
- છલકાયે જામ
1965માં ફિલ્મ ‘દોસ્તી’ના સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલને એવોર્ડ મળેલો એ વખતે એમણે જાહેરમાં ‘દોસ્તી’ ફિલ્મોના ગીતોનો શ્રેય સંપૂર્ણ રીતે ગાયક મહંમદ રફીને આપેલો.
મહંમદ રફી એટલે હિન્દી ફિલ્મોમાં અદભૂત પ્રતિભા ધરાવતા ગાયક ઉપરાંત ગ્લેમરની દુનિયામાં આજે તો માનવામાં ન આવે એટલા ઉમદા માણસ!
હિન્દી ફિલ્મોમાં કોઈ નવાસવા સંગીતકાર આવ્યા હોય કે કોઈ નિર્માતાનું બજેટ જ ન હોય ત્યારે મહંમદ રફીએ ટોકન તરીકે એક રૂપિયો લઈને ગીતો ગાયાના ઉદાહરણો છે.
1953ની ફિલ્મ ‘ખોજ’ કે એના સંગીતકાર નિસાર બાઝમીનું નામ પણ આજે કોઈને યાદ નથી ત્યારે પણ ‘ખોજ’ ફિલ્મ માટે મહંમદ રફીએ ગાયેલું ગીત ‘ચાંદ કા દિલ તૂટ ગયા, રોને લગે હૈ સિતારે...’ સંગીતના શોખીનોને યાદ છે.
‘ઊંચી હવેલી’ નામની એક ફિલ્મમાં પંડિત શિવરામ નામના અજાણ્યા સંગીતકાર માટે ‘દૌલત કે જુઠે નશે મેં હો ચૂર, ગરીબો કી દુનિયા સે રહેતે હો દૂર...’એ વખતે બીનાકા ગીતમાળામાં તો જબબર ઉપડેલું જ પણ આજે ય રફી ચાહકોમાં લોકપ્રિયતા ધરાવે છે.
દતારામ વાડેકર નામના એક સંગીતકાર માટે ‘અબ દિલ્હી દૂર નહીં’ નામની ફિલ્મમાં ‘ચુન ચુન કરતી આઈ ચીડિયા...’ ગીત મહંમદ રફીએ દિલથી ગાયેલું અને ગીત અમર થઈ ગયું.
‘બિંદીયા’નામની એક ફિલ્મમાં બલરાજ સહાની પર ફિલ્માવેલું ગીત શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન ધરાવે છે ‘મેં અપને આપ સે ઘબરા ગયા હું, મુજે યે જીંદગી દિવાના કર દે...’ આ ગીતના સંગીતકાર ઈકબાલ કુરેશી હતા અને આ જ ઈકબાલ કુરેશીના સંગીતમાં ‘ચા ચા ચા’ નામની ફિલ્મ જે ચંદ્રશેખરે બનાવેલી અને હીરોની ભૂમિકા પણ એમણે ભજવેલી જ્યારે હિરોઈન તરીકે હેલન હતી.આ ફિલ્મમાં નિરજે લખેલું ગીત આજે પણ મહંમદ રફીના અવાજમાં ક્યાંક અને ક્યાંક ગુંજતું રહે છે ‘સુબહ ન આઈ..શામ ન આઈ..’
‘નકલી નવાબ’ અને બાબુલ નામના સંગીતકાર નું નામ પણ કોઈએ જવલ્લે જ સાંભળ્યું હશે. આ સંગીતકારની મદદ કરવા માટે જ મહંમદ રફીએ ગીતો ગાયાં અને ‘તુમ પૂછતે હો ઈશ્ક બલા હૈ કે નહીં...’, ‘અલ્લાહ જાને મૌલા જાને...’ ગીતો રફી પ્રેમીઓ નિરંતર સાંભળે છે.
‘લંબે હાથ’ ફિલ્મનું નામ કે સંગીતકાર જી.એસ.કોહલીનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે પણ આ ફિલ્મમાં રફી સા’બે ગાયેલ ગીત ‘તુમ મેં હી કોઈ ગૌતમ હોગા, તુમ મેં હી કોઈ ગાંધી...’આજે અમર ગીત બની ગયું છે.
દર પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરીના દિવસે અચૂક ગુંજતુ ગીત ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા..’ હંસરાજ બહલ જેવા બહુ જાણીતા કે મોટા ગજાના ન હોય એવા સંગીતકાર માટે ‘સીકન્દર-એ-આઝમ’ માટે ગવાયેલું.
‘બચપન’ ફિલ્મમાં સરદાર મલિક જે અનુમલિકના પિતાજી થાય એમનું સંગીત હતું એમાં રફી સાહેબે અદભૂત હલકથી ગાયેલું ગીત છે. ‘મુજે તુમ સે મહોબ્બત હૈ મગર મેં કહ નહિ શકતા...’
આ ‘બચપન’ ફિલ્મની ઘણી રસીક વાતો છે. શ્રીમતી પી.એન.ઈરાની, સરોસ ઈરાની ડેઇઝી ઈરાનીના માતાએ પોતાની મોટી દીકરી મેનકા ઈરાની માટે આ ફિલ્મ પ્રોડ્યુસ કરેલી. ફિલ્મમાં હીરો તરીકે સલીમખાન, આજના સલમાનખાનના પિતાજી અને લેખક બેલડી સલીમ-જાવેદ માનાં લેખક. ડિરેકટર તરીકે નાઝીરને સુકાન સોંપેલું પણ ફિલ્મ અંત તરફ આવતા નાઝીરને કોઈ વાંધો પડી ગયો એટલે ફિલ્મ છોડી દીધી. બાકી રહેલી ફિલ્મ એક્ટર ડિરેકટર કામરાને પુરી કરી અને આ દરમિયાન મેનકા ઈરાની સાથે કામરાને લગ્ન કરી લીધા, કામરાન અને મેનકા ઈરાનીના સંતાનો આજે ખૂબ જાણીતા એવા ફરાહ ખાન અને સાજીદ ખાન! ફરાહ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં શાહરૂખ ખાન એક કોરિડોરમાં ચાલતો હોય છે જેની દીવાલ પર એક ફોટો ટીંગાતો હોય છે, આ ફોટો ફિલ્મ ‘બચપન’નો મેનકા ઈરાનીનો સ્ટીલ ફોટોગ્રાફ છે!
- હકીમ રંગવાલા