
- છલકાયે જામ
મુકુલ.એસ.આનંદ હિન્દી ફિલ્મજગતમાં ડિરેકટર તરીકે પ્રવેશ કરવા સંઘર્ષ કરતા હતા ત્યારે એમને ચાર્લ્સ બોન્સનની એક અંગ્રેજી ફિલ્મ ગમી ગઈ અને એના પરથી એક હિન્દી ફિલ્મ બનાવવી એવું નક્કી કરીને ફાઈનાન્સરોને મળતા હતા અને ફિલ્મનું નરેશન આપતા હતા. એક ભગવાનજી નામનાં ફાઈનાન્સર મુકુલ આનંદની ફિલ્મનું ફાઇનાન્સ કરવા તૈયાર થઈ ગયા પણ એમણે મુકુલ આનંદ પાસે એમના કામનો નમૂનો જોવા માંગ્યો ! મુકુલ આનંદે એમના ખાસ દોસ્ત રોમેશ શર્મા સાથે વાત કરી એટલે રોમેશ શર્માએ કહ્યું કે, ‘હું અત્યારે એક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યો છું, તું એ ફિલ્મનું દિગ્દર્શન કરીને ભગવાનજીને નમૂના તરીકે બતાવી દે.’ મુકુલ આનંદ સંમત થઈ ગયા પણ પોતાનું નામ દિગ્દર્શક તરીકે નહીં મૂકે એવી શરત કરી, કારણકે એમને પોતાની પહેલી ફિલ્મ કોઈ પ્રાદેશિક ભાષામાં બને એ મંજૂર નહોતું, એમને હિન્દી ફિલ્મના ડિરેકટર તરીકે જ પોતાની એન્ટ્રી કરવી હતી. આ વાત રોમેશ શર્માએ કબૂલ રાખી અને મુકુલ આનંદે પોતાની કારકિર્દીની પ્રથમ ફિલ્મ ‘ કંકુની કિંમત ‘ નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા, વિનોદ મહેરા, આશા સચદેવ, બિંદીયા ગૌસ્વામી, અરવિંદ રાઠોડ, નારાયણ રાજગોર અને ગુજરાતી ફિલ્મમાં પ્રથમ વખત ડેની એવી કાસ્ટ હતી. ડેની સાથે પહેલી ફિલ્મથી રેપો બંધાઈ ગયો અને આગળ જતાં પોતાની મોટાભાગની ફિલ્મમાં ડેનીને જાજરમાન ભૂમિકા આપી અને ડેનીએ પણ યાદગાર રીતે ભજવી બતાવી. આ ગુજરાતી ફિલ્મ બનાવીને નમૂના તરીકે ભગવાનજીને બતાવી આ ફિલ્મ ભગવાનજીને ગમી ગઈ એટલે તેઓ હિન્દી ફિલ્મ માટે ફાઇનાન્સ કરવા તૈયાર થઈ ગયા અને કાયદેસર મુકુલ આનંદના નામ સાથે હિન્દી ફિલ્મ ‘કાનૂન કયા કરેગા’ નામથી બનાવી જેમાં ડેની અને સુરેશ ઓબેરોય મુખ્ય ભૂમિકા ભજવતા હતા. આ જ સ્ટોરી પરથી એક બીજી હિન્દી ફિલ્મ ‘કયામત’ નામથી રાજ સિપ્પી એ ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહા સાથે બનાવેલી.
હીન્દી ફિલ્મોમાં ડિરેકટર તરીકે મુકુલ.એસ.આનંદ પોતાની આગવી છાપ છોડી ગયા છે બહુ ઓછી ફિલ્મ ડિરેક્ટ કરવા છતાં. એમાં પણ અમિતાભ અને ડેની સાથેની ત્રણ ફિલ્મો તો શ્રેષ્ઠ ફિલ્મો છે. ‘અગ્નિપથ’એમાંની એક છે.
એક સંપૂર્ણ મનોરંજક મલ્ટીસ્ટાર હિન્દી ફિલ્મ જે ટેક્નિકલ બાબતે પણ ચુસ્ત હોય તેવી ફિલ્મો બનાવવા માટે મુકુલ આનંદને દસમાંથી દસ માર્ક આપવા પડે.
“ત્રિયા ચરિત્ર”થી કથાના મંડાણ થાય છે.
આદર્શવાદી મૂલ્યોને વરેલા માસ્તર દીનાનાથ ચૌહાણનો કાંટો કાઢવા માટે ચંદાબાઈ (આશા સચદેવ)ને ત્રિયા ચરિત્ર અજમાવવાનું કામ સોંપવામાં આવે છે અને માસ્ટરજી પોતાની શાખ, ઈજ્જત અને જીવ સુધ્ધાં ગુમાવે છે!
યે મહાન દ્રશ્ય હૈ, ચલ રહા મનુષ્ય હૈ
પ્રસ્વેદ, અશ્રુ, રક્ત સે લથપથ, લથપથ, લથપથ
યે હૈ અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ...
