
- ચલ કહીં દૂર
સામાન્ય રીતે માનવામાં આવે છે કે મહાત્મા ગાંધી એટલે અત્યંત ગંભીર વ્યક્તિ હશે. મહાત્મા ગાંધીને સંગીતમાં રુચિ હતી, બોખા દાંતે ખડખડાટ હસતા હતા. એમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જો તે હસતા ન હોત તો કદાચ આત્મહત્યા કરી લીધી હોત.
મહાત્મા ગાંધી ફૂટબોલ રમતા હતાં અને ફૂટબોલ તેમની પસંદગીની રમત હતી. દક્ષિણ આફ્રિકામાં બાપુએ ડરબન, પ્રિટોરિયા અને જોહનીસબર્ગમાં ભારતીયોની ફૂટબોલ ટીમની સ્થાપના માટે મદદ કરી હતી. આ ટીમો પેસિવ રજીસ્ટર ક્લબ અંતર્ગત રમતી હતી, જેના કેટલાક ફોટોગ્રાફમાં ગાંધીજી જોવા મળે છે. આ સિવાયની ક્લબોમાં પણ ગાંધીજીનો અમૂલ્ય ફાળો હતો. આ ક્લબોની મેચ દરમિયાન ગાંધીજી જનજાગૃતિ માટે કામ કરતાં હતાં. ભારતમાં આવ્યા પછી પણ તેમનો આ ટીમો સાથે સંપર્ક રહ્યો હતો. ક્રિસ્ટોફર કોન્ટિજેન્ટ્સ નામની ટીમ ભારતમાં ફૂટબોલ રમવા આવી ત્યારે અમદાવાદમાં મેચ હતી. આ ટીમ સાથે ગાંધીજી આખો દિવસ સાથે રહ્યા હતાં. સંગીતથી રમત સુધી રસ લેતા ગાંધી માટે આક્ષેપ થાય છે એ સમયે એવો વિચાર પણ આવે છે કે તેમને જાણ્યા કે વાંચ્યા વગર ટીકા કરવી કેટલી યોગ્ય કહેવાય?
મોહનદાસ કરમચંદ ગાંધીની અલગ યાત્રા શરૂ થઈ. દક્ષિણ આફ્રિકાથી મહાત્મા બનવા તરફની યાત્રા કહી શકાય. હજી તો પા પા પગલી ભરી રહ્યા હતાં ત્યારે તેમના પર પુસ્તક લખાયું હતું. લગભગ સવાસો વર્ષના જાહેર જીવન પર અસંખ્ય પુસ્તકો લખાયા છે. આપણા લોકલાડીલા મોદીસાહેબે પણ ગાંધી હેરિટેજ હેઠળ અદભૂત કલેક્શન આપ્યું છે. ગાંધી સંબંધિત ફાલતું મેસેજ આવે તો કમસેકમ મોદીસાહેબે બનાવેલી સાઇટ્સ પર ચક્કર મારજો.
ગાંધી પર અસંખ્ય પુસ્તકો લખાયા. વખાણ કરતાં, ટીકાઓથી ભરપૂર, વિવેચનો કરતાં, કાવ્ય સંગ્રહો, ખરાખોટા કથાકનો. એનો અર્થ એવો થાય કે કશુંક તો હશે એ માણસમાં.
એ 'કશુંક' શું છે જેના લીધે આજે પણ ગાંધી પર લખાતું જાય છે. ગાંધીજીના સચિવ પ્યારેલાલે એક પુસ્તક લખ્યું હતું,
મહાત્મા ગાંધી: ધ લાસ્ટ ફેઝ. આ પુસ્તકમાં પણ એક સવાલ હતો, આજના યુગમાં ગાંધી કેટલા પ્રસ્તુત છે? કદાચ વિશ્વની સમસ્યાઓના નિરાકરણ માટે ફક્ત ગાંધી માર્ગ જ છે. મહાત્મા ગાંધીને ભૂલવા અશક્ય છે.
ગાંધીજી સાઉથ આફ્રિકામાં સત્યાગ્રહને લીધે ઘણા પ્રખ્યાત થયા હતાં, ભારતમાં પણ સત્યાગ્રહ સહિત માનવજાતના કલ્યાણ માટે પ્રયોગો કરવા માંગતા હતાં. તેમના રાજકીય માર્ગદર્શક ગોખલેજી સહિત શુભેચ્છકોએ સલાહ આપી હતી કે એકવાર ભારતભ્રમણ કરો.
ઇનશોર્ટ ભારતભ્રમણ કરતાં જ સમજાશે કે અહીંની પ્રજામાં ઘણી વિવિધતા છે, સાઉથ આફ્રિકા જેવો સહકાર નહીં મળે એટલે ગાંધીનો સત્યાગ્રહ જેવા પ્રયોગનો નશો ઉતરી જશે.
