Home / GSTV શતરંગ / Kanji Makwana : In the name of both Gandhi and Ambedkar, let us do Kankuna... Kanji Makwana

શતરંગ / ગાંધી-આંબેડકર બેઉનાં નામથી આપણે કરો કંકુના...

શતરંગ / ગાંધી-આંબેડકર બેઉનાં નામથી આપણે કરો કંકુના...

- નાની નાની વાતો

એક ઘટના અને કોચરબ ગામમાં કોલાહલ થઇ ગયો, આશ્રમને નાણાની મદદ બંધ થઈ. આશ્રમ ખરી ભીડમાં આવી ગયો. ગાંધીજીએ કહી દીધું કે, “બહુ થશે તો આપણે આ આશ્રમ ખાલી કરી આપણે અત્યંજવાડે રહેવા જઈશું.”

“1991-92માં ગુજરાત સરકારે આઠ કલાક કામ કરવાનું મિનિમમ વેતન 34 રૂપિયા નક્કી કર્યું હતું. પણ ખેતમજૂરોને એ સમયે 16 રુપિયાથી વધીને કોઈ ગામોમાં 18 રૂપિયા સુધી જ ચૂકવવામાં આવતા. કોઈ કોઈ ગામમાં તો 10-12 રૂપિયા જ ચૂકવવામાં આવતા. અમે ધીમે ધીમે આ બાબતે ગામડાઓમાં કામ શરૂ કર્યું. પાદરા તાલુકાનાં મહુવડ ગામે ખેતમજૂર બહેનોની એક મિટિંગ રાખી. બહેનોનું મંડળ બનાવવાનું હતું. મિટિંગમાં ચર્ચા થઈ કે મંડળનું નામ શું રાખવું?

તો એક બહેને કહ્યું કે, “ગાંધીજીના નામ પર રાખીએ...”

અચાનક એક યુવાન બહેન બોલી ઉઠી: “ના..હો...ગાંધી નહીં...એણે આપણું શું ભલું કર્યું...? આપણાં તો આંબેડકર...” 

એ બહેન થોડી ઘણી ભણેલી અને વડોદરા એનું પિયર હતું. મેં એ બહેનને પૂછયું કે, “કેમ બહેન, તને કેમ આવું લાગ્યું ગાંધીજી બાબતે?”

એ યુવાન બહેને ગાંધીજી બાબતે એની નારાજગીનું કારણ કહ્યું, એ પૂનાપેક્ટ બાબતે વાત હતી, જેમાં ગાંધીજી અને ડૉ.આંબેડકર સામે સામે આવી ગયા હતા. એણે એ વાત કોઈ પાસે સાંભળેલી. 

મેં કહ્યું કે, “બેન, ક્યારેય અમદાવાદ જાય તો પાલડી પાસે કોચરબ આશ્રમ છે ત્યાં જજે, એ આશ્રમમાં એક કબાટમાં એક ડગલો છે, એ ડગલાં પાછળ વાત એવી છે કે ગાંધીજીએ કોચરબ આશ્રમ સ્થાપ્યો. એના થોડા જ દિવસમાં અમૃતલાલ ઠક્કર એટલે કે ઠક્કરબાપાનો એક કાગળ ગાંધીજી પર આવ્યો કે, “બાપુ, એક ગરીબ અને પ્રામાણિક અંત્યજ(દલિત) કુટુંબ છે. તેની ઇચ્છા તમારા આશ્રમમાં આવી રહેવાની છે. તેને લેશો?”

ગાંધીજીએ વળતા કાગળમાં આશ્રમના કેટલાક નિયમો લખ્યાં અને જણાવ્યું કે,” આ નિયમો સર્વે માટે છે, એ કુટુંબ નિયમો પાળવા તૈયાર હોય તો જરૂર મોકલો...”

એ કુટુંબ એટ્લે દૂદાભાઈ, તેમનાં પત્ની દાનીબહેન અને ધાવણી દીકરી લક્ષ્મી આવ્યાં. દૂદાભાઈ મુંબઈમાં શિક્ષકનું કામ કરતા હતા. આશ્રમના નિયમોનું પાલન કરવા તૈયાર હતા. ગાંધીજીએ તેમને આશ્રમમાં લીધા. 

આખા આશ્રમ અને કોચરબ ગામમાં કોલાહલ મચી ગયો. દુદાભાઈ ગાંધીજી સાથે કામ કરતાં અને ગાંધીજીએ દાનિબહેનને રસોડામાં કામ કરવાની જવાબદારી સોંપી. એ જવાબદારી સોંપી કે કસ્તુરબા જ પગ પછડાતા આવ્યા કે, "એને બીજું ગમે તે કામ સોંપો, પણ રસોડામાં નહીં." 

ગાંધીજીએ મક્કમ રહીને જણાવી દીધું કે, “દાનીબહેન આશ્રમના રસોડામાં જ કામ કરશે. તમને વાંધો હોય તો તમે જઇ શકો છો.”

સ્ત્રીઓને રસોડામાં જ કામ કરવું એવું ગાંધીજી નહોતા માનતા. એ દાનીબહેનને બીજું કોઈ કામ પણ સોંપી શક્યા હોત, પણ ગાંધીજી જાણતા હતા કે મોટામાં મોટો વાંધો પડશે તો રસોડા બાબતે જ પડશે, ત્યાં સ્વીકાર થઈ જશે તો બીજે વાંધો નહીં આવે... ગાંધીજી એમ તો પાક્કા સ્ટ્રેટીજિસ્ટ! કસ્તુરબાએ કહ્યું કે, “તમે તો હિન્દુ સ્ત્રીની મજબૂરી જાણો છો, એ પતિને મૂકીને ક્યાં જવાની...” એમ કહીને એ રસોડામાં ગયા. 

કોચરબ ગામના જે કૂવામાંથી આશ્રમ માટે પાણી ભરવામાં આવતું એમાં અડચણ આવવા લાગી. દૂદાભાઈને પજવવાનું શરૂ કર્યું. ગાળો સહન કરવાનું ને દઢતાપૂર્વક પાણી ભરવાનું જારી રાખવાનું ગાંધીજીએ સહુને કહી દીધું. પણ આશ્રમને પૈસાની મદદ તો બંધ થઈ. આશ્રમ ચલાવવાના કોઈ પૈસા ન રહ્યા. આશ્રમ ખરી ભીડમાં આવી ગયો. ગાંધીજીએ કહી દીધું કે, “બહુ થશે તો આપણે આ આશ્રમ ખાલી કરી આપણે અત્યંજવાડે(વાસમાં) રહેવા જઈશું.” 

ગાંધીજી અને આશ્રમ ભીડમાં હતો ત્યારે એક સવારે એક ગાડી આશ્રમના દરવાજે આવી અને 13000 રૂપિયા થેલીમાં આપીને ચાલી ગઈ. ગાંધીજી એમનું નામ નથી લખ્યું કે પણ પાછળથી લોકોને ખ્યાલ આવ્યો કે એ સમયે આટલી મોટી મદદ કરનાર એ વ્યક્તિ અમદાવાદનાં સારાભાઈ કુટુંબના કોઈ મોભી હતા. 

આ વાત કહીને મેં એ યુવાન બહેનને કહ્યું કે, “બેન, આજે ય કોચરબ આશ્રમમાં પેલો ડગલો છે ને એ ગાંધીજીએ દુદાભાઈ માટે પોતાના હાથે વણેલો ડગલો છે. બેન, તારા બાળકને કોઈ આગેવાને લારીમાથી બે રૂપિયાની ચડ્ડી ય લઈ આપી છે?”

એણે કહ્યું, “ના...” એની આંખો સ્હેજ ભીની થઈ ગઈ.

બહેનોનાં ટોળામાંથી એક વડીલ મા બોલ્યાં, “ગાંધી-આંબેડકર બેઉનાં નામથી આપણે કરો કંકુના...”

*****

આ વાત દલિત-શોષિત સમાજ માટે દાયકાઓથી કામ કરતાં સમાજિક કાર્યકાર માર્ટિન મેકવાને એમની સ્પીચમાં કહેલી. (યુટ્યુબ પર માર્ટિન મેકવાન સર્ચ કરશો એટલે એ પ્સીચ મળી આવશે.) વાત હજુ આગળ લાંબી અને કરુણાભરી છે.  પણ માર્ટિનભાઈએ જે વાત કહી એ વાત ગાંધીજીની આત્મકથાનાં પાંચમા ભાગનાં દસમાં પ્રકરણમાં છે. પ્રકરણનું નામ જ છે: “કસોટીએ ચડ્યા...” પ્રકરણ વાંચવા જેવુ છે, આજે પણ દેશમાં સામજિક ભેદભાવ અને જાતિ આધારિત ઉત્પીડનના બનાવો બનતા રહે છે ત્યારે વિચારવા જેવુ છે કે ગાંધીજીનું લક્ષ્ય માત્ર દેશની સ્વતંત્રતા જ નહોતું. પણ સ્વતંત્રતા સાથે ઘણું-ઘણું હતું. 

કસુંબો:

બાબાસાહેબ ડૉ. આંબેડકરે શોષિત સમાજ અને સ્ત્રીઓ બાબતે ન ભૂતો ન ભવિષ્યતિ કામ કર્યું જ છે. પણ આઝાદીની ચળવળ સાથે સાથે મહાત્મા ગાંધી ઘણા પાસાઓ આવરી લઈને આ દેશમાં આઝાદી સાથે પ્રજામાં પરિપકવતા પણ આવે એ બાબતે ખુબ કામ કરતાં રહ્યા હતા. જે બાબતે ગાંધીજીની જેટલી નોંધ લેવાવી જોઈએ એટલી લેવાતી નથી. કોઈપણ મહાનુભાવો કે મહાનુભાવોના સમર્થકો વચ્ચે મતભેદો હોય જ શકે. એમના કાર્યો બાબતે પણ અલગ અલગ દૃષ્ટિકોણ હોય શકે. પણ આપણે આપણી આવનારી પેઢીને એક વધુ સારો દેશને, વધુ સારો સમાજ આપીને જવો હશે તો પણ આપણો અભિગમ પેલા વડીલ માતા જેવો રાખવો પડે કે ગાંધી-આંબેડકર બેઉનાં નામથી આપણે કરો કંકુના...

- કાનજી મકવાણા