
- સ્લાઈઝ ઑફ લાઈફ
મસ્કાબન:
कभी तो चौंक के देखे कोई हमारी तरफ,
किसी की आँख में हम को भी इंतज़ार दिखे!
- गुलज़ार
આ દુનિયામાં રાહ જોવી એ સૌથી મોટો સદગુણ છે! વેઇટ તમે કેટલી કરી શકો? વેઇટ ક્યારે કરવાનું થાય? બસની, ટ્રેનની, ફ્લાઈટની, વ્યક્તિની, ફિલ્મનો શો શરુ થવાની, ડોક્ટરની ક્લિનિકમાં, સિટી બસનાં આવવાની!, વેકેશન શરુ થવાની, વિકેન્ડની, ગર્લફ્રેન્ડને મળવાની (કે વાઈસ અ વર્સા!). રાહ જોવી એ ધીરજનું કામ છે. કાચાપોચા લોકો થોડી જ વારમાં થાકીને કંટાળી જાય અને ગિવ અપ કરી દે! ઉપર મસ્કાબનમાં ટાંકેલી પંક્તિમાં ગુલઝાર સાહેબે લખ્યું છે એમ કોઈની આંખમાં તમે ઈંતેજારી જોઈ છે?
એક કે દોઢ દાયકા પહેલા રાહ જોવાની પેટર્ન શું હતી? કેવી રીતે રાહ જોતા? એસટી બસસ્ટોપ પર બસ ન આવી હોય ત્યારે પોતાની બસ ન આવે ત્યાં સુધી સ્ટેન્ડ પર આવતી દરેક બસનાં પાટિયા વાંચ્યાનું યાદ છે? જે ગામ કે શહેર ક્યારેય ન ગયા હોઈએ ત્યાં જતી બસ અને વચ્ચે આવતા સ્થળો – શહેર વાંચીને પણ થતું કુતુહલ અલગ જ હતું. બસને આવવાની વાર હોય અને એટેચી / મજબુત સુટકેસ પર બેસતા એ યાદ છે? છાપાઓ પાથરીને કલાકો સુધી બેસી રહેતા અને ક્રિકેટ થી ફિલ્મો અને રાજકારણની વાતો કરતાં! નેક્સ્ટ વેકેશનનું પ્લાનિંગ કરતાં.
રેલ્વે સ્ટેશન પર તો બાકાયદા ‘વેઇટિંગ રૂમ’ હોય છે! ટ્રેન ન આવે ત્યાં સુધી રેલ્વે સ્ટેશન પર વ્હિલરનાં બુક સ્ટોલ પર જઈને વેદ પ્રકાશ શર્માની પોકેટ નોવેલ્સ, સફારીનો તાજો ઈશ્યુ, કેટલાક અંગ્રેજી મેગેઝિન્સ જેવા કે ફિલ્મફેર-નેશનલ જ્યોગ્રાફિક-આઉટલુક-ડિજીટ ખરીદતાં. ખબર હતી કે ટ્રેનમાં એને વાંચીને પૂરું પણ કરી દઈશું! કમ્પાર્ટમેન્ટમાં આછી ઝીણી લાઈટમાં આખી નોવેલ એક રાતમાં પૂરી કરી દીધાનું યાદ છે? રેલ્વે સ્ટેશનમાં રાહ જોતી વખતે જ ત્યાં જ મળતી ભાજી અને ઈડલી સંભાર ખાતાં! બહુ હેલ્થ કોન્શિયસ નહોતાં, રાધર એવી ખબર જ નહોતી પડતી અને એટલે જ પાતળા પણ હતાં!
એરપોર્ટ પર અને ફ્લાઈટમાં જતાં થયા ત્યાં સુધીમાં સમય એ કરવટ લઇ લીધી હતી! હાથમાં સ્માર્ટફોન આવી ગયા અને દુનિયા આખી જાણે સંકોચાઈને પાંચ-છ ઇંચનાં સ્ક્રિનમાં આવીને સમાઈ ગઈ. હવે એ સમય ફક્ત યાદોમાં છે જયારે છાપું ખરીદીને એમાં આડી ચાવી –ઉભી ચાવીઓ ભરતાં, પૂછતાં અને અંદરોઅંદર ચેલેન્જ લગાડતાં કે કોનું જલ્દી પૂરું થઇ જાય! પછી એમ તો વચ્ચે સુડોકુ પણ ભરતાં! ટ્રેનમાં પત્તા રમતાં! ના, શ્રાવણી ફાલતું તીન પત્તીનો જુગાર નહિ, પણ દો-તીન-પાંચ, રમી, ગધ્ધા ચોર જેવી રમતો રમતાં!
ઇંતેજારને પછી કેન્ડી ક્રશ એ મારી નાંખ્યો! ડોક્ટરની ક્લિનિકમાં ડોક્ટર ન આવે ત્યાં સુધી કોઈ એક બીજા સાથે વાત નથી કરતું! બધા પોતપોતાનાં સ્માર્ટફોનમાં એટલા મશરૂફ રહે છે કે એમાંથી બહાર નથી જોતા! પુસ્તકોનાં ફોટો પાડીને એટલે જ હવે વ્હોટ્સએપ અને ફેસબુક પર મુકીએ છીએ પણ એટલી જલ્દી થી એને વાંચી નથી લેતા જેટલું જલ્દી પહેલા વાંચી નાંખતા!
કાગળ પર ડુડલ કરતાં, મીંડા ચોકડી (ટિક ટેક ટો) રમતાં! ધારવાની ગેમ રમતા એ યાદ છે? સમય પસાર થઇ જતો અને થાક પણ ન લાગતો! અહીં સ્માર્ટફોન વર્સિસ એ સમયની વાત નથી પણ એ એક વિન્ટેજ વેલ્યુ વાળો સમય હતો જે હવે બહુ ઝડપથી વિતી ચુક્યો છે! એરપોર્ટ પર તો લોકો સમય પસાર કરવા પણ શોપિંગ કરી નાંખે છે! ચોકલેટ્સ થી મોંઘાદાટ ડ્રેસીસ ખરીદીને સમય પસાર કરે છે!
ઘડિયાળ અને સમય બંને પોતપોતાનું કામ કરે છે! કેલેન્ડર અને ડટ્ટાનાં પાનાં ફાડ્યાનું યાદ છે? એ રોમાંચ જયારે રાહ જોવાની એક અલગ જ મજા હતી! કોઈ સ્થળ, સમય, વ્યક્તિની રાહ જોવી અને એ રાહ જોતા જોતા કોઈ ફક્કડ પુસ્તક વાંચી નાંખવું, વાંચતા વાંચતા જ કોઈ દુનિયામાં ખોવાઈ જવું એ કોઈ જેવી તેવી વાત છે! રાહ જોવી એ અસિમ તપસ્યા છે, ફર્ક ફક્ત ક્વોલિટીનો છે! તરહ બદલાય છે, સમય બદલાય છે, તરીકો બદલાય છે, અને આ બધાની વચ્ચે કુતુહલ અને નિર્દોષતાનો ભોગ લેવાય જાય છે!
ડેઝર્ટ: