Home / GSTV શતરંગ / Divyakant Pandya : A short story: The reunion Divyakant Pandya

શતરંગ / એક નાનકડી વાર્તા: રિયુનિયન

શતરંગ / એક નાનકડી વાર્તા: રિયુનિયન

- થ્રિલ માંગે મોર

‘સાહેબ, કોને બોલાવું પહેલા?’ જુવાન હવાલદાર પ્રમોદે આધેડ ઉંમરના પીઆઇ રમાકાંતને પૂછ્યું.

‘સૌથી વધુ બીકમાં કોણ લાગે છે?’ રમાકાંતે હસીને પૂછ્યું.

‘સાહેબ, થાણામાં આપણી સિવાય કોઈની હિંમત કે દાંત દેખાડી શકે.’

‘હા, તોય જે સૌથી ડરેલું લાગે એને પકડી લાવ.’

‘જી, સાહેબ.’ પ્રમોદ રૂમની બહાર નીકળી ગયો.

સામે બાંકડે બેઠેલા રેજીના, પિયુષ, ગતિ અને તર્પણ સામે પ્રમોદે નજર કરી અને રડું-રડું થતી ગતિને ઈશારો કરીને સાહેબના રૂમમાં મોકલી.

રમાકાંત સામે બેસતાં પણ ગભરાતી ગતિ માંડ માંડ તેની સામે નજર મેળવી શકી.

‘જે ખબર હોય એ બધું બોલવા માંડ છોકરી.’ રમાકાંતે કડકાઈથી સવાલ કર્યો.

‘અંકલ, એમાં એવું…’ 

‘અંકલ નહીં. રિતિકા ને તમારા બધાની કોલેજ પૂરી થઈ ગઈ છે. ને અત્યારે તમે બધા ગુનામાં સંડોવાયા છો.’

ગતિ વધુ ડરી ગઈ, ‘સર, અમને નથી ખબર પ્રિયલ ક્યાં ગઈ એ. બહાર પણ અમે એ જ કહ્યું.’

‘અમે નહીં, તારી પોતાની વાત કર.’

‘ઓકે સર…સોરી સર.’

‘પહેલા તો એ કહે કે તમે બધા ભેગા શા માટે થયા હતા?’ રમાકાંતે વધુ ડરાવવા નકલી ગુસ્સો કરતા પૂછ્યું.

‘સર, અમે પાંચેય કોલેજ પત્યાના ચાર વર્ષ પછી છેલ્લે ગયા વર્ષે તર્પણ અને પ્રિયલના મેરેજમાં મળ્યા હતા. એ સિવાય આમ કોન્ટેક્ટ ખરો પણ બધા એકસાથે ભેગા થઈએ એવો મેળ નહોતો પડતો. એટલે પિયુષે પ્લાન બનાવ્યો કે બધા મળીએ. અમે વિકેન્ડમાં વિલામાં રિયુનિયન ગોઠવ્યું. બસ ત્યાંથી જ રાતે અચાનક પ્રિયલ ગાયબ થઈ ગઈ. સર પ્લીઝ પ્રિયલને શોધી આપો ને. શી ઇઝ માય બેસ્ટી સર. પ્લીઝ… ’ ગતિ આટલું બોલતાં તો રડી પડી.

 ‘બેસ્ટી છે તો તેનું ધ્યાન કેમ ન રાખ્યું? કે ગાંજો ફૂંકવામાંથી ફૂરસત ન મળી?’

‘સર, હું નથી ફૂંકતી. હું તો દારૂ પણ નથી પીતી. આ બધા એટલે જ તો મને ચડાવે કે ધેર ઇઝ નથીંગ ઈન યોર લાઈફ.’

‘તો બાકીના બધાએ દારૂ પીધો એમ ને?’

‘ના સર…’

‘મને ખબર છે. રિયુનિયનની પાર્ટી હતી. કોરી થોડી હોય સાવ. બીજા શું કાંડ કર્યા?’

‘કંઈ નહીં સર.’

‘તો પ્રિયલ એમ જ ગાયબ થઈ ગઈ?’ રમાકાંત જોરથી તાડૂક્યો.

‘સર, પિયુષ અને તર્પણનો થોડો ઝગડો થયો હતો બસ.’ ગતિ ઝડપથી બોલી ગઈ.

