
- અક્ષાંશ-રેખાંશ ગુજરાત
સંસદમાં મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત બેઠકો આપવાની માત્ર વાતો કરતા કરતા સત્તરમી લોકસભાની મુદત તેના અંત ભાગે આવી પહોંચી છે. અઢારમી લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકોની વાત કરીએ તો મુખ્ય રાજકીય પક્ષો ભારતીય જનતા પક્ષ અને કૉંગ્રેસે 26માંથી ચાર–ચાર બેઠકો પર મહિલાઓને ઉમેદવારી આપી ટકાવારીનો આંક 15 ટકાએ લાવી મુક્યો છે. એવું આશ્વાસન લઈ શકાય કે ગુજરાતે ઉમેદવારીની બાબતમાં અડધો રસ્તો પસાર કરી લીધો છે. તેત્રીસ ટકાના પચાસ ટકા.
ભાજપે જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને ભાવનગર બેઠક પર મહિલા ઉમેદવારને તક આપી છે. જેમાં જામનગર સિવાયની બેઠક પર નવા મહિલા ઉમેદવારો છે. કૉંગ્રેસ પક્ષે અમરેલી, ગાંધીનગર, બનાસકાંઠા અને દાહોદ બેઠક પર મહિલા ઉમેદવારને તક આપી છે. જેમાં દાહોદ સિવાયની બેઠક પર નવા મહિલા ઉમેદવારો છે. દાહોદ બેઠક પર કૉંગ્રેસે પૂર્વ સંસદસભ્ય ડૉ. પ્રભાબહેન તાવિયાડને દસ વર્ષ પછી પુનઃ તક આપી છે. છેલ્લે સોળમી લોકસભા ચૂંટણી 2014માં તેઓ ભાજપ સામે પરાજિત થયા હતા.
1951-52ની પહેલી લોકસભા ચૂંટણીથી લઇને સત્તરમી લોકસભા 2019 સુધી કુલ 426 બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ છે. પેટાચૂંટણીઓનો પણ એમાં સમાવેશ કરીએ તો આજે 2024 સુધી કુલ 225 સંસદસભ્યોને ગુજરાતે ચૂંટી કાઢ્યા છે. પુરુષ સંસદસભ્યો 205 અને મહિલાઓ માત્ર 20. ટકાવારીમાં આંકડો જોઇએ તો માત્ર નવ ટકા પ્રતિનિધિત્વ મહિલાઓના ભાગે આવ્યું છે. બહુ કંગાળ આંકડો છે આ એટલું તો કહેવું જોઇશે.
સુરત બેઠક બિનહરીફ થવાને કારણે મતદાન થવાનું નથી. એ સિવાય પચીસ લોકસભા બેઠકો જેમાં માત્ર બનાસકાંઠા લોકસભા બેઠક એવી છે જેમાં મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવાર લેખે બે મહિલાઓ વચ્ચે સીધી સ્પર્ધા થશે. ભારતીય જનતા પક્ષના ડૉ. રેખાબહેન ચૌધરી અને કૉંગ્રેસ પક્ષના ગેનીબહેન ઠાકોર. રેખાબહેનની આ પહેલી ચૂંટણી છે અને સામે ગેનીબહેન બીજી મુદતના ધારાસભ્ય છે. લોકસભા બેઠક પર મુખ્ય રાજકીય પક્ષની મહિલાઓ વચ્ચે સીધી સ્પર્ધા થાય એવા જૂજ નહીં માત્ર એક જ દાખલો ગુજરાતમાંથી મળે છે.
ગુજરાતની લોકસભા બેઠકોમાં સૌથી વધુ ત્રણ મહિલા સંસદસભ્યો આપનાર વડોદરા લોકસભા બેઠક પર તેરમી લોકસભા ચૂંટણી 1999 સમયે મુખ્ય રાજકીય પક્ષોના બે મહિલાઓ વચ્ચે સીધી સ્પર્ધા થઈ હતી. ભારતીય જનતા પક્ષે બારમી લોકસભામાં સંસદસભ્ય રહેલા જયાબહેન ઠક્કરને ફરીથી ઉમેદવાર બનાવ્યા હતા તો કૉંગ્રેસ પક્ષે ડૉ. ઉર્મિલાબહેન પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ રાજ્યસભાના સભ્ય, ઊર્જા રાજ્યમંત્રી તેમજ સદગત મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના જીવનસાથીની ઓળખ ધરાવતા હતા. પરંતુ ભાજપ સામે ચૂંટણી જીતી શક્યા નહોતા.
આમ 1999 પછી ઠેઠ પચીસ વર્ષે મુખ્ય રાજકીય પક્ષોના બે મહિલા ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે. ચૂંટણી પ્રચાર સુધી બનાસકાંઠા બેઠક તેના મુખ્ય ઉમેદવારોની વ્યૂહરચનાઓને કારણે રોજેરોજના સમાચાર બનવાની છે. આ સિલસિલો પાંચમી મે સુધી ચાલશે અને ચોથી જૂનની મતગણતરીની સાથે તેનો અંત આવશે.
ચાર રદ થયેલી અને છવ્વીસ લોકસભા બેઠકોમાં એકથી વધુ બેઠકો એવી છે જ્યાં મુખ્ય રાજકીય પક્ષોએ પાછલા પંચોતેર વર્ષમાં એક પણ મહિલા ઉમેદવારને તક આપી નથી. કેટલીક બેઠકો પર એવી તક આપી છે તો બહુ વર્ષો પહેલા આપી છે અથવા તો વર્ષો બાદ આપી છે. યાદ રહે ભારતે બે મહિલા રાષ્ટ્રપતિ, એક મહિલા વડાંપ્રધાન અને ગુજરાતે એક મહિલા મુખ્યમંત્રીને હોદ્દાગત સ્થાન, મોભો આપ્યા છે.
(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)