Home / GSTV શતરંગ / Dr. Megha Patel : Do you have pain from lower back to heel? Does standing cause leg cramps? Megha Patel

શતરંગ / શું તમને કમરથી લઈને પગની એડી સુધીનો દુઃખાવો થાય છે? ઉભું રહેવાથી પગની નસ ખેંચાય છે?

શતરંગ / શું તમને કમરથી લઈને પગની એડી સુધીનો દુઃખાવો થાય છે? ઉભું રહેવાથી પગની નસ ખેંચાય છે?

- જાગૃતતા જરૂરી

યુવાનોમાં વધતા જતાં જીમનાં ટ્રેન્ડના લીધે સાયેટિકા નામનો રોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. વધુ પડતું વજન ઉપાડી મસલ બનાવવાનાં ક્રેઝમાં યુવાનો પોતાની કરોડરજ્જુને ખુબજ અવગણે છે. જેના લીધે ગાદી બહાર આવી સાયેટિક નર્વ પર દબાણ આવવાની તકલીફથી પીડાય છે. સાયટીકામાં નિતમ્બથી શરૂ થઈ કેડ, જાંઘ ઘૂંટણ અને પગ સુધી વારંવાર શૂળ અને તણખા મારવા, આખો પગ અક્કડ થઈ જવો, ચાલતા પગ લંગડાવો, પગમાં ઝણઝણાટી થવી કે પગ સુન્ન થઈ જવો જેવી તકલીફો થાય છે. 

→ આ રોગને આયુર્વેદમાં ગૃધ્રસી અને સામાન્ય ભાષામાં રાંઝણ ના નામથી ઓળખાય છે. 

ગૃધ્રસી/રાંઝણનાં લક્ષણો શું છે?

→ લાંબા સમય સુધી ઉભા રહીને અથવા બેસી રહેવાથી પીડા વધી જાય છે. 

→ ખાંસી, છીંક ખાવાથી પણ તીવ્ર દુખાવો થવો.

→ કમરથી લઈને પગનાં પંજા સુધી દુઃખાવો, ઝણઝણાટી કે સુન્ન પડી જવાની તકલીફ

→ થોડું ઊભાં રહ્યા પછી બેસી જવાની ઈચ્છા થવી

→ જ્યારે અતિશય દુઃખાવો હોય ત્યારે સુવામાં પણ તકલીફ થવી.

→ પગમાં નબળાઈ અથવા નિષ્ક્રિયતા આવવી વગેરે.

ગૃધ્રસી/રાંઝણનાં કારણો શું છે? શા માટે સાયેટિકા થાય છે? 

  • હર્નિએટેડ અથવા સ્લીપ ડિસ્ક કે જેમાં કમરના મણકાની ગાદી ખસી જઈ નર્વ પર દબાણ કરે છે. 
  • લમ્બર સ્પાઇનલ સ્ટીનોસીસ કે જેમાં કરોડરજ્જુ ધરાવતી નહેર સાંકડી હોય છે અને ઊભાં રહેવામાં સાયેટિક નર્વ પર દબાણ આવે છે. 
  • સ્પોન્ડાયલોલીસ્થેસીસ જેમાં કરોડરજ્જુનું એક હાડકું બીજા પર આગળ કે પાછળ સરકી જાય છે.
  • પાયરીફોર્મીસ સિન્ડ્રોમ જેમાં પાયરીફોર્મીસ સ્નાયુ વચ્ચે સાયેટિક નર્વ ફસાઈ જાય છે. 
  • વધુ પડતું વજન ખોટા એંગલથી ઉપાડવાથી કે એક્સિડન્ટ થવાથી પણ કમરની ગાદી ખસી જાય છે. 
  • ડેડલિફ્ટ કરવાથી સૌથી વધુ સાયેટિકા થવાનું જોખમ હોય છે. 

સાયેટિકાનું નિદાન કેવી રીતે કરશો? 

→ શારીરિક પરીક્ષણ સાથે X-Ray અને MRI જેવા પરિક્ષણથી કઈ ગાદીમાં તકલીફ છે અને કરોડરજ્જુની કઈ ગાદી બહાર છે એનું ચોક્કસ નિદાન થાય છે. 

સાયેટિકાની સારવાર શુ છે? 

→ સાયેટિકાનો સૌથી જરૂરી ઈલાજ સંપૂર્ણ આરામ છે. મોટા ભાગે બહાર નીકળેલી ગાદી આરામ કરવાથી જ અંદર જતી રહે છે. 

→ અમુક દર્દીમાં દવાની સાથે ફિઝીયોથેરાપી ઉત્તમ રાહત આપે છે. 

→ ફિઝીયોથેરાપીની ડીકમ્પ્રેશન થેરાપી ગાદીને એની મૂળભૂત જગ્યા પર લઈ જવામાં મદદ કરે છે. 

→ અમુક દર્દીમાં જેમાં રાહત કોઈ પણ કારણોસર નથી મળતી તેમને સર્જરી કરાવવી પડે છે. 

સાયેટિકાને કેવી રીતે અટકાવી શકશો? 

◆ નિયમિત કસરત કરીને તમારી પીઠને મજબૂત રાખો.

◆ વજન ઊંચકવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ.

ડેડલિફ્ટ જેવી કસરત કરતા પહેલા તમારા કોર મસલને મજબૂત બનાવવા જોઈએ.

◆ લાંબા સમય સુધી બેસવાનું કે ઉભા રહેવાનું ટાળવું જોઈએ. સમયાંતરે સ્થિતિ બદલતા રહેવું જોઈએ.

◆ વધુ પડતા પોચા ગાદલામાં સુવાનું ટાળવું જોઈએ.

- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો)