
- થ્રિલ માંગે મોર
ગામના પાદરમાં બાઈક ઊભી રાખી કે તરત જ ડોક્ટર મકવાણાને સૌએ આપેલી પેલી ચેતવણી ફરી યાદ આવી ગઈ કે એ ગામમાં ખાલી પરણીને ગયેલી વહુને જ અપનાવાય છે, ધંધા કે નોકરી માટે ગયેલાને તબેલાવાળું ભૂત કાં તો પતાવી દે છે કાં સરખી રીતે જીવવા દેતું નથી. પણ ડોક્ટર મકવાણાને નહોતો ભૂતમાં વિશ્વાસ કે નહોતી એવા કારણસર પહેલી નોકરી જતી કરવાની ઈચ્છા. એટલે તેમણે બધી જ ચેતવણીની દરકાર કર્યા વિના સરકારી દવાખાનાંમાં દાક્તરની જવાબદારી સ્વીકારી લીધી હતી.
મકવાણા સાહેબે આજુબાજુ નજર કરી. તેમને ખેતરો, મકાનો, પાનના ગલ્લા, ત્યાં ઊભેલા માણસો દેખાયા. તેમણે માણસો સામે જોયું તો માણસોએ તેમની સામે જોયા કર્યું. સાહેબને થોડું અજુગતું લાગ્યું, પણ થયું કે નવા માણસને જોઈને તો કોઈપણ આમ જ જુએ ને. છતાં જેવી વાતો થતી હતી એવું કશુંય ડરામણું તેમને ન દેખાયું. હા, પાદરે લગાવેલા બોર્ડ પર ગામનું અસલ નામ છેકીને ભૂતગઢ લખેલું જોઈને તેમને જરા અજીબ લાગ્યું. જોકે ગામવાળા માટે આ બાબત સાવ મામૂલી હતી. ગામનું અસલી નામ ખાલી ચોપડે હતું, બાકી ભૂતના કિસ્સાઓના કારણે ગામ ભૂતગઢ નામે જ ઓળખાતું.
ગામવાસીઓ માટે ભૂતગઢ નામ તેમની રોજિંદી ઓળખાણ થઈ ગઈ હતી. પણ બહારવાળા માટે તેમની પોતાની ઓળખાણ ખતરો બની જતી. બહારગામના કોઈ પણ માણસો કામ માટે આવતા તો પણ તેઓ આઘે ખેતરોમાં સૂરજ ડૂબે એ પહેલાં નીકળી જવામાં ભલું ગણતા. રાતે ગામમાં ન કોઈ રોટલો ખાવા રોકાતું ન ઓટલો ભાંગવા. મહેમાન રાતે કોઈના ઘરે રોકાય એ તો વાત જ નહીં. ગામમાં રાતે કોઈ પ્રસંગો પણ એવા ન ગોઠવાતા કે જેમાં બહારગામના માણસો હાજર હોય. લગ્નપ્રસંગ હોય તો પણ જાનને સમી સાંજ પહેલાં વળાવી દેવામાં આવતી. એક-બે વાર તો માંડવેથી ઊભા થઈને રસ્તે ચાલતા ચાલતા સળગતું છાણું હાથમાં લઈને ફેરા ફરતા વરરાજા ને વહુલાડીને ભૂતગઢવાળાઓએ જોયા છે. એકવાર રાતનું આખ્યાન હતું ને ગામનો એક ખેલૈયો બીમાર પડ્યો એટલે બાજુના ગામવાળો રમવા આવ્યો ત્યારે ગાયોના ધણના વિઘ્ને આખ્યાન માંડ માંડ પૂરું થયું હતું. અને પેલો રમવાવાળો તો તબેલાવાળા ભૂતની ધમકીથી બીને પંદર દિવસ સુધી તાપમાં તપ્યો હતો.
આ બધા કિસ્સાઓ સાંભળ્યા હોવા છતાં મકવાણા સાહેબ હિંમત કરીને ગામના પાદર સુધી પહોંચી ગયા હતા. એક જુવાનને બોલાવીને ગામના સરકારી દવાખાનાંનો રસ્તો પૂછ્યો તો તેણે પોતાની સાઇકલ પાછળ સાહેબને બાઈક હંકારવા કહ્યું. જુવાન તો થોડીવારમાં જ એક નાના અમથા મકાનને ચીંધીને સાઇકલ લઈને ચાલતો થયો. સાહેબે સાદ કર્યો પણ એ રવાના જ થઈ ગયો. મકવાણા સાહેબે મકાન તરફ નજર કરી તો તેમને વિશ્વાસ જ ન બેઠો કે આવું જર્જરિત અને ગંદકીનો ખજાનો બની ગયેલું મકાન દવાખાનું હોઈ શકે. તેમણે ઘડીભર આમતેમ જોયું. પાદરની જેમ જ આજુબાજુના ઘરવાળાઓ તેમની સામે જોઈ રહ્યા હતા. તેમણે એક છોકરાને પાસે આવવા ઈશારો કર્યો, પણ છોકરો પાસે આવવાના બદલે અંદર જતો રહ્યો ને ડેલી બંધ કરી દીધી.
મકવાણા સાહેબ ગામની દંતકથાઓ અને ગામવાળાઓના વર્તનથી મૂંઝવણમાં હતા. તેમને નોકરીમાં જોડાયા ત્યારે ગામના દવાખાનાં માટે કોઈનો પણ સંપર્ક આપવામાં નહોતો આવ્યો. તેમને કહેવામાં આવ્યું હતું કે ત્યાં છેલ્લા પાંચ વર્ષમાં માંડ ચાર ડોક્ટરને નોકરી આપવામાં આવી છે. તમારા પહેલાંના ત્રણ તો ગામ સુધી પહોંચતા પહેલા જ તબેલાવાળા ભૂતથી ડરીને રાજીનામું આપી ચૂક્યા છે. એટલે સહાયક સ્ટાફની ભરતી કરવાનો તો સવાલ જ નથી. સરપંચનો એકનો સંપર્ક હતો સાહેબ પાસે. પણ સરપંચે તો સાહેબ ગામમાં આવે એ પહેલાં જ ફોન કરીને કહી દીધું હતું કે ગામમાં આવવામાં જોખમ છે. વિનંતી છે કે ન આવવું. અને આવવું જ હોય તો સહકારની અપેક્ષા ન રાખવી, કેમ કે સહકાર આપનારને પણ ભૂત છોડતું નથી.
દવાખાનાંને જોઈને મકવાણા સાહેબને લાગ્યું કે જાણીજોઈને દવાખાનાંને કચરાનો અડ્ડો બનાવી દેવામાં આવ્યો છે. ત્યાં આવી રહેલી વાસથી ન રહેવાતા તેઓ થોડે દૂરના એક મકાનના ઓટલે જઈને બેઠા ને આસપાસ નજર કરી. જે તબેલાવાળા ભૂતથી તેમને ડરાવવામાં આવ્યા હતા એ તબેલાના તો હજુ તેમને દર્શન જ નહોતા થયા. તેમને ગામ વિશે સૌથી પહેલી જ વાત એ મળી હતી કે થોડા વર્ષો પહેલા ગામમાં એક બહારનો ઢોર ડોક્ટર લાલજી રહેતો હતો. આમ ઢોર ડોક્ટર, પણ લોકો જોડે જોડે પોતાનીય નાની-મોટી બીમારીઓ તેને બતાવી જતા. થોડા અનુભવે શરદી-ઉધરસ અને તાવના નક્કી કરેલા ટીકડા આપવાનું તેને ફાવી ગયેલું એટલે તેનું ને ગામવાળાનું કામકાજ ચાલતું. પણ એક વખત ગામના સૌથી મોટા ગાયના તબેલાના રખેવાળ તોગા ભરવાડની બારે-બાર ગાયો ખાણમાં નાખેલી ડોક્ટરે આપેલી ખોરાક વધારવાની દવાથી મરી ગઈ. તોગાથી આ સહન ન થયું એટલે તેણે તબેલામાં જ જુવારની ગંજીમાં આગ લગાડીને પોતે પણ તેમાં ઝંપલાવી દીધું. સમય રહેતા ડોક્ટર લાલજી તો ભાગી ગયો, પણ તે દિવસથી તોગાનું ભૂત હજુ તબેલામાં જ રહે છે એવું કહેવાય છે. તોગાના ભત્રીજા રૂખડે તબેલો સંભાળ્યો પછી તેની ગાયો ઉપર ઘણીવાર તોગાને હાથ ફેરવતા ગામવાળાઓએ જોયો છે એમ સૌ કહે છે. તોગાના કહેવાથી રૂખડની ગાયો હજુ ગામમાં બહારવાળા કોઈને સરખી રીતે જીવવા નથી દેતી. ને જો કોઈ વધુ હિંમત દેખાડે તો કોઈ પણ કારણે સૂરજ ડૂબે તબેલા પાસે બોલાવીને તેનું કામ તમામ કરી દેવામાં આવે છે.
‘સાહેબ…સાહેબ…’
અવાજ સાંભળીને મકવાણા સાહેબે ઊંચે જોયું તો તેને એક છોકરો બોલાવી રહ્યો હતો.
