
- સિંગલ સ્ક્રીન
તમે છેલ્લે વાર્તા ક્યારે વાંચેલી? તમે આ હાડોહાડ વાસ્તવિકતાથી ભરપુર દુનિયા માંથી બ્રેક લઈને ફિકશનલ વર્લ્ડમાં છેલ્લે ક્યારે છબછબિયા મારેલા? આવો આજે વાર્તા વિશ્વમાં એક લટાર મારીએ! દાદા દાદીની સાથે હવે મોડર્ન પપ્પા પણ પોતાના દિકરા કે દિકરીને વાર્તા કહી જાણે છે! તો શું છે વાર્તા તત્વ? વાર્તાઓનું વિશ્વ અને કલ્પનાઓની ક્ષિતિજ ક્યાં સુધી વિસ્તરેલી છે? આવો આજે સ્ટોરી ટેલિંગ વિશ્વમાં ધુબાકા મારીએ!
• વાર્તાઓ કેટલી પોપ્યુલર?
પહેલાની વાત જુદી હતી,ટેકનોલોજીના એક્સપોઝર વગર બધું એકદમ સિમ્પલ હતું. અહીં કોઈ ટેકનોલોજીને દોષ દેવાની વાત નથી પણ હવે બાળકોને સમજણા થાય ત્યારથી જ હાથમાં મમ્મી-પપ્પાના સ્માર્ટફોન આવી જતા હોઈ એમાં જે દેખાય, મોટાભાગનું એ જ એમનું કલ્પનાવિશ્વ બનીને રહી જાય છે. જેમકે નાનું બાળક ફોનમાં રહેલી એન્ગ્રી બર્ડ્સ, ટેમ્પલ રન કે સબવે સર્ફર જેવી ગેઈમ રમતું થઇ જશે, એટલે એ આપોઆપ એટલા સમય માટે એમાં બિઝી રહેતું હોઈ એ બીજી ગેઈમ્સ કે વાર્તાઓ પાછળ દિમાગ લગાવવાનો એની પાસે સમય જ નહિ રહે.એવું નથી કે એને વાર્તા સાંભળવી નથી ગમતી, એમ તો એન્ગ્રી બર્ડ્સ કે ટેમ્પલ રન કે પછી પોપ્યુલર થયેલી નાર્નિયા કે હેરી પોટર સિરીઝમાં પણ વાર્તા તત્વ અને કલ્પનાઓનાં ઘોડા છે જ ને. વાત છે પ્રોપર પ્રેઝન્ટેશન અને મા-બાપ પોતે વાર્તા કહેવા અને બાળકોને પ્રેરવા કોઈ પહેલ નથી લેતા એની છે. શિનચાન, ડોરેમોન, બેનટેનનું સ્ટોરી ટેલિંગ અને માર્કેટિંગ એટલું બધું જબરદસ્ત છે કે એ બચ્ચા-બચ્ચાનાં રોમેરોમ ઝણઝણાવી દેવાની તાકાત ધરાવે છે.
• સ્કૂલિંગ શરુ થવાની ઉંમર કેટલી હોવી જોઈએ?
મોંઘવારી અને ઊંચા જતા રહેલા લાઈફસ્ટાઈલના ધોરણોને લીધે મા-બાપ બંને નોકરી કરતા થયા,પરિણામ એ આવ્યુ કે બાળકોને સાચવવા અને સંભાળ રાખવી એ જ એક મોટો પ્રશ્ન બની ગયો. સાવ અઢી-ત્રણ વર્ષની એકદમ નાની ઉમરે પણ બાળકોને નર્સરી-પ્લેસ્કુલએ મોકલી દેવાય છે.એને વાર્તા પેલી બિબાઢાળ ચોપડીઓની જ સાંભળવા મળે.રસ્તો કેમ ક્રોસ કરવો,જાતે કેમ પોતાની સંભાળ રાખવી,કોઈ સેક્સ્યુલી અબ્યુઝ કરે તો એ શું અને એનો પ્રતિકાર કેમ કરવો,રોજે નવી બનાવીને વાર્તા કહેવી,બહાદુરી અને ઈમાનદારી એટલે શું?,ગુડ અને બેડ મેનર્સ કોને કહેવાય? આવું બધું આ ભૂલકાઓને કોઈ જ શીખવતું નથી.પરિણામે એ એના એ જ એસેમ્બલી લાઈન પ્રોડક્ટ જેવા દિમાગની જ ઉપજ મળે છે.
• ‘ચિકન સુપ’ શાકાહારી છે!
‘ચિકનસુપ ફોર ધ સોલ’ સિરીઝની ૫૪ થી વધુ ભાષાઓમાં ૧૦૦ કરોડથી પણ વધુ નકલો વેચાઈ ચુકી છે એવી ઓફિશિયલ રેકોર્ડ કહે છે, અને થોડું ઘણું પણ વાંચતા લોકો ચિકન સૂપ સીરીઝ વિષે જાણતા જ હશે. માંદા હોઈએ ત્યારે ફોરેન કન્ટ્રીઝમાં ચિકનસુપ પીવાનો ટ્રેન્ડ છે એમ જ આત્મા અને બુદ્ધિ માટે ચિકનસુપ ફોર ધ સોલ નામે આ સિરિઝ શરુ થઇ! આપણે ત્યાં ઈંડા કે માંસાહાર પ્રત્યે સુગાળવો અભિગમ છે એ જોતા પણ ગુજરાતી ટીનએજર્સ અને મા-બાપમાં આ સિરિઝ એના નામ થી પરે એવી સમગ્ર વાર્તાઓ ખાસ્સી પોપ્યુલર છે,જેમાં સંબંધો,બાળપણ,શિસ્ત,સ્ત્રી સમસ્યાઓ,પેરેન્ટિંગ જેવા વિષયો પર અફલાતુન વાર્તાઓ હાજર છે!
