
- જાગૃતતા જરૂરી
ભારતમાં ની રિપ્લેસમેન્ટ બીજા નંબરની સૌથી વધુ થતી સર્જરી છે. શું તમે જાણો છો શા માટે ની રિપ્લેસમેન્ટ આટલું પ્રચલિત છે? શું ની રિપ્લેસમેન્ટ પછી પહેલા જેવી જિંદગી જીવી શકાય છે? આપણા મગજમાં ની રિપ્લેસમેન્ટને લઈને ઘણી બધી ધારણાઓ બંધાયેલી છે. જેમાંથી અમુક સાચી તો અમુક ખોટી છે.
ની રિપ્લેસમેન્ટ કોને કરાવવું જોઈએ?
→ ઘસારાના ઘણા બધા સ્ટેજ હોય છે. જેમાં છેલ્લા સ્ટેજમાં જ્યારે બન્ને હાડકા વચ્ચેની ગાદી અને કાર્ટીલેજ સંપૂર્ણપણે ઘસાઈ જાય ત્યારે બંને હાડકા એકબીજા સાથે અથડાય છે. જેનાથી અતિશય પીડા અને જીવન જીવવું મુશ્કેલ બને છે. આવી પરિસ્થિતિમાં ની રિપ્લેસમેન્ટ અચૂક કરાવવું જોઈએ.
→ અતિશય ઘૂંટણનો દુ:ખાવો જે આરામ કરવાથી, દવાથી કે ફિઝિયોથેરાપીથી પણ કંટ્રોલમાં નથી આવતો તેમણે ની રિપ્લેસમેન્ટ કરાવવું હિતાવહ છે.
→ ઘૂંટણના દુ:ખાવાના લીધે 500 ડગલાં માંડવા પણ મુશ્કેલ પડે ત્યારે સર્જરી કરાવવી જોઈએ.
→ તમારી ચાલ ખૂબ જ બગડી ગઈ હોય, તમે વાંકુ ચાલતા હોય તો તમારે તમારા મણકાને બચાવવા માટે પણ સર્જરી કરાવવી જોઈએ.
ની રિપ્લેસમેન્ટ કોણે ન કરાવવું જોઈએ?
→ ખૂબ જ સામાન્ય દુ:ખાવો જે ફિઝિયોથેરાપી થી મટી જતો હોય તેવા દર્દીએ ઓપરેશન તાત્કાલિક ન કરાવવું જોઈએ.
→ વધુ પડતી નાની ઉંમરની વ્યક્તિએ (જેમકે 35 થી 40 વર્ષની વયની વ્યક્તિ) જો ખૂબ જ અતિશય દુ:ખાવો હોય તો જ સર્જરી કરાવવી જોઈએ.
→ જેને કમરની ગાદી બહાર હોય, સાયેટિકા હોય એવા દર્દીએ કમરની પૂરી સારવાર કર્યા પછી જ ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ.
→ કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન વખતે ના કરાવવું જોઈએ.
→ જો તમને કોઈ વાસ્ક્યુલર પ્રોબ્લેમ હોય તો પણ ની રિપ્લેસમેન્ટ ના કરાવવું જોઈએ.
→ ન્યુરોપથી કે નર્વની તકલીફવાળા દર્દીએ બધી જ તપાસ (NCV સ્ટડી) કરાવ્યા પછી જ ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ.
શા માટે ની રિપ્લેસમેન્ટ છેલ્લા કેટલાય વર્ષોથી ખૂબ વધી ગયા છે?
→ ની રિપ્લેસમેન્ટ વધુ થવાનું કારણ એ છે કે એ સૌથી વધુ સફળ સર્જરી છે, જેમાં દર્દીને દર્દમાંથી સંપૂર્ણપણે રાહત મળતી હોય છે.
→ ની રિપ્લેસમેન્ટ પછી બીજા જ દિવસથી દર્દી ચાલતો અને સીડી ચડતો થઈ શકે છે.
→ ની રિપ્લેસમેન્ટના ઇમ્પ્લાન્ટ નું આયુષ્ય 20 થી 25 વર્ષ સુધી હોય છે.
→ ની રિપ્લેસમેન્ટ પછી તમારા ઘૂંટણનો આકાર પહેલા જેવો થઈ જાય છે.
આ બધા કારણોના લીધે ની રિપ્લેસમેન્ટ ખૂબ વધુ થાય છે.
શું બંને ઘૂંટણની સર્જરી સાથે કરાવવી જોઈએ?
→ બંને ઘૂંટણ જોડે બદલવાના ફાયદા અને નુકસાન બંને છે.
→ બંને ઘૂંટણ સાથે બદલવાથી દર્દીને એક જ વાર એનેસ્થેશિયા લેવું પડે, એક જ વાર એન્ટિબાયોટિક દવા લેવી પડે, અને એક જ વાર ફિઝીયોથેરાપી કરાવવી પડે.
→ બંને ઘૂંટણ સાથે બદલવા માટે દર્દીની શારીરિક અને માનસિક ક્ષમતા ઉચ્ચતમ હોવી જોઈએ. જો તમે માનસિક અને શારીરિક રીતે એકદમ તૈયાર હો તો બંને ઘૂંટણ સાથે બદલવામાં કોઈ નુકસાન નથી.
શું આજના જમાનામાં દરેક વ્યક્તિને ની રિપ્લેસમેન્ટ આવશે?
→ ના, દરેક વ્યક્તિને ઘૂંટણનો ઘસારો હોય એ જરૂરી નથી. તમારી જીવનશૈલી ઘૂંટણના દુખાવાનું મુખ્ય કારણ છે.
→ જો તમે નાનપણથી જ એક્ટિવ હોય, વજન વધવા ના દો, નિયમિત વ્યાયામ અને નિયમિત જીવનચર્યા પાળો, ખોરાકમાં સંપૂર્ણ આહાર લો, વધુ પડતું ઉભા રહેવાનું ટાળો, નિયમિત કેલ્શિયમથી ભરપૂર આહાર આરોગો તો તમે ઘૂંટણને ઘસાતા બચાવી શકો છો.
હેલ્થ ટીપ: “ચેતતા નર સદા સુખી”. ઘૂંટણનો ઘસારો થયા પછી જાગ્યા કરતા ઘૂંટણનો ઘસારો આવે જ નહીં એ માટે મહેનત નાનપણથી જ કરવી જોઈએ.
- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો)