
- યુદ્ધગાથા
સ્વાભાવિક રીતે, અજાણ્યું લાગશે. ‘કાઉન્ટ ઓફ વીડીગ્વેરા’ અથવા ‘કોંડે ડી વીડીગ્વેરા’(પોર્ટુગલની ભાષા) આ બંને શબ્દો વાસ્કો દા ગામાને પોર્ટુગલમાં મળેલું બિરુદ દર્શાવે છે. વાસ્કો દા ગામા (1460-24.12.1524-મૃત્યુ કેરળના કોચી ખાતે) પોતાના વતન પોર્તુગલમાં એક ઉમરાવ અને ઉમદા માનવ તરીકે જાણીતા હતા. પોર્તુગલના નૌકાદળમાં ફર્સ્ટ એડમિરલ હતા. પોર્ટુગલ દેશની નજરમાં વાસ્કો દા ગામા એક આદર્શ અને દેશપ્રેમી વ્યક્તિ રહ્યા. વાસ્કો દા ગામાએ યુરોપથી ભારત સુધીનો સમુદ્ર માર્ગ શોધેલો. તેમની સાથે ભારતને પ્રથમ યુરોપીયન વિસ્તારવાદનો અનુભવ થયો. તેમની બળવત્તર સેનાનો કડવો અનુભવ પણ થયો. ગામાએ ભારતના કેટલાક પ્રદેશ પર પગદંડો તો જમાવ્યો જ, સાથોસાથ સ્થાનિક પ્રજાનું તમામ પરિમાણોથી શોષણ પણ કર્યું. તટસ્થ રીતે મુલવણી કરતાં ખ્યાલ આવે કે વાસ્કો પોતાની સાથે નયનરમ્ય પોર્તુગિઝ નિર્માણ કળા લાવ્યા હતા. જે કાળક્રમે નિતાંત સૌંદર્યસભર સાબિત થઈ. ગામાએ જ ભારતમાં બટેટા-ટામેટાં-પપૈયા-મગફળી-મરચાં મકાઇ-જામફળ-કોળુ અને તમાકુની ઓળખ કરાવી. તમાકુનો તે સમયે થયેલો પરિચય વર્તમાનમાં લાખો ભારતીયોની નબળી તન્દુરસ્તી અને મૃત્યનું કારણ છે.
તારીખ 20.05.1498ના દિવસે ગામાએ પ્રથમ પગલું વર્તમાન કેરળ(ત્રાવણકોર)ના કાલિકટના કિનારે ભર્યું. તેમ થતાં જ ભારતીય મસાલાની યુરોપીયન માંગમાં પોર્ટુગલ બિનહરિફની સ્થિતિ હાંસલ કરી શક્યું. મસાલા-તેજાનાઓમાં મોનોપોલી થતાજ પોર્ટુગલની તિજોરીઓ નાની પાડવા લાગી. બ્રિટન અને ફ્રાંસની માફક પોર્તુગિઝોનો ઇરાદો રાજ કરવાનો ઓછો અને ધંધો કરીને કમાણી કરવાનો વધુ હતો. તેઓએ તેમના ભારતના થાણાઓમા સૈન્ય વ્યવસ્થા કરી હતી. તે સૈન્યનો મુખ્ય ઉદ્દેશ્ય શાંતિ-સલામતીનો હતો. તેમનું એક જ લક્ષ્ય હતું. વેપાર કરવાનું. અલબત્ત, દીવ-દમણ-ગોવા અને દાદરા અને નગરહવેલી પર તેમણે આધિપત્ય જમાવીને રાજ કરેલું. પોર્ટુગલનો જ એક ભાગ હોય તેમ વર્તન પણ કરેલું.
1947માં ભારત અંગ્રેજોથી મુક્ત થયું. ભારતીય શાસકોના મનમાં 1947 બાદ પણ ભારતમાં જ રહી પડેલા ફ્રેંચ અને પોર્તુગિઝો હતા જ. બંને વિદેશીઓની પહોંચ કે કહો કે શક્તિ પ્રમાણમા મામૂલી હતી. ફ્રેંચ પાસે તો કેવળ પૉંડિચેરી(હવે પુડુચેરી) હતું. જ્યારે પોર્તુગિઝોની શેહમાં દીવ-દમણ-ગોવા તથા દાદરા અને નગરહવેલી હતા. કુલ વિસ્તારની દ્રષ્ટિએ પોર્તુગિઝોએ રોકેલો 4000 વર્ગ કિમી નોંધપાત્ર વિસ્તાર ન હતો.
સ્વતંત્રતા પછી ફ્રેંચ અને પોર્તુગિઝો કરતાં મહત્વના અને મોટા પ્રશ્નો ભારત પાસે હતા. જેમાં સહુથી મોટું કાર્ય કુલ 565(13 રજવાડાઓ પાકિસ્તાનમાં વિલીન થયેલા) દેસી રજવાડાઓને ભારતમાં સામેલ કરવાનું હતું. તત્કાલિન નેતાઓએ વર્ષ 1950માં જ વાટાઘાટો શરૂ કરેલી. પોર્તુગિઝોને ભારતીય જમીન ખાલી કરવા કહેલું. પોર્તુગિઝોનો દાવો હતો કે ભારત અસ્તિત્વમાં આવ્યા પૂર્વેથી જ તેઓ અહી હતા. તે સંદર્ભે ગોવા વગેરેને પોર્ટુગલનો જ એક ભાગ માનવો રહે. તે તર્કના આધારે પોર્તુગલે ચર્ચા કરવાની જ સ્પષ્ટ ના ભણી. પોર્તુગિઝોનું તદ્દન નકારાત્મક વલણ ધ્યાને લઈને ભારતે 11મી જૂન 1953ના દિવસથી પોર્ટુગલ જોડેના રાજદ્વારી સંબંધો કાપવાના પ્રતિક રૂપે લિસ્બન સ્થિત ભારતીય એલચી કચેરીને તાળાં લગાવ્યા.
પોર્તુગલે પોતાની દશા એવી કરી કે 1954માં ભારતે ગોવાથી ભારત પ્રવેશ માટે વિઝા મેળવવા અનિવાર્ય કર્યા. વિઝા કઢાવવાની પ્રક્રિયાના લીધે પોર્તુગિઝ ગોવા વ્યાપારી વિટંબણાઓથી ઘેરાય ગયું. પોર્તુગિઝ શાસન હેઠળના તમામ વિસ્તારોમાં વહનવ્યવહાર ખોરવાઈ ગયો. રોજ-બ-રોજની વસ્તુઓની સખત તંગી થવા લાગી.
પોર્તુગિઝોથી મુક્તિ માટે ટી બી કુન્હા(જેમના નામે સરકારે ટપાલ ટિકિટ જારી કરી હતી.) નામક ગોવાના જ ઈજનેરે 1928માં શરૂઆતી પગલાં ભરેલા. તેમણે સુભાષચંદ્ર બોઝના આર્મીનો સંપર્ક કર્યો. 1938માં ડો રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નેહરૂએ તત્કાલિન ગોવા સરકારનો વિરોધ કરવામાં મોખરે હતા. 1946માં રામ મનોહર લોહીયાએ ગાંધી ચીંધ્યા માર્ગે ગોવા શાસકોનો વિરોધ કર્યો.
ભારતના તમામ પ્રયત્નોના અંતે પણ પોર્તુગલ મચક આપવા તૈયાર ન થયું. ઊલટું પોર્તુગલ વિશ્વ મત લેવા કે બીજી મહાસત્તાઓને સામેલ કરવા હવાતિયાં મારતું રહ્યું. પોર્તુગલના સત્તાધીશોએ હુકમ ફરમાવી દીધો કે ભીષણ સંઘર્ષના સંજોગોમાં પણ પોર્તુગલના સૈન્યએ રણમેદાન છોડવું નહીં.
તમામ રાજદ્વારી રસ્તાઓ ભારત અજમાવી ચૂક્યું હતું. કદાચ પોર્તુગલ પોતાની શક્તિને બરાબર સમજી શક્યું ન હતું. શક્ય છે કે પોર્તુગલ ભારતની લશ્કરી શક્તિનો ક્યાસ કાઢવામાં જ નિષ્ફળ હતું.
ફિર વહી હુઆ, જો હોના ચાહીયે થા. ભારતે નિર્ણય કર્યો કે ગોવા પર લશ્કરી પગલાઓ વડે કબ્જો કરવામાં આવે. નેહરૂ સરકારના કૃષ્ણન મેનન (ફિલ્ડ માર્શલ માણેકશાને મેનન જોડે ગરમાગરમી થતી), તત્કાલિન રક્ષામંત્રીએ આદેશ કર્યો કે પોર્તુગિઝોના તાબા હેઠળનો તમામ વિસ્તાર સૈન્ય કામગીરી કરીને પરત મેળવવામાં આવે. આદેશના ત્વરિત પાલનરૂપે ભારતની પશ્ચિમી કમાન્ડના વડા લેફટેનન્ટ જનરલ ચોધરીએ 17મી ઇન્ફન્ટરીના મેજર જનરલ કે પી કેંડેથ 50મી પેરાશૂટ બ્રિગેડના કમાન્ડર સગતસિંઘને રણમેદાનમાં ઉતાર્યા. દમણને સંભાળવા મરાઠા લાઇટ ઇન્ફન્ટરીમાથી એક બટાલિયન રણમોરચે હાજર કરવામાં આવી. દિવનો કાર્યભાર રાજપૂત રેજિમેન્ટ અને મદ્રાસની 5મી બટાલિયનના શિરે આપવામાં આવ્યો.
ભારતે હવાઈ મોરચે વેસ્ટર્ન કમાંડના એર વાઇસ માર્શલ એર્લિક પિંટોને ગોવા નિપટાવવાનો હુકમ કર્યો. તેમને સ્પષ્ટ સૂચના હતી કે ગોવાના દબોલીન સ્થિત એક માત્ર લશ્કરી એર ફિલ્ડનો ધ્વંશ કરવો, પરંતુ એરપોર્ટ ટેર્મિનલ કે બીજી કોઈ સવલતોને નુકશાન ન પહોંચાડવું. બંબોલીન સ્થિત વાયરલેસ સ્ટેશનનો સંપૂર્ણપણે વિનાશ કરવો. સંઘર્ષ દરમિયાન જરૂર ઊભી થયે પણ દીવ કે દમણના એરફિલ્ડને પ્રધાનમંત્રીની પરવાનગી વગર સ્પર્શ સુધ્ધાં ન કરવો.
જ્યારે દેશનો સવાલ હોય ત્યારે નૌકાદળ પણ સામેલ થવાનું. ભારતીય નૌકાદળે એક યુધ્ધ જહાજ નામે આઇ એન એસ રાજપૂત અને આઇ એન એસ કિરપાણ નામની સબમરીન વિરોધી ફ્રીગેટ જંગમાં ઉતારી. આ બંને યુધ્ધ જહાજોએ દરિયામાં રહીને કામગીરી કરવાની હતી. ગોવા પર હુમલો કરવા માટે ચાર ટુકડી રચવામાં આવી. ટુકડીઓએ મેસૂર-ત્રિશુળ, બેટવા, બિયાસ અને કાવેરી યુધ્ધ જહાજો દ્વારા હુમલો કરવાનો હતો. બીજી તરફ દેલ્હી-કુઠાર-ખુકરી-કિરપાણ અને રાજપૂત યુધ્ધ નૌકાઓએ વિમાનવાહક જહાજ વિક્રાંત જોડે રહીને જંગમાં હિસ્સો લેવાનું ઠેરવવામાં આવ્યું.
સૈન્ય ચહલપહલની માહિતી પ્રાપ્ત થતાં જ પોર્તુગિઝ રક્ષામંત્રી જુલિયો બોતેલ્હો મોનિઝે વડાપ્રધાન સલઝારને જણાવ્યુ કે ભારતીય આર્મી સાથે જંગ કરવો તે આત્મહત્યા કરવા સમાન છે. સલઝારે મોનીઝની ચેતવણી અવગણીને પોતાના લશ્કરને જંગમાં ઝુકાવવા હુકમ કર્યો.
પરિણામ ગોવાના પુર્તુગિઝોએ માત્ર 36 કલાકમાં જ ભોગવવું પડ્યું. ભારતીય સૈન્ય સામે પુર્તુગિઝો દોઢેક દિવસમાં જ પરાજ્ય પામ્યું. ભારતના પક્ષે 22 જવાનો શહીદી પામ્યા. સામા પક્ષે 30 સૈનિકો મરણશરણ થયા, 57 સૈનિકો વધતાં-ઓછા અંશે ઘવાયા. 4668 પોર્તુગિઝ સૈનિકો યુધ્ધકેદી બન્યા. તેમની એક ચોકિયાત નૌકા અને એક સઢવાળી નૌકા ભારતે દરિયાના તળિયે પહોંચાડી.
17થી 19મી ડિસેમ્બર સુધી ચાલેલા યુધ્ધમાં પોર્તુગિઝોના 451 વર્ષના શાસનનો અંત આવ્યો.
શિસ્ત સંગ સ્મિત :
તે સૈનિકનો બુધ્ધિઆંક રૂમના એર કંડિશનરના મહત્તમ તાપમાન જેટલો છે.
- ફાલ્ગુન મોદી