
- યુદ્ધગાથા
હિટલરે લૂટેલું સોનુ: યુધ્ધની વરવી વાસ્તવિકતાનો એક અંશ
એડોલ્ફ હિટલર હાર માની ચૂક્યા હતા. અમેરિકન સૈન્ય જર્મનીમાં દાખલ થઈ ચૂક્યું હતું. અલબત્ત, હિટલરે તે ખાસ દિવસ સુધી ગર્લ ફ્રેન્ડ ઈવા બ્રૌન જોડે આત્મહત્યા કરવી બાકી હતી. મિત્ર રાષ્ટ્રો હિટલરની તાનાશાહી દૂર કરવા અને નીજી સ્વાર્થ સાધવા જર્મનીના નાઝી સૈન્યને હરાવી ચૂક્યા હતા. મિત્ર રાષ્ટ્રમાં ફ્રાંસ, ગ્રેટ બ્રિટન, અમેરિકા, સોવિયેત રશિયા અને અંશત: ચીનનો સમાવેશ હતો જ્યારે સામા પક્ષે હિટલરના ટેકામા ઈટલી અને જાપાન હતા.
વાત એ સમયની છે કે અમેરિકાએ હજી જાપાન પર આણ્વિક શસ્ત્રોનો ઉપયોગ કરવો બાકી રાખ્યો હતો. તુંડ મિજાજી હિટલરે દ્વિતીય વિશ્વયુધ્ધ દરમિયાન સન 1939થી 1941 સુધીમાં પૉલેન્ડ,(હિટલરનો પૉલેન્ડ પરનો હવાઈ હુમલો એટલો ત્વરિત અને કાર્યક્ષમ હતો કે તે આજના દિવસે પણ લશ્કરી ટેક્સ્ટ બુક્સમાં સમાવેશ પામી શકે.) ડેન્માર્ક, નૉર્વે, બેલ્જીયમ, નેધરલેન્ડ, લક્સેમ્બર્ગ, ફ્રાંસ, યુગોસ્લાવિયા અને ગ્રીસને પરાસ્ત કર્યા હતા. જીતેલા તમામ દેશોમાં હિટલરના સૈન્યએ બેફામ લૂટ ચલાવી હતી. બેન્કોમાંથી સ્થાનિક ચલણી નોટો, બેંકોનું સોનુ, કલા કારીગરીની કીમતી વસ્તુઓ ઈજીપ્તના નેફ્રેતીતીની અર્ધમુર્તિ (Bust) અને અત્યંત કિમતી કલાચિત્રોનો સમાવેશ લૂટના મુદ્દામલમાં થતો હતો. હિટલરે ચિત્રોના રખરખાવ માટે જર્મનીના શ્રેષ્ઠ નિષ્ણાતોને યુધ્ધ દરમિયાન પણ નિમણૂક કરેલા. સહુથી વધુ જુગુપ્સાપ્રેરક તો હોલોકોસ્ટની સામૂહિક હત્યામાં ખપી ગયેલા યહુદીઓના વીંટી, હાર અને મૃતદેહોમાંથી કાઢેલા સોના કે ચાંદીના દાંત જેવા અંગત આભૂષણો એક સ્થાને એકઠા કરીને ઉચ્ચ કક્ષાની સલામતી સાથે સંગ્રહ કરી રાખેલો.
હિટલરે બેંકના સ્ટ્રોંગરૂમ પ્રકારના પરંપરાગત સલામત સ્થાનના બદલે મીઠા-નમકની ખાણમાં દલ્લો છુપાવેલો. તે ખાણ નજદીકી ગામ મર્કર્સ નામે ઓળખાય છે. નમક અને પોટેશિયમની તે ખાણ ઓગણીસ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી છે. ખાણ જર્મનીના થૂરિંગિયા રાજ્યના વોર્ટબર્ગક્રેઇસ જિલ્લાના મર્કર્સ નામના ગામ પાસે આવેલી છે. આજે તો તે ખાણ પ્રવાસીઓ માટે હરવા-ફરવાનુ એક મનોરંજક સ્થળ છે.અલબત્ત, ખાણ જોવા માટે ભારતીય રૂ.2600/- આસપાસની ટિકિટ ખરીદવી પડે.
તારીખ 22મી એપ્રિલ 1945ના દિવસે અમેરિકાના જનરલ જ્યોર્જ પેટનના ત્રીજા લશ્કરે રાઈન નદી વળોટી. (પેટનના નામ પરથી અમેરિકાએ અત્યંત શક્તિશાળી MBT-મેઇન બેટલ ટેન્ક પણ બનાવેલી.) જર્મની અમેરિકન આર્મીનો પ્રતિકાર કરે શકે તેવી સ્થિતિમાં ન હતું. જનરલ જ્યોર્જ પેટનનુ આર્મી જર્મનીના હાર્દ સમાન વિસ્તારમાં પહોંચી ચૂક્યું હતું. અમેરિકનોને ગુપ્ત માહિતી હતી કે હિટલરે મર્કર્સ વિસ્તારમાં જ કીમતી જણસો છુપાવી હોવી જોઈએ. અમેરિકન જાસૂસી અધિકારીઓએ તારીખ ચાર અને પાંચ એપ્રિલ 1945 દરમિયાન મર્કર્સ વિસ્તારના રહીશોની પૂછપરછ કરી. તેઓ માહિતી મેળવી શક્યા કે મર્કર્સની ખાણમાં કીમતી વસ્તુઓ હોય શકે છે. ખાણના કર્મચારીઓ અને આસપાસના રહીશોની પૂછપરછ દરમિયાન માહિતી મળી કે ખાણના અલગ અલગ વિસ્તારોમાં વિભાગો કરીને અમુલ્ય વસ્તુઓ રાખેલી છે.
