Home / GSTV શતરંગ / Hemantkumar Shah : Govt Rs. In 167 companies will supply workers! Hemantkumar Shah

શતરંગ / સરકાર રૂ. ૧૬૭માં કંપનીઓને સપ્લાય કરશે વેઠિયા મજૂરો!

શતરંગ / સરકાર રૂ. ૧૬૭માં કંપનીઓને સપ્લાય કરશે વેઠિયા મજૂરો!

- અર્થ અને તંત્ર

બજેટમાં નાણાં પ્રધાને મોટી ૫૦૦ કંપનીઓમાં એક કરોડ લોકોને રોજગારી આપવા માટેની એક ઇન્ટર્નશિપ યોજના જાહેર કરી છે. દેખીતી રીતે આ યોજના બહુ મોટા પ્રમાણમાં લાભદાયી રોજગારી ઊભી કરશે એવું લાગે છે પણ એવું નથી. લાભદાયી રોજગારીનો અર્થ એ છે કે તે વ્યક્તિની અને તેના પરિવારની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા જેટલી આવક આપે. જો કે, સરકાર વર્ષને અંતે કે પછી આવતા બજેટ પહેલાં રજૂ થનારા આર્થક સર્વેમાં એમ કહી દેશે કે એક કરોડ લોકોને રોજગારી મળી ગઈ. આ યોજના કેવી છે અને એનું શું પરિણામ ખરેખર આવી શકે છે તે જોઈએ:  

(૧) આ યોજના પાંચ વર્ષની છે. એટલે જે એક કરોડ લોકોને રોજગારી મળશે તેઓ પાંચ વર્ષે બેકાર થઈ જશે. માની લઈએ કે એમાંથી કેટલાકને કંપનીઓ નોકરીએ રાખી લેશે તો એનો અર્થ એ કે શ્રમ બજારમાં આવનારા નવા લોકો બેકાર રહેશે. દર વર્ષે દેશમાં ૧.૧૨ કરોડની વસ્તી વધે છે. એટલે કે એટલી સંખ્યામાં રોજગારી મળશે તો જેટલી સંખ્યામાં હાલ લોકો બેકાર છે તેટલા બેકાર જ રહેશે. મહાકાય કંપનીઓ એ દેશનું સંગઠિત ક્ષેત્ર કહેવાય છે. એટલે સરકાર આવતે વર્ષે એમ કહેશે કે સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વધી! આમ જુઓ તો સંગઠિત ક્ષેત્રમાં પણ અસંગઠિત ક્ષેત્ર દાખલ કરવાની આ યોજના છે. 

(૨) માત્ર મોટી ૫૦૦ કંપનીઓ માટે આ યોજના છે. મોટી કઈ રીતે; વાર્ષિક કામકાજ, નફો, રોજગારી, વેચાણ કે બીજી કશી બાબત? કઈ રીતે મોટી કંપની તેનો ઉલ્લેખ નાણાં પ્રધાને કર્યો જ નથી. એટલે કઈ કંપનીઓ પસંદ કરવામાં આવશે તે સમજાતું નથી. 

(૩) એક કરોડ લોકોને ૫૦૦ કંપનીઓમાં રોજગારી મળશે. એટલે કે દરેક કંપનીમાં ૨૦,૦૦૦ લોકોને રોજગારી મળશે. એટલે કે આટલી મોટી સંખ્યામાં રોજગારી આપનારી કંપનીઓ કેટલી? વળી, એમણે જરૂર ન હોય તો પણ ૨૦,૦૦૦ લોકોને એમને ત્યાં રોજગારી આપવાનું કહેવામાં આવશે? આ તો એમની કોને રોજગારી આપવી તે અંગેની સ્વતંત્રતા પર કાપ મૂક્યો કહેવાય. એને ease of doing business ન કહેવાય. આજકાલ કંપનીઓ સરકારથી ડરે છે એમ બજાજ જૂથના રાહુલ બજાજ નામના જાણીતા ઉદ્યોગપતિએ તા.૩૦-૧૧-૨૦૧૯ની ઉદ્યોગપતિઓની જ એક સભામાં જાહેરમાં ગૃહ પ્રધાનની હાજરીમાં કહ્યું હતું. એટલે કંપનીઓને આ યોજનામાં જોડાવું ન હોય તો પણ ડરના માર્યા જોડાવું પડે એમ પણ બને. તેઓ જો ન જોડાય તો ઇડી, આઈટી કે સીબીઆઈના દરોડા પડી શકે છે! કઈ કંપનીના માલિકો આવું જોખમ લે? 