મુકુલ આનંદનું માતબર ડિરેક્શન અને સંતોષ સરોજની સ્ટોરી અને પટકથા લેખન ઉપરથી કાદરખાનના ધુંઆધાર ડાયલોગનો તીખો તમતમતો તડકો ! અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર પદે સ્થાપના કરાવનાર પ્રકાશમહેરા, મનમોહન દેસાઈ કે સલીમ-જાવેદ જે કયારેય ન કરી શક્યા એ મુકુલ આનંદે કરી બતાવ્યું, અમિતાભ બચ્ચનને પહેલો નેશનલ એવોર્ડ મળ્યો અગ્નિપથ ફિલ્મની વિજય ચૌહાણની ભૂમિકા માટે ! રોહિણી હતંગડી અમિતાભ કરતા ઉંમરમાં ચાર-પાંચ વરસ નાના પણ અમિતાભની મા સુહાસીની ચૌહાણની ભૂમિકા અદભુત ભજવી અને મિથુન ચક્રવર્તી મૂળ બંગાળી નેપથ્યમાંથી આવતો કલાકાર આ ફિલ્મમાં દક્ષિણ ભારતીય ક્રિષ્નન ઐયરની ભૂમિકા જાન રેડીને ભજવી ગયો, મિથુન અને રોહિણીને બેસ્ટ સ્પોર્ટિંગ એકટર-એક્ટર્સના ફિલ્મફેર એવોર્ડ મળ્યા.
‘કહેને કો તો યે શહેર હૈ, મગર યહાં જંગલ કા કાનૂન ચલતા હૈ.. માલૂમ ?’
‘થા એક માસ્ટર દીનાનાથ, કભી કભી જ્યાદા દારૂ પી લેતા હું તો સોચતા હું, ક્યાં હુઆ હોગા ઉનકે બીવી-બચ્ચો કા ! ભીખ માંગ રહે હોગે સડકો પર.. દિનકર રાવ, હવા બહોત તેજ ચલ રહી હૈ, ટોપી સંભાલો, ઉડ જાયેગા...’
‘હમારા એક ઉસૂલ હૈ કે જબ દુશમન કી ઉંમર બઢ જાયે તો ઉનસે દોસ્તી કરલો, ઈસ સે હમારા ઉંમર ભી બઢ જાતા હૈ..’
મા... મા... એ મા.. ‘જીસ સત્યવાદી માસ્ટરજી કા હાથ ઈંટ પથ્થર સે કૂચલ દિયા ઉસમેં કૌન સા મેલ થા ?
જીસ બેબસ મજબૂર મા કી ઈજ્જત પર હમલા કિયા ગયા ઉસ પર કૌન સા મેલ થા ? નહિ ના ?..
મેં બતાતા હું, વો મેલ કમજોરી કા થા કમજોરી કા મેલ સચ્ચાઈ સે નહિ ધૂલ શકતા, વો તુમ્હારા આદર્શ સે નહિ ધૂલ શકતા, યે જો તુમ્હારા ભગવાન હૈ ઉસસે નહિ ધૂલ શકતા મા ! વો ધૂલતા હૈ તાકત સે, તાકત..
અભી બોલો કોઈ મેરે બાપ કો બુરા બોલે, હય..
કિસી હરામજાદે કો બોલો મેરી બહેન, મેરી મા પર આંખ ઉઠાકર ડાલે, ડાલેગા ? નહિ. કાટકર ફેંક દેગા..’
‘વિજય દિનાનાથ ચૌહાણ પુરા નામ..’
ફિલ્મમાં વિજયની ઉંમર છત્રીસ વર્ષ બતાવી છે એના ચડતા કાળમાં અને એક વર્ષ પછી સાડત્રીસની ઉંમરે મૃત્યુ બતાવ્યું છે એના પરથી ઘણાં એવું કહે છે કે મુંબઈના ગેંગસ્ટર માન્યા સુર્વેની કહાની ફિલ્મમાં લીધી છે, કારણકે માન્યા સુર્વેની મોત પણ સાડત્રીસની ઉંમરે થઈ હતી.આ ફિલ્મમાં પહેલી વાર અને છેલ્લીવાર અમિતાભ બચ્ચનના અવાજ સાથે પ્રયોગ કરવામાં આવ્યો ! ગોડ ફાધરના માર્લોન બ્રાન્ડો જે રીતે બન્ને ગાલના ગલોફામાં રૂ ભરાવીને ડાયલોગ બોલ્યા હતા અને જેવો અવાજ નીકળેલો એવો અવાજ અમિતાભ પાસે મુકુલ આનંદે કઢાવ્યો અને એ પ્રયોગને કારણે ફિલ્મ ફ્લોપ થઈ ગઈ, લોકો થિયેટરમાં થી બહાર નીકળતા બોલતા હતા કે અમિતાભ શું બોલે છે એ કઈ સમજાતું જ નથી, ગોટા વાળે છે ! કારણ એ હતું કે ભારતમાં મોટાભાગના થિયેટરમાં સામાન્ય સાઉન્ડ વ્યવસ્થા જ હતી અને અમિતાભ ના સંવાદ બરોબર સંભળાય એ માટે અતિ આધુનિક સાઉન્ડ વ્યવસ્થા હોવી જોઈએ જે જવલ્લે જ અમુક થિયેટરમાં હતી ! પછીથી અમિતાભના મૂળ અવાજમાં પણ વિશિષ્ટ શૈલીમાં ડબિંગ કરવામાં આવ્યું અને તો પણ ફિલ્મ ફલોપ જ રહી ! જોકે આજે ક્લાસિક ફિલ્મોમાં ‘અગ્નિપથ’ફિલ્મ સ્થાન મેળવે છે. જ્યા ભાદુરીની ફેવરિટ અમિતાભની ફિલ્મોમાં ‘અગ્નિપથ’ અને ‘શક્તિ’ ફિલ્મ છે.
- હકીમ રંગવાલા