
- જાગૃતતા જરૂરી
ગાંઠિયો વા એ એક એવો રોગ છે જેમાં સાંધામાં સોજાના ફરી ફરીને હુમલા થાય છે. ગાંઠિયો વામાં દુખાવો, સોજો, લાલાશ, અને અડવાથી પણ દુ:ખાવો થવો ખૂબ જ સામાન્ય છે. મોટાભાગે પગના અંગૂઠાને ગાંઠિયા વા માં સૌથી વધુ અસર થાય છે. પગનો અંગૂઠો વારંવાર સોજી જાય છે અને સાંધો એકદમ લાલાશ પડતો અને ગરમ થઇ જાય છે. ઘણીવાર રાત્રે પણ ઊંઘમાં દુ:ખાવો ઉપડે છે.
ગાંઠિયો વા શા માટે થાય છે?
→ જ્યારે તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે, ત્યારે તેમાંથી યુરેટ ક્રિસ્ટલ બને છે. આ યુરેટ ક્રિસ્ટલ સાંધામાં જમા થાય છે. જે સાંધામાં સોજો અને પુષ્કળ દુ:ખાવો પેદા કરે છે.
ગાંઠિયો વા (ગાઉટ) કોને થવાની શક્યતા વધુ હોય છે?
→ વધુ પડતાં પ્રોટીનવાળો આહાર લેવાથી જેમ કે (માંસ, માછલી જેવો નોનવેજ ખોરાક), આલ્કોહોલનું સેવન વધુ કરવાથી, મોટાભાગે બિયર પીવાવાળી વ્યક્તિને ગાઉટ થવાની શક્યતા વધુ હોય છે.
→ મોટાપો- વધુ વજન ધરાવતી વ્યક્તિમાં યુરિક એસિડ વધુ ઉત્પન્ન થાય છે, જેને તમારી કિડનીને મેટાબોલાઝ કરવામાં તકલીફ પડે છે.
→ ડાયાબિટીસ, હાર્ટ અને કિડનીના રોગ, મેટાબોલિક સિન્ડ્રોમના દર્દીઓને ગાઉટ થવાની શક્યતા વધુ હોય છે.
ગાંઠિયો વા ના લક્ષણો શું હોય છે?
→ ગાંઠિયો વા મોટાભાગે અચાનક જ આવે છે અને રાત્રે તેના લક્ષણો વધુ હોય છે.
→ સાંધાનો દુ:ખાવો અને સોજો.
→ અંગૂઠાનો વા મુખ્યત્વે હોય છે. એના સિવાય ઘૂંટણ, કાંડુ, કોણી, આંગળીઓ અને ઘણા મોટા સાંધા પણ પકડાય છે.
→ સાંધાનો દુ:ખાવો, સોજો, લાલાશ અને ગરમ સાંધો જોવા મળે છે.
→ સાંધાની રેન્જ ઓછી થઈ જાય છે અને સાંધો જકડાઈ જાય છે.
ગાંઠીયા વા નું નિદાન કેવી રીતે થાય છે?
→ ગાંઠિયા વા નાં નિદાન માટે બ્લડનું યુરિક એસિડ લેવલની તપાસ કરાવવી પડે છે. જે સાંધા પર અસર થઈ હોય એના વાની અસર જોવા એક્સ-રે કરાવવો પડે છે.
ગાંઠિયા વા નો ઈલાજ શું છે?
→ ગાંઠિયા વાનું નિદાન થયા પછી દર્દીએ ડોક્ટરની સલાહ મુજબની દવા નિયમિતપણે લેવી જોઈએ.
→ ફિઝિયોથેરાપિસ્ટ તમારા સાંધાની રેન્જ જાળવી રાખવા અને સ્નાયુઓને મજબૂત રાખવા જરૂરી કસરત કરાવવા મદદરૂપ થાય છે.
→ મોટાપો ઉતારવા જરૂરી લાઈફ સ્ટાઈલ, ડાયેટ અને કસરત કરવી જોઈએ.
→ લો પ્યુરીન ડાયેટ પાળવો જોઈએ જેમાં લો-ફેટ દૂધની બનાવટો, બેરીઝ, ફળફળાદી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.
→ નોનવેજ આહારનો ઉપયોગ ટાળવો જોઈએ.
→ આલ્કોહોલનું સેવન ઓછું કરવું જોઈએ.
→ યીસ્ટ ના ઉપયોગથી બનતી બેકરી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ.
→ પેકેજ ડ્રીંક અને સોડા નો ઉપયોગ માપસર રાખવો જોઈએ.
ટીપ: હેલ્થી ડાયેટ સાથે દવા લેવાથી અને યોગ્ય શારીરિક વ્યાયામ કરવાથી ગાઉટને કંટ્રોલમાં રાખી શકાય છે.
- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો)