
- યુદ્ધગાથા
પુલવામા હુમલાનો ભારતનો શાનદાર જવાબ.
1947માં અખંડ ભારતનું વિભાજન થયું. ભારતમાથી પાકિસ્તાન નામક એક નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. વિભાજનના થોડા સમયમાં જ બંને દેશો વચ્ચે સરહદ મામલે ચણભણ કાયમ થયા કરે છે. એક તરફ પાકિસ્તાનનો દાવો રહે છે કે અમુક વિસ્તાર અમારો છે. બીજી તરફ ભારત પોતાનો દાવો રજૂ કરે. બંને દેશો કશ્મીર અને સરહદ પારની આતંકી પ્રવૃતિઓ માટે સતત સંઘર્ષમાં રહે છે.
તારીખ 14મી ફેબ્રુઆરી 2019ની સવારે સેંટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કુલ 2500 સભ્યોને સામાન્ય રીતે થતાં હોય છે તે રીતે સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યા હતા. 76મી બટાલિયનના ‘સીઆરપીએફ’ના જવાનોની ફેરબદલ માટે કુલ 78 બસ તે દિવસે એક સાથે નીકળેલી. ‘સીઆરપીએફ’ વાહનો પૈકી એક વાહન કશ્મીરના પુલવામા નજીક પહોંચ્યું હતું. તે સમયે જ સામેથી પુરપાટ વેગે આવી રહેલી એક ‘એસ યુ વી કાર’ જાણીબુઝીને આત્મઘાતી હુમલાની નેમ સાથે ‘સીઆરપીએફ’ના વાહન અથડાઇ. શત્રુએ પોતાની કારમાં ‘RDX’/રિસર્ચ ડિપાર્ટમેંટ એક્સ્પ્લોસિવ (એક અતિ વિધ્વંશક દારૂગોળો) ઠાંસી રાખેલો. અથડામણ સાથે જ એક કર્ણભેદી ધડાકો થયો. બસમાં બેઠેલા ચાળીસ ‘વતન કે રખવાલે’ સ્થળ પર જ શહીદ થયા. કારનું બસ સાથે અથડાવું અને થયેલો ઘાતક વિસ્ફોટ વર્તમાન સમયાનુસાર કેમેરામાં કેદ થયેલી ઘટના છે.
પાડોશી મૂલ્કે ધારણાનુસાર પુલવામા ધડાકામાં પોતાનો હાથ ન હોવાનું જાહેર કર્યું. એ અલગ વાત છે કે RDX હુમલા સાથે જ પાકિસ્તાની મૂળિયાં ધરાવતી જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી. ભારતે તુરંત જ ઉગ્ર પ્રતિક્રિયા આપી. જૈશ-એ-મોહમ્મદે કરેલો હુમલો દેશની સુરક્ષા સંભાળતા જવાનો પરનો સહુથી મોટો હુમલો હતો.
તારીખ 26મી ફેબ્રુઆરી 2019ન દિવસે ભારતે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવા વિસ્તારના બાલાકોટ પર હવાઈ હુમલા ચાલુ કર્યા. પાકિસ્તાને કહ્યું કે ભારત કેવળ વનરાજી પર હુમલો કરેલો. ભારતે કહ્યું કે આ એક ‘Pre-Emptive’ / ઘટના ઘટે તે પહેલાનો હુમલો હતો. ખાનગી માહિતી અનુસાસર તે વિસ્તારમાં આતંકવાદીઓના તાલીમ કેમ્પ વગેરે થવાની શક્યતા હતી.
ભારતે કરેલા હવાઈ હુમલામાં એક જવાંમર્દ પાઇલોટ અભિનંદન વર્ધમાન પણ હતા. અભિનંદનનો જન્મ(21.06.1983) તામિલનાડુના થીરુપન્નામૂરમાં એક જૈન કુટુંબમાં થયો હતો. તેમના પિતા સિંહાકુટ્ટી વર્ધમાન ભારતીય હવાઈ દળમાં એર માર્શલ હતા. અભિનંદનના પત્ની નિવૃત સ્ક્વોડર્ન લીડર અને માતા એક ડોક્ટર છે.
અભિનંદન નેશનલ ડિફેન્સ અકેડમીમાં ગ્રેજ્યુએટ થયેલા. તેમની પસંદગી ભારતીય હવાઈ દળમાં ફ્લાયિંગ ઓફિસર તરીકે કરવામાં આવી હતી. અભિનંદને પંજાબના સૈન્ય હવાઈ મથકો ભટિંડા અને હલવારા મુકામે તાલીમ લઈને જૂન 2006માં ફ્લાઇટ લેફ્ટેનન્ટ અને જુલાઈ 2010માં સ્ક્વોડર્ન લીડરના રૂપે બઢતી મેળવેલી. અભિનંદનને જૂન 2017માં વિંગ કમાન્ડરના પ્રમોશન સાથે MiG-21 બાઇસન સ્ક્વોડર્નનું સુકાન સોંપવામાં આવ્યું તે પહેલા સુખોઈ-30MKIના ફાઇટર પાઇલોટ હતા.
તારીખ 27મી ફેબ્રુઆરી 2019ના રોજ અભિનંદન વર્ધમાન પોતાના MiG-21માં ઊડી રહ્યા હતા. તેમને હુકમ મળેલો કે પાકિસ્તાનનાં વિમાનોનો સામનો કરવો. ઉડાન દરમિયાન જ અભિનંદન ઇંડિયન એર ફોર્સ જોડે સંપર્ક ગુમાવી બેઠા. સંપર્ક ખોરવાઈ જતાં અભિનંદન પાકિસ્તાની હવાઈ સીમામાઁ દાખલ થઈ ગયા. તેમનું વિમાન રડારમાં નજરે ચઢતા જ પાકિસ્તાની વાયુ સેનાએ તેમની તરફ મિસાઇલ છોડયું. પાકિસ્તાની મિસાઇલ ધાર્યા નિશાને લાગતા જ અભિનંદન ખતરો પામી ગયા. તેમણે પાઇલોટ સીટની ‘એજેક્ટ’ સ્વીચનો ઉપયોગ કરીને નુકશાની પામેલા પ્લેનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લેવો પડ્યો. પ્લેનની બહાર નીકળતા તેમની પેરાશૂટ પાકિસ્તાનનાં હોર્રાન નામના ગામડામાં જઈને પડી. હોર્રાન લાઇન ઓફ કંટ્રોલથી કેવળ સાત કિલોમીટરના અંતરે જ છે.
પાકિસ્તાનનાં ગ્રામવાસીઓ પેરાશૂટ પરના ભારતીય ધ્વજ પરથી સમજી ગયેલા કે ભારતીય વિમાન તૂટ્યું હોવું જોઈએ. પાઇલોટ પણ ભારતીય જ હોવા જોઈએ. અભિનંદને આજુબાજુ એકઠા થયેલા લોકોને પુછ્યું કે તેઓ ઈન્ડિયામાં છે કે પાકિસ્તાનમાં? એક છોકરાએ ખોટો જવાબ આપ્યો કે ઈન્ડિયામાં જ છો. અભિનંદનને કદાચ કશીક શંકા થઈ હશે. અભિનંદને આવેશપૂર્ણ રીતે ‘ભારત માતા કી જય’નો નારો લગાવ્યો. તે સાથેજ એકઠા થયેલા પાકિસ્તાની ગ્રામ્યજનો ‘ પાકિસ્તાન ઝિંદાબાદ’ પોકારવા લાગ્યા. તે લોકોએ અભિનંદનને પકડીને ધોલ-ધપાટ ચાલુ કરી. મારપીટ ચાલુ હતી તેવામાં જ પાકિસ્તાની સૈનિકો આવી ચઢ્યા અને અભિનંદનની ધરપકડ કરી લઈ ગયા.
અભિનંદન પાકિસ્તાન આર્મીના કબજામાં ગયા તે જ દિવસે ભારત સરકારે જાહેર કર્યું કે ભારતના એક પાઇલોટ અને MiG-21 બાઇસન મિસિંગ છે. ભારત સરકારે જાહેર કર્યું કે અભિનંદનનું વિમાન તોડી પાડવામાં આવ્યું એ પહેલા તેમણે પાકિસ્તાનું એક લોકહિડ માર્ટિન F-16 તોડી પાડેલું. બે દિવસો બાદ તારીખ 2જી માર્ચ 2019ના દિવસે ભારતીય હવાઈદળે માત્ર લોકહિડ માર્ટિન F-16માં જ વપરાતા મિસાઈલના ટુકડાના ફોટા પણ જાહેર કરેલા.
અભિનંદન વર્ધમાનની ધરપકડ બાદ પાકિસ્તાની આર્મીએ વિવિધ વિડિઑ પણ સાર્વજનિક કરેલા. કોઈમાં પાકિસ્તાની સેનાનીઓ અભિનંદનને હિંસક ગ્રામ્યજનો પાસેથી બચાવતા હોય તેવો હતો. કોઈમાં અભિનંદનનો ચહેરા પર લોહીના ડાઘા હતા. એકાદ વિડિઑ અભિનંદનને ચા પીતા અને પૂછપરછનો જવાબ આપતા દર્શાવેલા.
તારીખ 28મી ફેબ્રુઆરી 2019ના પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને તેમની પાર્લામેન્ટની ખાસ સભા બોલાવી અને નિર્ણય કર્યો કે અભિનંદન વર્ધમાનને શાંતિના પ્રતિક રૂપે પરત મોકલવામાં આવશે. અલબત્ત, ભારતીય વડાપ્રધાને નરેંદ્ર મોદીએ ભારતીય જાસૂસી સંસ્થાને સ્પષ્ટ કહેલું કે પાકિસ્તાની જાસૂસી સંસ્થાને સંદેશ આપવામાં આવે કે અગર અભિનંદનને કોઈ ઇજા થશે તો ભારત પાકિસ્તાન પર મિસાઇલ હુમલાઓ કરશે.
અભિનંદન વર્ધમાને અંતે તારીખ 1 માર્ચ 2019ના દિવસે ભારત-પાકિસ્તાનની વાઘા બોર્ડર પરથી ભારત પ્રવેશ કર્યો. અભિનંદનના ભારત પ્રવેશ સાથે જ તેમની તબીબી જાંચ કરવામાં આવી. તેમના શરીરના અમુક ભાગમાં થોડું ઘણું છોલાયેલું હતું. પાંસળીના એક ભાગમાં તિરાડ હતી. જો કે આટલી ઇજાઓ સૈન્યમાં નગણ્ય માનવમાં આવતી હોય છે.
વર્ષ 2019ના ઓગસ્ટ મહિનામાં જ અભિનંદનને લશ્કરી શૌર્ય માટે પ્રદાન થતાં ‘ વીર ચક્ર ‘થી સન્માનિત કરવામાં આવ્યા. ભારતીય હવાઈદળે આવા સંજોગોમાં લશ્કરમાં અનિવાર્ય તેવી તપાસ અને પરીક્ષણો કરીને ફરી એક વાર તેમણે વિમાન ઉડાડતા કર્યા.
શિસ્ત સંગ સ્મિત:
આ સિપાહી ઝુલા જેવો છે. આમ-તેમ થાય, પણ જ્યાં હોય ત્યાંનો ત્યાં જ રહે છે.
- ફાલ્ગુન મોદી