
- અર્થ અને તંત્ર
કેન્દ્રનું ૨૦૨૪-૨૫નું બજેટ શિક્ષણની બાબતમાં સાવ નિરાશાજનક છે એમ કહી શકાય. નરેન્દ્ર મોદી સરકારની ૨૦૨૦માં બહાર પાડવામાં આવેલી નવી શિક્ષણ નીતિ પણ અગાઉની શિક્ષણ નીતિઓની જેમ જ એમ કહે છે કે જીડીપીના છ ટકા જેટલો સરકારી ખર્ચ શિક્ષણ પાછળ કરવામાં આવશે. તેમાં ચાર ટકા જેટલું ખર્ચ રાજ્ય સરકારો કરે એવી અપેક્ષા છે. આમ, બાકીનું એટલે કે જીડીપીના બે ટકા જેટલું ખર્ચ કેન્દ્ર સરકાર શિક્ષણ માટે કરે એવું ધારી શકાય. આ નીતિ જાહેર કરાયા પછી આ ચોથું બજેટ ૨૦૨૪-૨૫ માટે આવ્યું છે.
અગાઉનાં ત્રણ બજેટમાં શિક્ષણ માટે જીડીપીના બે ટકા જેટલું નહિ પણ લગભગ અર્ધા ટકા જેટલું જ કે તેના કરતાં પણ ઓછું ખર્ચ કરવામાં આવ્યું હતું. એટલે કે સરકારે પોતે જ જાહેર કરેલી નીતિનો અમલ તેના દ્વારા કરવામાં આવ્યો નથી. સરકાર એક એવો હાથી છે કે જેના દાંત ચાવવાના અને બતાવવાના જુદા જુદા છે! નાણાં પ્રધાને તેમના બજેટ પ્રવચનમાં સરકારની નવ પ્રાથમિકતાઓ ગણાવી. તેમાં શિક્ષણ લગભગ ક્યાંય છે જ નહિ. સ્પષ્ટ છે કે શિક્ષણને વિકાસનો અનિવાર્ય હિસ્સો ગણવામાં આવતું જ નથી. તેમણે બીજા ક્રમે જે પ્રાથમિકતા ગણાવી છે તે રોજગારી અને કૌશલ્ય વિષેની છે અને તેમાં ઉચ્ચ શિક્ષણ માટે એક લાખ વિદ્યાર્થીઓને લોન આપવામાં આવશે તેની જ વાત કરવામાં આવી છે અને તે સિવાય કશી જ વાત શિક્ષણ માટે કરવામાં આવી નથી. ત્રીજા ક્રમની પ્રાથમિકતા તેમણે જે ગણાવી તે માનવ સંસાધન વિકાસની છે પણ તેમાં શિક્ષણનો ઉલ્લેખ તો છે જ નહિ.
શિક્ષણમાં કૌશલ્ય વિકાસનો પણ સમાવેશ કરી નાખવામાં આવે છે. એટલે કે, સુથારીકામ, લુહારીકામ, કોમ્પ્યુટરકામ કે એવા પ્રકારના કૌશલ્ય વિકાસને શિક્ષણ તરીકે ખપાવવામાં આવે છે અને તેની પાછળના ખર્ચને શિક્ષણ માટેના ખર્ચ તરીકે ગણવામાં આવે છે. શું આ ખરેખર શિક્ષણ માટેનું ખર્ચ કહેવાય ખરું?
હવે ૨૦૨૪-૨૫ની એટલે કે ચાલુ વર્ષની પરિસ્થિતિ જોઈએ. સરકારનું કુલ બજેટ ૪૮.૨૦ લાખ કરોડ રૂ. છે અને તેમાં શિક્ષણ માટેનું ખર્ચ રૂ. ૧.૨૬ લાખ કરોડ જેટલું જ છે. એટલે કે તે કુલ બજેટના ૨.૬૧ ટકા જેટલું જ થાય! ૨૦૨૨-23નું બજેટ રૂ. ૪૧.૯૩ લાખ કરોડનું હતું અને તેમાં ૯૯,૦૦૦ કરોડ રૂ.નું ખર્ચ શિક્ષણ માટે થયું હતું કે જે બજેટના ૨.૩૬ ટકા થાય. ગયા વર્ષે કામચલાઉ અંદાજો મુજબ ૪૪.૪૩ લાખ કરોડ રૂ.ના કુલ બજેટમાં શિક્ષણ માટેનું ખર્ચ ૧.૦૯ લાખ કરોડ રૂ. એટલે કે બજેટના ૨.૪૫ ટકા હતું. આમ, ચાલુ વર્ષે બજેટના શિક્ષણ માટેના ખર્ચમાં સાવ જ નજીવો ૦.૧૬ ટકા જેટલો વધારો થયો કહેવાય.
૨૦૨૩-૨૪માં દેશની જીડીપી એટલે કે દેશના લોકોની કુલ આવક લગભગ ૨૯૪ લાખ કરોડ રૂ. હતી. તેમાં ૬.૫થી ૭.૦ ટકાનો વધારો આ વર્ષે થશે એવો અંદાજ આર્થિક સર્વેમાં મૂકવામાં આવ્યો છે. જો કે, કેટલાક ઉદ્યોગપતિઓ કહે છે કે તેના કરતાં તો વધારે દરે વિકાસ થશે. એટલે કે ચાલુ વર્ષે દેશની જીડીપી ગયા વર્ષ કરતાં સાત ટકા જેટલી વધીને આશરે ૩૧૫ લાખ કરોડ રૂ. થઈ શકે છે. શિક્ષણ માટેના કુલ ખર્ચની રૂ. ૧.૨૬ લાખ કરોડની રકમ દેશની ચાલુ વર્ષની જીડીપીના માત્ર ૦.૪ ટકા જ થાય છે. આ વર્ષે જીડીપી બિલકુલ વધે જ નહિ એમ માની લઈએ, અને જો ગયા વર્ષની રૂ. ૨૯૪ લાખ કરોડની જીડીપીને જ ધ્યાનમાં લઈએ તો પણ તે ખર્ચ ૦.૪૩ ટકાથી વધતું નથી. આવી સ્થિતિમાં શિક્ષણનું સ્તર કેવી રીતે સુધરશે?
ગયા વર્ષે બજેટમાં શિક્ષણ માટે સુધારેલા અંદાજ મુજબ રૂ. ૧.૦૯ લાખ કરોડનું ખર્ચ થયું છે. જો કે, બજેટ અંદાજ તો રૂ. ૧.૧૬ લાખ કરોડનો મૂકવામાં આવ્યો હતો. આમ, ગયા વર્ષે અંદાજ કરતાં પણ રૂ. ૭,૦૦૦ કરોડ જેટલું ઓછું ખર્ચ કરવામાં આવ્યું છે. એટલે કે શિક્ષણ માટેના ખર્ચમાં બજેટમાં જેટલો અંદાજ મૂકવામાં આવે છે તેટલું પણ ખર્ચ કરવામાં આવતું નથી! એટલે ચાલુ વર્ષે જે રૂ. ૧.૨૬ લાખ કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે તેટલું ખર્ચ થશે જ એમ ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. કદાચ તેના કરતાં ઓછું પણ થઈ શકે છે.
શિક્ષણ માટે ગયા વર્ષનું જે બજેટ હતું તેના કરતાં આ વર્ષે ૧૬ ટકાનો વધારો થયો છે ખરો પણ તેટલો ખર્ચ ખરેખર થાય તો જ તે લેખે લાગે. વળી, જો માત્ર છ ટકાનો ફુગાવાનો દર ગણવામાં આવે તો પણ શિક્ષણ માટેના ખર્ચમાં વાસ્તવિક વધારો તો ૧૧ ટકાનો જ થયો કહેવાય. આટલો જ વધારો કેવી રીતે પર્યાપ્ત કહેવાય?
દર વર્ષે સરકાર દ્વારા ASER(વાર્ષિક શિક્ષણ સર્વે અહેવાલ) બહાર પડે છે. તેનો ૨૦૨૩નો અહેવાલ કહે છે કે શાળેય શિક્ષણની સ્થિતિ ખાસ્સી ખરાબ છે. જેમ કે, ૧૪-૧૮ના વયજૂથના ચોથા ભાગના વિદ્યાર્થીઓ બીજા ધોરણનું પુસ્તક પણ વાંચી શકતા નથી અને ૫૦ ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગાકાર પણ કરી શકતા નથી કે જે ત્રીજાથી પાંચમા ધોરણમાં ભણવાનું આવે છે! જો બજેટમાં શિક્ષકોની ભરતી અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વધુ ખર્ચની જોગવાઈ ન થાય તો સરકારી કે અનુદાનિત શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સ્થિતિ સુધરે તેવી શક્યતા રહેતી જ નથી.
જો બજેટમાં શિક્ષણ માટે જરૂરિયાત કરતાં ઘણી ઓછી ફાળવણી થાય તો તેનો અર્થ એ છે કે સરકાર ઈચ્છે છે કે શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ થાય. શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ આ બજેટને પરિણામે વધશે જ એમાં કોઈ શંકા નથી. ખૂબ મોટા પ્રમાણમાં દેશમાં ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ વધી રહ્યાં છે. એટલે શિક્ષણ મોંઘું થયું છે અને હજુ પણ મોંઘું થશે. જેમ કે, ૨૦૨૨માં એકલા ગુજરાતમાં જ ૪૪ લાખ કરતાં વધુ બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરે છે અને ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓ કરતાં ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા ઘણી વધારે છે. નવેમ્બર-૨૦૨૩ સુધીમાં દેશમાં ૪૫૪ ખાનગી યુનિવર્સિટીઓ છે. ૨૦૨૧માં રાજ્યસભામાં સરકારે આપેલા જવાબ મુજબ દેશમાં ૩૧,૦૦૦ ખાનગી કોલેજો છે. આ બધામાં હવે હજુ વધારો થશે એમાં કોઈ શંકા નથી. સરકાર જો પૂરતા પ્રમાણમાં શિક્ષણ માટે ખર્ચ નહિ કરે તો પછી કેવી રીતે શિક્ષણની પરિસ્થિતિ સુધરશે એ સવાલ છે.
બજેટમાં ઉચ્ચ શિક્ષણ માટે એક લાખ વિદ્યાર્થીઓને લોન આપવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે. પરન્તુ લોનની જરૂર કેમ પડે છે? એ તો એટલા માટે પડે છે કે શિક્ષણ મોંઘું થઈ ગયું છે અને લાખો વિદ્યાર્થીઓને માટે લોન લીધા વિના ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનું અઘરું થઈ ગયું છે. સરકાર પોતે જ પોતાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં સ્વનિર્ભર કોર્સિસ ચલાવે છે! બજેટમાં શિક્ષણ સસ્તું થાય તેને માટે નહિ પણ વધુ મોંઘું થાય તેની જ જોગવાઈઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને માથે શિક્ષણનો બોજો વધશે જ એમાં કોઈ શંકા નથી.
- હેમન્તકુમાર શાહ