• સાયન્સ ફિક્શનને આભળછેટ:
સાયન્સ ફિક્શન આપણે ત્યાં પરાપુર્વ રીતે હમેશા દુર રખાઈ છે, સ્ટારવોર્સ-મેન ઇન બ્લેક-બેક ટુ ધ ફ્યુચર-બેન્જામીન બટન-જુલે વર્નની સાહસિક કથાઓ આપણે બધાએ ખુબ વાંચી-વખાણી છે. પણ વાર્તા વાંચીને બાળપણ થી જ દિમાગ સાયન્ટીફીક રીતે વિકસે અને લોજીક થી વિચારતા થઈએ એવી આ જોનરને પાંચ દિવસ નહિ પણ કાયમની આભળછેટ અપાઈ છે એ દુખ ની વાત છે. પાછા એ જ પેરેન્ટ્સ બચ્ચા ટોળકીને માર્વેલ્સની ફિલ્મો હોંશભેર દેખાડે છે! છે ને આયરની?!
• વાર્તાની ચોઈસ અને ટેસ્ટ:
રાજારાણીની વાર્તાઓ, એમના સંબંધોની સમસ્યા કે પછી કોઈ દગાખોર દરબારી ઠીક છે પણ વાર્તાઓની અંદર જ કોઈ સારો એવો મેસેજ વણી લેવામાં આવે જેમ કે ચાઈલ્ડ અબ્યુઝ, બાળ મજુરી, શિક્ષણ ની જરૂરિયાત, અંગ્રેજી અને ગુજરાતી ભાષાનું કૌશલ્ય વગેરે વગેરે. ટેસ્ટ ડેવલપ કરવો એક વસ્તુ છે પણ હંમેશા યાદ રાખવું કે બાળક ને જે કહીશું એવું જ એ આચરણ માં લાવશે, ફિલ્મ ‘ફરારી કી સવારી’માં નો એક ડાયલોગ છે: 'જો દેખેગા વોહી શિખેગા ના!'
• વાર્તાઓમાં પણ સેન્સરશિપ:
કેટલીક ચુનંદા વિડીયો ગેઈમમાં પરાણે સેક્સ્યુઅલ કન્ટેન્ટ કે પછી એડલ્ટ સીન નાખીને એ બદનામ થવાથી બાકીની બધી ગેઈમ કે વાર્તાઓને એવી કહેવી કે એ સરાસર બેવકૂફી છે.મોટે ઉપાડે સેક્સ એજ્યુકેશનની વાતો કરનાર લોકો અને શિક્ષણશાસ્ત્રીઓ એ ક્યારેય નથી વિચારતા કે વાર્તાઓ માં માધ્યમે જ સરસ રીતે સહજતા થી શરીરની એનાટોમિ, અને એને લગતા રોગો વિષે પણ સરસ વાત કહી શકાય. છોકરી ૧૨-૧૩ વર્ષની થાય પછી ધીમે ધીમે એને પિરીયડ્સ વિષે પણ સહજતા થી જ્ઞાન આપી શકાય જેથી એ પોતાની જાતને પહેલે થી સજાગ કરી શકે.
• એન્ડિંગ નોટ:
અમેરિકન સિટકોમ કોમેડી ‘સ્મોલ વન્ડર’ યાદ છે ને? ‘ધેટ્સ સો રેવન’ કે પછી ‘આઈ ડ્રીમ ઓફ જીની’ જેવી સિરીઝ એ પણ ધુમ મચાવેલી. ‘ડક ટેલ્સ’, ‘ટેલસ્પિન’ કે પછી ‘ટોમ એન્ડ જેરી’ એ કલ્પનાની ઉપજ નથી તો શું છે? એ આપણા સૌની જવાબદારી બને છે કે આપણે વિચારતા થઈએ અને બાળકોને વાર્તા કહેવાની આદત કેળવીએ. આવનારી પેઢીને જો એક સારી વિચારતી-લખતી-લોજીક થી ભરપુર અને ક્રિયેટીવ બનાવવી હશે તો કમર કસવી પડશે. ચાઈલ્ડ સ્ટોરીઝ આર નોટ ચાઈલ્ડ પ્લે એનિમોર! માઈન્ડ ઈટ.
સિંગલ સ્ક્રિન થોડા અઠવાડિયાઓ માટે વિરામ પર જઈ રહ્યું છે, મિલતે હૈ એક છોટે સે બ્રેક કે બાદ!
ડેઝર્ટ: Fiction gives us a second chance that life denies us!
- ભાવિન અધ્યારુ