
- છલકાયે જામ
ફિરોઝખાન એટલે હિન્દી ફિલ્મ જગતનો એક સ્ટાઈલિશ શો મેન,ક્વોલિટીમાં કોઈ બાંધછોડ ન કરે એવો નિર્માતા દિગ્દર્શક.અને ફિલ્મજગતમાં શાનદાર જીંદગી જીવી જનાર જાનદાર માણસ.અકબરખાન અને સંજયખાન એ બે ભાઈઓ એમા અકબરખાનનું પ્રદાન નહિવત પણ સંજયખાનની ટી.વી સિરિયલ ટીપું સુલતાન અને રાજકપુરને લીડ રોલ કરવા મનાવીને બનાવેલી ફિલ્મ “અબ્દુલ્લાહ”યાદગાર છે.
ફિરોઝખાન એક્ટર તરીકે અતિ સામાન્ય પણ પરદા પર ઉભરતું વ્યક્તિત્વ હીરોની ઝલક આપી જાય. પણ દિગ્દર્શક અને નિર્માતા તરીકે ઉત્તમ માણસ,પોતે કોઈ મહાન સર્જક છે એવો કોઈ ભાર કે વહેમ ખુદ ફિરોઝને જ નહોતો.વિદેશી ફિલ્મની તરહ પર હિન્દી ફિલ્મ બનાવવાનો શોખ અને એ શોખને અમલમાં મુકવાનું ગજું ફિરોઝખાન ધરાવતા હતા.
આખી ફિલ્મી કેરિયરમાં મેગાહિટ ફિલ્મ એક જ”કુરબાની” બાકી “ધર્માત્મા”,”જાંબાઝ”જેવી હિટ ફિલ્મો આપી.પોતાની પ્રથમ ફિલ્મ”અપરાધ”માં જ પોતે આગળ ઉપર ક્યાં રસ્તે ચાલશે એ સ્પષ્ટ કરી દીધું હતું.એ જમાનામાં હિન્દી ફિલ્મમાં કારરેસ, માફિયા અને મુમતાઝને બિલકુલ વિદેશી સ્ટાઈલથી રજૂ કરેલી હિન્દી દર્શકો સમક્ષ અને પોતાના ચાહકો બનાવી લીધા.
ફિરોઝખાનની માસ્ટરી ફિલ્મીગીત સંગીતની લોકપ્રિયતા પારખી લેવાની હતી અને એ ગીતોનું ફિલ્માંકન કરવા કે રેકોર્ડિંગ કરવામમાં ખર્ચ કરવામાં કોઈ કમી નહોતા રાખતા.નાઝીઆ હસન પાસે કુરબાનીમાં આપ જૈસા કોઈ મેરી... ગીત ગવડાવીને જબરદસ્ત વેચાણ ફિલ્મના સંગીતનું જ કરીને ફિલ્મ રિલીઝ પહેલા નફો અંકે કરી લીધેલો.બીજી ખૂબી ફિરોઝખાનની એ હતી કે તેની ફિલ્મમાં હીરોઇનને અદભૂત રીતે રજૂ કરવામાં આવતી,અને એટલે જ કોઈપણ હિરોઇન ફિરોઝખાનની ફિલ્મમાં ફિરોઝખાન ની ફરમાઈશ પ્રમાણે બધું જ કરવા તૈયાર થઈ જતી!કોઈ પણ હીરોઇનને દર્શકે બીજી અનેક ફિલ્મોમાં જોઈ હોય,એ હીરોઇનના ચાહક પણ હોય તેવા લોકો પણ જ્યારે ફિરોઝખાનની ફિલ્મમાં પોતાની મનપસંદ હીરોઇનને પરદા પર જોઈને અવાક થઈ જતા.
ધર્માત્માની હેમા માલિની,જાંબાઝની શ્રીદેવી, ડિમ્પલ, કુરબાનીની ઝીનત કે અપરાધની મુમતાઝ. અરે માધુરી દીક્ષિત જેવી હિરોઇન પણ પોતાની કેરિયરની ટોચ પર હતી ત્યારે ફિરોઝની ફિલ્મ “દયાવાન”માં વિનોદખન્ના સાથે ઇન્ટિમેટ દ્રશ્ય ભજવવા તૈયાર થઈ અને ભજવેલું છે.
ફિરોઝખાન એક વખત પાકિસ્તાન જઈને ત્યાં જ ભારતના વખાણ સાચી રીતે જાહેરમાં કરતા તેમની પર પાકિસ્તાને હમેશાનો પ્રતિબન્ધ મૂકી દીધેલો.
લા લા લાલા લાલા લા લા લા લા લાલા...
લા લા લાલા લાલા લા લા લા લા લાલા...
હર કિસીકો નહિ મિલતા યહાં પ્યાર જીન્દગીમે
ખુશનસીબ હૈ વો જિનકો હૈ મિલી યે બહાર જીન્દગીમે...
ઈન્દીવરનું લખેલું ગીત ફિલ્મમાં ત્રણ વખત આવે છે, એક વખત સાધના સરગમના અવાજમાં, બીજી વખત મનહર ઉધાસના અવાજમાં અને ત્રીજી વખત સાધના અને મનહરના અવાજમાં. હિન્દી ફિલ્મોના બહેતરીન ગીતોમાં જો મારે અંગત મત આપી પસંદ કરવાનું હોય તો પ્રથમ દસ ગીતોમાં જ હું આ ગીત મુકું. કલ્યાણજી આણંદજી નું સંગીત (આ મારો અંગત મત છે.)
*****
પ્યાર દો પ્યાર લો, એક તો કમ જિંદગાની
ઉસમે ભી કમ હૈ જવાની...
સપના મુખર્જીના અવાજમાં અને આ ગીતનું અંગ્રેજી વર્જન સાઉથ આફ્રિકામાં જન્મેલી બ્રિટિશ ગાયિકા મરિયમ સ્ટોકલી પાસે ગવડાવેલું.(ગીવ મી લવ...)
*****
જબ જબ તેરી સુરત દેખુ પ્યાર સા દિલમે જાગે
તેરી તરફ હી દિલ મુજે કયા તુ મેરા લાગે...
સપના મુખર્જી
*****
જાન કી બાઝી લગાનેવાલા હોતા હૈ જાંબાઝ...
થીમ સોંગ કહેવાય એવું ગીત ટાઇટલ સોંગ. ગુજરાતી ગાયક મહેશ ગઢવી અને નીતુ નામની એક બીજી ભાષાનાં ગીતો ગાતી ગાયિકા પાસે ગવડાવેલું.
*****
તેરા સાથ હૈ કિતના પ્યારા, કમ લગતા હૈ જીવન સારા
તેરે મિલનકી લગનમે હમેં આના પડેગા દુનિયામે દુબારા...
કિશોરકુમાર અને સપનામુખર્જીનું યુગલ ગીત.
*****
અલ્લાહ હો અકબર...કવ્વાલી. મહેશ ગઢવી અને રાજુ.
*****
‘જાંબાઝ’ ફિલ્મ જોવા ગયેલો દર્શક ફિલ્મનો પરદો ખુલે અને ફિલ્મ પરદા પર શરૂ થાય અને રીતસર એક મેસમેરિજમ કે હિપ્ટોનાઇઝ થઈ જાય. ભવ્યતા અને શૉબાજી સુભાષ ઘાઈ અને રાજ કપુરને પણ શીખડાવે એવી જબરદસ્ત ફિલ્મ અને સંગીત આલ્બમ. ફક્ત એક જ ગીતમાં કિશોરકુમાર જેવો સ્ટાર ગાયક, બાકી બધા ગીતોમાં હિન્દી ફિલ્મોમાં ઓછા ગીતો ગાનાર ગાયકો અને અફલાતૂન આલ્બમ.
ફિરોઝખાનની ફિલ્મો બહુ જાજી નથી પણ જે ફિલ્મો ફિરોઝે બનાવી એ બધી ખૂબ દિલથી બનાવી. દરેક ફિલ્મો પર અંગ્રેજી ફિલ્મોનો સ્પષ્ટ પ્રભાવ. ‘જાંબાઝ’ ફિલ્મ પણ વર્ષો જૂની ગ્રેગરીપેકની એક ફિલ્મ પરથી બનાવેલી.
ફિલ્મની એકએક ફ્રેમ આપણને આફરીન બોલવા મજબૂર કરી દયે. ફિરોઝખાનને પોતાની નબળાઈ ખબર હતી એટલે પોતાની ફિલ્મમાં લીડ રોલ બીજા અભિનેતાને જ આપી દેતો.
ફિરોઝખાન કઈ બહુ મોટો ક્લાસિક કે બહુ સુપરહિટ ફિલ્મો સર્જન કરનાર પ્રોડ્યુસર, ડિરેકટર નહોતો. પણ એણે સર્જેલી ફિલ્મોમાં કુરબાની, ધર્માત્મા, જાંબાઝ, અપરાધ વગેરે ફિલ્મો હિન્દી ફિલ્મોમાં એક મિસાલ છે. એની પોતીકી ઓળખ છે.
મેઇન્સ્ટ્રીમ હિન્દી ફિલ્મોમાં હીરો, હીરોઇનના ઈન્ટીમેટ ઈરોટીક દ્રશ્યમાં જાંબાઝ ફિલ્મનું ડિમ્પલ કાપડિયા અને અનિલકપુરનું સહશયનનું દ્રશ્ય એક માઈલસ્ટોન બની ગયું છે હિન્દી ફિલ્મમાં.
- હકીમ રંગવાલા