‘હું મનીષ. સરપંચજીએ તમને બોલાવ્યા છે. તમારા માટે જમવાની વ્યવસ્થા કરી છે. અંધારું થવા આવ્યું છે. ચાલો મારી સાથે. આ દવાખાનું હું કાલે સવારે સાફ કરાવી લઈશ.’ મનીષે કહ્યું.
‘સરપંચજીએ?’ મકવાણા સાહેબને નવાઈ લાગી.
‘હા, ચાલો.’
કોઈક તેમની સાથે વાત કરવા તૈયાર છે એ જોઈને મકવાણા સાહેબને સારું લાગ્યું. તેમણે બાઈકની કિક મારી અને મનીષને પાછળ બેસાડ્યો. સરપંચના ઘર બાજુ બાઈક વાળતા જ મનીષના ફોનમાં કોઈનો કોલ આવ્યો. તેણે વાત પૂરી કરીને બાઈક રોકાવી.
‘સાહેબ, ઓલ્યા રૂખડની ગાડી બગડી ગઈ છે. તો દૂધ દેવા આવે એમ નથી. સરપંચજીને હમણાં દુઝાણું ઓછું છે. ચાલો ને આપણી પાસે ગાડી છે તો લેતા જ આવીએ તબેલેથી. આ અંધારામાં રૂખડો કંઈ ગાડી સરખી કરાવશે નહીં ને કરાવશે તોય આપણે મોડું થાશે.’
મકવાણા સાહેબને અંધારું થઈ ગયા પછી તબેલે જવાની વાત સાંભળીને પહેલા તો ગભરાટ થયો, પણ પછી થયું કે આમ પહેલા જ દિવસે હિંમત હારી જશે તો કેમ ચાલશે. તેમણે બાઈક મનીષના કહેવા મુજબ તબેલા બાજુ વાળી. તબેલા બાજુનો રસ્તો એકદમ જ સૂનકાર હતો. સાવ ગામના બીજા છેડે આવેલા તબેલા પાસે તેઓ પહોંચ્યા કે ઝાંપે જ તેમને રૂખડ મળ્યો.
‘કોણ છો ભાઈ?’ રુખડે પૂછ્યું.
‘હું ડોક્ટર મકવાણા.’
‘બોલો ને. અત્યારે અહીં?’
‘આ મનીષ ને હું સરપંચજીના ઘર માટે દૂધ લેવા આવ્યા, તમારી બાઈક બગડી ગઈ ને એટલે.’
‘મારી બાઈકને વળી શું થયું?’
‘કેમ લે હમણાં જ તો તમે ફોન કર્યો હતો.’ મકવાણા સાહેબને કંઈ સમજાઈ નહોતું રહ્યું. મૂંઝવણ કરતા પણ તેમને ડર વધુ લાગી રહ્યો હતો.
‘કોને ફોન કર્યો હતો?’ રુખડે પૂછ્યું.
‘મનીષને.’ મકવાણા સાહેબે ખિસ્સામાંથી રૂમાલ કાઢીને કપાળ લૂછતાં કહ્યું.
‘કોણ મનીષ?’
‘આ પાછળ બેઠો એ.’ મકવાણા સાહેબ પોતાના જ વાક્ય પર આઠ આનાનો પણ વિશ્વાસ ન હોય તેમ બોલ્યા.
‘જુઓ તો જરા પાછળ.’
મકવાણા સાહેબને પોતે ફસાઈ ગયા છે એ સમજાઈ ગયું હતું. તેમણે પાછળ જોયું તો સીટ પર બેઠેલો મનીષ ગાયબ હતો. બીજી જ ક્ષણે મકવાણા સાહેબે હોય એટલા જોરથી બાઈકની કિક મારી અને રૂખડને આવજો કહ્યા વિના ગામને આવજો કહી દીધું.
* * * * *
મકવાણા સાહેબની બાઈક દેખાતી બંધ થઈ એટલે મનીષ વાડ પાછળથી બહાર નીકળ્યો. તે અને રૂખડ જોર-જોરથી હસવા લાગ્યા. ત્યાં જ રૂખડના ઘરમાંથી એક ચાલીસેક વર્ષના ભાઈ મલકતા-મલકતા નીકળ્યા. તેમને જોઈને મનીષે તાળી મારતા કહ્યું, ‘રમેશ સાહેબ, ખોટા આપણે બીતા હતા આ ડોક્ટરની હિંમતથી. એક દિવસય ન ટક્યો. લાલજી હોય કે મકવાણા, તમારી પ્રેક્ટિસ સામે કોઈ ન ટકી શકે.’
‘તબેલાવાળા ભૂતની જય!’ રુખડ જોરથી બોલ્યો.
- દિવ્યકાંત પંડ્યા