Home / GSTV શતરંગ / Kanji Makwana : It is better if there is no landing space on either side of the bed in the bedroom Kanji Makwana

શતરંગ / બેડરૂમમાં બેડ બેઉ બાજુથી ઉતરાય એવો ન હોય તો સારું!

શતરંગ / બેડરૂમમાં બેડ બેઉ બાજુથી ઉતરાય એવો ન હોય તો સારું!

- એય, સાંભળે છે?

લગ્ન જીવનમાં કેટલીક વાતો અનર્થ કરી એવી મોટી બની જાય કે રસ વિનાના સંબંધો જેવી સુક્કી બની જાય એની પાછળ ઘણીવાર નાની નાની વાતો કે નાના નાના દોષ રહી ગયા હોય છે, જેને આપણે નજરઅંદાજ કર્યા હોય છે.

સીધા જ મૂળ મુદ્દા પર આવીએ કે બેડરૂમમાં બેડ બેઉ બાજુથી ઉતરી શકાય એમ ન હોય તો વધુ સારું...

હવે તમે પૂછશો કે પણ કેમ? કોઈ વાસ્તુ દોષ લાગે? મોટેભાગે તો સગવડતા રહે ને સરસ લાગે એટલે સૌ બેડ રૂમની વચ્ચે બેડ એમ જ રખાવે કે બેઉ બાજુથી ચડી-ઉતરી શકાય.

વાત વાસ્તુશાસ્ત્રની નહિ પણ સબંધોના વાસ્તુની છે. ડીટેલમાં વાત કરીએ, જો આમ બેડ હોય તો કપલ વચ્ચે જ્યારે બાળક આવશે ત્યારે એવું થશે બાળકને હંમેશા પતિ-પત્નીની વચ્ચે જ સુવડાવવું પડે. બાળક આઠ-દસ વર્ષ જેટલું કે ખાસ્સું મોટું થઈ જાય ત્યાં સુધી તો ખરું જ. હવે થશે એવું કે બાળકના આવ્યા પહેલા જે હસબન્ડ-વાઈફ રાતભર સાવ નિકટ સુતા હતાં. વાઈફ હસબન્ડના હાથ પર માથું રાખીને કે એની છાતીમાં લપાઈને સૂઈ જતી હતી કે બેઉ એકબીજાને હગ કરીને સૂતા હતા પૂરી રાત... એમની વચ્ચે હવે પૂરી રાત બાળક સૂતું હશે. જો બેડ બેઉ સાઈડ ઉતરી શકાય એવો ખુલ્લો હોય તો બાળક સ્તનપાન છોડી દે એટલું મોટું થયા બાદ બાળકને આમ સુવડાવવું પડે. ત્યારે થશે એવું કે આ બે વ્યક્તિ (પતિ-પત્ની)  જે આખા દિવસની દૂરી પછી રાતે સાથે હોય છે એમને ફિઝિકલ થવા સિવાયના સમયમાં આખી રાત એમને એકબીજાના હગમાં-આગોશમાં કે સ્પર્શમાં સૂઈ રહેવા નહીં મળે...કારણ પેલો બેઉ સાઈડથી ઉતરી શકાય એવો ખુલ્લો બેડ...!

બાળક વચ્ચે ના સુવે અને કોઈપણ સાઈડ સુવે તો રાતમાં એના પડવાનો ડર રહે જ...વર્ષો સુધી રોજ-રોજ આખી રાત એ વચ્ચે સૂતેલા બાળકથી આ બેઉ એકબીજાના સ્પર્શના સુકુનથી દૂર રહેશે જ...એ સિવાય પણ જોઈએ સ્ત્રીઓમાં માતૃત્વની સહજતા જ એવી છે કે એ પોતાની પાસે સૂતેલા બાળક બાબતે આખી રાત બહુ સહજ રીતે સજાગ રહી શકશે, પણ પુરુષ માટે...પુરુષ માટે આ એટલું સહેલું નથી, શરૂઆતમાં એ નાનકડું ટબુડિયું પાસે સૂતું હોય તો પુરુષોને ઊંડી ઊંઘ આવે જ નહીં કે ક્યાંક રાતમાં હું હલું-ચલું એમાં આ કુણા માખણ જેવા હાથ-પગ વાળા મારા બાળકને ક્યાય ઇજા ન કરી બેસું...પેલું ટેણિયું ઘસઘસાટ ઊંઘતું હોય પણ એનો બાપ આખી રાત જાગતો સૂતો હોય ને આવા સમયે અમુક પુરુષો અનિદ્રા કે માઈગ્રેઇનનો શિકાર બનતા હોય છે, એવું મેં જોયું છે. બેડ આવો હોય છતા ય-બેઉ પતિ પત્ની એકબીજાના હગથી દૂર સૂતા હોવા છતા ય બેઉનું બાળક છે-પરિવાર-સંબંધ છે એટ્લે બોન્ડ-ફિલિંગ તો સ્ટ્રોંગ રહેવાની જ પણ...

હવે વિચારીએ કે જો બેડ એક સાઈડ દીવાલને અડેલો હોય (માથું રાખવા સાઈડ તો લગભગ દીવાલ અથવા મસ્ત કઈક પેટર્ન કે ડિઝાઇન વાળું ઊચું પાટિયું તો હોવાનું જ.) તો જો બેડ એક સાઈડ દીવાલને અડેલો હોય તો બાળક કોઈવાર ભલે વચ્ચે સુવે કે થોડું મોટું થયા બાદ કે સૂઈ ગયા બાદ પણ એને બેડમાં દીવાલ વાળી સાઈડ માતાની પાસે સુવડાવી શકાય. હવે દૃશ્ય એવું થશે કે બાળક માતા પાસે છે ને બાળકની માતા પાસે બાળકનો પિતા છે.  ત્રણેય એકબીજા સાથે જ રહેવાના, પણ હવે પત્ની ચાહે ત્યારે એના પુરુષના હાથ પર છાતીએ લપાઈ શકશે, પુરુષ ચાહે ત્યારે જીવનસાથીને (એ બાળક સાઈડ પડખું ફરેલી હોય તો પણ એને) હગ કરીને સુઈ શકશે-સુતો રહી શકશે. બેઉ માટે આ સ્પર્શો ખુબ જરૂરી છે. 

આપણે ગઈ વખતે આ કોલમમાં જે હાર્મોન્સની વાત કરી હતી, ઓક્સીટોસીન જેવા પ્રેમાળ હાર્મોન્સ રાતભરની આ સ્પર્શભરી ઊંઘમાં એવા તો ધોધમાર ઝરશે કે દિવસભરનો સ્ટ્રેસ ક્યાય વહી જાય એવી નિરાંતભરી ઊંઘ હશે એ... આવી પ્રેમભરી ઊંઘ કેટલાય રોગો થતા પહેલા જ બચાવનારી હોય છે...આ સ્પર્શો જે બોન્ડ કે જે જોડાણ લાવશે બેઉ વચ્ચે એ જોડાણ એટલું તો સ્ટ્રોંગ હશે કે એમના માટે દુર રહેવું મુશ્કેલ થઇ જાય. 

હા, પણ એક વૈધાનિક ચેતવણી છે પુરુષો માટે...આમ બેડ રાખવાનો કે આમ hugભરી ઊંઘની એક આડઅસર છે. એ આડઅસર એવી છે કે વાઈફ વર્ષે-દહાડે ય બે-પાંચ દિવસ પણ પિયર નહિ જાય ને તમને વેકેશન નહિ મળે.  પિયરિયામાં એનો દિવસ તો જતો રહેશે પણ રાત પિયાના બાહુપાશથી દુર રહીને કાઢવી વસમી પડી જશે એને...કેમ કે પ્રેમ કે પ્રેમાળ hugથી આપણા બોડીમાં બનતા હાર્મોન્સ વ્યસન જેવી અસર ઉભી કરે છે ને જેનું વ્યસન થઇ જાય એ ન મળે ત્યારે કેવી નાડ્યું તૂટે?! 

સ્ત્રી માટે એના પ્રિયજનના હુંફાળા hugનું સુકુન આપણે વિચારી શકીએ એની કરતા ક્યાય વધુ છે. 

લગ્ન જીવનમાં કેટલીક વાતો મોટી બની જાય કે સુક્કી બની જાય એની પાછળ ઘણીવાર નાની વાતો કે આવા નાના દોષ હોય શકે છે...ને જરૂરી નથી કે બેડ આમ હોવા સાથે સૌ સહમત થાય પણ મેં જે જોયું કે અનુભવ્યું છે એના પરથી આ એક વિચાર છે!

- કાનજી મકવાણા