
- ફાલ્ગુન મોદી
શું યુધ્ધમાં માનવીય તત્વો ભુલાઈ જતાં હોય છે ? હિટલરે અત્ર-તત્ર-સર્વત્ર બર્બરિક લૂટ ચલાવેલી.
દ્વિતીય વિશ્વયુધ્ધનો પલિતો હિટલરે 1939માં ચાંપેલો. યુધ્ધની શરૂઆતના વર્ષોમાં જ હિટલરે જીતેલા દેશોમાં જઘન્ય નરસંહાર આચરેલો. હિટલરે જર્મનીને આર્થિક મોરચે વધુ સુદ્રઢ અને સમૃધ્ધ બનાવવા કાયદેસરની લૂટ મચાવેલી. પરાજિત દેશોની બેંકોમાંથી સ્થાનિક ચલણી નાણું તફડાવેલું. બેંકોમાં રહેલું સોનુ, સોનાના ઘરેણાઓ , ચાંદી વગેરે ધાતુ ઉપરાંત માર્યા ગયેલા નાગરિકો કે સૈનિકોનાં વ્યક્તિગત ઘરેણાં પણ છોડયા ન હતા. ત્યાં સુધી કે તે સમયની પરંપરા મુજબ, ઘણા લોકો નબળા પડેલા દાંતને સોનાના પતરાંથી મઢાવતા. તો તેવા દાંત ધરાવતા મૃતદેહોમાંથી પણ સોનું કાઢી લીધેલું.
હિટલરનું ધ્યેય એ જ કે પોતાનો જર્મની દેશ આ રીતે મળેલી સંપત્તિ વડે તટસ્થ દેશો પાસેથી યુધ્ધ માટે શસ્ત્રો ખરીદી શકે. મોટા ભાગની લૂટેલી સંપત્તિ શસ્ત્ર ખરીદીમાં ખર્ચાય ગયા પછી વધેલુ સોનુ, ચાંદી, સોના-ચાંદીના સિક્કાઓ અને ‘બિસ્કિટ’, હીરા, અમીરો વાપરતા તે સોનાના સીગરેટના ખોખાં વગેરે બેંકોના વૉલ્ટમાં રાખવાના બદલે હિટલરે મર્કર્સની ખાણમાં ગુપ્ત રીતે સલામત રાખેલા. મર્કર્સની ખાણમાં દેશવિદેશથી લૂટેલા અતિકીમતી પેઇન્ટિંગનો પણ સમાવેશ થતો હતો. યુધ્ધની ભયાવહ કરતી અનિશ્ચિતતા હિટલર સ્વાભાવિક પણે સમજતા જ હોય. તેમણે જર્મનીની મોટી કિમતની ચલણી નોટો પણ સંગ્રહ કરેલી.
અમેરિકાના જનરલ જ્યોર્જ પેટનના બર્લિન પ્રવેશ સાથે જ અમેરિકી નિષ્ણાતો અને લશ્કરી અધિકારીઓ મર્કર્સ પહોંચી ગયેલા. નાઝીઓ યુધ્ધ નિષ્ણાતો હતા. પેટનના લશ્કરના બર્લિન પ્રવેશનો અર્થ સુપેરે સમજતા હતા. ખાણમાંથી શક્ય ખજાનો તેમણે પણ સગેવગે કરવા કોશિશ કરી. પરંતુ નિષ્ફળ ગયા.
હવે દાવ લેવાનો વારો અમેરિકી સૈન્યનો હતો. ખાણમાં પહેલા કામ કરી ચૂકેલા વ્યક્તિઓની પૂછપરછ કરતાં માહિતી મળી કે ખાણમાં જવા માટે કુલ પાંચ માર્ગો છે. અમેરિકાએ પોતાની સિગ્નલ કોર્પસના ફોટોગ્રાફરો બોલાવી રાખેલા. જર્મન અધિકારીઓને સાથે રાખીને અમેરિકી સૈન્ય જમીનથી એકવીસસો ફિટ નીચેના બોગદાના સ્ટ્રોંગરૂમમાં દાખલ થયા. સ્ટ્રોંગરૂમની શરૂઆતમાં જ તેમને જર્મન ચલણ ભરેલી 550 બોરીઓ મળી. સહેજ આગળ વધતાં ત્રણ ફિટની ઈંટની દીવાલ તોડવી પડી. દીવાલ તોડતા જ ખ્યાલ આવ્યો કે ત્યાં બેંકોમાં હોય છે તેવો લોખંડનો ભારેખમ બે અલગ ચાવીઓથી ખૂલે તેવો દરવાજો હતો. દરવાજો ખોલવા માટે કેવળ એ જ રસ્તો હતો. ડાઈનેમાઈટ વડે દરવાજો તૂટી શકે તેમ હતો. અમેરિકી લશ્કરના ઈજનેરોએ તે કામ નિપટાવ્યું.
બીજા એક સ્ટ્રોંગરૂમમાં 8198 સોનાના ‘બાર’/ઈંટો મળી આવી. 55 ખોખા ભરીને ઉચ્ચતમ ગુણવત્તા યુક્ત સોનું મળી આવ્યું. 1300 થેલી/બેગ્સ ભરીને ગોલ્ડ રેઇશમાર્ક(તે સામેનું જર્મન ચલણ) મળી આવ્યા. અમેરિકન 20 ડોલરની નોટો ભરેલી 711 બેગ્સ મળી. સોના-ચાંદીના સિક્કાઓ ભરેલી સેંકડો બેગ્સ મળી. કીમતી સિક્કાઓ ભરેલી નવ બેગ્સ હાથે ચઢી. બે કરોડ છોતેર લાખની કિમતનું જર્મન ચલણ મળ્યું જે 2380 બેગ્સ અને 1300 ખોખાઓમાં ભરેલું હતું. બીજી કીમતી ધાતુમાં 6 પ્લેટિનમ ધાતુના ‘બાર’/ ઈંટો મળી.
સુખદ બાબત એ હતી કે અમેરિકન ચહલ-પહલ સ્થાનિકોના ધ્યાનમાં હતી. જે થોડા સમયમાં જ અખબારી આલમ પણ જાણવા લાગી. સ્થાનિક મુખપત્રોએ જાહેર કર્યું કે અમેરિકી સૈન્યને સોનું અને ચલણ ઉપરાંત અનેક અતિકીમતી જણસો હાથ લાગી છે. જનરલ પેટને જોયું કે હવે મામલો લશ્કરી માત્ર ન રહેતા રાજકીય બની ગયો હતો. તેમણે તુરંત જ SHAEF/મિત્ર રાષ્ટ્રોની મુખ્ય કચેરીને જાણ કરી અને જણાવ્યુ કે કોઈ આર્થિક બાબતોના નિષ્ણાતને તૈનાત કરવામાં આવે.
જર્મનીનો જે ભાગ રશિયાએ જીતેલો તે ભાગમાં જ ખાણ હતી. રશિયનો કોઈ પણ ઘડીએ આવી પહોંચે તેવી વકી જોતાં SHAEF અધિકારીઓએ તુરંત જ ખજાનો સ્થળાંતર કરવા નિર્ણય લીધો. આ પ્રકારના ખજાના જોડે જેમણે કામ કર્યું હોય તેવા અનુભવીઓને યાદી/ઇનવેંટરી બનાવવા બોલાવવામાં આવ્યા. ખજાનો ખસેડવાના પહેલા જ દિવસે દસ ટનની ક્ષમતા ધરાવતા 32 ખટારા ભરવામાં આવ્યા. ટ્રક ભરવામાં આવી રહ્યા હોય ત્યારે તેની સુરક્ષા માટે ચોતરફ અમેરિકી ચોકિયાતો હાજર રાખવામા આવ્યા. એટલુ જ નહીં પરંતુ સુરક્ષામાં કશીએ બંધછોડ ન થાય તે માટે અમેરિકી વિમાનો આકાશમાં પણ સતત ચક્કર લગાવતા રહ્યા. ત્રણ ટ્રક ભરીને કલાત્મક વસ્તુઓ હતી. તે પણ વજનદાર કીમતી ધાતુઓ જોડે જ અમેરિકા મોકલવાની હતી. તમામ દોડધામ દરમિયાન એક ટ્રક બગડેલો. તેનું સમારકામ પૂર્ણ ન થયું ત્યાં સુધી તેની ચોતરફ મશીનગન ધરી જવાનો ઘેરો ધરીને તૈનાત રહ્યા.
બધુ મળીને દસ ટનના 26 ટ્રકો ભરીને ખજાનો મળ્યો. હિટલરે, અલબત્ત ભવિષ્યમાં ઉપયોગ માટે અને પોતાના દેશ માટે એકઠો કરેલો ખજાનો. અંતે, શક્ય હતો તે તમામ ખજાનો જે તે દેશને 1946ના અંત સુધીમાં પરત કરવામાં આવ્યો. વ્યક્તિગત સોનાના દાંત-હાર-વીંટી વગેરેને પીગળાવીને સામાન્ય સોના સાથે ભેળવી દેવામાં આવ્યા. અલબત્ત, સમગ્ર ખજાનો જે તે દેશને પરત કરવાની પ્રક્રિયા રાજકીય કારણોસર વર્ષ 1996 સુધી સતત રહી.
એડોલ્ફ હિટલર પાસે થોડા કારણો હતા કે તે અમુક દેશો સામે બંડ પોકારીને વિદ્રોહ કરે. પરંતુ તેમ કરતાં હિટલરે સમગ્ર દુનિયાનું નિકંદન કાઢ્યું.
શિસ્ત સંગ સ્મિત :
“આપણાં શત્રુઓને માફ કરવા એ ઈશ્વરની ફરજ છે. તેઓ બંનેની મુલાકાત કરાવવી આપણી ફરજ છે.”
- ફાલ્ગુન મોદી