
- અર્થ અને તંત્ર
કેન્દ્ર સરકારનું બજેટ આવી રહ્યું છે ત્યારે તેને માત્ર વિવિધ કરવેરાના સંદર્ભમાં નહિ પણ તેમાં કઈ બાબતો માટે કેટલું ખર્ચ થવાનું છે અને તેનાથી દેશના લોકોના માનવ અધિકારોનું રક્ષણ થવાનું છે કે નહિ તેના સંદર્ભમાં પણ તેને વિષે વિચારવું જોઈએ. સામાન્ય રીતે આવક વેરામાં વધારો થયો કે ઘટાડો, કંપની વેરામાં વધારો થયો કે ઘટાડો અને આબકારી જકાત અને કસ્ટમ જકાતમાં ક્યાં કેટલો વધારો થયો કે ઘટાડો તેણે વિષે જ બધી ચર્ચા થતી હોય છે. પરંતુ એ ચર્ચાને નવો વળાંક આપવાની જરૂર છે.
કોઈ પણ દેશનું અર્થતંત્ર બે પ્રકારની આર્થિક નીતિઓથી ચાલે છે. એક છે: નાણાં નીતિ કે જે તે દેશની કેન્દ્રીય બેંક ઘડે છે અને તેનો અમલ કરે છે. એ છે વ્યાજના દરમાં અને નાણાંના પુરવઠામાં ફેરફાર કરવા અંગેની નીતિ. ભારતમાં આ નીતિ રિઝર્વ બેંક નક્કી કરે છે. બીજી છે રાજકોષીય નીતિ કે જે તમામ સ્તરની સરકારો ઘડે છે અને અમલ કરે છે અને તેનું પ્રતિબિંબ તેમના બજેટમાં પડે છે. એટલે કે ગ્રામ પંચાયતના બજેટથી માંડીને કેન્દ્ર સરકારના બજેટ સુધીનાં બધાં બજેટ જે તે સરકારની રાજકોષીય નીતિ વ્યક્ત કરે છે.
નાણાં નીતિ આડકતરી રીતે માનવ અધિકારો પર અસર કરે છે અને રાજકોષીય નીતિ સીધી રીતે માનવ અધિકારોની સ્થિતિ પર અસર કરે છે. માનવ અધિકારોમાં શિક્ષણ અને આરોગ્ય માટેના અધિકારો અને તેના દ્વારા પ્રાપ્ત થતા સ્વતંત્રતાના અધિકારનો પણ સમાવેશ થાય છે. એટલે બજેટથી નાગરિકોની આર્થિક સ્વતંત્રતા વધી કે ઘટી અને ખાસ કરીને જેઓ ગરીબો છે તેમની સ્વતંત્રતા વધી ઘટી તેના પર નજર નાખવાની જરૂર હોય છે.
રાજકોષીય નીતિ એ સરકારની આવક અને ખર્ચની નીતિ છે. તે તેના બજેટમાં વ્યક્ત થાય છે. સરકાર મોટે ભાગે કરવેરા અને દેવા દ્વારા આવક ભેગી કરે છે અને તેમાંથી તે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ અર્થતંત્રમાં જુદા જુદા ક્ષેત્ર માટે કરે છે. જેમ કે, શિક્ષણ, આરોગ્ય, પર્યવરણનું રક્ષણ, સામાજિક સલામતી વગેરેનું ખર્ચ સામાજિક વિકાસનું ખર્ચ કહેવાય; અને રસ્તા, વિમાનમથક, બંદરો, રેલવે સ્ટેશનો, પુલો વગેરે ભૌતિક વિકાસ માટેનું ખર્ચ કહેવાય. આ બાબત ગ્રામ પંચાયતના બજેટથી માંડીને કેન્દ્ર સરકાર સુધીની સરકારોના બજેટને માટે લાગુ પડે છે. સામાજિક વિકાસનું ખર્ચ સીધી રીતે અને તરત જ ગરીબો અને ઓછી આવક ધરાવનારા વર્ગને અસર કરે છે.
જે નવ-ઉદારમતવાદી નીતિઓ ભારતમાં 1991થી અપનાવવામાં આવી તેને લીધે અર્થતંત્રમાં સરકારની ભૂમિકા ઓછી અને બજારની ભૂમિકા વધારે એવું વલણ અખત્યાર કરવામાં આવ્યું. વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિઓને લીધે લોકકલ્યાણની જવાબદારી સરકારે ઘટાડી નાખી. ગ્રાહકો પોતપોતાનું કલ્યાણ બજારમાં કરી લે એવી નીતિ અને બજાર પણ ગ્રાહકોનું કલ્યાણ કરશે એવી ધારણા એમાં કામ કરે છે.
પરંતુ બજાર તો એનું જ કલ્યાણ કરે છે કે જેની પાસે પૈસા હોય એટલે કે ખરીદશક્તિ હોય. એટલે જો સરકાર એમનું કલ્યાણ ના કરે કે જેઓ પોતે પોતાની જાતે બજારમાં પોતાનું કલ્યાણ કરી શકતા નથી તો તેમના માનવ અધિકારો જોખમાય છે. એટલે બજેટમાં એવાં ક્ષેત્રોમાં ખર્ચ થવું જોઈએ કે જેથી ગરીબોની બજારમાં ખરીદીની પસંદગી અંગેના વિકલ્પો વધે. જો તેમની પસંદગીના વિકલ્પો વધે તો તેમની સ્વતંત્રતા વધી કહેવાય. શું બજેટ આવી સ્વતંત્રતા ઊભી કરનારું બને છે ખરું એ વિચારવું જોઈએ.
મોદી સરકારે જ જાહેર કરેલી શિક્ષણ નીતિ-2020 એમ કહે છે કે શિક્ષણ માટે જીડીપીના છ ટકા જેટલું જાહેર ખર્ચ હોવું જોઈએ. એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંનેના ખર્ચનો સમાવેશ થઈ જાય. કેન્દ્ર સરકાર જીડીપીના બે ટકા જેટલું ખર્ચ કરે અને રાજ્ય સરકારો તેમનાં રાજ્યની જીડીપીના ચાર ટકા જેટલું ખર્ચ કરે તે અપેક્ષિત છે એમ પણ આ શિક્ષણ નીતિમાં કહેવાયું છે. આ ખર્ચ આ નીતિ આવી પછીનાં કેન્દ્ર સરકારનાં બધાં બજેટમાં લગભગ અર્ધા ટકા જેટલું જ રહ્યું છે.
2014-15થી કેન્દ્ર સરકારના કુલ બજેટના 10થી 11 ટકાની વચ્ચે શિક્ષણ માટેનું ખર્ચ થતું રહ્યું છે. એનો અર્થ એ થાય છે કે સરકારની નીતિ જે કહે છે તે સરકાર પોતે જ કરતી નથી. શિક્ષણ એ વ્યક્તિને સામાજિક અને આર્થિક રીતે ઉર્ધ્વ ગતિ કરવામાં મદદરૂપ થાય છે. પણ જો સરકાર પૂરતા પ્રમાણમાં શિક્ષણ માટે ખર્ચ ન કરે તો વ્યક્તિનો બજારમાં વિવિધ વસ્તુઓ અને સેવાઓની પસંદગી કરવાનો અધિકાર ઓછો થઈ જાય છે કે પછી સાવ જ છીનવાઈ જાય છે.
મોદી સરકારની જ 2017ની આરોગ્ય નીતિ એમ કહે છે કે સરકારના બજેટના આઠ ટકા જેટલું અને જીડીપીના 2.5 ટકા જેટલું ખર્ચ સરકારોએ આરોગ્ય માટે કરવું જોઈએ. આરોગ્ય માટેનું ખર્ચ 2022-23માં રૂ. 37,000 કરોડ અંદાજવામાં આવ્યું હતું કે જે અંદાજિત જીડીપીના માત્ર ૦.35 ટકા જેટલું જ હતું. જ્યારે નીતિ જાહેર કરવામાં આવી ત્યારે નીતિમાં જણાવાયા મુજબ ભારત સરકારનું આરોગ્ય માટેનું ખર્ચ જીડીપીના 1.2 ટકા જેટલું જ હતું. એટલે કે નીતિ કંઈક જુદી છે અને ખરેખર થતું ખર્ચ જુદું જ છે. વ્યક્તિનું શારીરિક આરોગ્ય સારું રહે તો અને તેને માટે તેને ઓછું ખર્ચ કરવું પડે તો તે ઘણી બધી બાબતોમાં સ્વતંત્રતા ભોગવી શકે છે.
આમ સ્વતંત્રતાનો અર્થ માત્ર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કરવાનું નથી, પરંતુ બજારમાં વ્યક્તિ કેટલી સ્વતંત્રતા ભોગવી શકે છે તે પણ કરવાનો છે. જો બજેટ સામાન્ય વ્યક્તિઓને સક્ષમ બનાવે તો જ તે બજારમાં આર્થિક સ્વતંત્રતા ભોગવી શકે છે. જો બજેટ માત્ર મોટી કંપનીઓને કે ધનવાનોને લાભ કરનારું હોય તો બહુમતી વસ્તીના માનવ અધિકારો છીનવાઈ જાય છે એ એક હકીકત છે.
સ્વતંત્રતા મૂળ અને મૂળભૂત માનવીય મૂલ્ય છે. પરંતુ તેનો અર્થ શો થાય છે એ ઘણી વાર સમજવામાં આવતું નથી. ભારતમાં સ્વતંત્રતા ખરેખર ખતરામાં છે. ઓક્સફર્ડના વિદ્વાન દાર્શનિક ઇસૈયાહ બર્લિન કહે છે કે, “વરુઓની સ્વતંત્રતાનો અર્થ ઘણી વાર ઘેટાંનું મોત થાય છે.” એટલે કે જો મહાકાય કંપનીઓને દેશના ગ્રાહકોને બેફામ લૂંટવાની સ્વતંત્રતા મળતી હોય તો નાગરિકોની સ્વતંત્રતા હણાઈ જાય છે. એટલે મૂળભૂત સવાલો આ છે: (૧) કોને માટે સ્વતંત્રતા? (૨) કોઈ એક વ્યક્તિની સ્વતંત્રતાને ભોગે બીજી વ્યક્તિ સ્વતંત્રતા ભોગવે ત્યારે શું થાય છે? (૩) આર્થિક સ્વતંત્રતા અને રાજકીય સ્વતંત્રતા વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું? (૪) જે ભૂખમરો વેઠે છે તેને માટે મતાધિકારનો અર્થ શો છે? (૫) પોતાની સુષુપ્ત શક્તિઓ મુજબ વર્તવા માટેની વ્યક્તિની સ્વતંત્રતાનું શું? આ સવાલોના જવાબ શું આપણને આ બજેટ થકી મળશે ખરા?
- હેમન્તકુમાર શાહ