છુપાવેલ ખજાનાનો જથ્થો એટલી માત્રમાં હતો કે નાઝીઓએ સરળ હેરફેર કરવા માટે રેલ્વેમાં વપરાય તેવી પટરીઓ ખાણમાં બિછાવેલી. જર્મનીની મુખ્ય બેન્કનું તમામ સોનુ અહી જ હતું. ફેબ્રુઆરી 1945 દરમિયાન જ મિત્ર રાષ્ટ્રોએ 2300 ટન બોમ્બ બર્લિન શહેર પર વરસાવેલા. બોમ્બ વર્ષામાં ‘રેઈશ’બેંકને, બેન્કના સોના અને ચલણ છાપતાં છાપખાનાને ખૂબ હાનિ પહોંચેલી. બોમ્બ વર્ષા સમયે હકીકતે જર્મની યુધ્ધ હારી જ ચૂક્યું હતું. જર્મનીના નેતાઓએ સોનુ અને બીજી કીમતી વસ્તુઓ ખાણને સલામત સ્થાન માનીને ત્યાં જ સંગ્રહેલું. પરાજ્ય નજર સામે ઊભરતા જ જર્મનોએ કીમતી ખજાનો ખાણમાંથી બીજે છુપાવવાનો નિર્ણય કર્યો. પરંતુ અમેરિકી સૈન્યની ઝડપના કારણે તે આયોજન અમલમાં મૂકવું અશક્ય બની ગયેલું.
ખાણમાં કુલ પાંચ પ્રવેશદ્વારો હતા. ખાણની અંદરનો ખજાનો પ્રતિપાદિત થતાં જ અમેરિકી લેફ્ટેનંટ કર્નલ વિલિયમ રસેલે સુરક્ષાના હેતુથી ટેન્ક બટાલિયન બોલાવી લીધી. ટેન્કની એક બટાલિયન ખજાનાના રક્ષણ માટે પૂરતી નહીં રહે તેવા વિચારે રસેલે 357 ઇનફંટરી રેજિમેંટને પણ મર્કર્સ પહોંચવા હુકમ કર્યો. સૈન્યની ચહલ-પહલના સમાચાસર જનરલ જ્યોર્જ પેટન સુધી પહોંચતા જ જનરલે આધિકારિક સૂચના આપી કે સમગ્ર ઘટનાને અત્યંત ગુપ્ત અને ખાનગી રાખવામા આવે.
ખાણમાં કરવામાં આવેલી વ્યવસ્થા અને સલામતીના પગલાંની માત્રા એ રીતે સમજાય કે ખોદકામ કે સ્ટ્રોંગરૂમના દરવાજાઓ તોડવા માટે અમેરિકાએ પોતાની ઈજનેરી બટાલિયન બોલાવવી પડી હતી. સામાન્ય કારીગરોથી સ્ટ્રોંગરૂમ તોડી શકાય તેવી શક્યતા ન હતી. એ સ્ટ્રોંગરૂમ તોડવા અમેરિકીઓ ડાયનેમાઈટનો ઉપયોગ કરતાં.
મર્કર્સ ખાણમાંથી શું અને કેટલું નિકળ્યું તે વાત તપસીલમાં હવે પછીના લેખમાં કરીશું. વર્ષ 1945માં અમેરિકી સેનાએ મર્કર્સ ખાણનો ટનબધ્ધ દલ્લો અમેરિકા ખાતે તબદીલ કર્યો. અમેરિકાએ સંનિષ્ઠ પ્રયાસો કર્યા અને જે તે દેશને તેમનું ચલણી નાણું અને સોનુ-ચાંદી પરત કર્યા. અલબત્ત, તે સમયની ‘કોલ્ડ વોર’ના કારણે અમુક હિસ્સો છેક 1996માં યોગ્ય દેશને સોંપવામાં આવ્યો. અમેરિકાને કુલ મળીને 26,62,13,000 ડોલરનું સોનુ અને 2,70,469 ડોલરની ચાંદી હાથ લાગેલી. બીજી કીમતી ધાતુઓ અંગે વાત આવતા અંકે કરવી પડે તેમ છે.
વર્ષ 1997માં બાકી રહેલું સાડા પાંચ ટન સોનુ તમામ દેશોની સહમતી સાથે નાઝી પરસીક્યુશન રિલિફ ફંડને ભેટ ધરવામાં આવ્યું. નાઝી પરસીક્યુશન રિલિફ ફંડ હિટલરના અમાનવીય હોલોકોસ્ટમાંથી બચી ગયેલા લોકોને મદદનું કાર્ય કરતી એક સેવાભાવી સંસ્થા છે.
આજ વિષય પર રસપ્રદ વાતો આવતા અંકે કરીશું.
શિસ્ત સંગ સ્મિત :
વર્ષ 1907 અને 1908માં હિટલરના બે પેઈંટિંગ જર્મનીની કળા સંસ્થા દ્વારા અસ્વીકાર કરવામાં આવેલા. કારણમાં જણાવેલું કે, “ ચિત્રકારને માનવની શારીરિક રચનાની સમજ નથી.”
- ફાલ્ગુન મોદી