
- અક્ષાંશ-રેખાંશ ગુજરાત
અઢારમી લોકસભા ચૂંટણી 2024ના મતદાનના ત્રણ તબક્કા પસાર થઈ ગયા છે. ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોમાંથી છ બેઠકો અનામત રાખવામાં આવી છે. ચાર અનુસૂચિત જનજાતિ માટે તો બે અનુસૂચિત જાતિ માટે અનામત છે. અગાઉની સત્તર લોકસભા ચૂંટણીઓમાં બેઠકોની સંખ્યામાં વધ-ઘટ થવા સાથે આ સંખ્યામાં પણ ફેરફાર થતો રહ્યો છે. અહીં અગાઉની સત્તર લોકસભામાં અનામત વર્ગની બેઠકનું પ્રતિનિધિ કરવા માટે વિજેતા થયેલા કેટલાક વ્યક્તિઓનો માત્ર નામ પરિચય આપવાનો ખ્યાલ છે. અનુસૂચિત જનજાતિ બેઠકના પ્રતિનિધિને ‘ST’ ઓળખીશું તેમજ અનુસૂચિત જાતિ બેઠકના પ્રતિનિધિને ‘SC’ સંજ્ઞાથી ઓળખીશું.
પહેલી લોકસભા 1952માં પંચમહાલ અને વડોદરા પૂર્વની બીજી ST અનામત બેઠક પર રૂપાજી ભાવજી પરમાર બિનહરીફ વિજેતા થયા અને સુરતની આવી બેઠક પર બહાદુરભાઈ કુંથાભાઈ પટેલ કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. બહાદુરભાઈ એ પછી ગુજરાતના સ્થાનિક રાજકારણમાં સક્રિય થયા અને 1960 પછી રચાયેલા ગુજરાતના પ્રારંભના પાંચેય મંત્રીમંડળમાં તેઓ સ્થાન ધરાવતા હતા. અમદાવાદ શહેરની બે લોકસભા બેઠકોમાં પહેલી SC અનામત બેઠક પર મૂળદાસ ભુદરદાસ વૈશ્ય ચૂંટાઈ આવ્યા હતા. મૂળદાસ વૈશ્ય આ પછી 1962ની ત્રીજી લોકસભામાં સાબરમતી લોકસભા બેઠકથી બીજી મુદત માટે ચૂંટાઈ આવ્યા. આ સાબરમતી બેઠક હવે ગાંધીનગર લોકસભા બેઠક તરીકે ઓળખાય છે અને તે બિનઅનામત છે. પહેલી લોકસભામાં સૌરાષ્ટ્ર કે કચ્છ વિસ્તારમાં કોઈ બેઠકને અનામતનો દરજ્જો મળ્યો નહોતો.
બીજી લોકસભામાં અમદાવાદની બીજી SC અનામત બેઠક પર કરસનદાસ ઉકાભાઈ પરમાર અપક્ષ ઉમેદવાર લેખે ચૂંટાઈ આવ્યા હતા. દાહોદથી જાલજીભાઈ કોયાભાઈ ડીંડોડ, માંડવીથી છગનલાલ મદારીભાઈ કેદારીઆ અને વલસાડથી નાનુભાઈ નિચ્છાભાઈ પટેલ કૉંગ્રેસમાંથી ST અનામત બેઠકના પ્રતિનિધિ લેખે ચૂંટાઈ આવ્યા હતા. ત્રીજી લોકસભામાં દાહોદની બેઠક SC અનામતનો દરજ્જો ધરાવતી હતી અને સ્વતંત્ર પક્ષના હીરાભાઈ કુંવરભાઈ બારીઆ ચૂંટાઈ આવ્યા હતા. કોઈક કારણસર આ બેઠકની પેટાચૂંટણી યોજવી પડી હતી. એમાં પણ સ્વતંત્ર પાર્ટીના પુરૂષોત્તમભાઈ હરિભાઈ ભીલ વિજેતા થયા હતા.
દેશના ગૃહમંત્રી અમિત શાહ 2024માં ચૂંટણી ઉમેદવાર હોવાના કારણે જેની ચર્ચા ચારેકોર છે એ ગાંધીનગર લોકસભા બેઠક 1967ની ચોથી લોકસભાથી અમલમાં આવી. કૉંગ્રેસના સોમચંદભાઈ મનુભાઈ સોલંકી SC અનામત ઉમેદવાર લેખે સૌ પ્રથમ ચૂંટાઈ આવ્યા હતા. તેઓ એ પછી પાંચમી લોકસભામાં સંસ્થા કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા. 1967થી જ પાટણ લોકસભાને SC અનામતનો દરજ્જો મળ્યો. સ્વતંત્ર પક્ષના ડાહ્યાભાઈ રામજીભાઈપરમાર સૌ પ્રથમ ચૂંટાઈ આવ્યા. દાહોદ ST અનામત બેઠક પર કૉંગ્રેસના ભાલજીભાઈ રાવજીભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા હતા. એ પછી પાંચમી લોકસભામાં તેઓ સંસ્થા કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા. માંડવીથી એ જ છગનભાઈ કેદારીઆ અને વલસાડથી નાનુભાઈ પટેલ કૉંગ્રેસમાંથી પુનઃ વિજયી થયા હતા.
પાંચમી લોકસભા 1971માં પાટણથી SC અનામત બેઠક પર પહેલીવાર વિજેતા થયેલા ખેમચંદભાઈ સોમાભાઈ ચાવડા સંસ્થા કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા એ સમયે 1960થી, બાર વર્ષ – બે મુદતથી કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય હતા. ખેમચંદભાઈ સમય જતા ભારતીય લોકદળ અને જનતા દળમાંથી ચૂંટાઈ આવતા અલગ અલગ ત્રણ રાજકીય પક્ષોના પ્રતિનિધિ રહ્યા. ગુજરાતના દલિત નેતૃત્વની વાત કરીએ તો ખેમચંદભાઈ ચાવડા એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓ ત્રણ દાયકા જેવો લાંબો સમય સક્રિય રાજકારણમાં રહ્યા. જો કે આમ છતાં તેઓ કદી કેન્દ્ર સરકારમાં મંત્રી પદ કે કોઈ હોદ્દો ન પામ્યા.
ખેમચંદભાઈ ભલે હોદ્દો ના પામ્યા. પણ એમની પછીની પેઢીના ચૂંટાઈ આવેલા કેટલાક આદિવાસી સંસદસભ્યો કેન્દ્ર સરકારમાં પ્રધાનપદ પામ્યા. કોણ હતા તેઓ? જાણીશું હવે પછીના ભાગ બેમાં.
(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)