‘કેમ?’

‘હું એ વખતે મારા ફિયોન્સે સાથે બહાર ફોનમાં વાત કરવા ગઈ હતી. પાછી આવી ત્યાં ઝગડીને સૌ પોતપોતાના રૂમમાં જતા રહ્યા હતા. મને સાચે નથી ખબર સર.’

ગતિ પાસેથી વધુ માહિતી ન મળતા રમાકાંતે કંટાળીને પ્રમોદને કહીને પિયુષને બોલાવ્યો.

‘તે મારી નાખી છે ને પ્રિયલને?’ રમાકાંતે પિયુષ રૂમમાં દાખલ થયો કે સીધો જ તીખો સવાલ કર્યો.

‘સર, એ તો ગૂમ થઈ છે ને. અને મારવાનું તો હું વિચારી પણ ન શકું. આઈ લવ હર.’ પિયુષે લાગણીવશ થઈ જવાબ આપ્યો.

‘તો એના હસબન્ડ તર્પણને મારવાનો પ્લાન હતો?’

‘ના, કોઈને નહીં સર.’

‘લે કેમ? પ્રિયલ જેવી ભોળી અને સુંદર છોકરી તર્પણ જેવા નાલાયક સાથે પરણી જાય એ તને તો નહીં જ ગમ્યું હોય ને?’

‘સર, પ્રિયલ મને હજુ ગમે છે એ વાત સાચી, પણ તેણે તર્પણને પસંદ કર્યો એ પછી મેં મન મનાવી લીધું હતું. તમે તો આટલી વખત કોલેજ રિતિકાને મૂકવા આવતા. તમે તો અમને ઓળખો છો. બીલીવ મી સર. મારા તો મનમાં જ નહોતું, પણ તર્પણે જૂની વાતો ઉખેળીને ઝગડો શરૂ કર્યો હતો.’

‘શરૂ ભલે તેણે કર્યો, પણ પ્રિયલને ક્યાંક સંતાડીને પૂરો તે કર્યો, બરાબર?’ રમાકાંતે શબ્દો સંતાડ્યા વિના કહી દીધું.

‘એમ તો ઝગડો રેજીના અને પ્રિયલનો પણ થયો હતો. મને તો એમ છે કે રેજીનાએ જ અમે બધા રૂમમાં જતા રહ્યા ત્યારે પ્રિયલ સાથે કંઈક કર્યું છે.’

રેજીના અને પ્રિયલના ઝગડા વિશે વાત કઢાવ્યા પછી પિયુષને મોકલીને રમાકાંતે રેજીનાને અંદર બોલાવી. 

‘શું કારણ હતું પ્રિયલ સાથે તારા ઝગડાનું?’

‘સર તમને ગતિ અને પિયુષે કહ્યું જ હશે ને.’ રેજીનાએ કહ્યું.

‘મારે તારી પાસેથી સાંભળવું છે.’

‘આ બધાને એમ લાગે છે કે પ્રિયલનો ક્લાસમાં રેન્ક આવતો એટલે હું તેનાથી જેલસ થતી. બટ ધ ટ્રુથ ઇઝ શી વોઝ એ બિગ એસ લિકર.’

‘શું?’

‘સર, એ ચમચી હતી બધા પ્રોફેસર્સની. એટલે તેને વધુ માર્ક્સ મળતાં. કાલે પાર્ટીમાં ઊલટાનું મારું નામ તેણે અમારા અકાઉન્ટના સર સાથે જોડ્યું તો પછી તો મને ગુસ્સો આવે જ ને.’

‘પણ એ તો તમે લોકો કંઈક ગેમ રમતાં હતાં ને?’

‘તો શું થયું. શી ક્રોસ્ડ ધ લિમિટ. તો મેં પણ લગાવી દીધી તેને થપ્પડ.’

‘અને પછી બધા ઝગડીને રૂમમાં ગયા ત્યારે તર્પણને રૂમમાં ન જોયો એટલે મોકાનો લાભ ઊઠાવીને પ્રિયલને પતાવી દીધી અને તેની લાશને ઠેકાણે પાડી દીધી, બરાબર?’

‘સર મને તો લાગે છે કે તર્પણે જ કંઈક કર્યું હશે. રિયુનિયનનું પ્લાનિંગ પિયુષે કર્યું ત્યારથી તર્પણ આવવા તૈયાર તો નહોતો જ, પણ પ્રિયલ પર પણ તે ડાઉટ કરતો હતો. મને તો એના પર જ શક છે.’

‘બીજું કંઈ કહેવું છે તારે?’

‘ના, સર.’

છેલ્લે વારો આવ્યો તર્પણનો. જેવો તે દાખલ થયો કે રમાકાંત પહેલાં તેણે જ સવાલોનો મારો ચલાવ્યો, ‘અંકલ, મારી પ્રિયલનો કંઈ જ પત્તો નથી. તે જીવે છે કે તેને કંઈ થઈ ગયું છે એ પણ મને ખબર નથી. અને અમારી સાથે તેને શોધવાના બદલે અમને જ તમે અહીં પૂરીને ઊલટતપાસ કરી રહ્યા છો? અમે તો બધા તમારા બાળકો કહેવાઈએ. પ્રિયલ તો રિતિકા જેમ તમારી દીકરી જેવી છે. અંકલ પ્લીઝ સમય ન બગાડો. મને મારી પ્રિયલ ગમે તેમ કરીને પાછી જોઈએ. તમે કંઈ કરતા કેમ નથી?’

‘શાંત થઈ જા. તને કોઈના પર શક છે?’ રમાકાંતે વડીલ ભાવથી કહ્યું.

‘પિયુષ હોઈ શકે. પણ મોડી રાતે પ્રિયલ બહાર વિલાના દરવાજા પાસે એકલી સિગરેટ ફૂંકવા ગઈ ત્યારે મને બાજુના પિયુષના રૂમમાંથી ટીવીનો અવાજ સંભળાતો હતો. જો પિયુષ રૂમમાં જ હતો તો પછી પ્રિયલ સાથે શું થયું એ સમજાતું જ નથી.’

‘ગતિ?’

‘ના, અંકલ તે તો હોઈ જ ન શકે. તમે પેટ્રોલિંગમાં નીકળ્યા ત્યારે તમે પણ જોયું હતું ને કે પ્રિયલને શોધવા સૌથી વધુ પાગલ તો તે હતી. નહીં તો તેને તો અંધારાથી પણ બહુ બીક લાગે.’

‘તો કોલેજ સમયે એવું કોઈ ખરું કે જે પ્રિયલને સિક્રેટલી ચાહતું હોય?’

‘ખબર નહીં, અંકલ. બટ પ્લીઝ ડોન્ટ વેસ્ટ ટાઈમ ઈન ઓલ ધીસ. મને તમારી પાસેથી જ આશા છે. પ્રિયલને અમે શોધતા હતા ત્યારે તમને ત્યાં જોઈને તો મને એમ જ થયું હતું કે મારી પ્રિયલને મેળવી આપવા ભગવાને જ તમને ત્યાં મોકલ્યા છે. સો, પ્લીઝ ફાઇન્ડ હર!’ તર્પણ ટેબલ પર માથું ઢાળીને રડવા લાગ્યો!

* * * * *

મોડી રાતે રમાકાંતે પત્ની અને દીકરી જાગી ન જાય એ માટે બીજી ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો. ડાઇનિંગ ટેબલ પર પડેલું ખાવાનું જોયું, પણ એ ભૂખને અવગણીને વર્ષોની બીજી ભૂખને સંતોષવા ગેસ્ટ રૂમનું તાળું ખોલ્યું. સામે ખુરશીમાં હાથ-પગ બાંધેલી અને મોમાં ડૂચો ભરાવેલી પ્રિયલને જોઈને રમાકાંતે શર્ટના બટન ખોલવાનું શરૂ કર્યું. અને પ્રિયલ મનોમન અફસોસ કરતી રહી કે જો તે તર્પણ અને મિત્રોથી ગુસ્સે થઈને એકલી સિગરેટ પીવા અડધી રાતે બહાર ન આવી હોત તો, જો તે પેટ્રોલિંગમાં એકલા ફરતા રમાકાંતને અંકલ કેમ છો એમ પૂછવા વિલા બહાર ન ગઈ હોત તો!

- દિવ્યકાંત પંડ્યા