(૪) નોકરી મેળવનારને સરકાર તરફથી રૂ. ૫,૦૦૦  દર મહિને પગાર મળશે, એટલે કે રોજના રૂ. ૧૬૭ મળશે. આ તો ૧૯૪૮ના લઘુતમ વેતનના કાયદા હેઠળ જાહેર કરવામાં આવતા કોઈ પણ ધંધાના કોઈ પણ કામ માટેના લઘુતમ વેતન કરતાં ઘણું ઓછું હશે. મનરેગા હેઠળ જે સરેરશ રૂ. 289નું વેતન ગ્રામીણ મજૂરો માટે નક્કી કરવામાં આવ્યું છે તેના કરતાં પણ આ વેતન ઘણું જ ઓછું છે. આને લાભદાયી રોજગારી માટેનું વેતન ન કહેવાય પણ બેકારી ભથ્થું જેવું  કહેવાય! હા, આ યોજના હેઠળ સરકાર એક જ વાર રૂ. ૬,૦૦૦ નોકરી મેળવનારને આપશે. એટલે કે એક વર્ષના સરેરાશ રૂ. ૧,૨૦૦ થયા. એટલે કે એક મહિનાના રૂ. ૧૦૦ થયા. આમ, પગાર રૂ. ૫,૧૦૦ થયો કહેવાય. શું આટલી રકમ પૂરતી કહેવાય?

(૫) ૧૯૬૧માં એક ધ એપ્રેન્ટિસિસ એક્ટ નામે એક કાયદો ઘડાયો હતો. એ કાયદા હેઠળ કંપનીઓને એપ્રેન્ટિસ રાખવામાં સરકાર મદદ કરે છે. એક વર્ષ સુધી સરકાર એપ્રેન્ટિસ કામદારને શૈક્ષણિક લાયકાત મુજબ રૂ. ૧,૫૦૦થી રૂ. ૪,૫૦૦ આપે છે અને કંપની પણ તેટલી જ રકમ ઉમેરે છે. આ રકમ કેટલી બધી ઓછી છે તે સમજી શકાય છે. એમાં સ્નાતક કે ઈજનેરી ભણનારને આ રીતે વધુમાં વધુ રૂ. ૯,૦૦૦ મળે છે. પણ હવે સરકારે હવે ઇન્ટર્ન નામની નવી શ્રેણી ઊભી કરીને રૂ. ૫,૦૦૦ નિશ્ચિત કરી નાખ્યા. કંપની એમાં કોઈ રકમ ઉમેરશે કે નહિ તે તો કહ્યું જ નથી. કંપનીઓ એટલી જ રકમ ઉમેરવા કેવી રીતે તૈયાર થાય? કારણ કે તેમાં તો તેમને એપ્રેન્ટિસને આપે છે તેના કરતાં વધુ રકમ આપવી પડે. એપ્રેન્ટિસનો અર્થ આમ જુઓ તો વેઠિયો મજૂર જ થાય. હવે એનું નામ બદલાયું. હવે એપ્રેન્ટિસની સંખ્યા વધશે કે ઘટશે એ પણ એક સવાલ.  

(૬) કંપનીઓ શારીરિક મજૂરીકામ માટેના જે મજૂરોને રાખવાની હોય તે મજૂરોને નોકરીએ નહિ રાખે અને આ સરકારી વેતન મેળવનારા મજૂરોને આધારે ચલાવશે. આમ બજારમાંથી જે મજૂરો કંપનીઓએ મેળવવાના હતા, તેમનો પુરવઠો સરકાર આપશે! એને પરિણામે કંપનીઓનો નફો વધશે. એટલે જ કંપનીઓના માંધાતાઓએ આ યોજનાને જોરદાર રીતે વધાવી લીધી છે. એમાં એમને નફો જ નફો છે!

(૭) આ યોજના હેઠળ નોકરી મેળવનાર મજૂર ઇન્ટર્ન કહેવાશે. એટલે એને રજાઓ, મોંઘવારી ભથ્થું કે બીજા કોઈ જ લાભ નહિ મળે. સરકારે ધારી લીધું છે કે આગામી પાંચ વર્ષમાં કોઈ ભાવવધારો થવાનો જ નથી! એટલે કે રૂ. ૫,૦૦૦ પાંચ વર્ષ માટે નક્કી કરી નાખ્યા છે. આ રીતે કંપનીઓને સત્તાવાર રીતે વેઠિયા મજૂરો મળી રહેશે! આ મજૂરોને એપ્રેન્ટિસશિપ કાયદો પણ લાગુ નહિ પડે. કારણ કે મજૂર એપ્રેન્ટિસ ગણાશે જ નહિ. 

(૮) નાણાં પ્રધાને બજેટ પ્રવચનમાં એમ કહ્યું છે કે કંપનીઓ આ મજૂરોને તાલીમ આપવાનું ખર્ચ ઉઠાવશે. કેટલું ખર્ચ ઉઠાવશે એ તો કહ્યું જ નથી. ખરેખર તાલીમનું ખર્ચ કેટલું આવે? આવું કહીને મહાકાય કંપનીઓને બહુ મોટું ખર્ચ વેઠવું પડશે એમ તેઓ લોકોના મગજમાં ઠસાવવા માગે છે!

(૯) નાણાં પ્રધાને બજેટ પ્રવચનમાં એમ પણ કહ્યું છે કે કંપનીઓ તેમના CSR ફંડમાંથી તાલીમ માટેનું દસ ટકા ખર્ચ કાઢી શકશે. કંપનીઓ તાલીમ માટેનું જે ખર્ચ બતાવે તે જ સાચું ગણાય. એટલે બધું CSR ફંડ પણ આમાં વપરાઈ જાય એમ પણ બને. કારણ કે તાલીમના દસ ટકા છે, CSR ફંડના દસ ટકા નથી. આને પરિણામે મહાકાય કંપનીઓ જે સામાજિક વિકાસનાં કામો માટે, CSR એટલે કે ધંધાકીય સામાજિક જવાબદારી તરીકે શિક્ષણ કે આરોગ્ય જેવાં ક્ષેત્રોમાં, થોડુંઘણું ખર્ચ કરતી હતી તે પણ ઓછું થઈ જશે.  

હકીકતમાં, ભારતમાં ૨૦૨૦-૨૧ના આર્થિક સર્વે અનુસાર ૪૪ કરોડ લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. આ આંકડો આજે વધ્યો જ હશે એમાં કોઈ શંકા નથી. એમને રોજગારીની સલામતી કે સામાજિક સલામતી જેવું કશું ભાગ્યે જ છે. આ ૪૪ કરોડ લોકો માટે આ બજેટમાં ઝાઝું કશું જ નથી કે જે લોકો જ ખરેખર ગરીબ છે. ઇન્ટર્નશિપની આ યોજના થકી મોદી સરકારે ફરી એક વાર સાબિત કરી આપ્યું છે કે તે માત્ર મોટી કંપનીઓની જ ચિંતા કરે છે અને કરશે. માત્ર અદાણી-અંબાણી નહિ પણ ૫૦૦ અદાણીઓ અને અંબાણીઓ! આ ગઠિયા-ગોઠિયા કે લૂંટારુ મૂડીવાદ છે.  

- હેમન્તકુમાર શાહ