ્ટ આપ્યો. ખારી, નાનખટાઈ, સેવ, મમરા એવું વારંવાર બદલાતું નાસ્તાનું સ્વરૂપ મેં અનુભવ્યું. બસ, રોજ આટલું થાય પછી મનુભાઈ જતા રહે. આના ઉપરથી મેં અનુમાન કર્યું કે, મનુભાઈ રોજ સવારના ચા અને બ્રેકફાસ્ટ પ્રજ્ઞાના ૨૦૨ નંબરના ફ્લેટમાંથી મેળવે છે. મેં પ્રજ્ઞાને આના વિશે કહેતા ક્યારેય પણ સાંભળેલ નથી, પણ મને આ નાનકડું કૃત્ય બહુ સ્પર્શી ગયું. સવાર પડે અને પ્રજ્ઞા મોટી બધી કીટલીમાં ઘણા બધા લોકોની ચા બનાવે, કારણ કે મુલાકાતીઓ બહુ હોય, ઘરે આવીને વસનારા ઘણા હોય, બ્રેકફાસ્ટ કરવા માટે ડાયરો જામતો હોય. પણ એમાં મનુભાઈ માટેની ચા રોજ થાય અને મનુભાઈ અચૂક આવે. રોજ જ, મનુભાઈ ચા અને નાસ્તો લઈ, બારણું બંધ કરીને નીચે ઊતરી જાય અને સવાર પૂરી થાય.
પ્રજ્ઞા એ ગાયનેકોલોજિસ્ટ છે. 'ડૉ. પ્રજ્ઞા' છે અને બારડોલીમાં એનું પ્રસૂતિઓ માટેનું દવાખાનાનું એક સમયે એક ચક્રીશાસન કરતું હતું. એમણે બારેક વર્ષ ધમધમતી પ્રેક્ટિસ કરી અને ખૂબ કમાણી કરી પછી એને એમ થયું કે, 'હવે ઘણું કર્યું, હવે બધું મૂકી દઈએ.' એટલે એણે પોતાની પ્રેક્ટિસ પોતાના જુનિયરને સોંપી દીધી અને એ આ તબીબી વ્યવસાયને અલવિદા કરી લોકકલ્યાણના કામમાં લાગી ગઈ.બારડોલીમાં જે સ્વરાજ આશ્રમ છે, જે સરદાર પટેલે બનાવ્યો અને જેને ૫૦ વર્ષ સુધી ઉત્તમચંદ શાહ નામના એક સ્વતંત્રતાના સત્યાગ્રહીએ સાચવ્યો, એ ઉત્તમચંદ દાદાના દીકરી તે નિરંજનાબેન ક્લાર્થીની દીકરીનું નામ પ્રજ્ઞા છે. આખો પરિવાર વંશ વારસાગત લોકોની વચ્ચે રહેનારો, લોકોના દુ:ખ પોતે સંગોપી આપનારો અને કરુણાભાવથી સૌ સાથે જોડાયેલો રહે છે. પ્રજ્ઞા અનેક સેવાકાર્યો કરે છે અને છેવાડે પહોંચીને વંચિતોને વ્હાલ કરે છે. પણ એમનું એક નાનકડું કૃત્ય એટલે પેલા મનુભાઈ. મનુભાઈની ચા, મનુભાઈનો નાસ્તો અને મનુભાઈનો મોતિયો.
પૂણ્ય કમાવા માટે જે કરીએ એને કરુણાકાર્ય ન કહેવાય, પણ માત્ર પ્રભુ પ્રિતી અર્થે જે કાંઈ થાય એ હકીકતમાં કરુણા તરફ, લાગણી તરફ, સમભાવ તરફ, શાંતિ તરફ આપણને દોરીજાય છે. અને હા, આ જે કરીએ તેના ઢોલ નહિ પીટવાના, તેની તકતીઓ નહિ મુકાવવાની... “જોવાવાળો જોશે તું કામ કરે જા''... મૂંગે મોઢે શાંતિથી કોઈ ન જુએ તેમ એકાદા મનુભાઈને આપણે સાચવી લેવા…
- ભદ્રાયુ વછરાજાની