Home / GSTV શતરંગ / Hakim Rangwala : Sir, please apologize to me, otherwise my father will not leave you Hakim Rangwala

શતરંગ / સર, મુજસે માફી માંગ લિજીયે, વરનાં મેરે પાપા છોડેંગે નહીં...

શતરંગ / સર, મુજસે માફી માંગ લિજીયે, વરનાં મેરે પાપા છોડેંગે નહીં...

- છલકાયે જામ

“મહારાજા”...

સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે સાબિત કરી દીધું છે કે પ્રાદેશિક ભાષાની પ્રાદેશિક કલાકાર-કસબીઓ સાથે બનાવેલી ફિલ્મો પણ મૂળ ફિલ્મમાં જાન હોય તો સમગ્ર હિન્દુસ્તાનના દરેક પ્રાંતમાં ધૂમ મચાવે છે સૌ પ્રાંતની ભાષાઓમાં ડબિંગ થઈને!

વિજય થલાપતિ જે ત્રણ વિજયમાં ઉંમરમાં સૌથી મોટો છે પણ દેખાય છે સૌથી નાનો! વિજય દેવરકોન્ડા અને વિજય સેતુપતિ. આ ત્રણેય એક્ટરો ગજબની સુપરહિટ, બ્લોકબસ્ટર ફિલ્મો આપે છે, અને સમગ્ર હિન્દુસ્તાનના ખૂણે ખૂણે એમની ફિલ્મો જોવાય છે!

મહારાજા ફિલ્મનો અસલી હીરો તો એ ફિલ્મની પટકથા છે! સ્ટોરી તો સાવ સાદી અને સરળ રીતે કહેવાય જાય પણ પટકથા લખતી વખતે જ ખરા લેખકની લેખની પરખાય જાય! 

ફિલ્મના દિગ્દર્શક અને ફિલ્મના સ્ટોરી રાઇટર, સ્ક્રીનપ્લે લેખક એક જ છે , નિથિલન સામીનાથન. અને સંગીતકાર છે બી.અજાનીશ લોકનાથ. સૌથી મોટી વાત એ છે કે ફિલ્મમાં એક પણ ગીત નથી, નથી કોઈ હિરોઈન, બધા જ પાત્રો છે, છતાંય ફિલ્મમાં સંગીતનું ખૂબ મહત્વ છે!

ડિરેક્ટરથી લઈને એડિશનલ ક્રૂ સુધી ફિલ્મ સાથે સંકળાયેલા લગભગ અઢારથી વીસ વ્યક્તિઓ છે અને ફિલ્મના પરદા પર આવતા કલાકારો ટોટલ બાવીસ પાત્રોમાં સમાય જાય છે! કોઈપણ દર્શક ફિલ્મ જુએ છે એમની નજર સમક્ષ ફિલ્મના બાવીસ પાત્રો અને ફિલ્મની કથા ફિલ્મમાંથી બહાર નીકળી ગયા પછી સતત તરવરે છે, એ ફિલ્મનો કોન્સ્ટેબલ હોય કે ઇન્સ્પેક્ટર હોય.

ફિલ્મનો દિગ્દર્શક અને સ્ટોરી રાઇટર એક જ છે એની ફિલ્મને બહુ મોટી મદદ મળી છે. ડિરેકટર તરીકે નિથિલન સમીનાથને ગજબની સર્જનત્મકતા દાખવી છે ફિલ્મમાં પ્રતિકોનો ઉપયોગ કરીને જેમ કે, સાપનું પ્રતીક, સોનાની ચેન પર પગલાનું પ્રતીક અને સૌથી મોટું પ્રતીક તો એ છે કે વિજય સેતુપતિ નું નામ મહારાજા અને એનું કામ વાળંદનું અને એનું સલૂન!

વિજય સેતુપતિ કઈ રૂપાળો, દેખાવડો હીરો મટીરીયલ ધરાવતો હીરો નથી જ પણ ખરા અર્થમાં એક્ટર એટલે શું એ સમજવું હોય અને અભ્યાસ કરવો હોય તો વિજય સેતુપતિની બધી ફિલ્મો જોઈ લેવી જોઈએ. મહારાજા ફિલ્મ વિજય સેતુપતિ ની પચાસમી ફિલ્મ છે.

કોઈપણ સુપરહિટ કે બ્લોકબસ્ટર ફિલ્મોમાં વાર્તા, પટકથા સાથે ડાયલોગ પણ એક જરૂરી પાસું હોય છે. મહારાજા ફિલ્મની એક વિશેષતા એ પણ છે કે વિજય સેતુપતિ ફક્ત આંખોથી સંવાદ કરે છે અને શરીરની લેંગ્વેજથી ડાયલોગ બોલે છે! આફરીન, આફરીન, આફરીન...

અનુરાગ કશ્યપ હિન્દી ફિલ્મના મશહૂર ડિરેકટર આ મહારાજા ફિલ્મમાં સેલ્વમ નામનું પાત્ર ભજવે છે, અને કયા ખૂબ ભજવી ગયા છે! અનુરાગ કશ્યપનું એમની દીકરી અને પત્ની સાથેનું જોડાણ ગજબની માનવીયતા પરદા પર દર્શાવે છે! સિંગમ પુલી નામનો કલાકાર નલ્લા સિવમ નામનું ફિલ્મ જોનાર દર્શકોને ખાર ચડી જાય એ હદનું પાત્ર પુરી કાબેલિયતથી ભજવી જાય છે!

કોઈપણ ફિલ્મનું એક પણ પાસું જ્યારે જરાકેય નબળું ન હોય ત્યારે એવી ફિલ્મ સુપરહિટ તો થવાની જ. ફિલ્મના ડિરેકટર જ ફિલ્મના ખરા સુકાની હોય છે અને ફિલ્મના દરેક પાસાઓ પર એમની ચાંપતી નજર હોય છે ત્યારે જ કોઈ મહારાજા જેવી ફિલ્મ સિનેમાના પરદા પર અવતરે છે!

સાઉથની ફિલ્મઈન્ડિસ્ટ્રીઝ સતત હિન્દી ફિલ્મો પાસેથી શીખી,શીખીને આજે કડયલ જુવાન થઈને વટથી ઉભી છે, અને આજે એવો સમય આવી ગયો છે કે સમગ્ર હિન્દુસ્તાનના ફિલ્મજગતે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી શીખવું પડે છે!

ફક્ત વીસ કરોડના બજેટમાં બનેલી મહારાજા ફિલ્મ આજ સુધીમાં એક સો કરોડ ઉપરની કમાણી કરી ગઈ છે અને હજી થિયેટરમાં તો ચાલે છે એ ઉપરાંત નેટફ્લિક્સ પર પણ રજૂ થઈ છે.

- હકીમ રંગવાલા