મેનેજમેન્ટ કન્સલ્ટન્ટોએ ખાસ શીખવા જેવી વાત છે કે ભારતના મોટાભાગના નેતાઓ માનતા કે આ પ્રજા વચ્ચે રહીને સત્યાગ્રહ કે અસહકાર આંદોલન અશક્ય છે. એક વર્ષના ભારતભ્રમણ દરમિયાન ગાંધીજીને લાગ્યું હશે કે સત્યાગ્રહ ભારતની ધરતી પર જ શક્ય છે. અસંભવ સમુદાયો વચ્ચે સફળતા મેળવી અને વિશ્વ માટે જબરદસ્ત પ્રયોગ સમાન જનજાગૃતિ કેળવી. ગાંધીજી માનતા કે એમણે સવાસો વર્ષ જીવવું છે.
આ જ ગાંધીજી જીવનના અંતિમ વર્ષો તરફ પ્રાર્થના કરતાં કે લાંબુ જીવન જીવીને કશું કામ નથી. જે પ્રયોગો પાંત્રીસ ચાલીસ વર્ષથી કરતા રહ્યા, એના શ્રેષ્ઠ પરિણામને બદલે નજર સામે ચાલતી હિંસાને જોઇને સતત નિરાશા અનુભવી. જે વિષયો માટે જિંદગી ઘસી નાખી, એ જ વાતોમાં નિરાશા દેખાવા લાગી.
આ વાત ફક્ત ગાંધી જીવન પુરતી નથી પણ દરેક વ્યક્તિના વ્યક્તિગત સંઘર્ષ સાથે લાગુ પડે છે. દરેક વ્યક્તિ પોતાના સંઘર્ષ પછી એકાદ વાર તો વિચારે જ છે કે શા માટે જીવનનો ભોગ આપ્યો. એ પણ બાપુને પત્ની તથા પ્રિય વ્યક્તિઓના વિયોગ પછી વધારે સારી રીતે સમજાવા લાગી હશે. પરિવાર માટે જિંદગી ઘસી નાખી પણ અંતે એકલતા ભોગવતા લોકોને ખબર હશે. આપણી આસપાસ મૂલ્યનિષ્ઠ નેતાઓ કે જેમણે એક પૈસાનો ય ભ્રષ્ટાચાર કર્યો નથી એ લોકોની નિવૃત્તિ પછીના અંતિમ વર્ષોની નિરાશાઓનો અભ્યાસ કરજો.
અરે, તમારા વ્યવસાયના વિકાસ માટે જિંદગીનો ભોગ આપ્યા પછી નવી પેઢી પ્રોફેશનલ એપ્રોચ અપનાવીને જૂનું દૂર કરે ત્યારે વડીલો વ્યથા અનુભવતા હોય છે. આ વ્યથાનું દર્દ પણ ગાંધીના પુસ્તક સુધીર ચંદ્ર લિખિત ગાંધી: એક અસંભવ સંભાવના મારફતે સમજી શકાય.
આઝાદી પછીના ગાંધીના પહેલા જન્મદિવસ પર દુઃખ સાથે કહ્યું હતું કે મને જીવવાની શરમ આવે છે. દેશ આઝાદ થયો ત્યારે શુભેચ્છા સંદેશ પણ બંગાળની હિંસા વચ્ચે આપવાની ના પાડી હતી. ભારત સરકાર અને બીબીસીએ ખૂબ પ્રયત્ન કર્યા. છેલ્લે એવું પણ કહેવામાં આવ્યું કે દેશનું ખરાબ દેખાશે... ત્યારે પણ ગાંધીજીએ કહ્યું હતું, 'હોને દો ખરાબ'... આ આઝાદી માટે ભોગ આપ્યો ન હતો.
એવું તો શું બનતું ગયું કે ગાંધી પોતાને એકલા માનવા લાગ્યા? બંગાળમાં એકલે હાથે ઝઝૂમ્યા, તો માઉન્ટબેટને પણ સ્વીકારવું પડ્યું કે પંચાવન હજારની સેના પશ્વિમ ભારતમાં જે ન કરી શકી એ પૂર્વમાં એકલા ગાંધીએ કરી બતાવ્યું. જાન્યુઆરી, 1948માં પાકિસ્તાની વિદેશમંત્રીને યુનોમાં ગાંધીના વખાણ કરવા પડે, જે પશ્ચિમ પંજાબમાં હિન્દુઓની ક્રૂર હિંસા થઈ, ત્યાંના ક્રૂર નેતાઓ ગાંધી નામે અહિંસાના સોગંદ લેતા થાય, કંઈક હશે તો ખરું એ માણસમાં... એટલે સુધી મલિક ફિરોઝ નૂન જેવા ક્રૂર નેતાએ પણ કહેવું પડ્યું કે દુનિયાના કોઈ પણ દેશમાં ગાંધીથી મહાન ધાર્મિક વ્યક્તિ પેદા નથી થઈ.
એ માણસના છેલ્લા વર્ષો, અંતિમ દિવસો, સત્ય અને અહિંસાની વાતો, હિન્દુઓના સંરક્ષણ, મુસ્લિમને ન્યાય... આ બધા વિષયો પર એક સત્ય શોધતું શાનદાર પુસ્તક છે. આ બધી વાતો પુસ્તકની છે. મને પ્રશ્ન ન પૂછશો, શક્ય હોય તો સ્વયં સાથે કે પુસ્તક વાંચવામાં શક્તિ વાપરજો.
આ પુસ્તકમાં ગાંધીની ટીકા, વખાણ, ગાંધીની જરૂરિયાત, તેમના વક્તવ્યો, દરેક સમાજે કરેલી ટીકાઓ વચ્ચે દૂરનું જોવા માટે દ્રષ્ટિ વિશે યુવાનો એ ખાસ વાંચવું જોઈએ. આટલી હકીકત લખવા છતાં ધ્યાનથી વાંચ્યા વગર ગાંધી પર જ્ઞાન આપવા એક નિશ્ચિત બુદ્ધિશાળી વર્ગ આવશે. એમને પણ એક વિનંતી છે કે સમય મળે તો સુધીરચંદ્ર લિખિત "ગાંધી એક અસંભવ સંભાવના" વાંચજો. તમે જે માનો છો એ બધી જ વાતો લેખકે લખી જ છે, ક્યાંક જવાબો સમજવાનો પ્રયત્ન પણ કર્યો છે.
જે આ પુસ્તક વાંચશે એણે કશું લખવાની જરૂર પડશે નહીં, બધું એ બસો પાનની ચોપડીમાં છે. પ્રશ્ન એ કે શા માટે આ પુસ્તક વાંચવું જોઈએ?
સુધીરચંદ્રનું શાનદાર હિન્દી અને ભાષા વૈભવ અનુભવવા પણ વાંચો. ઐતિહાસિક તથ્ય સાથે ગાંધીની વાતો સમજવાની એમની ક્ષમતા જાણવા વાંચવું જોઈએ. અત્યંત મુશ્કેલ લાગતા વિષયોની સુંદર છણાવટ કરીને સરળ શબ્દોમાં વાતો લખી છે.
આ પુસ્તક વસાવવાનું પહેલું કારણ, પુસ્તક સહુને લાગુ પડે છે... એક બેંક મેનેજર હોય, એક આચાર્ય હોય કે પરિવારનો વડો, શા માટે ભોગ આપ્યો એ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે જેનો જવાબ આપણે શોધવાનો પ્રયાસ છે.
બીજું કારણ, શું અંતિમ લાગતા સમયે હિંમત હારી જવી જોઈએ? છેલ્લા દોઢસો દિવસમાં બે વાર આમરણાંત ઉપવાસ શું દર્શાવે છે?
ત્રીજું કારણ, મુસ્લિમોને પણ ચેતવણી આપી હતી કે હિન્દુ પાસે અહિંસાની કેટલી અપેક્ષા રાખી શકાય. એની પણ લિમિટ હોય છે. દરેક સમુદાયને સત્ય કહેવાની સમજ કેળવાશે.
ચોથું કારણ, અંતિમ સમયે ગાંધી કહેતા કે, 'હર કોઈ અપને કો દેખે'.... જો પોતાની સમજ કેળવે તો કોઈ સમસ્યા રહે નહીં. પાંચમું કારણ, છેલ્લા ચાર છ મહીનામાં બે બે આમરણાંત ઉપવાસ કરવા છતાં કોઈ તેમને છેતરી જાય એ અસંભવ હતું. મન અને મગજ સ્વસ્થ હોવા સાથે તેજ પણ હતાં. એંસીમાં એક વર્ષ ઓછું, છતાં મન અને મગજ એકદમ તંદુરસ્ત હતું. શ્રેષ્ઠ નેગોશિએશન કર્યા છે.
છઠ્ઠું કારણ, " મેં તો આજકલ કા હી મહેમાન હું, કુછ દિનો મેં યહાં સે ચલા જાઉંગા, પીછે આપ યાદ કીયા કરોગે કે બૂઢા જો કહતા થા વહ સહી બાત થી... " - ગાંધીજી, મૃત્યુના સુડતાલીસ દિવસ પહેલાં કહેલું.
આ પુસ્તક શારીરિક અને માનસિક યુવાનો વાંચજો અને યુવાનોને ખાસ વંચાવો. સોશિયલ મિડિયા પર તરફેણ કે વિરુદ્ધ કોમેન્ટ લખવામાં અને ચર્ચામાં સમય બગાડવા કરતાં સુધીર ચંદ્ર નું પુસ્તક : "ગાંધી એક અસંભવ સંભાવના" વારંવાર વાંચો. કદાચ સમય ન મળે તો પહેલું અને છેલ્લું પ્રકરણ વાંચજો.
અંતે: હું આજકાલ અવાજ ઉઠાવું છું પણ કોઈ સાંભળતું નથી. મહાત્મા ગાંધી તા. 28 ડિસેમ્બર, 1947
- દેવલ શાસ્ત્રી