
- લીગલ પંડિત
૧૯૦૮નાં સિવિલ પ્રોસિજર કોડમાં તમામ પ્રકારના મુકદ્દમાને લગતી જોગવાઈઓ છે જે દીવાની પ્રકૃતિનાં છે. જ્યારે કોર્ટમાં સિવિલ કેસ દાખલ કરવામાં આવે છે ત્યારે આ કોડ હેઠળ કોર્ટની ફરજ છે કે તે નક્કી કરે કે આવા દાવાઓ જાળવવા યોગ્ય છે કે નહીં. જાળવણી નક્કી કર્યા પછી કોર્ટ આ ત્રણમાંથી એક વસ્તુ કરી શકે છે:
દાવાઅરજીનો સ્વીકાર કરવો
દાવાઅરજીને નકારી કાઢવી,
હકુમત બહારનો દાવો વાદી અથવા દાવો દાખલ કરનાર પક્ષકારને દાવો પરત કરવો.
આમ, અદાલત પાસે તેની ફરજ પૂરી કરવા માટે, ઓર્ડર ૭ નિયમ ૧૧ હેઠળ મોકળું મેદાન છે. જેના આધારે દાવાઅરજીને નકારી શકે છે. ઓર્ડર ૭ રુલ ૧૧ નાં નિયમોની ચર્ચા કરતા પહેલા, તે ધ્યાનમાં લેવું યોગ્ય છે કે દાવો સ્થાપિત કરવા માટે દાવો ફાઇલ થતી વખતે એની ચકાસણીનો દીવાની કોર્ટને અધિકાર છે.
ઓર્ડર ૭ રુલ ૧૧ નો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખૂબ જ શરૂઆતમાં વ્યર્થ, ત્રાસદાયક અને અયોગ્ય પ્રકૃતિની દાવાઅરજીઓને નકારી કાઢવી જોઈએ. આમ કરવાથી ન્યાયિક સમય અને સંસાધનોની બચત થાય છે. ઓર્ડર ૭ રુલ ૧૧ નો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે એવા મુકદ્દમા કે જેનો ભાગ્યે જ કોઈ અર્થ હોય, તેને અદાલતોનો સમય બગડવાની મંજુરી આપી શકાય નહિ. ન્યાયિક સમયને વધુ બચાવવા માટે તથા ખોટા મુકદ્દમોનો અંત લાવવા માટે આવા ઉપાયો જરૂરી છે.
HIGH COURT OF GUJARAT (D.B.)
VRUNDAVAN COOPERATIVE HOUSING SOCIETY LIMITED THRU ALPESHBHAI CHIMANBHAI PATEL
Versus
VRUNDAVAN DEVELOPMENT CORPORATION & ORS
Date of Decision: 05 July 2024
Hon'ble Judges: Biren Vaishnav, Nisha M Thakore
Case Type: First Appeal
Case No: 2779 of 2018
Subject: Civil, Society & Trust
કેસના સંદર્ભમાં
આ અપીલ સિવિલ પ્રોસીજર કોડ, ૧૯૦૮ ની કલમ ૯૬ હેઠળ મૂળ વાદી દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અપીલ કલોલના માનનીય પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ દ્વારા તા: ૨૧/૦૩/૨૦૧૮ નાં રોજ આપવામાં આવેલા આદેશ અંતર્ગત છે, જેમાં દીવાની અદાલતે અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલ રેગ્યુલર સિવિલ કેસ નંબર: ૦૩/૨૦૧૮ ને દાખલ કરવાનો ઇન્કાર કરી દાવો દાખલ થવાના તબક્કે જ રદ્દ કર્યો હતો.
કેસના તથ્યો
- મૂળ કેસ: અરજદાર વાદીએ તા: ૨૦/૦૧/૨૦૧૮ ના રોજ સિવિલ કેસ નંબર: ૦૩/૨૦૧૮ દાખલ કર્યો હતો. આ કેસમાં વાદીએ તા: ૨૭/૧૧/૧૯૮૦ ના રોજ બાનાખત કરારના અમલ આપવવા અને રૂ. ૬૪,૪૦૦/- ની રકમ પ્રતિવાદીઓએ સ્વીકારીને વેચાણ દસ્તાવેજ કરી આપે તે મતલબનું હુકમનામું માંગ્યું હતું. તેમજ વાદીએ એવો આગ્રહ પણ કર્યો હતો કે પ્રતિવાદી નં. ૩/૧ થી ૩/૬ અને ૪ વચ્ચે તા:૦૮/૧૦/૨૦૨૧ ના રોજ થયેલ વેચાણ દસ્તાવેજને રદ્દ અને બિનઅમલી જાહેર કરવામાં આવે.
- વાદીના દાવા: વાદી, જે એક નોંધણીકૃત સહકારી સંસ્થા છે, તેનો મુખ્ય ઉદ્દેશ્ય રહેણાક ઘર બનાવવાનો છે. વાદી અને ઈશ્વરભાઈ પટેલ વચ્ચે રૂ. ૧૦/- ના સ્ટેમ્પ પેપર પર કરાર કરવામાં આવ્યો હતો અને રૂ.૧,૭૪,૨૦૦/- (૭૫% વેચાણ કિંમત) આપવામાં આવ્યા હતા. આ કરારમાં વેચાણ દસ્તાવેજ કરાવી લેવાની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી ન હતી. જમીન નવેમ્બર ૨૦૦૭ માં જૂની શરતની જમીનમાં બદલાઈ ગઈ. તા:૨૯/૦૯/૨૦૦૯ અને તા:૦૫/૦૭/૨૦૧૨ ના રોજ વાદીએ વેચાણ દસ્તાવેજ કરવા પ્રતિવાદીને વિનંતી કરી હતી અને બાકી રકમ રૂ. ૬૪,૪૦૦/-- આપવા વાદી તૈયાર હતા. ડિસેમ્બર ૨૦૧૬ માં વાદીને જાણ થઈ કે જમીન પહેલાથી જ વેચાઈ ગઈ છે.
- અપીલના મુખ્ય મુદ્દાઓ:
- વાદીનો દાવો છે કે સમય ક્યારેય કરાર માટે નક્કી કરવામાં આવ્યો ન હતો.
- વાદી માને છે કે કોઈ સ્પષ્ટ હક્ક મેળવવાની મંજૂરી મળ્યા પછી જ સમય મર્યાદા શરૂ થાય છે.
- વાદીના દાવાને સાબિત કર્યા વિના અને દાવાનો નિકાલ થઇ શકે નહિ. પ્રાથમિક સુનાવણી કર્યા વગર કેસનેરજીસ્ટર કરવા ના પાડવી ગેરકાયદેસર છે.
- પ્રતિવાદીનો દાવો:
- પ્રતિવાદી દાવો કરે છે કે આ કેસ બિલકુલ તુચ્છ અને માનસિક રીતે હેરાન કરતો કેસ છે.
- આવા કેસો કોર્ટની ફાઇલ પર રાખવા માત્ર ન્યાયલયના સમયનો વ્યય થાય છે.
ન્યાયાલયનો નિર્ધારણ
- પ્રાથમિક સુનાવણી: ટ્રાયલ કોર્ટને લાગ્યું કે સત્તાવાર સમય મર્યાદા પૂરી થયા બાદ સદર કેસ દાખલ કરાયો હતો. જ્યારે જમીન પહેલેથી જ તા: ૦૮/૧૦/૨૦૧૦ ના રોજ વેચાઈ ગઈ હતી.
- નિર્ધારણ: અપીલ અદાલત માને છે કે વાદીનો દાવો નિકાલ માટે યોગ્ય છે અને કેસને દાખલ કરવાના તબ્બકે જ રદ્દ કરવાની અદાલતની કાર્યવાહી યોગ્ય છે.
ઉપરોક્ત ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે જો દાવામાં આક્ષેપો ત્રાસદાયક અને અયોગ્ય હોય અને દાવો કરવાના સ્પષ્ટ અધિકાર અથવા કારણ જાહેર ન કરતા હોય, તો ટ્રાયલ જજની ફરજ છે કે તે ઓર્ડર ૭, નિયમ ૧૧ હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરે. ઉપરોક્ત ચુકાદામાં અવલોકન કરાયેલ કાર્યવાહીના કારણનો ભ્રમ ઉભો કરીને દાવો કરવામાં આવેલ હોય તો પ્રાથમીક સુનવણીનાં તબક્કે જ દાવો રદ્દ કરી શકાય છે.
- ભિષ્મક પંડિત (એડવોકેટ)