
- અર્થ અને તંત્ર
કઈ વસ્તુ બજારમાં મોંઘી થાય છે અને તે ભાવવધારો કોને નડે છે તે મહત્ત્વનું છે. જેમ કે, નાણાંપ્રધાનની જેમ જેઓ ડુંગળી ખાતા નથી તેમને ડુંગળીના ભાવ વધે તો પણ કંઈ ફેર પડતો નથી. એટલે જેઓ જે ચીજો વાપરે છે તેમના ભાવ વધે છે તો જ તેમને માટે મુસીબત ઊભી થાય છે. દા.ત. ભારતમાં ગામડાંમાં એક પરિવારમાં સરેરાશ દર મહિને ૪૬ ટકા અને શહેરોમાં ૩૯ ટકા ખર્ચ ખાધાખોરાકીની ચીજો પાછળ કરવામાં આવે છે એમ સરકારી સંસ્થા NSO દ્વારા કરવામાં આવેલો છેલ્લો કૌટુંબિક વપરાશી ખર્ચ સર્વે(HCES) કહે છે. એટલે જો ખાધાખોરાકીની ચીજોના ભાવ વધે તો તેમને સૌથી વધુ વિપરીત અસર થાય તે સ્વાભાવિક છે.
આ પણ ગામડાં અને શહેરોમાં રહેતા લોકોની એક સરેરાશ છે. એટલે કે ઓછી આવક ધરાવનારા ગરમીન અને શહેરી પરિવારોમાં આ ટકાવારી પ્રમાણ વધુ હોય જ. આમ, પરિવારની આવકની ઘણી મોટી રકમ તો ખાધાખોરાકી પાછળ જ ખર્ચાઈ જાય છે. એટલે કે લોકો પોતાનું શારીરિક અસ્તિત્વ ટકાવવા માટે એટલે કે જીવવાનું ચાલુ રાખવા માટે જ ઘણું મોટું ખર્ચ કરી રહ્યા છે. તેને લીધે તેઓ અન્ય ચીજો પાછળ ઓછું ખર્ચ કરી શકે તે સ્વાભાવિક છે. હવે જો ખાદ્ય ચીજોના ભાવ વધે તો તેમની હાલત બહુ ખરાબ થઈ જાય એ સ્વાભાવિક છે.
સંયુક્ત રાષ્ટ્રો(UN) દ્વારા અન્ન સલામતી અને પોષણ વિષે ૨૦૨૨માં બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં એમ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ૨૨.૪૩ કરોડ લોકો અપોષણથી પીડાય છે અને તેમની સંખ્યા ૨૦૦૪-૦૬માં ૨૪.૭૮ કરોડ હતી. આમ, અપોષણ ધરાવતા નાગરિકોની સંખ્યામાં ૧૮ વર્ષમાં બહુ જ ઓછો ઘટાડો થયો. એનો એક અર્થ એ થાય કે ખાધાખોરાકી ચીજોના ભાવ વધે છે તેથી લોકો એ વસ્તુઓ બજારમાંથી ઓછી ખરીદી શકે છે અને ઓછી ખાઈ શકે છે. અપોષણ એ ગરીબીનો એક મહત્ત્વનો માપદંડ છે જ.
ગરીબોની આવકની સ્થિતિ સુધરી નથી પણ બગડી છે. દેશમાં સરેરાશ કૌટુંબિક આવક રૂ. ૩.૬ લાખ છે. પણ એ તો ગરીબો અને ધનવાનો બધાની સરેરાશ છે. દેશના ગરીબોની સરેરાશ વાર્ષિક આવક ૨૦૧૫-૧૬માં રૂ. ૧.૩૭ લાખ હતી અને તે ૨૦૨૨-23માં ઘટીને રૂ. ૧.૧૪ લાખ થઈ છે એમ PRICE નામની એક સંશોધન સંસ્થાએ ગયા જાન્યુઆરી મહિનામાં કહ્યું છે. આમ, ગરીબોની આવકમાં સાત વર્ષમાં 13 ટકા જેટલો ઘટાડો થયો. આ જ સાત વર્ષમાં વાર્ષિક સરેરાશ માત્ર પાંચ ટકાનો જ ફુગાવો ગણીએ તો ૩૫ ટકા જેટલો ફુગાવો થયો કહેવાય અને તો ગરીબોની સ્થિતિ કેટલી બધી બગડી તે સમજી શકાય તેમ છે. ૩૫ ટકા ભાવ વધે અને તેર ટકા આવક ઘટે તો ગરીબી વધુ ગરીબ નથી બન્યા એમ કેવી રીતે કહેવાય? કોરોના પછી ગરીબ ૨૦ ટકા પરિવારોની આવક ૫૨ ટકા ઘટી ગઈ હતી એમ પણ આ સંશોધન કહે છે.
છેલ્લાં દસ વર્ષમાં મોંઘવારીએ અને ખાસ કરીને ખાવાની ચીજોની મોંઘવારીએ માઝા મૂકી છે એ પણ એક હકીકત છે. અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો જેવી ખાદ્ય ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાવાની ચીજોનો ફુગાવાનો દર ગયા જુન મહિનામાં ૯.૫૫ ટકા હતો અને અને ગયા મે મહિનામાં ૮.૬૯ ટકા હતો. આ તો એક સરેરાશ છે એટલે કે એમાં ખાવાપીવાની બધી ચીજોના ભાવ ગણવામાં આવ્યા છે. પણ જો ખાવાપીવાની મુખ્ય ચીજોના ભાવ જ ધ્યાનમાં લઈએ તો પરિસ્થિતિ કંઈક જુદી જ જોવા મળે છે.
જેમ કે, ઓક્ટોબર-૨૦૨૨ના આંકડા મુજબ છેલ્લા એક જ વર્ષમાં શાકભાજીના ભાવ ૨૭.33 ટકા વધ્યા છે, ટામેટાંના ભાવ ૫૪ ટકા, બટાટાના ભાવ ૪૩ ટકા, કોબીજના ભાવ 38 ટકા, ગાજર અને વટાણાના ભાવ 29 ટકા, મરચાંના ભાવ ૨૮ ટકા વધ્યા છે. સસ્તા અનાજની દુકાનેથી વેચાતું કેરોસિન ૭૯ ટકા મોંઘું થયું છે. એપ્રિલ-૨૦૨૪ના આંકડા મુજબ છેલ્લાં એક વર્ષમાં જ ડુંગળીના ભાવ ૪૦ ટકા, ચોખાના ભાવ ૧૪ ટકા અને કઠોળના ભાવ 22 ટકા વધ્યા છે. આ ખરો ફુગાવાનો દર છે. બટાટા તો શાકનો રાજા કહેવાય છે. તે સૌથી વધુ ઉત્પન્ન થાય છે અને ખવાય પણ છે. એટલે જો તેના ભાવ વધે તો તેની અસર બધાને થાય છે.
હવે સવાલ એ ઊભો થાય છે કે જેટલા પ્રમાણમાં ખાધાખોરાકીની ચીજોના ભાવમાં વધારો થાય છે તેટલા પ્રમાણમાં લોકોની આવક વધે છે ખરી? દેશમાં આશરે 32 કરોડ પરિવારો છે અને તેમાંથી આશરે 20 કરોડ પરિવારોની આવક જેટલા પ્રમાણમાં ખાધાખોરાકીની ચીજોના ભાવ વધે છે તેટલા પ્રમાણમાં વધતી નથી. આ 20 કરોડ પરિવારો એટલે જેમને સરકાર દર મહિને પાંચ કિલોગ્રામ અનાજ મફત આપે છે તે પરિવારો. તેનો અર્થ એવો થાય છે કે તેમણે અગાઉ જેટલું ખાતા હોય તેટલું જ ખાવા માટે વધુ પૈસા ખર્ચવા પડે છે કારણ કે તેમની વાસ્તવિક આવક એટલે કે ખરીદશક્તિ ઘટી ગઈ હોય છે. ગરીબની સીધીસાદી વ્યાખ્યા એ છે કે જે પોતાની આવકનો સૌથી વધુ હિસ્સો ખાધાખોરાકી ચીજો પાછળ ખર્ચે છે તે ગરીબ છે. આ રીતે જોઈએ તો દેશમાં ગરીબોની સ્થિતિ વધુ વણસે છે તેઓ વધુ ગરીબ બની રહ્યા છે.
ખાવાની ચીજોના ભાવ વધે છે તેનાં અન્ય કારણોની સાથે સાથે બે મુખ્ય કારણો છે:
(૧) ૨૦૧૩-૧૪માં તેલની આયાતનો ખર્ચ ૧૫,૫૨૨ કરોડ ડોલર હતો. તે પછી તેના ભાવ ૨૦૨૨ સુધી તો સતત ઘટતા જ ગયા. જો કે, વચ્ચે વચ્ચે તે થોડાક વધ્યા પણ ખરા. બીજી તરફ, તેલની આયાતનું પ્રમાણ વધ્યું છતાં ૨૦૧૩-૧૪ જેટલું ખર્ચ તેની આયાતમાં થયું નથી. ૨૦૧૪-૨૨નાં આઠ વર્ષમાં ભાવ ઘટવાને લીધે સરકારના કે પછી સરકારી તેલ કંપનીઓના આશરે ૨૬ લાખ કરોડ રૂ. બચ્યા. બીજી તરફ, IOC, ONGC, OIL, BPL જેવી સરકારી કપનીઓનો નફો એક જ વર્ષમાં રૂ. ૭૦,૦૦૦ કરોડ સુધી પહોંચેલો છે. પણ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ગ્રાહકો માટે એટલા પ્રમાણમાં ઘટાડ્યા જ નહિ. ડીઝલ ચીજવસ્તુઓની હેરફેર માટે વપરાય છે. એટલે પણ ખાદ્ય ચીજોના ભાવ વધ્યા છે. બીજી બાજુ, દેશમાં ૨૦૨૦માં આશરે ૩૩ કરોડ દ્વિચક્રી વાહનો છે. તેમાં સ્કૂટર અને બીક જેવાં વાહનો અનેક ઝૂંપડાવાસીઓ પાસે પણ છે. તેમને પણ પેટ્રોલના ભાવવધારાનો માર પડ્યો કહેવાય.
(૨) મનમોહનસિંહની સરકારે દસ વર્ષમાં ખાતરમાં આપવામાં આવતી સબસિડી ૬૦૦ ટકા વધારી હતી અને નરેન્દ્ર મોદીની સરકારે તેના પ્રથમ પાંચ વર્ષમાં તે માત્ર ૨.૨૨ ટકા જ વધારી હતી. છેલ્લાં પાંચ વર્ષમાં એટલે કે ૨૦૧૯-૨૪ દરમ્યાન તે લગભગ ૧૦૦ ટકા વધી છે. પણ તે મનમોહનસિંહની સરકારની તુલનાએ તો સાવ ઓછી છે. ઇફ્કો દ્વારા રાસાયણિક ખાતરમાં સરેરાશ ૫૦ ટકાથી વધુ વધારો કરાયો છે. હવે જો ખાતરના ભાવ વધે તો ઉત્પાદનના ભાવ વધે તે નક્કી છે.
ઉપરોક્ત વિગતોને આધારે એમ શકાય કે ગરીબીના જુદા જુદા માપદંડોને ધ્યાનમાં રાખીને ભારતમાં કેટલા ગરીબો છે તેના જે પણ આંકડા આપવામાં આવે છે તે ખરી અને નરી વાસ્તવિકતાથી ઘણા દૂરના છે. અને જો ગરીબો માટે બજારમાંથી ખાધાખોરાકી સિવાયની ચીજો ખરીદવા માટેના બહુ જ ઓછા વિકલ્પો બચતા હોય તો તેનો અર્થ એ છે કે તેઓ બજારમાં પસંદગીની સ્વતંત્રતા ભોગવી શકતા જ નથી. સ્વતંત્રતાનો આ પણ એક માપદંડ છે કે જે ગરીબી સાથે જોડાયેલો છે.
- હેમન્તકુમાર શાહ